Monday, January 31, 2011

પ્રેમનો મહિમા અપરંપાર છે......








પ્રેમના અખંડ ભાવથી ઘરમાં રહેવાથી માત્ર ઘરમાં પ્રસન્નતા જ સ્થાયી ન થઈ, પણ સાથે સાથે પરિવાર નિરંતર સફળતાની સીડીઓ ચઢતો ગયો. પ્રેમ એક એવી ઉદ્દાત ભાવના છે કે જે સમસ્ત પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે અને માનવ હૃદયને સદૈવ સકારાત્મક ઊર્જાથી ભરી નાખે છે.


એક પરિવારમાં એક વ્યક્તિ સ્વયં, તેની પત્ની અને એક સુશીલ પુત્રી હતી. તેમને ધાર્મિક યાત્રા પર જવાનું હતું. તેમણે તાના ઘરના ત્રણેય દરવાજાઓ પર તાળા લગાવી દીધા અને તેઓ ચાલ્યા ગયા. યાત્રા પૂર્ણ થયા બાદ તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા, ત્યારે ત્રણેય દરવાજાઓ પર ત્રણ મૂર્તિઓ ઉભેલી દેખાઈ. તે બધાં ચકિત થયા કે આ મૂર્તિઓ ક્યાંથી આવી?


તેમની ઉલઝન એ વખતે વધી ગઈ કે જ્યારે ત્રણેય દરવાજા પોતાની પાસેની ચાવીથી ખુલ્યા નહીં. ત્રણેય પરેશાન થઈને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે જ્યારે યાત્રા પર ગયા હતા, ત્યારે કોઈપણ દરવાજે મૂર્તિ ન હતી અને તાળા પણ તેમની ચાવીથી જ બંધ થયા હતા. આ શું બાબત છે? ત્યારે ત્રણેય મૂર્તિઓએ કહ્યું કે જોવો, દરવાજો ત્યારે જ ખુલશે કે જ્યારે તમે અમારામાંથી એકને ગૃહપ્રવેશની મંજૂરી આપશો. ગૃ


હસ્વામીએ ત્રણેય મૂર્તિઓને તેમનો પરિચય પૂછ્યો, તો પહેલી મૂર્તિએ કહ્યું કે હું સફળતા છું. બીજી મૂર્તિ બોલી કે હું પ્રસન્નતા છું. ત્રીજી મૂર્તિએ કહ્યું કે તે પ્રેમ છે. હવે ગૃહસ્વામી પોતાની પત્ની અને પુત્રી સાથે વિચારવિમર્શ કરવા લાગ્યા કે કઈ મૂર્તિને અંદર લઈ જાય? ગૃહસ્વામી બોલ્યા કે તેઓ સફળતા સાથે અંદર જવાનું પસંદ કરશે. કારણ કે જીવનમાં સફળતાથી પ્રસન્નતા આવે છે.


તેમની વાત સાંભળીને પત્નીએ વિરોધ કર્યો કે એ જરૂરી નથી કે સફળતાની સાથે પ્રસન્નતા પણ આવે. કેટલીક વાર સફળતા મુશ્કેલીઓનું કારણ બની જાય છે. તેથી હું તો પ્રસન્નતાની સાથે અંદર જવાની ઈચ્છા રાખું છું. ઘરમાં પ્રસન્નતા હોવાથી સંપૂર્ણ વાતાવરણ સકારાત્મક બની રહેશે. પુત્રીની પસંદ પૂછતા, તે બોલી કે તે તો ઘરમાં પ્રેમને લઈ જવા માંગે છે. કારણ કે જ્યાં પ્રેમ હશે, ત્યાં પ્રસન્નતા અને સફળતા આપમેળે આવશે.


ત્રણેય મૂર્તિઓએ તેની વાત સાંભળીને હકારમાં માથું ધુણાવ્યું હતું અને ઘરમાં પ્રેમની મૂર્તિ સ્થાપિત થઈ. પ્રેમના અખંડ ભાવથી ઘરમાં રહેવાથી માત્ર ઘરમાં પ્રસન્નતા જ સ્થાયી ન થઈ, પણ સાથે સાથે પરિવાર નિરંતર સફળતાની સીડીઓ ચઢતો ગયો. વસ્તુત: પ્રેમ એક એવી ઉદ્દાત ભાવના છે કે જે સમસ્ત પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે અને માનવ હૃદયને સદૈવ સકારાત્મક ઊર્જાથી ભરી નાખે છે.

No comments: