Wednesday, May 5, 2010

ગુરુ બિન જ્ઞાન નહીં ....

ભારતીય પરંપરામાં ‘ગુરુ પૂજન’નું એક આગવું સ્થાન છે. તા.૭મી જુલાઇના રોજ ગુરુપૂર્ણિમા છે. આ પ્રસંગે ‘ધર્મદર્શન’ને સાધુ-સંતો કહી રહ્યા છે જીવનમાં ગુરુનું મહત્ત્વ કેમ છે?



- જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ



મુક્તિ અપાવે તે ગુરુ



મનુષ્ય પ્રાણી કરતાં કંઇક વિશેષ છે. આહાર-નિદ્રા-ભય-મૈથુનમાં પશુ અને મનુષ્ય સમાન છે, પરંતુ મનુષ્યમાં એક વિશેષ તત્ત્વ છે જે મનુષ્યને બીજાથી જુદો પાડે છે તે છે વિવેક.



વિવેક એટલે સારા-નરસાનું જ્ઞાન. આ જ્ઞાન કોણ આપે? માત્ર ને માત્ર ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે અને જ્ઞાન વગર મુક્તિ નથી. તેથી મુક્તિ માટે ગુરુની જરૂર છે.



- મહામંડલેશ્વર ભારતી બાપુ - અઘ્યક્ષ-જૂના અખાડા



શિષ્યની શંકાનું સમાધાન કરે છે ગુરુ



ઇશ્વર નિરંજન છે, નિરાકાર છે તેના સ્વરૂપનું દર્શન ગુરુ વડે જ થતું હોય છે તેવી વૈદિક પરંપરા આપણે ત્યાં સદીઓથી ચાલી આવે છે, કારણ કે શિષ્યના મનમાંથી શંકાઓનું સમાધાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ કરાવી શકે છે. જેનું સંપૂર્ણ આચરણ આદર્શ હોય એવા ગુરુનાં દર્શન માત્રથી શંકાઓનું સમાધાન થઇ જાય છે.



- પૂજય પ્રમુખસ્વામી મહારાજ



જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ ગુરુ



આપણાં શાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ કહીને અપાર આદર આપવામાં આવ્યો છે. સાચા ગુરુ આપણા જીવનને શુદ્ધ કરીને આપણને પરમાત્માનો યોગ કરાવે છે. ગુરુ વડે મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરીને પરમાત્માની સાચી ભકિત કરી શકે છે. ગુરુ જ જીવને શિવ બનાવે છે. ગુરુ જ જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. ગુરુ સિવાય કયારેય યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.



- કથાકાર રમેશભાઇ ઓઝા (પૂજય ‘ભાઇશ્રી’)



શિષ્યના દુર્ગુણોનો સંહાર કરે તે ગુરુ



સંસારસાગરમાં આપણી નૌકાને સહી-સલામત કિનારે પહોંચાડવાનું કાર્ય સદગુરુ કરે છે. જેવી રીતે બ્રહ્મા સર્જન કરે છે. એવી જ રીતે ગુરુ સાચા શિષ્યનું સર્જન કરે છે. વિષ્ણુ ભગવાનની જેમ શિષ્યનું લાલન-પાલન કરે છે. શિષ્યને સાચા સદગુણો આપે છે અને શિવની જેમ શિષ્યની અંદર રહેલા દુર્ગુણોનો સંહાર કરે છે. આમ ગુરુ બ્રહ્મા-વિષ્ણુ-શિવ સ્વરૂપ છે.



- વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ



માનવીને પ્રભુચિંતન તરફ વાળે છે ગુરુ



ગુરુ ચિંતામાં અટવાયેલા જીવોને પ્રભુના ચિંતન તરફ વાળે છે. ગુરુ કુશળ શિલ્પકાર છે, જે ભકતના હૃદયને ઘડી ભગવદાકાર સુંદર મૂર્તિ બનાવે છે. તે કુશળ નાવિક પણ છે, જે ભગવદ્ નામની નૌકામાં બેસાડી ભવસાગર પાર ઉતારે છે. ભક્તને ખોટા માર્ગેથી વાળવા ગુરુ કઠોરમાં કઠોર અને પોતાના ભકતોને પ્રેમ આપવા કોમળમાં કોમળ બને છે.



- આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ



શિષ્યને આઘ્યાત્મિક ઊચાઈ બક્ષે ગુરુ



જીવનમાં ગુરુ વ્યકિતને હિત-અહિત, સાચા-ખોટાનું જ્ઞાન કરાવીને પરમાર્થના માર્ગે આગળ લઇ જાય છે. સદગુરુ વ્યકિતના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. સદગુરુ સદાચરણ દ્વારા શિષ્યને પ્રગતિના માર્ગે આગળ લઇ જાય છે. માત્ર ભૌતિક જ નહીં આઘ્યાત્મિક સ્તરે શિષ્યને અગ્રેસર કરે છે.



- આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ



સ્વાર્થ ત્યજાવી પરમાર્થના પંથે લઇ જાય ગુરુ



સ્વાર્થના સંકુચિત માર્ગનો ત્યાગ કરાવે અને પરમાર્થના પંથે આગળ લઇ જાય તે માટે જીવનમાં ગુરુની આવશ્યકતા છે. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન મોખરે છે અને તે રહેશે જ. ભારતીય પરંપરામાં તો ગુરુને ભગવાનની ઉપમા અપાઇ છે. ગુરુ માત્ર લૌકિક જ નહીં પારલૌકિક માર્ગે આગળ વધવામાં મદદરૂપ થાય છે.



- જશોમતીનંદનપ્રભુજી - અઘ્યક્ષ-ઇસ્કોન-ગુજરાત



તત્ત્વદર્શન કરાવે તે ગુરુ



ગુરુએ પોતાની સાધના દ્વારા આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે માટે તેમને તત્ત્વદર્શી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકòષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે - આ જ્ઞાન જાણવા માટે તું તત્ત્વદર્શી ગુરુનું શરણ લઇ તેમને પ્રણામ કરી તેમની સેવા કરી, નમ્રતાપૂર્વક પૂછ કેમ કે તેમણે તત્ત્વનાં દર્શન કર્યા છે માટે તે તને પણ તત્ત્વદર્શન કરાવશે.



- ડો.પ્રણવ પંડયા - અઘ્યક્ષ-ગાયત્રી પરિવાર



સન્માર્ગે લઈ જાય તે ગુરુ



મનુષ્યત્વની ઓળખ આપીને સન્માર્ગે લઇ જવા માટેની માર્ગદર્શક સત્તા એટલે ગુરુ. સદગુરુ શિષ્યને સંસારના ભવબંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે. ભૌતિક મોહ-બંધનમાંથી મુક્તિ અપાવે અને આત્મિક માર્ગે આગળ વધવા માટે સદગુરુનું સાંનિઘ્ય પ્રાપ્ત કરવું આવશ્યક છે. સદગુરુની સહાયથી જ પરબ્રહ્મ સાથેનું જોડાણ શકય બને છે.



- મહામંડલેશ્વર રામેશ્વરદાસજી - મહંત જગન્નાથજી મંદિર



સર્વાંગીણ પ્રગતિ કરાવે ગુરુ



ગુરુ જીવનમાં એક માર્ગદર્શક બનીને આવે છે. પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં ગુરુને સર્વોચ્ચ પદ અપાયું છે તેનું કારણ છે કે જો શિષ્ય સાચો પથ ભૂલી જાય તો તેને સત્પંથ તરફ આગળ લઈ જાય છે અને જો શિષ્ય સન્માર્ગગામી હોય તો તેને ગતિ પ્રદાન કરે છે. તેનાથી વ્યકિત સર્વાંગીણ પ્રગતિ કરે છે માટે જીવનમાં ગુરુનું આગવું મહત્ત્વ છે.



‘ગુ’ શબ્દનો અર્થ થાય છે અંધકાર (અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ (જ્ઞાન). અજ્ઞાનને નષ્ટ કરવાવાળો જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે એમાં કોઇ સંશય નથી. - શ્રી ગુરુગીતા


No comments: