Friday, June 4, 2010

સંભવામિ ક્ષણે ક્ષણે, સંભવામિ જને જને..

આઘ્યાત્મિક દ્રષ્ટિએ સમાધિ એટલે વત્તિઓનું શિવાકાર થવું.



અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ છે સમાધિ. સમાધિ શબ્દ બહુ વ્યાપક અને ગહન અર્થ ધરાવે છે. આપણે ગતાંકમાં જોયું કે સમાધિ એટલે ઘ્યેયમાં તદાકાર થવું, ડૂબી જવું. સમાધિના પણ કેટકેટલા પ્રકાર!



‘અય મેરે વતન કે લોગો’ જેવા દેશપ્રેમથી છલોછલ ભરેલા કાવ્ય-કટોરામાં ડૂબી જવું તે ભાવસમાધિ. કૈલાસના ધવલોજ્જવલ હિમશિખરોનાં સાંનિઘ્યમાં મન જ્યારે શૂન્ય થાય તે નિસર્ગ-સમાધિ. એ.આર.રહેમાનની કર્ણપ્રિય ધૂનો સંગીત સમાધિનું કારણ બની શકે તો ટોમ અને જેરીની એનિમેશન ફિલ્મો વડે નાનાં ભૂલકાં આનંદ-સમાધિમાં ઓતપ્રોત થઈ જાય. સચિન-ધોનીની ફટકાબાજીમાં મશગૂલ થયેલ ક્રિકેટ રસિયો ખાવા-પીવાનું પણ ભૂલી જાય તેને પણ એક સમાધિ અવસ્થા જ કહેવાય. આ જ ક્રમમાં કેટલાક આધુનિક વિચારકો નામ ભલે આપીએ, પણ તેમાં જે મૂળભૂત તફાવત છે, તે સમજવા જેવો છે. આ બધામાં ચિત્તની ઘ્યેય સાથે એકરૂપ થવાની ક્રિયા અવશ્ય છે, પણ તે દરેકથી મળતી ફળશ્રુતિ જુદી જુદી છે.



જ્યારે નિસર્ગના સૌંદર્યમાં ચિત્ત ડૂબે છે, ત્યારે અસ્તિત્વનું કણેકણ શાંતિથી છલકાઈ ઊઠે. સાથે સાથે રચનાત્મક વૃત્તિ ખીલી ઉઠે. અનાયાસે કોઈ સુંદર છંદ હોઠથી સરકી આવે. શ્રીકૃષ્ણનાં દર્શનથી ભાવ સમાધિમાં ડૂબી ગયેલ નરસૈયો વેદાંતના ગહન બોધને સરળ પ્રભાતિયામાં ઉતારી આપે! ક્રૌંચ પક્ષીના યુગલને ખંડિત થતું જોઈ ‘મા નિષાદ... ’ પોકારી ઊઠતા મહર્ષિ વાલ્મીકિની સંવેદના સમાધિ આપણને રામાયણ જેવા મહાકાવ્યની ભેટ આપે છે. દરેક રચના પાછળ એક સ્ફૂરણા હોય છે અને દરેક સ્ફૂરણા પાછળ એક પ્રેરણા. નૈસર્ગિક સૌંદર્ય પ્રેરણાનું સૌથી સક્ષમ પરિબળ છે. તેનાથી ઊલટું અતિશય ભોગ લાલસામાં લિપ્ત થયેલ મન ક્યારેક કોઈ ગંભીર અપરાધવત્તિનો શિકાર બને.



આ બધા આપણા વિચાર મંથનમાંથી નીકળેલા સમાધિના અર્થો. આઘ્યાત્મિક દ્રષ્ટિએ સમાધિ એટલે વત્તિઓનું શિવાકાર થવું. જે ઘડીએ જીવ અને શિવ તેવા ભેદ ભુલાય તે સમાધિ અવસ્થા. વેદમાં ચાર મહાવાકયો છે, જેમ કે અયમાત્મા બ્રહ્મ, તત્વમસિ, પ્રજ્ઞાનં બ્રહ્મ અને અહં બ્રહ્માસ્મિ. આ ચારેય મહાવાક્યોનું તાત્પર્ય એક જ છે. આત્મા અને પરમાત્મા એક હોવાની અનુભૂતિ.



આધુનિક મનોવિજ્ઞાનમાં આવશ્યકતા ક્રમ એટલે નીડ થિયરી ભણવાય છે. જેમાં ક્રમશ: અન્ન, જાતીય ભૂખ, સલામતી, બૌદ્ધિક અને ભાવનાત્મક જરૂરિયાતો ગણવામાં આવી છે. ત્યારબાદ સેલ્ફ એક્ચ્યુલાઈઝેશન કે સ્વમૂર્તિકરણ જેવી સૂક્ષ્મ વૃત્તિ ખીલે છે. જોકે આ થિયરી માત્ર એક નિર્દેશ પૂરો પાડી શકે. વૃત્તિઓ આ જ ક્રમ અનુસરે તે જરૂરી નથી. પેટમાં આગ જલતી હોવા છતાં હાથમાં મશાલ લઈને અજ્ઞાન કે ગુલામીના અંધકારને પડકારવા નીકળી પડતા મરજીવાઓની સંખ્યા વિશ્વના ઈતિહાસમાં ઓછી નથી. આ સામે વેદના ઋષિ તેથી પણ એક ડગલું આગળ જઈને દરેક મનુષ્યમાં પરમોરચ સંભાવનાનો ટંકાર કરે છે. આ સંદર્ભમાં ગીતાના મંત્રનો વિસ્તાર કરીએ તો કહી શકાય, ‘સંભવામિ ક્ષણે ક્ષણે, સંભવામિ જને જને’!



યોગની અષ્ટાંગ યાત્રાનું એક ચરણ અહીં પૂરું કરીએ છીએ. હવે પછીની આગળની આ ક્ષેણીમાં આપણે દરેક વ્યક્તિ, તે પછી શિક્ષક હોય કે વિદ્યાર્થી, નેતા હોય કે અધિકારી, સૈનિક હોય કે વ્યાપારી-ના સંદર્ભમાં યોગની પરિભાષા સમજવા પ્રયાસ કરીશું. કઈ રીતે યોગદર્શન આપણા સમાજ જીવનનું સર્વાંગી ઉત્થાન કરી શકે તે પરત્વે વિચાર કરીશું. જન-ગન-મનની આ ઉત્કર્ષ યાત્રા માત્ર કોઈ ધર્મ, સમાજ કે રાષ્ટ્ર પૂરતી સીમિત ન હોઈ શકે. સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણા અને સમતાનો કર્તવ્ય બોધ આપી શકે તેવી ક્ષમતા યોગદર્શનના અમર સિદ્ધાંતોમાં રહેલી છે.



ભારતીય દર્શનમાં વિચાર અને આચારનું શ્રેષ્ઠ સંયોજન થયેલું છે. દરેક વિચારને એક આચાર ક્ષેત્ર છે અને દરેક આચારના પાયામાં કોઈ આદર્શ વિચાર છે. વિચાર વિનાનો આચાર તે પશુતા છે તો આચાર નિષ્ઠા વિનાનો પોપટિયું વેદાંત છે.

No comments: