Sunday, January 30, 2011

પુરાણમાં સુપ્રજનનશાસ્ત્ર........

જો બાળકો રાષ્ટ્રની ભાવિ પેઢી છે, તો તેને જન્મ આપનારી માતા એ રાષ્ટ્રની વિધાતા છે. ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’ જેવા આર્ય સત્યમાં નિતાંત શ્રદ્ધાના અવતાર એટલે પ્રહ્લાદ!

‘ક્યાં છે, તારો ભગવાન?’ અસુર હિરણ્યકશિપુ પુત્ર પ્રહ્લાદને કડકાઇથી પૂછે છે. ભક્તરાજ નિર્ભયતાથી ઉત્તર વાળે છે, ‘પિતાજી, મારા ભગવાન શ્રી હરિ તો કણેકણમાં વસે છે’! અસુર સમ્રાટ એક થાંભલાને લાલચોળ તપાવીને પ્રશ્ન દોહરાવે છે, ‘શું આ સ્તંભમાં પણ?’ નિર્દોષ બાળક પૂરા આત્મવિશ્વાસથી ફરીથી કહે છે, ‘હા પિતાજી, આ ધગધગતા થાંભલામાં પણ’! પ્રહ્લાદના આ ઉત્તરથી છંછેડાયેલો રાક્ષસ એ લાલચોળ તપેલા સ્તંભ પર પોતાની ગદાથી પ્રહાર કરે છે અને એક મોટા કડાકા સાથે થાંભલો તૂટી પડે છે. પણ અહો આશ્ચર્ય! થાંભલામાંથી વિકરાળ ન્úસિંહ સ્વરૂપ પ્રગટ થાય છે. અસુર અને નરસિંહ રૂપધારી શ્રી હરિ વચ્ચે ઘોર યુદ્ધ થાય છે અને અંતે અસુર હણાય છે.

શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધના પ્રથમ દસ અધ્યાયોમાં પ્રહ્લાદ ચરિત્રનું વર્ણન છે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બંને ભાઇઓએ કઠોર તપ કર્યું અને બ્રહ્નાજી પાસેથી વરદાન મેળવ્યાં. બંનેનાં નામમાં જે સામાન્ય તત્વ છે, તે છે ‘હિરણ્ય.’ હિરણ્ય એટલે સોનું અથવા સંપત્તિ. જે માત્ર સત્તા કે સંપત્તિ મેળવવાના આશયથી તપ કરે, તેનું વરદાન પોતે જ અભિશાપ બની જાય! બીજી બાજુ, પ્રહ્લાદની નિર્દોષ-નિવ્ર્યાજ ભક્તિ, જેમાં ન કોઇ દંભ છે, ન અહંકાર. ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’ જેવા આર્ય સત્યમાં નિતાંત શ્રદ્ધાના અવતાર એટલે પ્રહ્લાદ!

પ્રહ્લાદજીના જન્મ સાથે યુજેનિકસ અથવા સુપ્રજનનશાસ્ત્રનો સિદ્ધાંત જોડાયેલ છે. સતત પરપીડન વૃત્તિમાં રાચતા રહેતા હિરણ્યકશિપુ જેવા રાક્ષસના ઘરે ભક્તરાજ પ્રહ્લાદનું ઘોડિયું બંધાય તે કેવી નવાઇની વાત છે! પ્રહ્લાદની માતાનું નામ ક્યાધુ. જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયો હતો, ત્યારે દેવરાજ ઇન્દ્રે દાનવનગરી પર આક્રમણ કર્યું અને ક્યાધુને પકડી લીધી હતી. મહર્ષિ નારદે સગભૉ કયાધુને ઇન્દ્ર પાસેથી છોડાવીને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો.

જ્યાં ભક્તિ અને શ્રદ્ધાની ગંગા-યમુના સતત વહેતી હોય અને નારાયણ મંત્રનો નાદ અહર્નિશ ગુંજતો હોય તેવા સ્થળે પ્રહ્લાદને માતાના ગર્ભમાં જ ઉચ્ચ સંસ્કારો પ્રાપ્ત થયા. આવા બાળકની શ્રદ્ધાના દીપને હિરણ્યકશિપુનો અહંકાર કે ક્રોધ ચલિત કરી શકે ખરા? તપ-સાધનાથી શરીર અને મનોબળ વધે પણ ચારિત્રયનું નિર્માણ તો સત્સંગથી જ થાય. તપના પ્રભાવે બળમાં વધેલો પણ મદમાં છકેલો હિરણ્યકશિપુ પોતાના જ પુત્રના ભક્તિરૂપી બ્રહ્નાસ્ત્ર સામે પરાજિત થાય છે.

ગર્ભવતી સ્ત્રીને કેવું પર્યાવરણ મળવું જોઇએ, તે પ્રહ્લાદ ચરિત્રનો સાર-બોધ છે. માતાની ઉપેક્ષા અને અવહેલના કરનાર સમાજને શ્રેષ્ઠ સંતાનો મળવા અસંભવ છે. ઐતરેય ઉપનિષદ (૨/૧/૩)માં તો વંશ-વેલો વધારનાર માતાને ‘ભાવિયત્રી’ અને ‘ભાવિયતવ્યા’ જેવાં વિશેષણોથી નવાજી છે. ઋષિ કહે છે, ‘જે તમને જ પોતાના ગર્ભમાં ધારણ કરીને તમારો જ પુનરાવતાર કરે છે, તેવી સ્ત્રીનું પોષણ કરવું તમારું કર્તવ્ય છે.’ સમાજશાસ્ત્ર, આરોગ્ય વિજ્ઞાન અને અધ્યાત્મનો કેવો સુંદર સમન્વય! જો બાળકો રાષ્ટ્રની ભાવિ પેઢી છે, તો તેને જન્મ આપનારી માતા એ રાષ્ટ્રની વિધાતા છે.

વિકસિત રાષ્ટ્રોમાં ગર્ભવતી માતાના પોષણ માટે ખૂબ પ્રયાસો થાય છે. આપણે ત્યાં પણ માતા અને બાળ-કલ્યાણ માટે ઘણી યોજનાઓ છે. પરંતુ અહીં માત્ર શારીરિક પોષણની વાત નથી, માનસિક ને ભાવનાત્મક વિકાસ પણ ઘણો મહત્વનો છે. માતાના ગર્ભમાં શ્રેષ્ઠ જ્ઞાન મેળવનાર બ્રહ્નર્ષિ નારદથી લઇને એકલે હાથે કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર વીર અભિમન્યુ જેવાં અનેક ઉદાહરણો ભારતીય દર્શનમાં જોવા મળે છે.

માતા જીજાબાઇના વીરરસથી ભરેલાં હાલરડાંનો રસ પીનારા શિવાજી મહારાજ જેવા વીર યોદ્ધાની પ્રેરક ગાથા તો સાવ તાજી જ છે! માતાને દહેજ કે કન્યા વક્રિયના ખપ્પરમાં ધકેલનાર કે સોનોગ્રાફી દ્વારા ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરીને કન્યા ભ્રૂણ હત્યા કરનાર માણસ જાણે-અજાણ્યે રાષ્ટ્રદ્રોહના દોષનો ભાગીદાર બને છે. જ્યાંની ઋષિ પરંપરા આવા પાવન ચરિત્રોથી સમૃદ્ધ હોય, ત્યાં માતા અને બાળકનો દ્રોહ એ રાષ્ટ્રીય શરમ જ ગણાય!



No comments: