Wednesday, May 5, 2010

સમર્પણના ભાવ સાથે ભગવાનના શરણે જાવ તો મુક્તિ અવશ્ય મળે.........

relation between god and devotee માનવીનું જીવન અનેક પ્રકારના મનોવ્યાપારથી ભરેલું છે. સારા, નરસા, શુભ, અશુભ એવી અનેક વૃત્તિઓથી માણસનું મન ઘેરાયેલું રહેતું હોય છે અને તેથી માનવી જીવનનું એક એવું પોત છે કે જે કેવળ શુભ પણ નથી અને અશુભ પણ નથી, પરંતુ માનવીનું મન જીવનના શુભ-અશુભ, સારા-નરસા તાંતણાથી રોજબરોજ વણાતા જીવન પર નિર્ભર છે. રોજબરોજ તેના મનમાં કંઈ ને કંઈ વિચારો આવ્યા જ કરતા હોય છે.



તે વિચારો કેવા છે? શુભ કે અશુભ; સારા કે નરસા? માનવીએ આટલી કાળજી તો રાખવી જ રહી કે તેના જીવનવણાટમાં કાળાશ, અશુભ તત્વ ઓછામાં ઓછું રહે. ઘણી વખત માનવી નિરાશ થઈ જાય છે. જીવનના સંઘર્ષમાં પરાજિત થાય છે ત્યારે પોતાની જાતને શાપિત માની બેસે છે. હું તો પાપી છું. હું હલકો છું.
હું તો ક્ષુદ્ર છું. આવું માનવું, આવું બોલવું એ અશુભ છે.



શું હું ખરેખર પાપી છું? ખરાબમાં ખરાબ માણસ હોઉં તો ભગવાન મારું જીવન ચલાવે શા માટે? તેથી હું પાપી નથી, ક્ષુદ્ર નથી. હું મહાન છું એવી ભાવના જીવનમાં લાવવી જોઈએ.



હું ભગવાન છું એ ભાવનાથી જે લોકો જીવે છે તેમની મતિ શુભ છે. બનવા જોગ છે કે કોઈ વખત માનવીનો પગ લપસી પણ જાયતો તેથી શું હું એકલો રહું? ગીતામાં ભગવાને આશ્ચાસન આપ્યું છે કે ‘અપિચેત્સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક્^ દુરાચારીમાં દુરાચારી પણ ભગવાનને અનન્ય ભાવથી ભજે તો ભગવાન એને સાધુ ગણે છે.



તેથી ડહાપણની વાત એ છે કે માનવી પોતે એ સમજણ કેળવે કે હું તેનો છું, ભગવાનનો છું તો તેનામાં આવી રહેલી ક્ષુદ્રતા ચાલી જશે. આવી ભાવનાથી ભગવાનના શરણે જવાથી તે પાપકર્મોથી મુકત થઈ જશે. જેમ પોતાને હલકા સમજવું, ક્ષુદ્ર સમજવું તે અશુભ છે તે રીતે બીજાને પણ ક્ષુદ્ર, હલકા સમજવા એ અશુભ મતિ છે.
જેનામાં સ્વયં ભગવાન વસ્યો હોય તે ક્ષુદ્ર કેમ હોઈ શકે? ભગવાને ગીતામાં કહ્યું જ છે કે હું બધાના હૃદયમાં વસ્યો છું તો જેનામાં ભગવાન વસ્યો હોય તે ક્ષુદ્ર હોઈ જ ન શકે. હું મહાનનો છું, હું ભગવાનનો છું.



આ સમજણની મસ્તી જ કાંઈ જુદી છે અને જેની પાસે આ સમજણ ન હોય તે અશુભ છે. તેની મતિ અશુભ છે. તેથી જીવનના પ્રત્યેક વ્યવહારોમાં જીવનમાં ભગવાનને અગ્રિમ સ્થાન આપી તેના રહેવા સતત પ્રયત્નશીલ રહેવું તે જરૂરી છે. આપણે આપણા જીવનપટને આવા અશુભ તંતુઓથી વણવા લાગી ન જઈએ તે માટે જાગરૂક રહીએ.


No comments: