Friday, June 4, 2010

અષ્ટાંગ યોગનું છઠ્ઠુ ચરણ, ધારણા..

ધારણા અષ્ટાંગ યોગનું છઠ્ઠુ ચરણ છે. તેમાં પહેલા પાંચ ચરણ યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર છે. જે યોગમાં બહારી સાધન માનવામાં આવે છે. તેના પછી સાતમા ચરણમાં ધ્યાન અને આઠમા ચરણમાં સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે.



ધારણાનો અર્થ



ધારણા શબ્દ “ધૃ” ધાતુથી બનેલું છે. તેનો અર્થ થાય છે, સંભાળવું, સહારો આપવો. યોગ દર્શન પ્રમાણે-દેશબંધશ્ચિત્તસ્ય ધારણા. (3/1) અર્થાત્ કોઈપણ સ્થાન (મનની અંદર કે બહાર) વિશેષ પર ચિત્તને સ્થિર કરવાનું નામ ધારણા છે. તેનો આશય એ છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા ઈન્દ્રીયોને તેના વિષયોથી હટાવીને ચિત્તમાં સ્થિર કરવામાં આવે છે. સ્થિર થયેલા ચિત્તને એક સ્થાન પર રોકી લેવાને ધારણા કહે છે.



ક્યાં કરવામાં આવે છે ધારણા?



ધારણામાં ચિત્તને સ્થિર કરવા માટે એક સ્થાન આપવામાં આવે છે. યોગી મુખ્યત્વે હ્રદયની વચ્ચે, મસ્તિષ્કમાં અને સુષુમ્ના નાડીના વિભિન્ન ચક્રો પર મનની ધારણા કરે છે.



હ્રદયમાં ધારણા-



યોગી પોતાના હ્રદયમાં એક ઉજ્જવલ આલોકની ભાવના કરીને ચિત્તને ત્યાં સ્થિર કરે છે.

મસ્તિષ્કમાં ધારણા-



કેટલાંક યોગી મસ્તિષ્કમાં હજાર પાંદડીના કમળ પર ધારણા કરે છે.



સુષુમ્ના નાડીના વિભિન્ન ચક્રો પર ધારણા-



યોગ શાસ્ત્ર પ્રમાણે મેરુદંડના મૂળમાં મૂલાધારથી મસ્તિષ્ક વચ્ચે સહસ્ત્રાર સુધી સુષુમ્ના નાડી હોય છે. તેની અંદર સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા જેવા ચક્રો આવેલા છે. યોગી સુષુમ્ના નાડી પર ચક્રને જોઈને ચિત્ત સ્થિર કરે છે.



ધારણાના લાભ
ધારણા ધૈર્યની સ્થિતિ છે. સ્વામી વિવેકાનંદ પ્રચલિત કિવદંતી દ્વારા તેનું ઉદાહરણ આપે છે. સ્વાતિ નક્ષત્ર વખતે સીપ જળમાંથી ટીપું ગ્રહણ કરીને ઘેરા સમુદ્રમાં ચાલી જાય છે અને પરિણામ સ્વરૂપે મોતી બને છે. ધારણા સિદ્ધ થતાં યોગીમાં ઘણાં લક્ષણો પ્રગટ થાય છે. જેવાકે-



(1) દેહ સ્વસ્થ થાય છે



(2) ગળામાંથી મધુર સ્વર નીકળે છે



(3) યોગીની હિંસાની ભાવના નષ્ટ થાય છે



(4) યોગીને માનસિક શાંતિ અને વિવેક પ્રાપ્ત થાય છે



(5) આધ્યાત્મિક અનુભૂતિઓ જેવી કે પ્રકાશ દેખાવો, ઘંટડીનો ધ્વનિ સંભળાવાનો પ્રારંભ થાય છે.

No comments: