Tuesday, June 8, 2010

દુનિયા પર નહીં, દુનિયા બનાવનાર પર ટકો..

ધર્મ કોઈ પણ હોય, શાંતિ માટે બધા એક જ વાત કરી રહ્યા છે.



go to the godદુનિયાદારીની દોડમાં આપણે સંપૂર્ણ રીતે દુનિયા પર ટકી ગયા છીએ, આપણા વિચારનું કેન્દ્ર પણ દુનિયા છે અને કર્મનું કેન્દ્ર પણ. પરમાત્મા સુધી આપણે ત્યારે પહોંચીએ છીએ જ્યારે દુનિયાથી નિરાશ થઇ જઇએ છીએ. જો શરુઆતથી જ દુનિયા બનાવનારાને કેન્દ્રમાં રાખવામાં આવે તો દુનિયા ક્યારેય નિરાશ નહીં થાય. સૂફી સંતોએ આનું ઉત્તમ ઊદાહરણ રજૂ કર્યું છે. આપણું બાહ્ય વ્યક્તિત્વ જે બાબતોને કારણે ચમકદાર બને છે તેનો સંબંધ મન સાથે હોય છે. આપણે ભીતરથી જેટલા ચમકીશું, બહારથી એટલા જ પ્રકાશમાન થઇશું.



ઈસ્લામમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યનું દિલ નૂરી(પ્રકાશમયી) છે પણ તેમાં જ્યારે દુનિયાની મહોબ્બત(રાગ) સમાય છે ત્યારે તારીકી(અંધકાર) છવાઇ જાય છે અને નૂર ચાલ્યો જાય છે. સીધી વાત છે, મનુષ્યમાં એ સમજ હોવી જોઇએ કે તેણે દુનિયા પર કેટલું ટકવું જોઇએ અને કેટલો આધાર દુનિયા બનાવનારા પર રાખવો જોઇએ.



મુસ્લિમ સંત મન્સૂર અમ્મારનો એક કિસ્સો પ્રખ્યાત છે... હારું રશીદે તેમને બે પ્રશ્નો પૂછ્યા હતા. દુનિયામાં સહુથી વધારે બુદ્ધિમાન અને સહુથી વધારે મૂર્ખ માણસ કોણ છે? મંસૂરનો જવાબ હતો કે બુદ્ધિમાન એ છે જે પોતાની જાતને પોતાને બનાવનારા પર છોડી દે છે અને તેના હુકમ પ્રમાણે જીવન જીવે છે. ઊપરવાળાએ માત્ર શરીર જ નથી આપ્યું, સલાહ પણ આપી છે. તેની સલાહો જીવનને ખુશનુમા બનાવવા માટે કામ લાગે છે. ખુદાનું કાયદાનામું સાફ, પાક અને સરળ છે. તેને માનવાથી ફાયદો અને માત્ર ફાયદો જ થાય છે અને તેની વાત માનવામાં જ બુદ્ધિમાની છે. તે આપણી પાસેથી કંઇ લેતો નથી પણ આપે છે ઘણું.



મંસૂરની નજરમાં જાહિલ(મૂર્ખ) તેને કહેવાય જે ખોટા કાર્યો, ગુનો કરે છે અને જાણે પણ છે કે તે ખોટું કરી રહ્યો છે, તેમ છતાં તે એમ કરવાનું છોડતો નથી. મંસૂર કહે છે કે અલ્લાહે આરીફોના દિલ જિક્ર માટે અને અહલે દુનિયાના દિલ લાલચ માટે બનાવ્યા છે. સીધી વાત છે કે ભક્તોએ પોતાના દિલમાં ભગવાનના ભજન, જપ-તપ માટે જગ્યા રાખવી જોઇએ. જો વાસનામાં ડૂબેલા હશો તો ભીતર દુનિયાના વિચારો ભમતા રહે છે અને અંતે આવા વિચારો તમને અશાંત કરે છે. ધર્મ કોઈ પણ હોય, શાંતિ માટે બધા એક જ વાત કરી રહ્યા છે.


No comments: