Saturday, June 12, 2010

સાજણ(ગીત

સાજણ તારા નેણ થકી તુ એવાં વેણે બોલ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ,

વાદળીયા વે’વાર જગતનાં
સદા રહે ના નેહ નીતરતાં,
લાગણીયા વે’પાર કરીને
દલડાં સાથે ખેલ એ કરતાં.

કોરાં પૂમડાં ખોસ્ય નહીં ’ને ભેની ફોરમ ઘોળ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

કંકુવયણી આશ્યોનાં તો
તોરણીયાં બાંધ્યા હરખઈ,
કોકરવયણી રાત્યોમાં તો
ખાટી મેઠી વાત્યો થઈ..

રાતે સમણે આંખ મળી તો પડખાંને હંકોર વાલમ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

પરોઢિયાની પાળ્યે બેહી
ગીતડાં ગાશું ગોરસીયાં,
બપોરમાં ખેતરના શેઢે
ચીતડાં પાશું પોરસીયાં.

દેહ નીતરતી હાંજ ઢળી તો નેહની નેક્યો ખોલ વાલમ..
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

-ડો.નવનીત ઠક્કર.

No comments: