Wednesday, May 5, 2010

ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે......

તમે એક મનગમતું પુસ્તક કોઇને વાંચવા આપો. પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઇને વાંચવા આપે. ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું, એ જ પુસ્તકનો મોક્ષ! પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઇ ગયા પછી જનમટીપની સજા પામવા માટે નથી થયો. આ પૃથ્વી પર એવો એક પણ દેશ કે પ્રદેશ નથી, જયાં કોઇ ગુજરાતી માનુષ ન પહોંચ્યો હોય. આખરે ગુજરાતીપણું એટલે શું? માથે મારવામાં ન આવી હોય એવી કોઇ પણ તકરાર ગુજરાતીને માન્ય નથી. સ્વાદ વિનાની રસોઇ, ઉમળકા વિનાનો આદર, મીઠાશ વિનાની મોહબ્બત, સ્મિત વિનાનો સત્કાર અને સ્નેહ વિનાનો સંબંધ જેને ઝટ રાસ ન આવે તેનું નામ ‘ગુજરાતી’. ગરવી ગુજરાતણ જ્યારે બારસાખમાં માથું ઓઢીને ઊભી હોય ત્યારે સૌંદર્ય, માધુર્ય અને માતૃત્વ એના પાલવમાં સાવ સહજપણે સંતાયેલાં હોય છે. ગુજરાતી ભાયડાને વેચાતી વહોરવાનું મંજૂર નથી. ગુજરાતના વણિકો, વહોરા, લુહાણા, ખોજા, મેમણો અને પારસીઓ સ્વભાવે વ્યવહારુ, પોચટ અને હિંસાથી ડરનારા હોય છે. તેમની વાણીમાં જે મીઠાશ જોવા મળે, તે છેક નિ:સ્વાર્થ નથી હોતી. એ મીઠાશમાં પણ વેપારમાં ફળદાયી એવી ઠંડી ગણતરી હોય છે. ગણતરી વિનાનો ગુજરાતી એટલે કન્ના વિનાનો કનકવો! ગુજરાતની બે માથાભારે જ્ઞાતિ તે અનાવલા અને પટેલો, એવું સ્વામી આનંદ લખી ગયા. જે આપણને પંપાળતો હોય તોય નખોરિયાં ભરતો હોય એવું લાગે, તે અનાવિલ જાણવો. જે પત્નીનું જાહેરમાં કશુંય ન માને, પણ ખાનગીમાં બધુંય માને, તે પટેલ જાણવો. ખેતમજૂરોનું શોષણ કરવામાં અને શેખી મારવામાં બંને પાવરધા. ગુજરાતનો સાધુ પણ ગણતરીમાં પાક્કો હોવાનો! તમે કોઇ પટલાણીએ ચૂલા પર માટીની કલેડીમાં શેકેલો (પૂનમના ચાંદ જેવો) ગરમ ગરમ રોટલો ખાધો છે? સાવ અજાણ્યા ગામમાં પહોંચી ગયા પછી છેક જ અપરિચિત એવા કાઠિયાવાડી પરિવારની ભીની ભીની મહેમાનગતિ તમે માણી છે? સુરત (રાંદેર)માં તાપીને કિનારે અંગેઠીની રાખોડીમાં શેકાયા પછી તૈયાર થયેલો આંધળી વાનીનો તાજો પોંક તમે ખાધો છે? તમે મહુડીના જૈન તીર્થસ્થાનમાં જઇને તાજી શેકાયેલી ગરમ ગરમ ગોળપાપડી ખાધી છે? ભરૂચની સૂતરફેણી, વડોદરાનો સોલાપુરી ચેવડો અને ખંભાતનું હલવાસન ખાવાની મજા તમે માણી છે? સૌરાષ્ટ્રમાં કયાંક રસ્તાની બાજુ પર આવેલી કોઇ પ્રભાવહીન દુકાન પાસે થોભીને પેણા પરથી ઊતરતાં ફાફડા-જલેબી તમે ટેસથી ખાધાં છે? તમે કદી કચ્છની દાબેલી આરોગી છે? દુનિયામાં નિકાસ થતાં (ચરોતરનાં) મિઠયાં તમે ખાધાં છે? જો આ બધા પ્રશ્નો વાંચીને તમારા મોંમાં પાણી ન આવ્યું હોય, તો માનજો કે તમે અધૂરા ગુજરાતી છો. ગાંધીજીએ ફાફડા-જલેબી નહોતાં ખાધાં, પરંતુ જાણકારો કહે છે કે વેડમી ખાતી વખતે એમણે જરા જેટલો સંયમ દાખવ્યો ન હતો. આજથી પાંચ દિવસ પછી સ્વર્ણિમ મહોત્સવ શરૂ થવાનો છે. તારીખ પહેલી મેને દિવસે આદરણીય મોરારિબાપુની રામકથા અમદાવાદમાં શરૂ થવાની છે. રામ આપણા સંસ્કૃતિ-પુરુષ છે. ગાંધીજીએ રામાયણને ‘જગતનો સર્વોપરી ગ્રંથ’ ગણાવ્યો છે. જવાહરલાલ નેહરુ લખે છે : ‘હજારો વર્ષથી પ્રત્યેક પેઢીએ ભારતમાં લાખો લોકોના જીવનમાં રામાયણ અને મહાભારત વણાઇ ગયાં છે. જો આપણા લોકો બુદ્ધને, ઉપનિષદોને અને આ (બે) મહાકાવ્યોને ભૂલી જાય તો શું થાય? ભારત, ભારત મટી જાય!’ રાજીવ ગાંધીએ અયોઘ્યાથી કોંગ્રેસની ચૂંટણી ઝુંબેશ શરૂ કરી, ત્યારે ભારતમાં રામરાજય સ્થાપવાનું વચન આપ્યું હતું. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનો આરંભ રામકથાથી થાય એમાં ભારોભાર ઔચિત્ય રહેલું છે. લોકશિક્ષક મોરારિબાપુએ દુનિયાના લાખો પરિવારોમાં રામાયણીય સુગંધ પહોંચાડવાનું વિક્રમજનક કામ કર્યું છે. રામકથા જગ મંગલ કરની. આવા શુભ અવસરે ‘જય જય ગરવી ગુજરાત’ના ગાન ઉપરાંત પ્રત્યેક વર્ગના લોકો મનોમન કોઇ શુભ સંકલ્પ લઇ શકે, તો સમગ્ર ગુજરાતનું સર્વદેશીય કલ્યાણ થાય. આર્થિક વિકાસ તો થઇ જ રહ્યો છે, પરંતુ સંસ્કાર વિનાનો સમૃદ્ધ પરિવાર પણ ખરા અર્થમાં ‘સુખી’ નથી હોતો. અહીં થોડાક એવા સંકલ્પોની વાત કરવી છે, જેમાં સુખની સાથે તનની અને મનની શાંતિ પણ હોય. ઊઘની ગોળી લીધા વિના પોઢી ન શકે એવા ધનપતિની અદેખાઇ ન હોય. જો વિચારવાની ટેવ કેળવાય, તો ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે. હવે શરૂ થાય છે એક લટાર વિચારોના વંદાવનમાં. ગુજરાતના યુવાનો આમિર ખાનના શબ્દો સાંભળે : ‘જ્યારે હું મારા ઘરે પહોંચું ત્યારે મારી પહેલી વૃત્તિ રિમોટ નહીં, પરંતુ પુસ્તક પકડવાની હોય છે. હું છેક છ વર્ષનો હતો ત્યારથી વાંચતો રહ્યો છું.’ ગુજરાતમાં એક પણ મંદિર, મસ્જિદ, દેરાસર, ગુરુદ્વારા કે દેવળ પુસ્તકાલય કે વાંચનાલય વિના ન શોભે. ગુજરાતની પ્રત્યેક નિશાળ અને કોલેજ દર વર્ષે એક વાર પુસ્તકમેળો કેમ ન યોજે? કલોલની હોલી ચાઇલ્ડ સ્કૂલ આવો પુસ્તકમેળો પ્રતિવર્ષ યોજે છે. મહાદેવ દેસાઇના રૂડા પ્રયત્નને કારણે નવસારીની સયાજીવૈભવ લાઇબ્રેરી એક યુનિવર્સિટી જેવું કામ કરી રહી છે. ‘વાંચે ગુજરાત’ જેવો પ્રકલ્પ ગુજરાતમાં ઘરે ઘરે બુક-કલ્ચર પહોંચાડે તેવી ક્ષમતા ધરાવે છે. એ પ્રોજેકટમાં ‘તરતું પુસ્તક’ જેવો મૌલિક વિચાર ઉમેરાયો છે. તમે એક મનગમતું પુસ્તક કોઇને વાંચવા આપો. પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઇને વાંચવા આપે. એ પ્રમાણે પુસ્તક તરતું થાય અને અનેક લોકોના હાથમાં પહોંચીને છેવટે વિસર્જિત થાય! ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું, એ જ પુસ્તકનો મોક્ષ! પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઇ ગયા પછી જનમટીપની સજા પામવા માટે નથી થયો. ગુજરાતના પ્રકાશકોને વિનંતી કે ગ્રંથપાલોને ભોળવીને ઉધાર પુસ્તકો ગામડાંની અને નિશાળોની લાઇબ્રેરીઓને માથે મારવાનું બંધ કરે. ગુજરાતની કેટલીય ગંગાસ્વરૂપ લાઇબ્રેરીઓ માવજત માગે છે. નવસારી ‘ગ્રંથનગરી’ બની રહ્યું છે. જીવતી લાઇબ્રેરી જોવી હોય, તો નવસારી જવું રહ્યું. ગુજરાતના મુસલમાનો શાહરુખ ખાનની વાત પર વિચાર કરે : ‘મુસલમાનો બે જાતના હોય છે : અલ્લામાં માનનારા અને મુલ્લામાં માનનારા.’ ઔરંગઝેબનો મોટો ભાઇ દારા સિકોહ કહે છે : ‘જયાં મુલ્લાઓ નથી, ત્યાં સ્વર્ગ છે. જે નગરમાં મુલ્લા રહેતા હોય, ત્યાં કદી પણ શાણો માણસ રહેતો નથી.’ ગુજરાતના હિંદુઓ સંકલ્પ કરે કે અમે મુસ્લિમદ્વેષને રાષ્ટ્રપ્રેમનો પર્યાય ગણીશું નહીં. અમારું હિંદુત્વ સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનું ઉદાત્ત હિંદુત્વ હશે, કારણ કે બાળ ઠાકરેનું હિંદુત્વ અમને એક સદી પાછળ લઇ જનારું છે. ગુજરાતની મહિલાઓ સંકલ્પ કરે કે અમે નિત્યાનંદો કે ભીમાનંદોનો ચરણસ્પર્શ કરીને એમના પતનની પેરવી કરીશું નહીં. બહુમતીની ફરજ છે કે લઘુમતીને સલામતીનો અહેસાસ કરાવે અને લઘુમતીની ફરજ છે કે બહુમતીને સરળતાની પ્રતીતિ કરાવે. ગુજરાતના સેકયુલર કર્મશીલો એવો સંકલ્પ કરે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી ગરિમાયુકત મૌન જાળવે. જો ગુનો સાબિત થાય તો એમને સુપ્રીમ કોર્ટ યોગ્ય સજા ફરમાવશે જ એમાં શંકા નથી, પરંતુ ત્યાં સુધી શાંત રહેવામાં લોકતંત્રની શોભા જળવાશે. એક કોંગ્રેસી મિત્ર કહે છે : ‘તિસ્તાબેગમ જેટલું વધારે બોલે તેટલું મોદીના લાભમાં છે.’ હવે એકાદ વર્ષથી વધારે રાહ જોવી નહીં પડે. નાણાવટી કમિશનનો રિપોર્ટ પણ ત્યાં સુધીમાં આવી નહીં જાય? ગુજરાતમાં લગભગ એક કરોડ ઘરોનાં છાપરાં કે ધાબાં હવે ઝટ ઝટ સફેદ બની જાય એ ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં આખી દુનિયામાં આ વાતનો ફરજિયાત અમલ થવાનો છે કારણ કે સૂર્યનાં કિરણો પરાવર્તન પામે તેથી ગ્લોબલ વોિર્મંગમાં ખાસી રાહત થાય તેમ છે. વિજ્ઞાનીઓ એને ‘આલ્બેડો ઇફેકટ’ તરીકે ઓળખાવે છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં મેં આ વાત ગૂજરાત વિધાપીઠમાં મળેલા ઉત્તર બુનિયાદી વિધાલયોના આચાર્યોસમક્ષ કહી હતી. ગુજરાતમાં જો મોટે મોટા પાયે આ વાતનો અમલ થાય, તો આખી દુનિયામાં ગુજરાતની પ્રશંસા થશે. આલ્બેડો ઇફેક્ટને કારણે વીજળીનું બિલ પણ ઘટશે. ગુજરાતના લોકો દ્રઢ સંકલ્પ કરે કે ઘરમાં એસી, પંખા અને લાઇટની સ્વિચ ઓફ કરવામાં અમે ચીકણી ચીવટ કેળવીશું. ગુજરાતના શાણા લોકો ત્રણ એવા સંકલ્પ કરે જેમાં માનવીય સભ્યતા એક વેંત ઊચે આવશે : (૧) સુખી ગણાતા સંપન્ન લોકો એવું નક્કી કરે કે મજૂરી કરનાર કોઇ પણ ગરીબ આદમી સાથે ક્રૂરતાયુકત ભાવતાલ કરવાનું અમે ટાળીશું. ગરીબને પટાવીને પાંચ પૈસા બચાવવા એ પાપ છે. (૨) ઘોંઘાટના પ્રદૂષણથી બચવા માટે બધા જ ધર્મના લોકોએ સાથે મળીને વિચારવાનો સમય પાકી ગયો છે. ઘોંઘાટ સહન કરવાની શકિત તો અસભ્યતાની નિશાની છે. (૩) આજથી ઓછામાં ઓછો એક ડ્રેસ ખાદીનો પહેરવાનો સંકલ્પ કરવા જેવો છે. આ ત્રણે સંકલ્પો ઉપરાંત ગુજરાતની બધી યુનિવર્સિટીનાં કેમ્પસ પર આદરણીય નારાયણ દેસાઇની ગાંધીકથાનું આયોજન થાય, તો તેમાં ગુજરાતના મનોસામાજિક પર્યાવરણમાં સમરસતાનો ઉમેરો થશે. આપણી સંસ્કૃતિયાત્રા રામરાજયથી રાજઘાટ સુધી વિસ્તરેલી દિવ્ય યાત્રા છે. ગુજરાતની વિકાસયાત્રા અને સંસ્કારયાત્રા સાથોસાથ ચાલવી જોઇએ. મિડિયામાં કામ કરતા સ્માર્ટ મિત્રોને વિનંતી કે ‘મિડિયા જસ્ટિસ’ ટાળે અને તટસ્થ રિપોર્ટિંગ દ્વારા ‘મિડિયા ધર્મ’ પાળે. એકવીસમી સદીમાં પ્રોફેશનલિઝમ પણ નૂતન ધર્મ ગણાશે. મિડિયા વૈમનસ્ય વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. છેલ્લે એક વિચિત્ર વાત કરવી છે. ગુજરાતની ગહિણીઓ ભોજનમાં તીખીતમતમતી, તળેલી અને ખાંડ તથા મીઠાની ભરમારથી સ્વાદિષ્ટ બનેલી વાનગીઓ આગ્રહપૂર્વક પીરસીને પોતાના પતિને હૃદયરોગનો હુમલો વહેલો આવે તેવી હરકત ન કરે તો સારું. માણસ ધાન વગર નથી મરતો, ભાન વગર મરે છે. અસ્વાદ વ્રત નથી લેવાનું, પરંતુ ખરા સ્વાદને માણવાનો છે. સવારે ચાલવા જવાનું મફત છે. પ્રાણાયામ અને ઘ્યાન બિલકુલ મફત છે, પરંતુ બાયપાસ સર્જરી મફત નથી, દવા મફત નથી, દાકતર મફત નથી તથા હોસ્પિટલ મફત નથી. પહેલું સુખ તે જાતે નર્યા અને પહેલું દુ:ખ તે જાતે નડયા! ગુજરાતનાં એક કરોડ યુગલો જો આરોગ્યની માવજત કરવાનો સંકલ્પ કરે, તો તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય. નિર્વ્યસની હોવા જેવો બીજો કોઇ વૈભવ નથી અને પ્રેમથી છલોછલ એવા પરિવારથી ચડિયાતી બીજી કોઇ સમૃદ્ધિ નથી. આવતીકાલનું ગુજરાત માંદું નહીં હોય. એવા સ્વસ્થ, સ્વરછ અને સંસ્કારયુક્ત ગુજરાતનું નિર્માણ આજથી શરૂ!

પાઘડીનો વળ છેડે ગુજરાતે પારસીઓને કેવળ આગળ વધવા માટે ઉત્તેજન પૂરું પાડ્યું છે, એટલું જ નહીં, પરંતુ ભારતની સૌથી સફળ અને સમૃદ્ધ કોમ બની રહે તે માટે ઊચે ચડવાની છૂટ પણ આપી છે. આવું તો માત્ર ગુજરાતમાં જ શક્ય બને. હું બિલકુલ સ્પષ્ટ રીતે માનું છું કે પારસીઓ સમૃદ્ધ થયા તે માટે કેવળ ભારત અને ગુજરાત જ જવાબદાર ગણાય.


No comments: