Monday, January 31, 2011

ભગવાન કોણ છે? તેઓ મારા માટે કોણ છે?

નાતાલ એટલે ખ્રિસ્તી લોકોની માન્યતા મુજબ ઇશ્વરના પુત્ર ઇસુનો માનવ-અવતાર છે. ઇસુના માનવ અવતારનું રહસ્ય પણ એ જ છે કે ઇશ્વર પંથ ભૂલેલા માણસને તરછોડતા નથી પણ એના પર અનહદ પ્રેમ રાખે છે. આમ, ઇસુ માણસો વચ્ચે પૂરેપૂરા માનવ બનીને જીવ્યા છે. તમારા-મારા જેવા માનવ બનેલા ઇસુ આપણને જણાવે છે કે ઇશ્વર આપણી સાથે છે. કવિવર રવીન્દ્ર ઠાકુર કહે છે તેમ દરેક બાળકનો જન્મ જણાવે છે કે, ‘પ્રત્યેક નવજાત શિશુ પ્રભુનો સંદેશ લઇને આવે છે કે હજી ઇશ્વર માનવથી નિરાશ નથી થયો.’

માનવ ઈતિહાસની શરૂઆતથી માણસોએ બે પ્રશ્નો પૂછ્યા હશે, ભગવાન કોણ છે? અને મારે માટે ભગવાન કોણ છે? ભગવાનને જાણવા અને પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓથી માંડી સામાન્ય માનવી દ્વારા અવિરત શોધ ચાલી રહી છે અને સાથોસાથ દરેક માણસના જન્મથી એનાં મા-બાપ અને અન્ય વડીલો પાસેથી ભગવાન અંગેના ખ્યાલો મળે છે. પણ માણસને આ રીતે પારણામાંથી ભગવાન અંગે મળેલા ખ્યાલોથી સંતોષ નથી, સંતૃપિ્ત નથી. એટલે માણસ પ્રશ્ન પૂછે છે, ભગવાન છે કોણ? મારા માટે ભગવાન કોણ છે?

આ બંને પ્રશ્નોનો જવાબ દરેક માણસે જાતે શોધી કાઢવાનો હોય છે. નાતાલનો સમય આ પ્રશ્નનો જવાબ શોધવાનો ઉત્તમ સમય છે, કારણ, નાતાલના બનાવો આપણા પ્રશ્ન ઉપર પ્રકાશ પાડી શકે છે. નાતાલનો બનાવ એટલે ખ્રિસ્તી લોકોની માન્યતા મુજબ ઇશ્વરના પુત્ર ઇસુનો માનવ-અવતાર છે. બાઇબલના નવા કરારના પ્રથમ ચાર ગ્રંથોમાં ઇસુનાં જીવન, ઉપદેશ, બલિદાન અને પુનરુત્થાનની કથા આવે છે. નાતાલમાં ભગવાન ઇસુના જન્મ અને બાળપણને લગતા પ્રસંગો અને બનાવોને ખાસ યાદ કરીએ છીએ.

માનવ અવતાર દ્વારા ઇશ્વરપુત્ર ઇસુ પૂરેપૂરા માનવ બન્યા છે. તમારા-મારા જેવા માનવ બનેલા ઇસુ આપણને જણાવે છે કે ઇશ્વર આપણી સાથે છે. એટલે
જ પ્રથમ શુભસંદેશકાર માથ્થી ઇસુના જન્મના વૃતાન્તમાં પયગંબર યશાયાની ભવિષ્યવાણી ઉતારે છે, ‘તેણે (પયગંબર યશાયાએ) ભાખ્યું હતું કે, ‘કુમારી કન્યાને ગર્ભ રહેશે, અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે.’ ‘ઇમાનુએલ એટલે ‘ઇશ્વર આપણી સાથે છે.’’

બીજા શુભસંદેશકાર માર્ક ઇસુના જન્મ અને બાળપણ વિશે કશી જ વાત કરતા નથી. માર્કકૃત શુભસંદેશની વાત યુવાન ઇસુના સ્નાનસંસ્કારથી શરૂ થાય છે. ઇસુના જન્મ અને બાળપણ વિશે સૌથી વધારે વિગતવાર વાત આપણને ત્રીજા શુભસંદેશકાર લૂકના શુભસંદેશમાંથી મળે છે.

આપણે જાણીએ છીએ કે ઇસુનો જન્મ યહૂદી ધર્મ અને સંસ્કૃતિમાં થયો હતો, પણ લૂકનો શુભસંદેશ આપણને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે ઇસુનો જન્મ કોઇ એક ધર્મ કે કોઇ એક પ્રજા માટે નહીં પણ વિશેષ તો ભીડમાં આવી પડેલા લોકો માટે છે. ઇસુએ પોતાના જાહેરજીવનની શરૂઆતમાં એક વિશ્રામવારને દિવસે યહૂદીઓના મંદિર એટલે સભાગૃહમાં ઘોષણા કરી હતી કે ‘તેણે (એટલે ઇશ્વરપિતાએ) મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભસંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન કરંુ, દલિતોને મુક્ત કરંુ, તેમ જ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરંુ.’

ફરી આપણા પ્રશ્ન ઉપર આવીએ. ભગવાન છે કોણ? આપણે કહી શકીએ કે ભગવાન સર્વવ્યાપી છે. ભગવાન અશરીર એટલે આત્મા છે. ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન સર્જનહાર છે. ભગવાન મુક્તિદાતા છે, તારણહાર છે. ભગવાન સૌના માલિક છે. આવી બધી વાતો તો ભગવાનનાં વિશેષણો છે. ભગવાન કોણ છે, એનો સંતોષકારક જવાબ નથી. એટલે અંતે આપણે કહીએ છીએ કે ભગવાન એક ગૂઢ રહસ્ય છે. ભગવાન આપણી બુિદ્ધથી પર એક શક્તિ છે. ભગવાન એક અનન્ય અસ્તિત્વ છે.

સદાચારના કલાસમાં એક શિક્ષિકાએ હાઇસ્કૂલનાં પોતાનાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો : ભગવાન ક્યાં છે? કેટલાંક છોકરાંઓએ આકાશ તરફ આંગળી ચÃધીને કહ્યું, ‘ભગવાન ત્યાં છે.’ તો બીજાં કેટલાંક છોકરાંઓ ભીંત પરના ભગવાનના ચિત્ર તરફ આંગળી ચÃધીને કહ્યું, ‘એ રહ્યા ભગવાન’. વળી કેટલાંક છોકરાંઓએ પોતાના હૃદય પર હાથ મૂકીને કહ્યું, ‘ભગવાન અંતર્યામી છે.’ શિક્ષિકાએ કહ્યું કે છોકરા-છોકરીઓએ પોતપોતાની શ્રદ્ધા મુજબ જવાબ આપ્યા હતા.

તો ભગવાન કોણ છે, એના જવાબ માટે કોઇ તત્વચિંતન કે ફિલસૂફીની ચર્ચાવિચારણા નહીં પણ આપણી શ્રદ્ધા જ આપણને સંતોષકારક જવાબ આપી શકે છે. એટલે આપણા માટે મુખ્ય પ્રશ્ન ભગવાન કોણ છે, તે નથી, પણ ‘મારા માટે ભગવાન કોણ છે,’ તે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણી શ્રદ્ધા જ આપણને સંતોષકારક જવાબ આપી શકે છે.

અહીં ભગવાનને ઓળખવાની વાતમાં મારી-તમારી માન્યતા કે ભગવાન પરની શ્રદ્ધા તદ્દન ભિન્ન હોઇ શકે. એટલે જ ભગવાનને ઓળખવાની આપણી વાતમાં નાતાલ-ઇસુનો જન્મ-આપણને મદદરૂપ થઇ શકે છે. નાતાલ સૌને માટે ભારે આનંદના સમાચાર છે. વગડામાં ઘેટાની ચોકી કરતા ભરવાડોને ઇસુના જન્મની વધામણી આપતાં દેવદૂતે કહ્યું હતું કે, ‘બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઇ રહેશે, આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે.’

માણસ કદી કલ્પી ન શકે એવી આ વાત છે. સર્વશક્તિમાન અને સર્વવિશ્વના સર્જનહાર ઇશ્વર એક નિ:સહાય બાળક બને છે. એક અદના માણસ બને છે! સર્જનહાર પોતાની જાતને પોતે સજેઁલા માણસના હાથમાં સોંપી દે છે! માણસ પરની ઇશ્વરની એ શ્રદ્ધા છે! કવિવર રવીન્દ્ર ઠાકુર કહે છે તેમ દરેક બાળકનો જન્મ જણાવે છે કે, ‘પ્રત્યેક નવજાત શિશુ પ્રભુનો સંદેશ લઇને આવે છે કે હજી ઇશ્વર માનવથી નિરાશ નથી થયો.’

ઇસુના માનવ અવતારનું રહસ્ય પણ એ જ છે કે ઇશ્વર પંથ ભૂલેલા માણસને તરછોડતા નથી પણ એના પર અનહદ પ્રેમ રાખે છે. સંત યોહાનકૃત શુભસંદેશમાં આપણે વાંચીએ છીએ કે, ‘ઇશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. જેથી જે કોઇ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે, પણ આ શાશ્વત જીવન પ્રાપ્ત કરે.’

ઇશ્વરપિતાનો એકનો એક પુત્ર કેવો છે? એ પુત્ર એના ભરણપોષણ અને ઉછેર માટે કોઇપણ માનવ બાળકની જેમ એનાં માતા મરિયમ અને પાલક પિતા યોસેફ ઉપર પૂરેપૂરો અવલંબન રાખે છે! બાર વર્ષની ઉંમરે યરુશાલેમમાં પાસ્ખાનું પર્વ ઊજવવા માટે આખા પેલેસ્ટાઇનમાંથી ભેગા થયેલા યહૂદીઓ વચ્ચે પોતાનાં મા-બાપ સાથે પર્વની ઉજવણીમાં આવેલા ઇસુ ખોવાયા હતા. સંત લૂકે નોંધ્યું છે તેમ છેક ત્રીજે દિવસે ઇસુનાં મા-બાપને તેમની ભાળ લાગી હતી. ત્યારે ઇસુ શું કરતા હતા? તે યરુશાલેમ મંદિરના ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. ઇસુ ખોવાયા અને જડ્યાની વાતને અંતે સંત લૂક લખે છે, ‘પછી ઇસુ તેમની (મા-બાપની) સાથે પાછા નાસરેથ આવ્યા અને તેમના કહ્યામાં રહ્યા... ઇસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઇશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતપિાત્ર બનતા ગયા.’

આમ, ઇસુ માણસો વચ્ચે પૂરેપૂરા માનવ બનીને જીવ્યા છે. આપણે એમના માનવજીવનમાં એક બાબત વિશેષપણે નોંધી શકીએ કે, એક માનવ તરીકે ઇસુ પોતાના સમગ્ર દુન્યવી જીવન દરમિયાન પોતાના ઇશ્વરપિતાને શોધતા રહ્યા. નિયમિત પ્રાર્થના અને ધ્યાનમનન દ્વારા ઇસુ પોતાના ઇશ્વરપિતાના સંપર્કમાં શોધતા રહ્યા અને ઓળખી કાઢતા રહ્યા. મોડી રાતે કે વહેલી પરોઢે ઊઠીને એકાંતમાં જઇ પ્રાર્થના કરવાની ઇસુની ટેવ વિશે શુભસંદેશકારોએ નોંધ્યું છે.

આમ, ઇશ્વરને શોધવા અને ઓળખવાની આપણી મથામણમાં ઇસુ પોતે દાખલારૂપ છે, પણ હું માનું છું કે ભગવાનને શોધવા અને ઓળખવાની બાબત કેવળ માનવયત્નથી પર છે. એ માટે ભગવાન પરની શ્રદ્ધાની દ્રષ્ટિથી જ આપણે ભગવાનને શોધી કે ઓળખી શકીએ. ગભાણમાં સૂતેલા બાળ ઇસુ આપણને જણાવે છે કે શોધનારને એ કૃપા અને શ્રદ્ધા આપવા માટે જ તેઓ માનવ વચ્ચે માનવ બન્યા છે.

No comments: