Monday, January 31, 2011

ભગવદ્ ગીતાનું માર્ગદર્શન અને જીવન..







સમાજમાં એક એવી ભ્રાંત સમજણ છે કે શ્રીમદ્ ભગવદ્ગીતા એ ઘરડા થયા પછી વાંચવાનો ગ્રંથ છે. હકીકતમાં તો એમાં જીવનનું વાસ્તવિક દર્શન છે. તે જીવનની કળા શીખવે છે. લાકડા મસાણે ગયા પછી જીવનની કળા શીખવા બેસવાનું? ગીતા તો જીવનનું વ્યાકરણ છે. વ્યાકરણ વગરનો શબ્દસમૂહની જેમ ગીતા વગરનું જીવન પણ અર્થહીન છે. ગીતાનો પ્રત્યેક શ્લોક માણસની યોગ્યતા અનુસાર તેને માર્ગદર્શન આપે છે.

માટે જ તો સંન્યાસી અને સંસારી બંને માટે ગીતાનું એટલું જ મહત્વ છે. અહિંસાના ઉપાસક મહાત્મા ગાંધીજી ગીતા માટે કહેતા કે ‘એ ન છોડનાર મારી કાયમી સંગાથી છે.’ તો ક્રાંતિકારી વીર ચંદ્રશેખર આઝાદ તેમના બગલથેલામાં રિવોલ્વરની સાથે ગીતાનો પવિત્ર ગ્રંથ રાખતા. આ ઉપરથી ગીતાનું મહત્વ સમજી શકાય છે. જ્ઞાનીઓને જ્ઞાનનું હાર્દ સમજાય છે.

કર્મળ્યોગીઓને કર્મનું મહત્વ ધ્યાનમાં આવે છે, તો ભક્તિયોગીઓને શ્રીકૃષ્ણની મુરલીનો મધુર નાદ સંભળાય છે, પણ એ બધાથી એ વિશેષ સામાન્ય માણસને ભગવાને ગીતામાં આપેલાં આશ્ચાસનોનું મહત્વ છે. તે વાંચ્યા પછી માણસ હતાશા ખંખેરી આત્મવિશ્વાસથી ઊભો થાય છે. ગીતા, નિસ્તેજને તેજસ્વી બનાવે છે અને પાપીઓને પાપમુક્ત થવાનો રાહ બતાવે છે.

ગીતા માનવ માત્રનો ગ્રંથ છે. તેમાં પંથ હોય અને પંથ કાપવા માટે રસ હોય એ પૂરતું નથી પણ જીવનપથ પર આડા ન ફંટાઈ જવાય તે માટે તેનો સારથિ ભગવાન શ્રીકૃષ્ણ હોય એ આવશ્યક છે માગશર સુદ એકાદશીએ એની જયંતી ઉજવાય છે ત્યારે તેનું આ હાર્દ ધ્યાનમાં લઈએ.

No comments: