ભાગ્યેશ જેટલો બળવાન મનુષ્ય તેટલો વધુ ભાગ્યશાળી અને ધનવાન ગણાય. આવા જાતક પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ હોય છે.
વિષ્ણુસ્થાનં ચ કેન્દ્રં સ્યાત્ લક્ષ્મી સ્થાનં ત્રિકોણકમ્તદીશ્યોશ્ય સંબંધાત્ રાજયોગ: પુરોહિત:
અર્થાત જન્મકુંડળીમાં કેન્દ્રસ્થાનના સ્વામી ભગવાન વિષ્ણુ છે ને ત્રિકોણસ્થાનનાં સ્વામિની લક્ષ્મી છે. જો જન્મકુંડળીમાં કેન્દ્ર, ત્રિકોણનો સંબંધ થાય તો રાજયોગ ઊભો થાય છે. આવા જાતક પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ હોય છે. ભાગ્યસ્થાન એટલે ત્રિકોણસ્થાન ગણાય. ભાગ્યેશ જેટલો બળવાન મનુષ્ય તેટલો વધુ ભાગ્યશાળી અને ધનવાન ગણાય.
મનુષ્યના દરેક કર્મની પાછળ ધનનો હેતુ રહેલો છે. જીવનના દરેક સુખમાં ધન બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કહેવત પણ છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. વિદ્યાપ્રાપ્તિનો મૂળ હેતુ પણ ધન છે. આજના યુવા માનસમાં સરસ્વતીનો નહીં પરંતુ લક્ષ્મીનો વાસ છે. દરેક વ્યક્તિની ઇચ્છા લક્ષ્મી મિત્તલ, બિલ ગેટ્સ થવાની છે,
પરંતુ જ્યોતિષ એવું કહે છે કે ધન-સંપત્તિનો મદાર-આધાર તમારું નસીબ અને ભાગ્ય છે, કારણ કે ભાગ્યથી પહેલાં અને ભાગ્યથી વધારે મળવાનું નથી અને તમારું ભાગ્ય કેટલું બળવાન છે? તે તમારી જન્મકુંડળી કહી શકે. કયારેક સમાન જન્મકુંડળીઓ હોય, બંને સરખો પરિશ્રમ કરતા હોય પરંતુ બંનેની આર્થિક સ્થિતિમાં આભ-જમીનનો ફેર હોય.
આમ જન્મકુંડળી ઉપરાંત પૂર્વજન્મનાં કર્મ પણ ખૂબ જ મહત્ત્વની બાબત બની જાય છે. આશ્ચર્યની વાત એ છે કે પૂર્વજન્મનાં કર્મનો આધાર પણ ગ્રહો જ છે. કોઇ પણ જાતકની આર્થિક પ્રતિષ્ઠા જાણવા જન્મકુંડળીમાં નીચેની બાબતોનું નિરીક્ષણ કરવું.
- જન્મકુંડળીનું બીજું સ્થાન ધનસ્થાન છે- એકાદશ સ્થાન અર્થાત્ જન્મકુંડળીનું લાભસ્થાન.- ભાગ્યસ્થાન એટલે નવમું સ્થાન કારણ કે ભાગ્યનો વિચાર ધન સંદર્ભે કરવો પડે.
ધનનો પ્રવાહ કેવો છે તે જાણવા (૧૧મા) લાભસ્થાનનો વિચાર કરીએ.
- જો જાતકની જન્મકુંડળીના લાભસ્થાનમાં ઉરચનો (કર્કનો) ગુરુ, સ્વગૃહી ગુરુ (ધન-મીન) સ્થિતિ હોય અને જો સાથે નેપ્ચ્યુન પણ હોય તો ધનનો પ્રવાહ સારો રહે છે.- લાભસ્થાનમાં ચંદ્ર-ગુરુની યુતિ અવિરત ધનપ્રવાહનું સૂચન કરે છે.- જો લાભસ્થાનમાં ધનેશ (બીજા સ્થાનનો માલિક) અને ભાગ્યેશની (નવમા સ્થાન) યુતિ હોય અગર ધનેશ-લાભેશ- ભાગ્યેશ એમ ત્રણ ગ્રહોની યુતિ લાભસ્થાનમાં જ હોય તો પ્રચુરમાત્રામાં ધન પ્રાપ્ત થાય છે.- જો લાભસ્થાનમાં વ્યયસ્થાનનો (૧૨મા સ્થાનનો) અધિપતિ હોય તો ભારે નુકસાન કરે.- જો લાભસ્થાનનો સ્વામી ગ્રહ કેન્દ્ર (૧-૪-૭-૧૦)સ્થાનમાં અગર ત્રિકોણ સ્થાનમાં (પાંચમા-નવમા) સ્થિત હોય તો ધનવાન બનવાના શ્રૈષ્ઠ યોગ થાય છે.- લાભસ્થાનનો અધિપતિ ગ્રહ જો જન્મ- કુંડળીના ૬ઠ્ઠા-૮મા-૧૨મા સ્થાનમાં હોય તો અગર લાભસ્થાનનો અધિપતિ ગ્રહ નીચ રાશિ અગર શત્રુ રાશિમાં હોય તો આવક અને ધનનો પ્રવાહ ઘટે છે.
હવે જન્મકુંડળીના ધનસ્થાન બાબત વિચારીએ. ધનસ્થાન એટલે જન્મકુંડળીનું બીજું સ્થાન. ધનસ્થાન પરથી ધનના સંગ્રહનો વિચાર કરવો જોઇએ. કુંડળીના બીજા સ્થાન પરથી ધન ઉપરાંત કુટુંબ, વાણી, વાકચાતુર્ય જેવી બાબતોનો વિચાર પણ કરવામાં આવે છે.
- ધનસ્થાનમાં ગુરુ-શુક્રની યુતિ હોય તો અઢળક ધનસંપત્તિ આવે.- જો લાભસ્થાનનો સ્વામી ધનસ્થાનમાં અને ધનસ્થાનનો સ્વામી ગ્રહ લાભસ્થાનમાં હોય તો અઢળક ધન પ્રાપ્ત થાય.- ધનસ્થાનનો સ્વામી ધનસ્થાનમાં જ હોય અગર કેન્દ્ર,ત્રિકોણસ્થાનમાં હોય તો વ્યક્તિ ધનવાન બને છે.- જન્મકુંડળીમાં લગ્ન પાંચમા, નવમા, અગિયારમા, દસમા અને બીજા સ્થાનના સ્વામી ગ્રહની યુતિ કેન્દ્ર અગર ત્રિકોણસ્થાનમાં હોય તો વ્યક્તિ અવશ્ય ધનવાન બને છે.- જન્મકુંડળીમાં ધનસ્થાનનો સ્વામી ગુરુ હોય અને કુંડળીમાં તે શનિ સાથે યુતિ કરતો હોય તો જાતક પાસે ધન ખૂબ જ આવે પરંતુ કંજૂસ પણ ખૂબ જ હોય છે.
ધનસ્થાન અને લાભસ્થાનની સ્થિતિનો વિચાર કર્યા બાદ ભાગ્યસ્થાનનો વિચાર અવશ્ય કરવો પડે, કારણ કે ભાગ્યમાં ધનનો યોગ હોય જ નહીં તો બધું જ વ્યર્થ કહેવાય. ભાગ્યસ્થાન જન્મકુંડળીનું નવમું સ્થાન છે. ભાગ્યસ્થાનનો સંબંધ ફક્ત ધન સાથે જ નહીં પરંતુ યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, સુખ, ધર્મ, પિતા સાથે પણ સંબંધ ધરાવે છે.
No comments:
Post a Comment