Sunday, January 30, 2011

..તો જ, રાજા કે પ્રજા, ભ્રષ્ટ નહી થાય!!..

26મી જાન્યુઆરીનો દિવસ ભારતના ગણતંત્ર દિન તરીકે મનાવવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ દિવસે આઝાદ હિન્દુસ્તાનના નાગરિકોને “જીઓ ઓર જીને દો” ભાવના સાથે પ્રજાકસત્તા અર્થાત પ્રજાને સત્તા પ્રાપ્ત થઈ હતી. એ ભાવના સાથે એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી જેનાથી દેશનો દરેક વ્યક્તિ, સમાજ, પરિવાર અને વ્યક્તિગત સ્તરે જવાબદાર અને કર્તવ્યપરાયણ બની પોતાના સ્વાભાવિક અધિકારો સાથે જીવન વિતાવી શકે.


ગણતંત્ર લાગુ થવાથી લગભાગ છ દાયકામાં હિન્દુસ્તાને દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યા અને બધી જ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે. પરંતુ આટલો ગૌરવશાળી ઇતિહાસ હોવા છતાં આ દેશની જનતા આજે શાસનમાં ફેલાયેલા ભ્રષ્ટ અને ખામીઓથી ભરેલી અવ્યવસ્થાથી દુઃખી જોવા મળે છે. ભ્રષ્ટ આચરણ, બેઇમાની, એનૈતિકતા શાસનતંત્રનો ભાગ બની ગઈ છે. જેની માટે એક-બીજાને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. શાસનમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર બેઠેલાઓ પણ એકબીજા ઉપર દોષારોપણ કરી પોતાનું પલ્લુ ઝાડી દે છે. આવા ભ્રષ્ટ વાતાવરણમાં એ જ પ્રશ્ન થાય છે કે, આખરે કોણ છે આ ખરાબ વ્યવસ્થા માટે જવાબદાર?


આ સમસ્યાઓ હલ કરવા આ પ્રશ્નોનો જવાબ આપે છે- ધર્મશાસ્ત્ર. ખાસ કરીને સનાતન ધર્મમાં બતાવવામાં આવેલ રાજધર્મ કર્તવ્યોને બતાવે છે. જેનું ઇમાનદારીથી પાલન જ પ્રજાનું સુખ-દુઃખ નક્કી કરે છે. આ વાતો આજની શાસન વ્યવસ્થા અને સરકાર માટે મુખ્ય સબક છે.


દુષ્ટને દંડ આપવોઃ-


શાંતિ અને તણાવ રહિત રાષ્ટ્ર અને શાસન માટે સૌથી મહત્વ છે—દંડ આપવો. ધર્મ કહે છે કે, દુષ્ટ અર્થાત ખરાબ કામો, ખરાબ આચરણ અને ખરાબ વિચારોથી બીજાને કષ્ટ અને અસુવિધા પેદા કરનાર વ્યક્તિને દંડ જરૂર આપવો જોઈએ. જેનાથી બીજાઓ સુધી દુરાચાર ન કરવાનો સંદેશો ફેલાય.


સ્વજનોની પૂજા કરવીઃ-


સ્વજન અર્થાત પરિવાર જ નહીં, સમગ્ર પ્રજાની સાથે સદભાવ અને આત્મિયતાનો વ્યવહાર. તેમની સ્વાભાવિક ખામીઓ, અસુવિધાઓને દૂર કરવાની સાથે તેના ગુણ, પ્રતિભાને નિખારવામાં શક્ય હોય ત્યાં સુધી મદદ કરવી એક રાજાનું પરમ કર્તવ્ય છે.


ન્યાયથી રાજકોષને વધારવોઃ-


કોઈ પણ રાજ્યની મજબૂત અર્થ વ્યવસ્થા તેની તાકાત હોય છે. પરંતુ રાજા માટે એ જરૂરી છે કે આ આર્થિક પ્રગતિ ન્યાય ઉપર આધારિત હોય અર્થાત ખજાનાનું ધન જનતાનું શોષણ કરીને એકઠુ ન કરવુ જોઈએ. ધન એવું હોય જે રાજ્ય અને પ્રજા માટે પ્રગતિ અને ઉન્નત્તિનું કારણ બને છે.


પક્ષપાત ન કરવોઃ-


રાજ્યમાં રહેનાર કોઈપણ વ્યક્તિની સાથે જાતિ, વર્ણ, ધર્મ કે ધનના આધારે ઊંચ-નીચનો વ્યવહાર ન થવો જોઈએ. દરેક વ્યક્તિને સમાન રીતે ખાન-પાન, રહન-સહન કે જીવન સાથે જોડાયેલી બધી સુખ-સુવિધાઓનો હક પ્રાપ્ત થાય. રાજા અને પ્રજા વચ્ચેના મીઠા સંબંધો માટે આ મુખ્ય બાબત છે.


રાષ્ટ્રનું રક્ષણ કરવું-


કોઈપણ રાજાનો સૌથી મોટો રાજધર્મ એ છે કે તે રાષ્ટ્રની બાહ્ય અને આંતરિક ખતરાઓથી રક્ષણ કરે. નહીં કે માત્ર શાસન હાથમાં આવતા જ સુખ-સુવિધાના નશામાં ડૂબીને પોતાનું જ હિત કરે.


સાર એટલો જ છે કે સિંહાસન ઉપર બેઠેલા રાજાએ રાજ્ય અને પ્રજાના સુખ માટે પોતાના પ્રાણો આપતા પણ પીછેહઠ ન કરવી જોઈએ. તેની સાથે રાજ્યમાં અન્યાય કે અન્યાય થતો ન જુવે તે જરૂરી છે. એવો સંકલ્પ જ રાજાની સાથે પ્રજાના આચરણને પણ પાવન રાખશે.

No comments: