Monday, January 31, 2011

આપણી અસ્વસ્થતા અને અશાંતિનું મૂળ કારણ સુરક્ષાના આપણા ખોટા ખ્યાલોમાં રહેલું છે...


- વિમર્શ

એક કોટિયાધિપતિની વાત છે. પુરાણા કાળમાં કોટિયાધિપતિ ઘણો ધનવાન ગણાતો હતો. આજની ભાષામાં કહેવું હોય તો અબજપતિ કહેવો પડે. રાત દિવસ તે ધંધાનો જ વિચાર કર્યા કરતો હતો. દિવસે વેપાર કર્યા કરે અને રાત્રે દિવસે કરેલા વેપારની ગણતરી કર્યા કરે. ત્યારપછી તે કમાયેલા ધનનું હવે ક્યાં રોકાણ કરવું તેના વિચારોમાં ખોવાઇ જાય. પુણ્યોદયનો કાળ પ્રવર્તતો હતો તેથી નાખેલા બધા પાસા પોબાર પડતા હતા. એટલું જ નહિ પણ ખોટાં રોકાણો કર્યા હોય તે પણ સારા થઇ જાયઅનેઅંતે તેમને ફળતાં જાય. જેમ ધન વધતું જાય તેમ તેને સાચવવાની ચિંતા વધતી જાય. કેટલીક વાર ધન કમાવું સરળ હોય છે પણ તેની સુરક્ષા કરવી ઘણી મૂશ્કેલ હોય છે.
માણસ પાસે ધન ન હોય ત્યારે તેના મનમાં હોય છે કે આટલું મળી જાય તો બસ, પણ એટલું મળી ગયા પછી કોઇ બસ કરતું નથી. આ દુનિયામાં બહુ ઓછા માણસોને ધારેલું મળી જાય છે. સમાજમાં જેની પાસે છે તેની પાસે છે જેની પાસે નથી એની પાસે નથી. ટંક ખાવાના પણ તેને સાંસા હોય છે. બાકી ગરીબાઇ જેવી કોઇ ભૂંડી ચીજ દુનિયામાં નથી.
મઝાની વાત એ છે કે જેને ધારેલુ જિંદગીમાં મળી જાય છે તેમાંથી બહુ ઓછા લોકો મળેલું ભોગવી શકે છે. એવા કેટલાય લોકો છે કે જેઓ ધારેલું મેળવી શક્યા હોય છે પણ મળેલાને ભોગવવાનો તેમની પાસે સમય નથી હોતો. તેમને મળ્યાનો સંતોષ બાકી ભોગવે કોઇ. તેઓ તો જિંદગીના અંત સુધી દોડયા જ કરે છે અને ધન એકઠું કર્યા કરે છે.
દુનિયામાં આપણે એવા લોકોને પણ જોઇએ છીએ કે તેઓ ધારેલું મેળવી શકે છે અને મળેલું ભોગવી શકે છે. તેમને બાહ્ય રીતે જોતાં એમ જ લાગે કે તેઓ ખરેખરા સુખી સંપન્ન છે. પરંતુ જો આવા લોકોના જીવનમાં ડોકિયું કરવાનું મળે તો લાગે કે તેઓ એવી કોઇ વાતે પિડાતા હોય છે જેને કારણે તેમની ઉંઘ ઊડી ગઇ હોય છે. આપણે જે કોટિયાધિપતિની વાત માંડી છે તે દેખીતી રીતે સર્વસંપન્ન હતો- સુખી હતો પણ રાત્રે તેને ઉંઘ જ આવે નહિ. રાતભર તે પથારીમાં પાસાં બદલ્યા કરે પણ નિંદ્રા તેનાથી દૂરને દૂર જ રહ્યા કરે. સવાર થવાની તૈયારીમાં હોય ત્યારે માંડ બે ઘડીનુ ઝોકું તેને આવે.
આ કોટિયાધિપતિ માણસને ત્યાં એક વાર કોઇ સંતનું આગમન થયું. રાત્રિની સરૂઆતમાં આ શેઠે સંત સાથે થોડીક વાતચીત કરી અને પછી સૂવા જવા માટે બંને છૂટા પડયા. સંત મહાત્મા તો થોડીક વારમાં નિંદ્રસ્થ થઇ ગયા પણ આ કોટિયાધિપતિને કેમેય નિંદ્રા ન આવે. વહેલી સવારે થોડીક ઝપકી લઇને શેઠ ઊઠયાત્યારે તેમણે વિચાર કર્યો કે આ સંત સમક્ષ મારી સમસ્યા રજૂ કરૂં. કદાચ તેઓ મને એવો કોઇ કીમિયો બતાવે જેનાથી મને નિરાંતની ઉંઘ આવી જાય.
સવારે પૂજા પાઠથી પરવાર્યા પછી સંત બેઠા ત્યારે શેઠે તેમને વંદન કર્યા અને સત્સંગ માટે તેમની પાસે બેઠા. થોડીક વાર આમતેમ વાત કર્યા પછી શેઠે પોતાની ઊંઘની સમસ્યાની સંતને વાત કરીને તેમના પગ પકડી લેતાં કહ્યું, ‘‘બાપજી! આ વાત નાની દેખાય છે પણ મારા માટે ગંભીર બની ગઇ છે. આમને આમ તો હું એક દિવસ ઉંઘના અભાવે પાગલ થઇ જઇશ. મારા માટે આપ કંઇ કરો. તમે કહેશો ત્યાં પૈસો ખર્ચીશ- ધર્મ કરીશ. પણ મને બચાવી લો’’
સંતે કહ્યું, ‘‘ઉપાય સરળ છે જો તે કરવા તમે તૈયાર થાવ તો. તમને ઉંઘ ન આવવાનું કારણ સ્પષ્ટ દેખાય છે. તમે ઉંઘને પણ ધનથી ખરીદવા માગો છો. તમારૂં ચિત્ત સતત વેપારના સોદા જ કર્યા કરે છે. તમે વેપારને તમારા મનમાંથી ખસેડો એટલે અડધી બાજી તમારા હાથમાં આવી ગઇ એમ સમજો. બહુ ઓછા લોકોને ધારેલું મળે છે, તેનાથી અત્યંત ઓછા લોકો ધારેલું મેળવીને તેને ભોગવી શકે છે. અને જૂજ લોકો મેળવીને, ભોગવીને પછી તેને છોડી જાણે છે. હવે તમે વેપાર- ધંધાને છોડી જાણો. ધનને સાચવવાની વાતનો પણ તમારા ચિત્તમાંથી કાઢી નાખો. આ બે વાત કરશો તો નિંદ્રાદેવીની પ્રસન્નતા તમારા ઉપર ઉતરી આવશે. ભલે સંપત્તિ મેળવો, ભલે તેને યોગ્ય રીતે ભોગવો પણ પછી તો તેને છોડી જાણો.
સ્વપ્નશૂન્ય નિંદ્રા એ તો આશીર્વાદ છે. જે સંપત્તિની વિક્ષિપતતાથી મુક્ત થઇ જાય છે તે સુખે રાતભર સૂઇ જાય છે. પછી તે સંપત્તિ ધનની હોય, યશની હોય કે પદની હોય. તમે કંઇક મેળવવાની સ્પર્ધામાં સતત દોડતા રહો છો ત્યારે હંમેશા વિક્ષિપ્ત રહો છો. ભલે મેળવો. ભાગ્ય હશે તો મળશે પણ તેની પાછળ દોડો નહિ. દોડે મળતું હોય આ દુનિયામાં કોઇ ભાગ્યે જ દુઃખી રહે. જ્યાં સુધી તમે વિક્ષિપ્ત છો ત્યાં સુધી તમે શાન્ત નથી. જ્યાં સુધી શાન્ત નથી થતા ત્યાં સુધી સ્વસ્થ થઇ શકતા નથી. સ્વસ્થતા વિનાનું જીવન એ જીવન નથી રહેતું પણ જીવનના પડછાયા જેવું બની જાય છે.
દિવસે તમે જે કંઇ કરો છો, વિચારો છો તેની પ્રતિક્રિયા રાત્રે જ્યારે તમે સૂવા માટે આડા પડો છો ત્યારે શરૂ થાય છે.
દિવસભર તમે સુરક્ષાની શોધમાં દોડતા રહો છો. માણસને ધનમાં, પદમાં, કિર્તીમાં સુરક્ષા લાગે છે. એટલે તે તેની પાછળ દોડયા કરે છે. આ દોડમાં તે સુખે નથી જીવતોકે સૂતો. જે ધારેલું મળતું જાય છે તેમ દોડ વધતી જાય છે. અને તે જ તેની અશાંતિનું કારણ બની જાય છે.
જ્યાં સુધી માણસ સુરક્ષા શોધતો રહે છે ત્યાં સુધી તેને ક્યાંય સુરક્ષાનો અહેસાસ થતો નથી. માણસ જેવો એ વાત સમજી જાય છે કે સ્વયં વિના ક્યાંય કશું સુરક્ષિત નથી તેવું જ તેનું ચિત્ત શાન્ત અને સ્વસ્થ થઇ જાય છે. સ્વયં સિવાય ક્યાંય વાસ્તવિક સુરક્ષા નથી. માણસ જેવો સુરક્ષાનો ખ્યાલ છોડી દે છે અને જીવન જેવું વહી જાય છે તેને કેવળ જોતો રહે છે ત્યાં જ તે સુરક્ષિત અને સ્વસ્થ બની જાય છે કે સ્વસ્થ જીવનનો માર્ગ વસ્તુતેકે વિષયને છોડવાથી મળી જાય છે. વાત વિચિત્ર લાગે પણ તે જ વાસ્તવિકતા બનીને સામે ઊભી રહી છે - એ ના ભૂલીએ.

No comments: