Saturday, June 12, 2010

જીવન માટે જળને સાચવવું પડશે...

આ વખતે સારો વરસાદ પડે તો પાણીની સ્થિતિમાં ફરક પડશે, પણ પાણીની વૈશ્વિક તંગી કે પીવાના પાણી માટે ટળવળતાં શહેરો-ગામોની સમસ્યા એક વર્ષમાં ઉકેલી શકાશે નહીં. પાણીને બચાવવા અને સંઘરવા માટે વૈશ્વિકસ્તરની અને મશિનરી સ્પિરિટવાળી સંકલિત નીતિની જરૂર છે.

ભારત વૈશ્વિક આર્થિક મંદીને સફળતાથી પાર કરી શક્યું છે પણ હજુ ફુગાવાના અને કરજના ભરડામાંથી બહાર આવી શક્યું નથી. એટલે આર્થિક વિકાસદર નવ ટકા કે એથી ઊંચો લઈ જવો હશે તો આ ચોમાસામાં સારો વરસાદ અનિવાર્ય બન્યો છે. હવામાન વિભાગનો વરતારો તો કહે છે કે આ ચોમાસુ સારું જશે.

ગયા વરસે ચોમાસુ નબળું ગયું એટલે ખેતીનો વિકાસદર ખૂબ નીચે ગયો છે. માર્ચ -૨૦૧૦ના અંતે પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં રવીપાકના કારણે વિકાસદર સુધરીને પોણો ટકો થયો છે. એની અગાઉના ત્રિમાસિક ગાળામાં તો દર માઈનસ-૧.૮ થઈ ગયો હતો. સારા ચોમાસાની આવી તાતી જરૂરથી સાચા અર્થમાં ‘જળ એ જ જીવન’ બની ગયું છે. પાણી અને કટોકટી એકબીજાના પર્યાય બની ગયા છે.

ગુજરાતનો જ દાખલો લો, ગુજરાતે એક જમાનામાં સિત્તેર વરસમાં ઓછા કે અનિયમિત વરસાદના કારણે ત્રેવીસ વાર દુષ્કાળ કે અછત વેઠવી પડી છે. અલગ ગુજરાતની રચના પછી ૧૯૬૦થી અઠ્ઠાવીસ વરસમાં એવી જ તરાહ ચાલુ રહી અને દસ વાર અછત કે દુષ્કાળ વેઠવાનું ચાલુ રહ્યું. ૧૯૮૫-૮૬થી ત્રણ વરસ તો ઉપરાઉપરી ખરાબ ગયા.

૨૧મી સદીમાં દસ સારાં વરસને કારણે દુ:ખ ભુલાઈ ગયું પણ ૨૦૦૯-૧૦માં ફરી સૌરાષ્ટ્રમાં આ ઉનાળામાં પીવાના પાણીની તંગી એટલી વ્યાપકપણે જોવા મળી કે મનમાં સવાલ ઊભો થયો છે કે નર્મદા યોજનાની કારણે પાઇપલાઇન અને નહેરોમાં વહાવાયેલા નેવું લાખ એકર ફીટ પાણીની અસર કેમ ન થઈ? આટલું બધુંપાણી ગયું ક્યાં?

ગુજરાતની સાથે હવે વિશ્ચ પણ ધીમે ધીમે જળસંકટમાં ડૂબી રહ્યું છે, કારણ કે ભૂતળનાં જળ ઝડપથી ઘટી રહ્યાં છે. ગ્લેશિયર અર્દશ્ય થઈ રહ્યાં છે. પાણીનાં સરોવરો સુકાઈ રહ્યાં છે. સાઠ વરસ પહેલાં વિશ્ચની વસતી અઢી બિલિયન એટલે ૨૫૦ કરોડ હતી ત્યારે પાણીની ઝાઝી ફિકર નહોતી, કારણ કે સિંચાઈની મોટી સગવડ વગર પણ બધાને પૂરું થાય એટલું અન્ન પેદા થતું હતું.

આ પછી વિશ્ચમાં હરિયાળી ક્રાંતિ ફેલાઈ. નવી જાતના હાઇબ્રીડ બિયારણ, વિવિધ પ્રકારના ખાતર અને સિંચાઈની સગવડથી વસતીવધારાને પહોંચી વળાયું પણ ૨૦૦૦માં વસતી વધીને છસો કરોડે પહોંચી ગઈ. અત્યારે લગભગ સાતસો કરોડ છે અને ૨૦૫૦માં નવસો કરોડ આંબી જશે.

આનું કારણ એ છે કે વિશ્ચનો સિંચાઈ હેઠળનો વિસ્તાર બમણો થયો છે. ખેતી માટે પાણીની વપરાશ ત્રણ ગણી વધી છે. તો બીજી બાજુ પહેલાં પાણીની તંગીવાળા વિસ્તારો આઠ ટકા એટલે વસતી પચાસ કરોડ હતી. ૨૦૫૦માં વિસ્તાર વધીને ૪૫ ટકા અને વસતી ચારસો કરોડ પર પહોંચશે. આમેય આ બધો વિકાસ છતાં વિશ્ચમાં આજે પણ સો કરોડ લોકોને રાતે ભૂખ્યા સૂઈ રહેવું પડે છે- આનું કારણ મૂળમાં તો પાણી જ છે.

વિશ્ચમાં બધાને એ પણ ભાગ્યે જ ખબર છે કે ક્યા દેશને કેટલા પાણીની જરૂર છે? દાખલા તરીકે ગ્રેટ બ્રિટનમાં ખેતીમાં ત્રણ ટકા પાણી જ વપરાય છે જ્યારે અમેરિકામાં એકતાળીસ ટકા પાણી ખેતીમાં વપરાય છે. ચીનમાં અંદાજે સિત્તેર ટકા પાણી ખેતીમાં વપરાય છે જ્યારે સૌથી વધુ નેવું ટકા પાણી ભારતમાં ખેતીમાં વપરાય છે. વિશ્ચમાં આ સરેરાશ સિત્તેર ટકા છે.

એટલે આ વખતે સારો વરસાદ પડે તો વરસની પરિસ્થિતિમાં ફરક પડશે પણ લેખમાં બતાવેલી પાણીની વૈશ્વિક તંગી કે પીવાના પાણી વગર ટળવળતાં શહેરો અને ગામડાઓ સમસ્યા એક વર્ષમાં ના ઉકેલી શકાય. આ સવાલને ઉકેલવા અનેક પ્રકારની સમિતિઓ નીમી સવાલને ટાળીએ છીએ. વરસોથી કેન્દ્રીય જળ પંચ કામ કરે છે. યુપીએ સરકારે પોતાની રચના પછી પહેલા જ વરસે રાષ્ટ્રીય જળ સુરક્ષા મિશન નીમ્યું હતું પણ ખાસ પરિણામ ન મળ્યું.

પાણી વગરની ખેતી માટે જળસંગ્રહના કામો રાષ્ટ્રીય સ્તરે કરવા ગયા વરસે ‘નેશનલ રેઇન ફેડ’ વિસ્તાર આયોગની રચના કરી અને હવે છેલ્લે નીમ્યું છે ‘વોટર મિશન.’ આ સિવાય કૃષિ, ગ્રામવિકાસ તેમજ વન અને પર્યાવરણ વિભાગો પણ પાણી અંગેની યોજનાઓ હાથ ધરે છે. પાણી અંગેની રાષ્ટ્રીય નીતિ ૨૦૦૨ તો કેન્દ્ર સરકારે આઠ વરસ પહેલાં ઘડી હતી અને ત્રણ દાયકા પહેલાં કઠોળનું ઉત્પાદન વધારવા ‘પિલ્સઝ ટેક્નોલોજી મિશન’ રચાયું હતું પણ કઠોળનું ઉત્પાદન વધતું નથી.

પાણી અને ઊર્જા વિકાસના બે પ્રમુખ સાધન છે. જળ તો જીવનનો આધાર છે ત્યારે મશિન કરતા મશિનરી સ્પિરિટની વધુ જરૂર છે વધતી જઈ રહેલી જળ સમસ્યાને ઉકેલવા પાણી બચાવવાની, જળસંગ્રહની અને વૈશ્વિકસ્તરે સંકલિત નીતિની જરૂર છે. એ સિવાયના મશિન, આયોગ, સમિતિ કે ઓથોરિટી તો માત્ર બિલાડીના ટોપ સાબિત થશે.

No comments: