Monday, January 31, 2011

ચીનની આડોડાઈ કે આક્રમણ ?

અરૂણાચલ પ્રદેશના તવાંગ શહેરમાં બૌઘ્ધ મઠ


અમેરિકાને આંબવા લાગેલી ચીનની લશ્કરી તાકાત
હવે અમેરિકાને પણ ચીમકી આપતું ચીન
ચીને ઇન્ટરનેટ ઉપર ‘ગુગલ અર્થ’ના નકશામાં અરૂણાચલ પ્રદેશ, લડાખ અને અકસાઇ ચીનને પોતાના એક ભાગ તરીકે હમણાં ફરી પાછા દેખાડયા !
સોનિયા ગાંધી... મનમોહન સિંહ.. જાગો ! જાગો !

ચીન હવે માથું કાઢવા લાગ્યું છે. લશ્કરી શકિતમાં અત્યાર સુધી ચીન અમેરિકા કરતાં ઘણું પાછળ હતું એટલે એ અમેરિકાની સામે ચૂપ હતું પણ હવે એ લશ્કરી તાકાતમાં અમેરિકાને આંબી ગયું છે એટલે એણે માથું કાઢવા માંડયું.
હમણાં ચીનના રાષ્ટ્ર પ્રમુખ અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા ત્યારે એમણે અમેરિકન પ્રમુખ ઓબામાને ચીમકી સ્પષ્ટ શબ્દોમાં આપી કે... તિબેટની બાબતમાં તમે દૂર રહેજો !
અત્યાર સુધી ચીન આવા શબ્દો અમેરિકાને કહી શકતું નહોતું પણ હવે એણે અમેરિકાને પણ ચીમકી આપી એ ઘણું ઘણું કહી જાય છે. દુનિયાનો કોઈપણ દેશ અમેરિકાને આવું કશું કહી શકતો નથી. (આપણી આવું કહેવાની છે તાકાત ?)
આ હિસાબે ચીન સાથે આપણી સરખામણી કરીએ તો... ભલે યોગ્ય ન લાગે પણ... આપણે ઘણાં પાછળ છીએ... ચીન ટેકનોલોજીમાં, અર્થતંત્રમાં, લશ્કરી તાકાતમાં, વગેરે...
આપણે ચીનની પાછળ હોવાનું કારણ આપણે લશ્કરને ઘ્યાનમાં નથી રાખ્યું એ છે અને બીજું કારણ લશ્કરમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપક છે એ છે.
ફકત આંકડાઓ જોઈએ તો પણ લાગશે કે ચીન લશ્કરી શકિતમાં આપણા કરતાં ઘણું આગળ છે. લશ્કરી તાકાતની દ્રષ્ટિએ આપણો દેશ દુનિયામાં ચોથા સ્થાને છે અને ચીન બીજા સ્થાને છે. જયારે અમેરિકા પહેલા સ્થાને છે અને પાકિસ્તાન પંદરમા સ્થાને છે. આ ચારેય દેશ અણુ બોંબવાળા દેશ છે.
દા. ત. હવાઈ દળની દ્રષ્ટિએ ચીન આપણા કરતાં ઘણો સમૃઘ્ધ છે. ચીન પાસે ૧૯૦૦ લડાયક વિમાન અને ૪૯૧ લશ્કરી હેલિકોપ્ટર છે. ચીન પાસે ૪૬૭ એરપોર્ટ છે.
જયારે આપણી પાસે ૧૦૦૭ જ લડાયક વિમાન છે અને હેલિકોપ્ટર ૨૪૦ જ છે. બાકી એરપોર્ટ ૩૪૬ છે.
પાકિસ્તાન પાસે ૭૧૦ લડાયક વિમાન છે અને૧૯૮ હેલિકોપ્ટર તથા ૧૪૪ એરપોર્ટ છે.
પાય દળની વાત કરીએ તો ચીન પાસે ૨,૨૫,૫૫,૦૦૦ સૈનિકો છે અને એ ઉપરાંત રિઝર્વ સૈનિકો ૮,૦૦,૦૦૦ છે.
જયારે આપણી પાસે કુલ જવાનો ૧૩,૨૫,૦૦૦ છે અને રિઝર્વ સૈનિકો ૧૧,૫૫,૦૦૦ છે.
પાકિસ્તાન આ બાબતમાં પણ પાછળ છે. એના કુલ સૈનિકો ૬,૫૦,૦૦૦ છે અને રિઝર્વ સૈનિકો ૫,૨૮,૦૦૦ છે.
જો કે પાકિસ્તાન એકલું નથી. ચીન અને અમેરિકા એની બાજુમાં છે. એટલે પાકિસ્તાનની શકિત ઓછી આંકવી જોઈએ નહીં.
શસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો, ચીન પાસે ૩૧,૩૦૦ હથિયાર છે અને ટેન્કો ૮૨૦૦ છે તથા લોન્ચીંગ સિસ્ટમની સંખ્યા ૨૪૦૦ છે. જયારે એન્ટી ટેન્ક મિસાઇલ ૬૫૦૦ તથા એન્ટી એરક્રાફટ વેપન પણ ૬૫૦૦ છે.
એની સામે આપણી પાસે હથિયારો કુલ ૧૦,૩૪૦ છે અને ટેન્કો ૩૮૯૮, ૧૫૦ મલ્ટીપલ રોકેટ લોન્ચ સિસ્ટમ અને ૨૪૨૪ એન્ટી એરક્રાફટ હથિયાર છે.
પાકિસ્તાન પાસે જોઈએ તો... એની પાસે હથિયારો કુલ ૩૯૧૯ છે અને ટેન્કો ૨૪૬૩ છે. રોકેટ લોન્ચીંગ સિસ્ટમ પણ છે અને ૧૨,૩૨૦ એન્ટી ટેન્ક મિસાઇલ છે તથા એન્ટી એરક્રાફટ વેપન ૧૯૦૦ છે.
આ ઉપરાંત નૌકાદળની બાબતમાં પણ ચીન આપણા કરતાં ચઢિયાતું છે. ચીનની પાસે કુલ ૭૬૦ નેવલ શીપ છે અને ૬૮ સબમરીન છે. આપણી પાસે ૧૪૩ નૌકા જહાજ છે અને ૧૮ સબમરીન છે.
પાકિસ્તાન પાસે ૩૩ લશ્કરી જહાજ છે અને ૧૧ સબમરીન છે.
લશ્કરી બજેટનો હિસાબ જોઈએ તો.. અમેરિકાના પેન્ટાગોનની માહિતી પ્રમાણે ચીને આ માર્ચમાં પોતાનું લશ્કરી બજેટ ૭૭.૯ અબજ ડોલર કર્યાની જાહેરાત કરેલી. એ જો સાચું હોય તો ચીન પોતાની લશ્કરી તાકાત વઘુ મજબૂત કરશે.. એવો એનો અર્થ થયો. આપણા માટે અને અમેરિકા માટે પણ એ પડકારરૂપ થશે.
દુનિયાના દેશોના લશ્કરી બજેટ જોઈએ તો...
અમેરિકાનું ૮૯૫ બિલિયન ડોલર છે. પછી ચીનનું ૭૮ બિલિયન ડોલર અને આપણું ૨૯.૭૬ બિલિયન ડોલર.
એની સામે જીડીપી જોઈએ તો... અમેરિકાનું ૧૪.૬ ટ્રિલિયન ડોલર, ચીનનું ૪.૯ ટ્રિલિયન ડોલર અને આપણું ૧.૨૯ ટ્રિલિયન ડોલર છે.
આ કારણે ચીન હવે આક્રમક બન્યું છે. આપણી સાથે ચીન દોસ્તીનો દેખાવ જ કરે છે. (એ દ્રષ્ટિએ જોઈએ તો... ચીન દુનિયામાં કોઇનું દોસ્ત નથી. એની વૃત્તિ વિસ્તારવાદી જ રહી છે. એમાં એણે સામ્યવાદના ધુંટડા પીધા એટલે એની એ વૃત્તિ વઘુ ઉગ્ર બની. એણે જે લશ્કરી અને આર્થિક વિકાસ કર્યો એની પાછળની દાનત આ વિસ્તારવાદની વૃત્તિ જ છે.
આપણા અરૂણાચલ, સિક્કિમ, લડાખ, અકસાઇ ચીન, વગેરે પ્રદેશો ઉપર પોતાનો દાવો કરવા પાછળની દાનત એનો વિસ્તારવાદી જીવ જ છે. એવો દાવો એ એને અડતી જે જે દેશોની સરહદો છે એ બધા ઉપર કરે છે અને એમ કરીને એણે વિયેટનામ, લાઓસ, કોરિયા વગેરે દેશોના ભાગલા કરાવીને એના પ્રદેશો ઉપર વર્ચસ્વ કર્યું. એ દેશોની સરકારો ભલે જૂદી હોય પણ એ બધી સરકારો ઉપર ચીનનું જ વર્ચસ્વ છે.
ચીન આપણા પ્રદેશો ઉપર દાવો કરે છે એ ઉપરાંત એ આગળ વધીને એ પ્રદેશોના નાગરિકો ચીનના પ્રવાસે જાય તો એ નાગરિકો ચીનના જ છે એમ કહીને એમને વીઝા નથી આપતું. વઘુમાં એ આપણા પ્રદેશો ઉપરનો દાવો મજબૂત કરવા નકશા બહાર પાડીને એમાં એ પ્રદેશોને ચીનના બતાવે છે.
હમણાં જ એણે પોતાના ઇન્ટરનેટના ‘ગુગલ અર્થ’ દ્વારા જે નકશા મોકલ્યા (બહાર પાડયા) એમાં અરૂણાચલ પ્રદેશ, લડાખનો અકસાઇ ચીન પ્રદેશ ચીનના બતાવેલા.
આ મુદ્દે આપણી સરકારે સખ્ત વિરોધ કરવો જોઈએ... રાબેતા મુજબ છાપેલી વિરોધયાદી મોકલીને રહી જવું જોઈએ નહીં... એવી વિરોધ યાદીઓ ચીન કે પાકિસ્તાન કચરા ટોપલીમાં જ નાંખે છે. (મુંબઇ ઉપરના ૨૬/૧૧ના હુમલા વિષે અથવા પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં જે હુમલા કરે છે એ વિષે આપણી આ સરકારે કે એ પહેલાંની ભાજપની કે બીજી કોઈ સરકારે કેટલી વિરોધ યાદીઓ મોકલેલી છે ? કંઇ પરિણામ આવ્યું ? ‘લાતોં કે બૂત બાતોં સે નહીં માનતે’ એ કહેવત અમથી નથી પડી.) એટલે ચીનને ધમકીભરી વિરોધ યાદી મોકલવી જોઈએ... કારણ કે...
(૧) ઇન્ટરનેટ ઉપર ગુગલમાં આ નકશો આવવાના કારણે દુનિયાભરના બીજા બધા જ દેશો પોતાના નકશાઓમાં આ જ નકશાઓ છાપશે. પરિણામે આપણે ગુમાવવાનું રહેશે.. આપણને નુકસાન થશે.
(૨) સરહદી મતભેદ અંગે ચીન સાથે વાટાઘાટો બાજપેયીની સરકાર હતી ત્યારથી ચાલે છે અને ચીન સાથેના સરહદી વિવાદ ઉકેલવા માટે બાજપેયીએ ખાસ અલગ તંત્ર ઊભું કરેલું. એ વિવાદ ઉકેલવા અત્યાર સુધી ૧૪ બેઠકો બંને દેશો વચ્ચે થઇ ગઈ પરંતુ ચીનની દાનત જ વિસ્તારવાદી અને બીજાનું પચાવી પાડવાની હોવાથી એ મંત્રણાઓ છેવટે શૂન્યમાં પૂરી થાય છે. (હોંગકોંગ શહેર વર્ષોથી બ્રિટનના તાબામાં હતું. આજે પણ જેમ મુંબઈમાં અંગ્રેજોની છાપ ફોર્ટ વિસ્તારમાં અને બીજે મોજુદ છે એમ હોંગકોંગના ઘણા વિસ્તાર અંગ્રેજોની છાપવાળા મુંબઈ જેવા જ લાગે છે. એ હોંગકોંગને સ્વતંત્ર કરવાનું બ્રિટને નક્કી કર્યું એટલે ચીન તરત પોતાનો દાવો હોંગકોંગ ઉપર કરતા કૂદી પડયું પરંતુ હોંગકોંગની જનતા પોતાનું અલગત્વ જીવંત રાખવા માંગતી હતી એટલે ચીનનું વર્ચસ્વ હોંગકોંની જનતાએ નકારી કાઢવું એટલે દસ વર્ષની મુદત પાડવામાં આવી. ટૂંકમાં, આપણી સરકારોએ ચીન સાથે ખોંખારીને વાત કરવાની નીતિ રાખવી પડશે.)
પારકું પચાવી પાડવાની ચીનની આ દાનત અત્યારની નથી પરંતુ પહેલાંની છે. ભારત અને ચીન વચ્ચે સરહદી રેખા નક્કી કરવા બ્રિટિશરોએ એના ભારતમાંના ત્યારના મેકમોહન નામના એક અમલદારની આગેવાની નીચે ૧૯૧૪ માં સીમલામાં બેઠક રાખેલી. એમાં આ સરહદો નક્કી થએલી. એ વખતે તિબેટને અલગ સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો પણ નક્કી થએલો. એ રેખાને એટલે મેકમોહન રેખાના નામથી ઓળખવામાં આવે છે. ચીને એનો ત્યારે બહિષ્કાર કરેલો. ત્યારે ચીન આજના જેવું સબળ નહોતું પરંતુ નબળું હતું. છતાં એણે પોતાની વિસ્તારવાદી વૃત્તિ તો દેખાડી જ ! અંગ્રેજો સામે કશું ડરી શકવાની ચીનની ત્યારે તાકાત નહોતી. એટલે (છતાં) એણે અંગ્રેજોની નીતિનો વિરોધ તો કર્યો જ.
એ પછી ચીનમાં સામ્યવાદીઓ સત્તામાં આવ્યા. એના નેતા માઓત્સે તુંગે ૧૯૪૯ માં સત્તા સંભાળી અને લાખો ચીનાઓનો સામ્યવાદી રસમ પ્રમાણે કચ્ચરઘાણ બોલાવ્યો જેને સામ્યવાદીઓ ‘ક્રાંતિ’ (લાલ ક્રાંતિ, પીપલ્સ ડેમોક્રસી જેવા એના શબ્દો હોય છે. આપણા દેશમાં પણ સામ્યવાદીઓ કે નકસલવાદીઓ એ જ પરિભાષા વાપરે છે... પીપલ્સ રેવોલ્યુશન, પીપલ્સ લાઇબ્રેશન, જેવા એમના ખાસ નક્કી શબ્દો છે. એવા ‘પીપલ્સ’ વાળા શબ્દો હોય એટલે એ સામ્યવાદ જ છે એ નક્કી.) કહે છે.
માઓત્સે તુંગે એટલે સામ્યવાદીઓએ એક બાજુ ચીનમાં લાખો નાગરિકોને ‘સામ્યવાદના વિરોધી’ ગણીને મારી નાંખ્યા (અહીં પણ નકસલવાદીઓ એ જ રીતે ‘વિરોધી’ કહીને મારી નાંખે છે.)
અને બીજી બાજુ પોતાની લશ્કરી તાકાત વધારવાની યોજનાઓ કરી તથા ત્રીજી બાજુ પડોશી દેશોમાં ધુસણખોરી કરીને આક્રમણો શરૂ કર્યા. એમાં એ અરસામાં સ્વતંત્ર થએલા (બ્રિટિશરો, ડચ, પોર્ટુગીઝ, ફ્રાન્સ વગેરેના તાબામાં હતા એ) લાઓસ, વિયેટનામ, કોરિયા, થાઇલેન્ડ (સિયામ નામ હતું), મલેશિયા (મલાયા નામ હતું) વગેરે દેશોમાં ચીની સામ્યવાદે આક્રમણો કર્યા. એ આક્રમણના કારણે દસ દસ વર્ષ સુધી એ દેશોમાં આંતર વિગ્રહ ચાલ્યો અને છેવટે વિયેટનામ, કોરિયા અને લાઓસના ભાગલા પડ્યા.
એ ચીની અથવા સામ્યવાદી આક્રમણથી છટકી શક્યા મલેશિયા, થાઇલેન્ડ, ફિલીપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરે. એ દેશોમાં સામ્યવાદીઓ ઉપર પ્રતિબંધ છે.
ભારતમાં નેહરૂના ભોળપણ (એટલે મૂર્ખામી)ના કારણે. અને કૃષ્ણમેનન જેવા સામ્યવાદી છૂપા રૂસ્તમ મિત્રના કારણે તિબેટ ઉપરના ચીનના આક્રમણનો આપણે વિરોધ ન કર્યો પરિણામે ચીનને ભારત તરફ આગળ વધવાની સગવડ થઇ ગઇ.
- ગુણવંત છો. શાહ

કાનમાં કહું !
ભાજપને સંઘના મોહનજી ભાગવતની સૂચના
સંસદનું આગામી અધિવેશન ભાજપની ધાંધલ ધમાલ વિના ચાલે એ માટે જેમ કોંગ્રેસ પ્રયત્ન કરે છે એમ આર.એસ.એસ.નો વિષય ન હોવા છતાં એના સર્વોચ્ચ વડા મોહનજી ભાગવતે ભાજપની બગડતી છબી સુધારવાના એક પ્રયત્ન તરીકે ભાજપના બે વરિષ્ટ નેતાને બોલાવીને સલાહ આપી કે.. ‘જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટીની તમારી માંગણી સાચી છે પણ એ માંગણી માટે ભાજપ સંસદમાં દેકારાપડકારા કરીને સંસદનું કામકાજ થવા ન દે એની. ભાજપની પ્રતિષ્ઠા બગડે છે.’
સંસદ કોઇ પણ હિસાબે (કારણે) ચાલવા જ ન દેવી એ નિર્ણય આડવાણી વડાપ્રધાન થઇ શક્યા નહીં એટલે આડવાણીએ આપેલો. બાકી બાજપેયીથી માંડી સુષમા સ્વરાજ સુધીના બધા જ નેતા આડવાણીના એવા ઘાતક નિર્ણયથી વિરૂઘ્ધ છે.
હવે જોઈએ શું થાય છે તે !

No comments: