Saturday, June 12, 2010

સત્યના પાયા પર સફળતાની ઇમારત ચણો...

જીવનમાં નાની નાની વાતોને પણ કારણ વગર અસત્યમાં લપેટી દેવી આપણી ટેવ બની ગઈ છે. સત્યના પાયા પર ઊભું કરીને જીવનને પ્રામાણિક બનાવી શકાય છે.



પત્તાંની રમતમાં જે વ્યક્તિ પત્તાં છુપાવવાનું જાણતો હોય તેને સારો ખેલાડી ગણવામાં આવે છે. પરંતુ જિંદગીના મામલામાં આનાથી તદ્દન વિપરીત છે. ગુપ્ત રાખવું દોષ બને છે, જ્યારે ઉઘાડાપણું શાંતિનું કારણ બનશે. આ બાબતને અઘ્યાત્મએ વ્યક્તિત્વની પારદર્શકતા જણાવી છે. આપણું જીવન લાઇબ્રેરીના ટેબલ પર પડેલું અખબાર જેવું હોવું જોઈએ, જે ઇચ્છે તે વાંચી લે. ઈર્ષ્યા કરવાથી, કેટલીક વાતો છુપાવવાથી સહજતા અને સરળતા સમાપ્ત થઈ જાય છે. ખુલ્લું દિલ અને મગજ ધરાવતા લોકો પોતાની પ્રગતિમાં બધાને સાથે લઈને ચાલે છે. આજકાલ લોકો પ્રેમનો સાચો અર્થ સમજી શકતા નથી.



ફરી-ફરીને વાસનાની રેખાઓ નીચે પ્રેમની પરિભાષાના શબ્દો લખી દેવામાં આવે છે. પ્રેમ ના સમજાય તો કાંઈ નહીં, પરંતુ ઈમાનદારી સાથે દોસ્તી તો કરી જ શકાય છે. વ્યક્તિત્વની પારદર્શિતા સારા મિત્રો આપી જાય છે. સારી દોસ્તી પ્રેમમાં બદલાઈ જવાની સંભાવના રાખે છે. હવે એ વાત પણ સમજી લો કે જીવનમાં પારદર્શિતા ક્યાંથી આવે છે. ઉઘાડું વ્યક્તિત્વ રાખવાની હિંમત સત્યથી આવે છે.



જીવનમાં નાની નાની વાતોને પણ કારણ વગર અસત્યમાં લપેટી દેવી આપણી ટેવ બની ગઈ છે. સત્યના પાયા પર ઊભું કરીને જીવનને પ્રામાણિક બનાવી શકાય છે. પ્રામાણિકતા એટલે કે જીવનની દરેક વાત સ્પષ્ટ અને ચોખ્ખી હોય. જીવનમાં સત્યના પ્રવેશની સાથે જ નિર્ભયતા આપમેળે આવી જાય છે.



આપણે જેટલું અસત્ય લઈને ફરીશું જીવનમાં તેટલા જ ભયભીત રહીશું. આજે જ્યારે લોકો યેન કેન પ્રકારેણ સફળતા મેળવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે જો આપણે જીવનમાં સત્ય અને ઉઘાડાપણા સાથે આગળ વધીશું તો સફળતા અવશ્ય મળશે અને તે પણ શાંતિની સાથે

No comments: