Monday, January 31, 2011

‘ગીતા’ કૃષ્ણની દિવ્ય અમૃત વાણી....

ભારત ભૂમિના બે મહાન આત્માઓ રામ અને કૃષ્ણ. હજારો વર્ષો પછી પણ આ બે મહાન આત્માઓ ભારતના શ્રઘ્ધાવાન ભક્તોમાં પરમાત્મા સ્વરૂપે સ્થિર થઈને બેઠેલા છે. રામ એટલે મર્યાદાપુરૂષોત્તમ અને કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ... બન્ને પરબ્રહ્મ પરમાત્મા જ છે... આ બન્ને પરબ્રહ્મ પરમાત્માનું મૂળભૂત કાર્ય... સત્યને પક્ષે રહી સત્યને જિતાડવાનું. રામ અને કૃષ્ણ બન્ને સ્વયં સત્ય સ્વરૂપ છે... જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રકાશ હોય, વિજય હોય. સત્યની ગેરહાજરી એટલે ભયંકર અંધકાર. જ્યારે આવો ભયંકર અંધકાર વ્યાપે ત્યારે સૌના કલ્યાણ માટે કૃષ્ણ સાક્ષાત મનુષ્ય બનીને આપણી વચ્ચે આવે અને પવિત્ર પુરુષોનું રક્ષણ કરે અને રાક્ષસ વૃત્તિ ધરાવનાર આતતાયીઓનું નિકંદન કાઢે અને સત્યને વિજયી બનાવે. પ્રજાની સત્ય પ્રેત્યેની શ્રઘ્ધા વધે અને પ્રજાને- વિશ્વાસ બેસે કે સત્ય જ જીવન છે. સત્ય એજ પરમેશ્વર. આવી શ્રઘ્ધા ટકાવી રાખવા પ્રભુ સ્વયં આપણી વચ્ચે આવે... કેટલીકવાર આપણી વચ્ચે પ્રભુના અંશ સ્વરૂપ મહાપુરુષો જન્મે જે સૌને જીવંત રાખે અને હતાસ થયેલી પ્રજામાં પ્રાણ પૂરે. વિશ્વમાં જે મહાન આત્માઓ જન્મ્યા એમણે આ કાર્ય કર્યું... પ્લેટો, એરિસ્ટોટલ, તોલસ્તાય, મહાત્મા એમર્ઝન, રસ્કિન, મહાવીર, બુદ્ધ, મહંમદ પયગંબર, શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા ગાંધી વગેરે આ સૌએ માનવજાતને નવો માર્ગ બતાવ્યો અને સૌનું કલ્યાણ કર્યું.
‘શ્રીમદ્ ભગવતદ ગીતા’ના પ્રણેતા પૂર્ણપુરસોત્તમ પરમાત્મા કૃષ્ણનું યજ્ઞમય કાર્ય આજ હતું. મહાભારત કાળ સમયે જ્યારે સત્ય પર અસત્યનું આક્રમણ થયું ત્યારે સ્વયં કૃષ્ણને ‘સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે’ (કૃષ્ણને) આ પૃથ્વી પર જન્મવું પડ્યું - અવતાર સ્વરૂપે. (‘ગીતા’ અઘ્યાય-૪ શ્વ્લોક ૭) માગશર સુદ એકાદશી (મોક્ષદા એકાદશી) એટલે ગીતા પ્રાયાશ્ય દિન... ‘ગીતા’ જયંતી. હજારો વર્ષો પછી પણ હિન્દુ પ્રજા- ‘ગીતા’ને એક મહાન ધર્મગ્રંથ તરીકે માને છે. મહાભારતના યુદ્ધ સમયે જ્યારે અર્જુન હતાશ થયેલો ત્યારે તેને પ્રોત્સાહિત કરવા ‘સ્વયં’ કૃષ્ણે જે કંઈ કહ્યું અને તેને તેની ફરજનું ભાન કરાવ્યું તે જ ‘ગીતા’ જ્ઞાન. આ ‘ગીતા’ સમગ્ર શાસ્ત્રનો સાર છે અને તેમાં એક સાચા જીવનનું માર્ગદર્શન પણ છે જેને આપણે એક ‘ઉચઅર્ ક ન્ૈકી કહી શકીએ. જીવનમાં જ્યારે સંકટ આવે અને જ્યારે કંઈ પણ સૂઝ ન પડે, માણસ દિશા શૂન્ય બની જાય ત્યારે પણ જે મનુષ્ય સ્થિર બુદ્ધિથી સમત્વ ધારણ કરે અને તે ધીરજપૂર્વક એમાંથી કઈ રીતે બહાર આવી જવું... એ રસ્તો ‘ગીતા’માં કૃષ્ણે બતાવ્યો છે. ‘ગીતા’ એ વૈશ્વિક ગ્રંથ છે. બધા ધર્મગ્રંથોમાં તેનું સ્થાન અદ્વિતીય છે. લગભગ બધી ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે. આવા પવિત્ર ગ્રંથનો મર્મ સૌએ જાણવો જોઈએ (હિન્દુઓએ ખાસ) મહાત્મા ગાંધી કહેતા, ‘‘મને જ્યારે ધર્મસંકટ આવે છે, ત્યારે ગીતા માતાનું શરણ લઊં છું અને તેમાંથી માર્ગ મળે જ છે.’’ શ્રી લોકમાન્ય ટીળક મહારાજ કહે છે, ‘‘દુઃખી આત્માને શાંતિ આપનાર, આઘ્યાત્મિકપૂર્ણ દશાની ઓળખ અને ટૂંકમાં ચરાચર જગતનાં ગૂઢ તત્વોને સમજાવનાર ‘ગીતા’ જ છે.’’
‘ગીતા’ની પૂર્વભૂમિકા સમજવી રહી. યાદ રહે કે સ્વયં કૃષ્ણે જ્યારે કૌરવો સાથે સમાધાન માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ દુર્યોધન જ્યારે સમાધાન માટે તૈયાર જ ન થયો અને કહ્યું કે એક સોયની અણી પર રહે એટલી જમીન પણ તે પાંડવોને નહિ આપે ત્યારે જ છેવટે મહાભારતનું યુદ્ધ શરૂ થયું. યુદ્ધ મેદાન કુરૂક્ષેત્રની ભૂમિ પર બન્ને પક્ષો લાખોની સેના લઈને ભેગા થયા છે ત્રે કૃષ્ણ પણ અર્જુનના સારથિ બનીને તેના રથ પર છે જ. અર્જુન કહે છે મારો રથ બેની વચ્ચે લાવો જેથી હું બધાને જોઈ લઊં... કૃષ્ણ રથને લાવે છે અને અર્જુન નજર કરે છે ત્યારે તેમાં તેને તેના દાદા, મામા, કાકાઓ, ગુરુઓ અને આવા અનેક વડીલો દેખાયા. તેનું હૃદય દ્રવી ગયું... તેને વૈરાગ્ય આવ્યો. તેના મનમાં વિષાદ જન્મ્યો. તેણે શસ્ત્રો હેઠાં મૂક્યાં અને કહ્યું - ‘‘હું યુદ્ધ લઢવા માગતો નથી. યુદ્ધમાં ઘણાનો સંહાર થશે. મને પાપ લાગશે. સ્ત્રીઓ વિધવા થઈ જાય. પછી તેનું પરિણામ હું સારું જોતો નથી.’’ કૃષ્ણને પણ આશ્ચર્ય થયું અને બીજા અઘ્યાયના ૧૧મા શ્વ્લોકમાં કૃષ્ણ પરમાત્મા સૂચક વાણીમાં બોલ્યો, ‘‘તું શોક નહિ કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો મરેલાનો કે જીવતાનો શોક કરતા નથી.’’ અર્જુન તો ક્ષત્રિય હતો અને આ યુદ્ધ ધર્મયુદ્ધ હતું. ક્ષત્રિય ભૂમિ છોડે તે તેને માટે કલંક કહેવાય... આવી દ્વિધાની પળોમાં વિષાદ જ્યારે જન્મ્યો છે ત્યારે કૃષ્ણ અર્જુનને તેનો ક્ષત્રિય ધર્મ બજાવવાનો ઉપદેશ આપે છે તે જ આપણી શ્રીમદ્ ભગવદ્ ‘ગીતા’. આ ગીતાનો મર્મ પણ અર્થપૂર્ણ છે જે વ્યક્તિની હતાશા દૂર કરે છે અને તેને જીવનની નવી દિશા બતાવે છે અને વ્યક્તિ અંધકારમાંથી પ્રકાશમાં આવે છે અને અંતે તે આઘ્યાત્મ જ્ઞાનના સિખરે પહોંચે છે જ્યાં તેને પરમ શાંતિનો અનુભવ થાય છે. ગીતા જ્ઞાનનો મહાસાગર છે જે તેમાં ડૂબકી મારે છે તે પરમ જ્ઞાનનો અધિકારી બને છે... અને તે બધાથી ઉપરામ બની જાય છે. જ્યાં ગયા પછી વ્યક્તિ આ મૃત્યુ લોકમાં પાછી ફરતી નથી... આજ તેનું પરમધામ છે. ગીતાના બીજા આઘ્યાયમાં ભગવાન સ્થિત પ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે તે જ સમગ્ર ગીતાનો સાર છે અને પછીથી તેનો વિસ્તાર છે. આ રહ્યો તેને સાર. ‘‘શરીર નાશવંત છે. આત્મા અજર, અમર, નિત્ય, અખંડ અને અનંત છે, તેથી મૃત્યુનો હર્ષ શોક ન કરવો. કાર્ય કરો પણ ફળની અપેક્ષા ન કરો. ફળ આપનાર પ્રભુ છે જ. પરબ્રહ્મ પરમાત્મામાં પૂર્ણ શ્રઘ્ધા રાખો. યાદ રાખો જે થશે તે સારું જ થશે. તે સદાય તમારું કલ્યાણ કરશે. સુખ અને દુઃખ જેવું કંઈ છે જ નહિ તે સાપેક્ષ છે. (ઇીનચૌપી) ‘ગીતા’માં ભગવાને ત્રણ માર્ગ બતાવ્યા છે. કર્મ માર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ, જે માર્ગ અનુકૂળ લાગે તે માર્ગે આગળ વધો. મહત્વની છે તમારી શ્રદ્ધા. શ્રદ્ધા વિના આ માર્ગે આગળ વધાય નહિ. યાદ રહે ત્રણે માર્ગ માટે પ્રભુએ ઈન્દ્રિય નિગ્રહ પર ભાર મૂક્યો છે. જે સંયમી બની સાચા અર્થમાં બ્રહ્મચર્ય પાળી આગળ વધે છે તે વાસનાઓ પર વિજય મેળવે છે... તે રાગદ્વેષ મુક્ત બને છે. વિશુદ્ધ બની જાય છે અને તેનામાં દ્રઢ વૈરાગ્ય જાગૃત થાય છે અંતે તે પ્રભુમય બની જાય છે. ‘ગીતા’માં બે શબ્દો ખૂબ મહત્વના છે. અનાશક્તિ અને સમત્ત્વ. વ્યક્તિ (ભક્ત) જ્યારે અનાસકત બને અને સમત્વ ધારણ કરે છે ત્યારે તે કદાપિ કોઈ પણ સંજોગોમાં વિચલિત થતો નથી. ભયંકર દુઃખ પણ તેને ડગાવી ન શકે આજ સમત્વ. પ્રભુનો ભક્ત પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે... સમગ્ર ગીતા સમજ્યા પછી અર્જુને કૃષ્ણને સાચા અર્થમાં પરમાત્મા તરીકે ઓળખ્યા અને છેવટે કહ્યું કે (અઘ્યાય-૧૮ શ્વ્લોક ૭૩)’’ હું તમે કહેશો તેમ કરીશ... અને અર્જુન યુદ્ધ લઢ્યો અને વિજયી થયો. પ્રભુ ભક્તને વચન આપે છે કે જે તેનામાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે તેના યોગક્ષેમની જવાબદારી સ્વયં પ્રભુ રાખે છે. આ પ્રભુનું અભય વચન છે. ‘ગીતા’ જયંતીના શુભ પર્વે આપણી કૃષ્ણ પરમાત્માની અમૃતવાણીને જીવનમાં ઉતારીને તેને આત્મસાત કરીશું તો જીવન અર્થપૂર્ણ અને કલ્યાણકારી બની જશે. કૃષ્ણ પરમાત્માને કોટિ કોટિ વંદન.
- કૃષ્ણં વન્દે જગદ્ગુરૂમ્ ।।


No comments: