Wednesday, May 5, 2010

ભગવાન બુદ્ધિથી પણ મળે છે ખરા....

બુદ્ધિનો ઉપયોગ કે દુરુપયોગ બીજે-ત્રીજે કરવા કરતાં અઘ્યાત્મને માર્ગે નાનપણથી કરવામાં આવે તો પોતાને કુટુંબને, સમાજને, અને વિશ્વને બીજાં ઘણાં સારાં સંશોધનો મળી શકે તેમ છે.

brain powerએક આંતરરાષ્ટ્રીય સોફ્ટવેર કંપનીમાં કામ કરતો યુવક મળવા આવ્યો. તેણે આઇટી ફિલ્ડમાં ત્રાસ આપતા અને ભાંગફોડ કરતા હેકર્સની વાત કરી. અત્યારે વિશ્વમાં હજારો ને લાખો હેકર્સ પથરાયેલા છે. તેમનું ભણતર સારું હોય છે, તેઓ ખૂબ બુદ્ધિશાળી પણ હોય છે. પ્રોગ્રામિંગમાં તેમની માસ્ટરી હોય છે. તેમની બુદ્ધિ બીજાને હેરાન કરવા વેડફાય છે. આ વર્ષે જાન્યુઆરી માસમાં ગૂગલ અને અન્ય વીસ મોટી કંપનીનાં કમ્પ્યુટર્સમાં હાઇડ્રાક્યુ નામના વાયરસે ધમાલ મચાવી હતી. તે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર દ્વારા સિસ્ટમમાં આવી જતો. એકવાર આમાં પ્રવેશ મેળવ્યા બાદ તે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફરે અને કંપનીનો કિંમતી ડેટા જાણી લે.

પછી કોઇને ખબર ન પડે તેમ તેને હેકર્સને પહોંચાડી દે. આ એક જાતની ચોરી છે. આને બુદ્ધિનો નકારાત્મક પ્રયોગ કહી શકાય. (ગયા વર્ષે ચીન અને બીજાઓએ અમેરિકાની કોંગ્રેસ અને અન્ય સરકારી એજન્સી પર એક મહિને ૧.૬ બિલિયન એટેક કર્યા હતા.) હાઇડ્રાકયુને સાફ કરવા માટે સિમેન્ટેક જેવી કંપનીને ઘણાં અઠવાડિયાં લાગ્યાં હતાં. સિમેન્ટેક એન્ટીવાયરસ બનાવતી કંપની છે. તેના સીઇઓ એન્રિક સલેમે એવું કહ્યું છે કે અમારે અમારી કંપનીને સુરક્ષિત રાખવા તથા બીજાં પ્રોજેક્ટ માટે નવા કોડ બનાવવા વર્ષે લગભગ ચારસો પચાસ અબજ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે છે. ચોરી કરવા માટે બુદ્ધિનો ઉપયોગ થાય છે પરંતુ તે યોગ્ય ન કહેવાય, કારણ કે આવી રીતે થતાં કાર્યોથી દુનિયાને અબજો રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. વધુમાં, તેની સામે લડવા માટે બનાવાતા એન્ટિવાયરસ પ્રોગ્રામમાં બીજા અબજો રૂપિયાનું આંધણ થાય છે.

આ ઉપરાંત જ્યારે કમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યારે તેમાં વાયરસ છે કે નહીં તેનું સ્કેનિંગ કરવું પડે છે. તે કરવામાં પણ પાવરનો, સમયનો અને માનવશકિતનો બગાડ થાય છે. અમુક વ્યક્તિઓ બુદ્ધિનો દુરુપયોગ કરે તો તેના ખરાબ પરિણામથી બચવા અન્યનાં સમય, શકિત વગેરે નકારાત્મક રીતે વપરાય છે. ન્યુયોર્કના ઝીરો ગ્રાઉન્ડમાં બુદ્ધિના બગાડને પ્રત્યક્ષપણે જોઇ શકાય છે. માણસની કલ્પનામાં ન આવે તેવો આતંક દુનિયાએ જોયો છે. કોઇને જો કહેવાતો પાઠ ભણાવવો હોય તો રણમેદાનમાં જવું જોઇએ. નિર્દોષને મારવામાં બળ, બુદ્ધિ ને ધર્મ કોઇપણ રીતે વપરાવાં જોઇએ નહીં, એવી બુદ્ધિ શાપિત બુદ્ધિ કહેવાય.

શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિનો સારામાં સારો ઉપયોગ કોને કહેવાય તે વાત કઠોપનિષદ્ના શ્લોકથી સુંદર રીતે સમજાવી છે. તે શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે એષ સર્વેષુ ભૂતેષુ ગુઢાત્મા ન પ્રકાશતે. દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ: પરમાત્મા બધાને દેખાતા નથી. તે તો સૂક્ષ્મ દ્રષ્ટિવાળાને જ દેખાય છે. તેનો અર્થ એમ પણ કરવો જોઇએ કે કુશાગ્ર બુદ્ધિવાળાને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, માટે મનુષ્યે પોતાની બુદ્ધિનો ઉપયોગ ભગવાનના સાક્ષાત્કાર માટે કરવો જોઇએ.

શાસ્ત્રોનાં આવાં વચનોથી એવું જાણવા મળે છે કે ભગવાન બુદ્ધિથી પણ મળે છે ખરા. ભક્તિની આવશ્યકતા છે, તેનાથી બુદ્ધિની સિદ્ધિ થાય છે. આવો બુદ્ધિશાળી ભગવાનને ગમે છે. મનુષ્યનો પ્રયત્ન તે દિશામાં ઓછો થાય છે. કઠોપનિષદ્ની કથાનો મુખ્ય નાયક તો નચિકેતા છે. તે તો બાલ્યાવસ્થામાં છે. તેની બુદ્ધિનો પૂર્ણપણે વિકાસ ન થયો હોય તે સમજી શકાય છે છતાં આવા બાળકને યમરાજા સ્વયં બુદ્ધિના યથાર્થ ઉપયોગની વાત સમજાવે છે તે બાબત વિચારવાયોગ્ય છે.

શેરબજારના એક સફળતમ કહી શકાય એવા બિલિયોનેર ઇન્વેસ્ટર વોરેન બફેટે અગિયાર વર્ષની નાની ઉંમરે સૌ પ્રથમવાર શેર ખરીદેલા. તેણે તેનો વસવસો વ્યક્ત કરતાં કહેલું કે તેણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત મોડેથી કરેલી. અગિયાર વર્ષ થયાં તેની પહેલાં રોકાણ કરવું જોઇતું હતું. પૈસા કમાવવા માટે આ વાત સાચી છે તો ભગવાનને પામવા માટે પણ તે વાત સાચી છે. બુદ્ધિનો ઉપયોગ કે દુરુપયોગ બીજે-ત્રીજે કરવા કરતાં અઘ્યાત્મને માર્ગે નાનપણથી કરવામાં આવે તો પોતાને કુટુંબને, સમાજને, અને વિશ્વને બીજાં ઘણાં સારાં સંશોધનો મળી શકે તેમ છે.

No comments: