Tuesday, June 8, 2010

મુખ્યમંત્રીશ્રીએ ટાટા ગ્રુપના અધ્યક્ષશ્રી રતન ટાટા સાથે નેનો કારમાં ફરીને કોમર્શિયલ લોન્ચિગ કર્યું...

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ નજીક સાણંદમાં ટાટા નેનોકાર પ્રોજેકટનું ઉદ્દધાટન કરતાં સાણંદ અને ચાંગોદરની ઔઘોગિક પ્રગતિના કારણે આકાર લેનારા નૂતન શહેરી વિકાસ ક્ષેત્રમાં જાપાનની ભાગીદારીથી ઇકોસિટી પ્રોજેકટ હાથ ધરવાની જાહેરાત કરી હતી.

ટાટાની નેનો કાર જનતાને સમર્પિત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે “ગુડ ગવર્નન્સ” (સુશાસન) અને કોર્પોરેટ કલ્ચર (ખાનગી ક્ષેત્રની સંચાલન સંસ્કૃતિ)નો દેશના હિતમાં સમન્વય થાય તો કેટલો ઝડપી વિકાસ થઇ શકે તે ગુજરાતે સાર્થક કરી બતાવ્યું છે.

પશ્વિમ બંગાળમાં વિવાદના કારણે ટાટા મોટર્સના નેનો કાર પ્રોજેકટને ગુજરાતમાં સ્થાપવા માટેનું આમંત્રણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું અને તા. ૭મી ઓકટોબર-ર૦૦૮ના રોજ શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વના સુશાસનની સાતમી વર્ષગાંઠે ટાટા મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા સમજૂતિના કરાર અન્વયે સાણંદ નજીક ૧૧૦૦ એકરમાં ઔઘોગિક સંકુલનું નિર્માણ કરીને રૂા. ર૦૦૦ કરોડના મૂડીરોકાણથી ટાટા મોટર્સના નેનો કાર પ્રોજેકટ ર૦ મહિનાથી ઓછા સમયમાં કાર્યાન્વિત કરવામાં આવ્યો છે.

વાર્ષિક ર.પ૦ લાખ નેનો કારના કોમર્સીયલ પ્રોડકશન કરતા આ ઔઘોગિક સંકુલમાં ટાટા મોટર્સ દ્વારા ૧૦૦૦ આઇ.ટી.આઇ. તાલીમી યુવાનોને ઇનહાઉસ ઓટો ઇન્ડસ્ટ્રીઅલ સ્કીલ અપગ્રેડેશન ટ્રેઇનીંગ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ટાટા મોટર્સના અધ્યક્ષશ્રી રતન ટાટાની સાથે રહીને નેનો કાર લોન્ચીંગ કર્યું હતું. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતીના અવસરે ગુજરાતની ધરતી ઉપર દુનિયાની સૌથી સસ્તી નેનો કાર બજારમાં આવી રહી છે અને ભારતની ધરતી ઉપર ફરતી થવાની છે.

દેશની આઝાદીના આંદોલનમાં સ્વદેશી ઉઘોગના પ્રણેતા એવા ટાટા પરિવારના શ્રીમાન રતન ટાટાએ સામાન્ય માનવીના કાર વસાવવાના સપનાં સાકાર કર્યા છે અને ગુજરાતની ધરતી ઉપરથી નેનો કારનું ઉત્પાદન શરૂ થયું છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારતભરમાં ગુજરાત અને નેનો કાર બંને વિકાસની ચર્ચાના કેન્દ્ર બની ગયાં છે. “ટાટા પરિવાર ગુજરાતનો હતો અને ગુજરાતમાં ધરમાં પાછો આવ્યો છે. આ આપનું જ ધર છે, આપનું ગુજરાત છે અને ગુજરાતના વિકાસમાં ટાટાની ભાગીદારીનું ગુજરાતને ગૌરવ છે” એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતે ર૧મી સદીમાં સંકલિત અને સર્વાંગીણ વિકાસના નવા પરિમાણો અપનાવીને નવી ઉંચાઇ ઉપર પહોંચવાનો વ્યૂહ અપનાવ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નેનો કાર પ્રોજેકટના કારણે સાણંદની ધરતીની શાખ-પ્રતિષ્ઠા વૈશ્વિક બની છે અને જાપાન-ભારતના સંયુકત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર (DMIC) અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) પ્રોજેકટનું હાર્દરૂપ મુખ્ય કેન્દ્ર, સાણંદ નજીક પસાર થવાનું છે. આ સંદર્ભમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીઅન (SIR) નો મહત્વાકાંક્ષી પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે. આના પરિણામે સાણંદ અને ચાંગોદર-ધોલેરા સહિતના આખા ઔઘોગિક વિસ્તારમાં નવા નગરોનું નિર્માણ થવાનું છે. આ નૂતન શહેરી વિકાસની ટાઉનશીપ માટે પણ ગુજરાત સરકારે જાપાન સાથે સહભાગીતામાં સાણંદ-ચાંગોદર ઇકોફ્રેન્ડલી સિટીના નિર્માણનો પ્રોજેકટ હાથ ધર્યો છે.

વિકાસ અને પર્યાવરણ બંને માનવજાતની સુખાકારી માટે ઉપયોગી છે તે દિશામાં ગુજરાતે પહેલ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતે વિકાસના ભાવિદર્શન માટે નેકસ્ટ જનરેશન ડેવલપમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી છે તેની રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું કે એક સમયે ઔઘોગિક વસાહતોની સ્થાપનાથી ગુજરાતે ઔઘોગિક વિકાસનો પ્રારંભ કર્યો તે પછી ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને હવે સ્પેશિયલ ઇવેસ્ટર્સ રિજીયન સુધીની ર૧મી સદીની આધુનિક વિકાસયાત્રાના સીમાચિન્હો સ્થાપ્યા છે.

નેનો કાર પ્રોજેકટ પશ્વિમિ બંગાળથી સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો ત્યારે આ પ્રોજેકટ વિદેશમાં નહીં પણ ભારતની ધરતી ઉપર જ આકાર લે તેવા રાષ્ટ્રીય હિતના નિર્ધારથી ગુજરાતે આમંત્રણ આપ્યું અને શ્રીમાન રતન ટાટાએ તે સ્વીકારી લીધું તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ટાટા ગ્રુપનું આ પ્રોજેકટ દ્વારા સૌથી વધુ મૂડીરોકાણ છે અને ટાટા પરિવાર ગુજરાતના વિકાસમાં વધુ ક્ષેત્રોમાં ભાગીદાર બનવાના છે તે જાણીને આખું ગુજરાત તેમને હર્ષભેર આવકારશે.

નેનો કારનું લોન્ચીંગ શાનદાર સમારોહમાં થઇ રહ્યું છે તેનાથી ભાવવિભોર બનેલા ટાટા ગ્રુપના અધ્યક્ષ શ્રી રતન એન. ટાટાએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમને પૂરતો સાથ-સહકાર આપ્યો છે અને તેથી જ આ નિશ્વિત સમયમાં ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીના વર્ષમાં તેનો અમલ શકય બન્યો છે.

તેમણે ગુજરાતીમાં એમ પણ જણાવ્યું હતું કે “આપણે ગુજરાતના હતા અને પાછા ગુજરાતમાં આવ્યા” આ તેમના ઔઘોગિક ગૃહ માટે શ્રેષ્ઠ અવસર છે. સાણંદથી ભારતના સામાન્ય નાગરિકોને પર્સનલ ટ્રાન્સપોર્ટેશન પુરૂ પાડી શકાશે તેવો ઉલ્લેખ કરી તેમણે વધુ રોકાણ કરવાની તત્પરતા દાખવી હતી. સામાન્ય માનવીને પોષાય તેવી સસ્તીકાર પૂરી પાડવાનું સ્વપ્ન સાકાર થયું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ટાટા મોટર્સના ઉપાધ્યક્ષ શ્રી રવિકાંન્તે સ્વાગત પ્રવચનમાં આભાર સહ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત સરકારના ઉમદા સહયોગ, પારદર્શી વહીવટ, ઝડપી નિર્ણયશકિતના પરિણામે જ આટલા સમયગાળામાં નેનોકારનું ઉત્પાદન શકય બન્યું છે.

આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા, મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, ટાટા મોટર્સના મેનેજીંગ ડીરેકટર, ઉચ્ચ સચિવશ્રીઓ, અધિકારીઓ, ટાટા મોટર્સના ઉચ્ચ અધિકારીઓ, ડીલરો, અગ્રીણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

No comments: