Monday, January 31, 2011

મારકણા બાળકની મોકાણ શી રીતે વારશો તોફાની-ધાંધલિયાં-ચીડિયાં ભૂલકાંને?



જ્યા રે કોઈ માતાપિતાને એવી ફરિયાદ સાંભળવા મળે કે તેમનું બાળક અત્યંત આક્રમક બની ગયું છે અને વાતવાતમાં ગુંડાગીરી પર ઊતરી આવે છે ત્યારે તેઓ આ વાત માની શકતા નથી. દરેક મા-બાપને મન તેમનું સંતાન કહ્યાગરું અને શાંત હોય છે. પરંતુ આજના ‘છોટા પરિવાર, સુખી પરિવાર’ના જમાનામાં બાળકો જરાય ‘સુખી’ નથી હોતા. વાસ્તવમાં તેઓ એકદમ એકલા પડી જાય છે. તેમને સાથ આપવાવાળું, તેમની વાત સાંભળવાવાળું કે તેમની સાથે રમવાવાળું કોઈ નથી હોતું. બાળમનોવૈજ્ઞાનિકો કહે છે કે આવી સ્થિતિમાં બાળક અકળાઈ જાય છે. પરિણામે તેનો સ્વભાવ આક્રમક બની જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે ભૂલકામાં આવેલો નાનો નાનો ફેરફાર માતાપિતા નોંધી શકતા નથી. આ લક્ષણો સમય જતાં ઉગ્ર બને છે. અને ગુંડાગીરીમાં પરિણમે છે. પરંતુ પહેલેથી જ કાળજી લેવામાં આવે, અથવા સંતાનના વર્તનમાં થોડોઘણો ફરક દેખાય કે તરત જ તેને વાળવાનો પ્રયત્ન કરવામાં આવે તો વાત વણસી જતી અટકાવી શકાય છે.
સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટા શહેરમાં વસતા લોકો રાત્રે મોડા સુએ છે. પરિણામે બાળકોને પણ મોડાં સુવાની ટેવ પડી જાય છે. આને કારણે તેમને પૂરતી ઉંઘ નથી મળતી. બાળવયમાં અપૂરતી નીંદ્રા બાળકને અકળામણ અને પછી આક્રમકતા સુધી દોરી જાય છે. ભૂલકાના મગજને શાંત રાખવા પૂરતા કલાકો સુધી શાંત નીંદર આવશ્યક છે. તેથી બાળકને મોડામાં મોડું ૯.૩૦ વાગ્યા સુધી સુવડાવી દેવું જોઈએ.
વધારે પડતી ચોકલેટ કે ચીપ્સ જેવી વસ્તુઓ અને કેલેરી વિનાનો ખોેરાક પણ બાળકને તોફાની બનાવે છે. ભૂલકાને દરે બે કલાકે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વીટામીનથી ભરપૂર પૌષ્ટિક આહાર આપો.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે વધારે કલાક સુધી ટી.વી. જોનારા બાળકો પણ ધમાલિયા અને આક્રમક બની જાય છે. ઘણા માતાપિતા તેમના બાળકને કલાકો સુધી કાર્ટુન ફિલ્મ જોવા આપે છે. તેઓ એમ માને છે કે કાર્ટુન ફિલ્મો નિર્દોષ હોવાથી ભૂલકા પર તેની કોઈ ખોટી અસર નહીં પડે. પણ આ માન્યતા સદંતર ખોટી છે. આપણે ‘ટોમ એન્ડ જેરી’નું જ ઉદાહરણ લઈએ. જેરી નાનો હોવા છતાં ટોમને સતત પજવતો રહે છે અને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે આવું વર્તન કરવામાં કાંઈ ખોટું નથી. કાર્ટુનના આવા પાત્રોની માઠી અસર પણ બાળકોના મન પર થાય છે. તેઓ પણ આ પ્રકારનું વર્તન કરે છે અને તેને વ્યાજબી પણ ઠેરવે છે.
ઝગડી રહેલાં માતાપિતાની માઠી અસર બાળમાનસ પર થાય છે. બહેતર છે કે માતાપિતા ભૂલકાની હાજરીમાં ઝગડો કરવાનું ટાળે. બાળકની ગેરહાજરીમાં એકમેક સાથેની ગેરસમજ દૂર કરી લેવાથી તેઓ બાળ ઉછેર પણ સારી રીતે કરી શકશે.
બાળક શાળામાં જતું થાય ત્યાર બાદ બીજા ભૂલકાઓના વર્તનની અસર પણ તેમના ઉપર થાય છે. તોફાની કે મારકણા બાળકો સાથે રહીને શાંત બચ્ચું પણ તેમના જેવું થઈ જાય છે. ઘણીવાર એવું પણ બને કે બે-ત્રણ તોફાની બાળકો સાથે મળીને એક શાંત ભૂલકાને એટલું બઘું સતાવે કે તે કોઈક ઘડીએ ઉશ્કેરાઈને તેમના જેવું જ વર્તન કરી બેસે. આવી સ્થિતિ પેદા ન થાય તે જોવાની જવાબદારી શિક્ષકોની રહે છે.
ઘણાં બચ્ચાઓ મૂળભૂત રીતે જ આક્રમક હોય છે. આવા બાળકોને ‘ટાઈપ-એ’ પર્સનાલિટીના ભૂલકાઓ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ દેખીતા કારણ વિના ધાંધલ-ધમાલ મચાવી મુકતા બાળકને સમયસર સારવાર આપવામાં આવે તો તે તેમના ભવિષ્ય માટે સલામતીભર્યું પગલું ગણાય.
ઘણીવાર ઘણાં બાળકો પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતાં. આવી સ્થિતિમાં અંદરોઅંદર ગુંગળાતા રહેતાં બચ્ચાં પોતાની અકળામણ કોઈકને મારીને વ્યક્ત કરે છે. ખાસ કરીને બોલતાં ન શીખ્યા હોય એટલાં નાના બાળકો ભૂખ લાગે ત્યારે સામી વ્યક્તિને મારે છે.
માતાપિતા જ્યારે પોતાના બાળક પ્રત્યે પૂરતું ઘ્યાન નથી આપતાં, તેમને માટે સમય નથી ફાળવતાં ત્યારે તેઓ તેમનું, બીજા બાળકોનું કે શિક્ષકનું ઘ્યાન પોતાની તરફ ખેંચવા આક્રમક વલણ અપનાવે છે. આ ઉપરાંત જે બચ્ચાઓનો ઉછેર વારંવાર માર ખાઈને થયો હોય તે ભૂલકાઓ પણ બીજાઓને મારતાં થઈ જાય છે.
સામાન્ય રીતે બધા માતાપિતા એમ જ માનતા હોય છે કે તેમનું સંતાન આક્રમક હોઈ જ ન શકે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે માતાપિતાએ તેમનું આ વલણ બદલવું જોઈએ. જે બાળક અત્યંત ધમાલિયું હોય તે કોઈકનું ભૂલકું તો હોય જ છે. તેથી પ્રત્યેક માતાપિતાએ તેમના બચ્ચાના વર્તન પર ચાંપતી નજર રાખવી જોઈએ. જોે વારંવાર તેમના આક્રમક વર્તનની ફરિયાદ આવે તો સમયસર ચેતી જવું આવશ્યક છે. જો બચ્ચાનું વર્તન અત્યંત ધમાલિયું કે આક્રમક હોય, તે કોઈને ગણકારતું ન હોય, તો તેને શારીરિક શિક્ષા કરવાને બદલે તેની સાથે સમજાવટથી કામ લો. તેને શું સાચું અને શું ખોેટું કહેવાય તેની સમજ આપો, પરંતુ જો તમે એને એમ કહેશો કે તે ખરાબ બાળક છે તો તેના મગજ પર તેની ખોટી અસર પડશે. આ વસ્તુ તેના ભવિષ્યને પણ બગાડી શકે.
ઘણીવાર બાળકો માતાપિતા અથવા અન્ય પરિવારજનોનું ઘ્યાન આકર્ષિત કરવાં બીજા ભૂલકાને મારે છે અથવા રમકડાં ફેંકી દેવા જેવી હરકતો કરે છે. સૌથી પહેલાં તો મારામારી કરી રહેલાં બે બચ્ચાઓને છૂટાં પાડો. ત્યારબાદ થોડીવાર સુધી તેની અવગણના કરો. આમ કરવાથી બાળક સમજી જશે કે માતાપિતાનું ઘ્યાન તે આ રીતે નહીં આકર્ષી શકે. તેવી જ રીતે જો ભૂલકાનું વર્તન સારું હોય તો તેની પ્રશંસા કરો. જેમ કે તે પોતાના રમકડાં યથાસ્થાને ગોઠવી દે તો તેની પ્રશંસા અચૂક કરો. આમ કરવાથી તે બીજીવાર આ પ્રકારનું કામ કરવા પ્રેરાશે.
બાળકને આક્રમક થતું અટકાવવા તે પૂરતું ઉંઘે, પૌષ્ટિક આહાર લે, સારી રીતે રમે, હમેશાં ખુશ રહે તેવો પ્રયત્ન કરો. આનંદમાં રહેતું બાળક ઓછું ધાંધલિયું બને છે. આ ઉપરાંત બાળકમાં નાનપણથી જ યોગ, સંગીત, ચિત્રકામ જેવી મનમગજને શાંત-આનંદિત રાખતી પ્રવૃત્તિ કરવાની ટેવ પાડો. આમ છતાં ભૂલકાની આક્રમકતા ઓછી ન થાય તો કાઉન્સેલરની મદદ લેતાં ન અચકાઓ.

No comments: