બ્રેઈન વેવ્સ ડિરેક્ટર ટેકનોલોજીની કમાલ
તમે જ્યારે કંઈક નવું વિચારો છો ત્યારે તમારા મગજમાં બાયો-કેમિકલ રીએકશન પેદા થાય છે. મગજમાં સુક્ષ્મ બાયો-ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ વહેતા થાય છે. તમારું ચેતાતંત્ર કાર્યરત બને છે. અત્યાર સુધી મગજનાં તરંગો એટલે કે બ્રેઈન વેવ વડે ગુનેગારોને પકડવા માટે બાય-ડિટેક્ટર વગેરેમાં ઉપયોગ સીમીત હતો. વાઈનાં દર્દીની ટ્રીટમેન્ટમાં અને ડાયોગ્નોસીસ માટે પણ 'બ્રેઈન વેવ્સ'નો ઉપયોગ થતો હતો. સાયન્સનું એક નવું શસ્ત્ર હવે ટેકનોલોજીનાં રંગે રંગાઈને સામાન્ય મનુષ્ય સુધી પહોંચવા આવી ગયું છે. હવે તમારા મગજનાં વિચારો એટલે કે બ્રેઈન વેવ્સની સ્થિતિ તમે તમારાં મોબાઈલનાં સ્ક્રીન ઉપર જોઈ શકશો. તમે મ્યુઝીક સાંભળો છો ત્યારે તમારું મગજ કેટલું કાર્યરત હોય છે અથવા મગજમાં કેવાં ભાવ-લાગણી પેદા થાય છે તે મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકાશે. મનુષ્ય ધ્યાન એટલે કે મેડિટેશન કરે છે ત્યારે તે કેટલો ધ્યાનમગ્ન બની ચુક્યો છે તેનો ચીતાર પણ તમારાં મોબાઈલ ઉપર વિવિધ રંગો અને તરંગો વડે જાણી શકાશે. મોબાઈલ માટે તૈયાર થઈ રહેલા નવાં ગેઝેટનાં અન્ય પણ ઘણાં ઉપયોગો શોધી શકાય તેમ છે. પરંતુ આવા ટેકનોલોજી માર્વેલનાં પાયામાં જે ટેકનોલોજી કાર્યરત છે તેને 'હ્યુમન બેઈનવેવ ડિટેક્ટર' કહે છે. આ ટેકનોલોજીની તમારાં મોબાઈલ ફોન સાથે જોડાઈને કેવો રોમાંચ આપશે? જરા કલ્પના કરી જુઓ!
કદાચ ભવિષ્યનાં લગતાં ડિવાઈસને જોઈને તમને એમ થશે કે આવાં ડિવાઈસતો સાયન્સ ફિકશન ફિલ્મોમાં શોભે, પરંતુ હવે સડકો ઉપર બ્લ્યુ ટુથ હેડફોન કે સ્ટીરીયો ફોનની જગ્યાએ ‘x વેવ્સ'નો હેડફોન પહેરેલા લોકો ફરતાં જોવા મળશે. દેખાવમાં સામાન્ય હેડફોનથી ખાસ અલગ પણ નથી. એક વધારાની પટ્ટી કાનથી તમારાં કપાળમાં ્જ્યાં ચાંદલો કરો છો ત્યાં સુધી લાંબી થશે. ખાસ આઈ-ફોન માટે આ ગેઝેટ તૈયાર થયું છે. હેડફોન જેવાં દેખાતાં ડિવાઈસથી તમારાં મગજમાં ઉઠતાં તરંગો અને વિચારો, આઈ- આઈફોન વાંચી શકે છે. એપલ આઈફોન માટે તૈયાર થયેલ ટેકનોલોજી છેવટે તો દરેક મોબાઈલ વેચનાર કંપનીને પોતાનાં માટે પણ તૈયાર કરવી પડશે કારણકે અલ્ટીમેટલી તેને પણ મોબાઈલ-બજારમાં ટકી રહેવું જરૃરી છે. ડિવાઈસની ટેકનોલોજીનાં મુળીયા તપાસીએ તો, આ પ્રકારનાં ડિવાઈ માઈન્ડ કંટ્રોલીંગ ગેમ અથવા એનાથી ઉલટું માઈન્ડથી ગેમને કંટ્રોલ કરવા વપરાવાનાં છે. જેમાં એક હેડસેટ માથા પરથી પહેરવાનો છે જેનો એક સ્ટ્રેપ કપાળ સુધી લંબાશે. જેકપીન સાથે સંકળાયેલ વાયરને મોબાઈલ સાથે એટેચ કરી દો અને પછી.... તમારી દુનિયામાં ખોવાઈ જાવ.
ડિવાઈસ સાથે લાગેલા માઈક્રો સેન્સર ખોપરીમાં પસાર થતાં બ્રેઈન વેવ્સને ડિટેક્ટ કરશે. એનાલોગ સીંગ્નાસને ડીજીટલ સીગ્નલમાં ફેરવશે અને છેવટે આઈફોનનાં સ્ક્રીન ઉપર વિવિધ કલરોમાં તેને દર્શાવશે. જેવું તમારું મગજ કોઈ 'ટાસ્ક' કે 'કામ' પર સ્થીર થઈ જશે એવું જ મોબાઈલ સ્ક્રીન ઉપરનાં ગ્રાફીક્સ બદલાઈ જશે. આ ડેટા ઉપરથી તમે પોતે કોઈ કામમાં કેટલું 'કોન્સન્ટ્રેશન' રાખી શકો છો તેનું લેવલ તમે જાણી શકશો અથવા તમે તમારી જાતને કેટલાં પ્રમાણમાં 'રિલેક્સ' કરી ચુક્યા છો તે પણ જાણી શકશો. નવી ટેકનોલોજી બજારમાં મુકનાર PLX ડિવાઈસનાં પોલ બોયેરેમ્કુલ કહે છે કે ''બસ હવે ગણતરીનાં દિવસો બાકી છે. આવા ડિવાઈસ મેઈન સ્ટ્રીમ માર્કેટમાં પ્રવેશી જશે.'' અત્યારે આ બ્રેઈન ડિટેક્ટર ''એક્સ વેવ્સ''ની કિંમત ૧૦૦ અમેરીકન ડોલર જેટલી છે. પોલ લોચેરોનકુલ કહે છે. ''આખા બ્રહ્માંડમાં સૌથી જટીલ ચીજ હોય તો તે માનવીનું મગજ છે. મગજશક્તિ એટલે કે 'માઈન્ડ પાવર'ને દરરોજ ઉપયોગમાં લેવાય તેવી ટેકનોલોજીમાં પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે.'' આ શોધનો ફાયદો એ છે કે વ્યક્તિ કે ઉપભોકતાં તેમની જરૃરીયાત મુજબ નવા હાર્ડવેર અને સોફટવેરનો વિકાસ કરી શકશે. મગજને ટ્રેઈનીંગ એકસરસાઈઝ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. ચોક્કસ સમયગાળામાં સ્ક્રીન ઉપર ઉછળતા બોલની ગતી વીધી તમે મગજથી કંટ્રોલ કરી શકશો. મગજને સતત કોઈ ચીજ પર સ્થીર કરવાની પ્રેક્ટીસ પણ આ ડિવાઈસથી થઈ શકશે. ડિઝાઈનર અને દીર્ઘદ્રષ્ટાઓ આટલેથી અટકવાનાં નથી.
ેએક્સવેવ આઈ ટયુન નામનો પ્રોગ્રામ, તમે મ્યુઝીક સાંભળતાં હો ત્યારે મગજમાં કેવાં સ્પંદનો પેદા થાય છે તે નોંધશે. તમને કેવું મ્યુઝીક વધારે માફક આવે છે તે નોંધશે. કેવાં સંજોગોમાં એટલે કે (ખાસ પ્રકારનાં બ્રેઈન સ્ટેજ વખતે) તમે કેવું મ્યુઝીક સાંભળો છો તેનું એનાલીસીસ કરશે છેવટે.... એકવાર તેને તમારી મનોસ્થિતિ પ્રમાણે ટયુન કર્યા બાદ મોબાઈલમાંથી તમારાં મૂડ પ્રમાણેનાં ગીતો કે મ્યુઝીક તમે ઓટોમેટીકલી સાંભળી શકશો. તમારો મૂડ બદલાતા મ્યુઝીકનો પ્રકાર પણ આપોઆપ બદલાઈ જશે. વિવિધ કંપનીઓ ''બ્રેઈન વેવ્સ ડિટેક્ટર''નો ઉપયોગ અલગ અલગ રીતે કરવા માંગે છે. માનસીક થાક અને હતાશામાં ડુબેલા લોકો તેનો ઉપયોગ 'રિલેક્સ' થવા માટે કરી શકશે. મનોરંજનનાં સાધનોમાં હવે તમારે રિમોટ કંટ્રોલ વાપરવા પડશે નહીં. ફક્ત વિચારોથી જ મોબાઈલ ફોન, ટી.વી., વિડિયો પ્લેયર, કોમ્પ્યુટર અને બીજી ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસોને કંટ્રોલ કરી શકશો. માઈન્ડ પાવરનાં સહારે વિવિધ ગેમ્સ રમી શકશો. બે સરખા બ્રેઈન વેવ્સ ઈમ્પ્રીન્ટ ધરાવતાં વ્યક્તિ આવા ડિવાઈસ વડે વધારે સારી રીતે સોસીયલ નેટવર્કીંગ કરી શકશે અથવા તમે જેની સાથે ચેટીંગ કરી રહ્યાં છો તેનો મુડ તમે આરામથી પારખી શકશો. તીરંદાજી અથવા રાઈફલ શુટીંગ કે લક્ષ્ય તાકવાની જ્યાં ખાસ જરૃર છે તેવી રમતો માટે 'ધ્યાન' કેન્દ્રીત કરવાની ટ્રેઈનીંગ તમે 'મગજ'ને આપી શકશો. ઉંઘમાં તમે તમે જાણી અને શીખી શકશો. ડિઝાઈનર અવનવાં ઉપયોગો શોધી રહ્યાં છે. બ્રેઈન ડિટેક્ટર ટેકનોલોજીને ક્યાં કામે લગાડવી તે દીશામાં તેમનાં દીમાગ ચાલી જ રહ્યાં છે.
દિમાગમાં શું ચાલી રહ્યું છે. તેનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ જર્મન ન્યુરોલોજીસ્ટ હાન્સ બર્જરે કર્યો હતો. જેનાં ઉપરથી તેમણે હાલમાં મેડિકલ ક્ષેેેત્રે વપરાતાં ઈલેક્ટ્રીક-એન્સેફેલોગ્રાફ (EEG) અથવા જેને મેગ્નેટોએન્સેફોગેગ્રીફ કહે છે. તે MEG ની શોધ કરી હતી. નવાં એક્સ વેવ્સમાં આવા EEG જેવાં આઠ ન્યુરો સેન્સર લગાવેલા હશે. આંખો બંધ રાખીને તમે જાગૃત અવસ્થામાં હો ત્યારે મગજના ઓસીપીટલલોબ એટલે કે મગજના પાછળનાં ભાગમાં આલ્ફા વોસ પેદા થાય છે. ધ્યાન કે મેડિટેશન જેવી યોગા-એક્સરસાઈઝ વખતે 'આલ્ફા વેવ્સ' વધારે પેદા થાય છે. તમારી આંખો ખુલ્લી હોય, તમે શીથીલતા કે નિંદ્રાનો અનુભવ કરતાં હો તેવાં સમયે આલ્ફા વેવ્સની એકટીવીટી ઘટી જાય છે. મોટર કોર્ટક્ષ એટલે કે મગજનાં મધ્ય ભાગમાં જ્યાં હલનચલન પ્રક્રિયાઓ નિયમિત થાય છે ત્યાં આલ્ફા વેવ્સ જેવો 'મ્યુ' વેવ્સ મુક્ત થાય છે. જેવો મનુષ્ય મુવમેન્ટ કરે છે તેવો જ 'મ્યુ' વેવ્સમાં ઘટાડો નોંધાય છે. બાળક ત્રણ વર્ષનું ન થાય ત્યાં સુધી તેનાં મગજમાં 'આલ્ફા વેવ્સ' જોવા મળતાં નથી. વૈજ્ઞાાનિકોએ અત્યાર સુધી ત્રણ પ્રકારનાં આલ્ફા વેવ્સ પણ શોધી કાઢ્યા છે. આલ્ફા વેવ્સ વડે મગજની વિવિધ સ્થિતિ પણ જાણી શકાય છે. બ્રેઈન વેવ્સનાં સિગ્નલોની ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ ૦-૫૦ હર્ટઝ જેટલી હોય છે.
'એક્સ વેવ્સ'માં અલગ અલગ પ્રકારનાં બ્રેઈન વેવ્સને 'ડિટેક્ટ' કરવાં, શોધવા માટે ખાસ 'ડિટેક્ટર' લગાડેલાં હોય છે. ડેલ્ટા વેવ્સ તરીકે જાણીતાં તરંગો શીશુ અને પુખ્તવયની વ્યક્તિ જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે પેદા થાય છે. ડેલ્ટા વેવ્સનાં કારણે મગજ એક્ટીવ બને છે. મનુષ્ય જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે ડેલ્ટા વેવ્સનાં સીગ્નલોની સ્વીચ ઓન થાય છે જે શરીરમાં 'હ્યુમ્ન ગ્રોથ હોર્મોન્સ' નામનાં શારીરિક વિકાસ માટે જરૃરી અંતઃસ્ત્રાવને ઝરતાં કરે છે. બાળકો જ્યારે ઉંઘવાની શરૃઆત કરે અથવા મનુષ્ય જ્યારે લાગણીનાં કારણે તનાવ અનુભવતો હોય ત્યારે ''થિટા'' પ્રકારના તરંગો મગજમાં પેદા થાય છે. જેની આવૃત્તિ ૩.૫ થી ૬.૭૫ હર્ટઝ જેટલી હોય છે. આમ બ્રેઈન વેવ્સ ડિટેક્ટર 'વેવ્સ'ની ફ્રિકવન્સી વાંચીને જાણી શકે છે કે મનુષ્યનાં મગજની શું સ્થીતી છે. લો આલ્ફા વેવ્સ અને હાઈ આલ્ફા વેવ્સ. જ્યારે માનવી 'રિલેક્સ' મૂડમાં હોય ત્યારે પેદા થાય છે. જોકે આવા સમયે મગજ 'એલર્ટ' પણ હોય છે. સામાન્ય રીતે આ સ્થિતીમાં માનવી જાગતો પરંતુ આરામદાયક સ્થિતિમાં બેઠેલો કે આડો પડેલો હોય છે. ઉંઘમાં મનુષ્ય પહોંચી જાય ત્યારે આલ્ફા વેવ્સની જગ્યાએ 'બીટા' વેવ્સ વહેંતાં થાય છે. લો આલ્ફા વેવ્સની ફ્રિકવન્સી ૭.૫ થી ૯.૫૦ હર્ટઝ અને હાઈ આલ્ફા વેવ્સની ફ્રિકવન્સી ૧૦ થી ૧૧.૭૫ હર્ટઝ જેટલી હોય છે. મનુષ્ય કોઈ કામમાં રોકાએલો હોય, ખૂબ જ એલર્ટ હોય અથવા કોઈ જગ્યાએ 'ધ્યાન' કેન્દ્રીત કર્યું હોય, 'કોન્સન્ટ્રેશન' સો ટકા જેટલું હોય તેવાં સમયે લો બીટા અને હાઈ બીટા વેવ્સ પેદા થાય છે. જેની ફ્રિકવન્સી ૧૩થી ૧૬.૭૫ હર્ટઝ જેટલી હોય છે. બ્રેઈન વેવ્સની યાદીમાં છેલ્લો મેમ્બર છે ગામા વેવ્ઝ. ગામા વેવ્સનાં વૈજ્ઞાાનિકોએ બે ભાગ પાડયાં છે. લો ગામા અને મીડ ગામા. મનુષ્ય અત્યંત સભાન હોય, ખૂબ જ ઉચ્ચ કક્ષાની મેનલ એકટીવીટી કરતો હોય, ત્યારે ગામા વેવ્સ મુક્ત થાય છે. સભાનપણા એટલે કે ''કોન્સીપસનેસ''નો પર્યાય ગામા તરંગો છે. દવાખાનામાં ઓપરેશન વખતે એનેસ્થેશીયા આપવામાં આવે ત્યારે, ગામા વેવ્સ ગાયબ થઈ જાય છે. જેવાં ગામા વેવ્સ ગાયબ થઈ જાય કે ડૉક્ટર સમજી જાય છે કે દર્દી હવે બેભાન થઈ ગયો છે. મનુષ્યની આ ખામી કે ખુબીનો બ્રેઈન વેવ્સ ડિટેક્ટર સારી રીતે ઉપયોગ કરી શકે તેમ છે. માની લો કે તમે મોબાઈલ મારફતે મ્યુઝીક સાંભળતા જઈ રહ્યાં છો. માથા ઉપર 'એક્સ વેવ્સ' જેવું ડિટેક્ટર ડિવાઈસ લાગ્યું છે. રસ્તામાં તમને અકસ્માત થાય છે. લોકો ભેગા થઈ જાય છે. ગભરામણ કે ઈજાનાં દ્વારા તમે જેવાં બેભાન થઈ જાવ કે તરત મોબાઈલ સાયરન વડે આજુબાજુનાં લોકોને મોબાઈલ જ મેસેજ આપી દે કે ઘાયલ વ્યક્તિ બેભાન છે તેની સ્થીતી સારી નથી. મોબાઈલમાંથી આપમેળે ''ઈમરજન્સી સેવા'' પર ઓટો-ડાયલ પણ થઈ શકે અને ઈમરજન્સી પ્રિ-રેકોર્ડડ મેસેજ તેમને મળી જાય. મોબાઈલમાં GPRS સીસ્ટમ હોય તો, બેભાન વ્યક્તિનું લોકેશન પણ 'ઈમરજન્સી' સર્વીસ વાળા ટ્રેસ કરી જરૃરી સાધનો સાથે ત્યાં પહોંચી શકે. ટુંકમાં 'બ્રેઈન વેવ્સ ડિટેક્ટર' ટેકનોલોજીનાં ઉપયોગ અગણીત છે. જરૃર છે ડિઝાઈનરો તેને ક્યાં કામે લગાડવાની ગણતરી રાખે છે.
મોબાઈલમાં 'એક્સ વેવ્સ' સાથે 'એટેન્શન મીટર' પણ ફીટ કરવામાં આવેલ છે. જે બીટા વેવ્સ આધારીત છે. વિવિધ એપ્લીકેશન વડે તમે માઈન્ડ ગેમ રમી શકો છો અથવા તમારાં માઈન્ડ પાવર સાથે એક્સરીમેન્ટ પણ કરી શકો છો જેનું એનાલીસીસ, પરીણામ એટેન્શન મીટર આપે છે. કલાસરૃમમાં ભણવામાં ધ્યાન આપતા હોવાનો ડોળ કરનાર બેધ્યાન વિદ્યાર્થીને આ મીટર વડે શિક્ષકો પકડી પાડી શકે. મેડિટેશન મીટર તમારાં મગજનાં આલ્ફા વેવ્સ એક્ટીવીટી સાથે સંકળાયેલ છે. તમે ધ્યાન કરો તે 'સેસન' દરમ્યાન તમે ખરેખર કેટલાં સમય માટે ધ્યાનસ્થ થયાં અને કેટલાં પ્રમાણમાં 'ધ્યાન' લાગ્યું તેનો જવાબ મેડિટેશન મીટર આપી શકશે અને ખાસ વાત નવી ટેકનોલોજીવાળા 'બ્રેઈન વેવ્સ' ડિટેક્ટર તમારાં મગજનાં તરંગોને માત્ર સાંભળે જ છે કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ પ્રસારીત કરતાં નથી કે સીગ્નલ મોકલતા નથી માટે મગજ માટે ૧૦૦ ટકા સલામત છે. અત્યારે તો 'બ્રેઈન વેવ્સ ડિટેક્ટર' ટેકનોલોજી મોબાઈલ ફોન માટે આવી રહી છે. પરંતુ યાદ રાખો અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પગપેસારો થાય તે માટે એન્જીનીયરો અને વૈજ્ઞાાનિકો ક્યારનાય દિમાગ અને ટેકનોલોજીનાં દરવાજા ''પબ્લીક યુઝ'' માટે ખોલી ચુક્યાં છે.
No comments:
Post a Comment