લિવ-ઇન રિલેશનશિપમાં બંને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે ‘સરખાં’ મુક્ત છે.એ લગ્નેતર સંબંધ આપોઆપ અપવિત્ર બની જતો નથી.
જે સમાજ એક યા બીજા બહાને સેક્સને અપવિત્ર ગણે છે, તે આડકતરી રીતે માતૃત્વને અપમાનિત કરતો હોય છે. માતૃત્વ નામનું પુષ્પ સેક્સના છોડવા પર ખીલતું હોય છે. પુષ્પને પવિત્ર ગણનારો સમાજ છોડને અપવિત્ર ગણી શકે? જગતનો કોઇ ધર્મ કે કોઇ કાયદો એકબીજાં સાથે રહેવા માગતાં બે જણાંને સહજીવન ગાળવાની મનાઇ ફરમાવી શકે નહીં.
આ બોટમ-લાઇનનો અસ્વીકાર કરનાર સમાજ એકવીસમી સદીમાં દયનીય અને નિંદનીય ગણાવો જોઇએ. લગભગ એ જ તર્ક અનુસાર સાથે ન રહેવા માગતાં બે જણાંને લગ્નસંબંધની પવિત્રતાને નામે આજીવન નજરકેદ ભોગવવા માટે ફરજ પાડનારો સમાજ કદી તંદુરસ્ત હોઇ ન શકે. લગ્ન પવિત્ર છે અને છુટાછેડા પણ પવિત્ર છે. તંદુરસ્ત સેક્સ લંગોટમૂલક બ્રહ્નચર્ય કરતાં ઓછું પવિત્ર નથી. આ બાબતે ગાંધીજી સાથે સહમત થવાનું ફરજિયાત નથી.
શું લિવ-ઇન રિલેશનશિપ અશ્લિલ છે? સુપ્રીમ કોર્ટે એનો સ્વીકાર કર્યો એ સારું છે, પરંતુ એમ કરવામાં સુપ્રીમ કોર્ટ અડધી સદી મોડી પડી છે. લગ્ન કર્યા સિવાય પણ બે યુવાન હૈયાં સાથે રહેવા ઝંખે તેમને સુપ્રીમ કોર્ટના સ્વીકારની ગરજ ખરી? લગ્નેતર સંબંધનો જન્મ લગ્નની શોધ થઇ પછી થયો છે.
લગ્ન એક સાંસ્કૃતિક ઘટના છે અને એનું મહત્વ ઓછું નથી. લગ્ન ગમે તેટલી મહાન અને ઉપકારક સાંસ્કૃતિક ઘટના હોય તોય એ એક અપ્રાકૃતિક ઘટના છે. પુરુષ-પ્રધાન સમાજમાં લગ્ન સાથે માલિકીભાવ એવો તો જોડાઇ જાય છે કે અન્યાય કાયમ સીતા, દ્રૌપદી અને દમયંતીને જ થતો આવ્યો છે.
લિવ-ઇન રિલેશનશિપમાં બંને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે ‘સરખાં’ મુક્ત છે. કોઇ પણ કાયદો મનુષ્યનાં મૂળભૂત અરમાનો પર ખંભાતી તાળું મારીને એમ ન કહી શકે : ‘હવે તમારે ફરજિયાતપણે સાથે રહીને જીવન વેંઢારવાનું છે.’ લિવ-ઇન રિલેશનશિપ મનુષ્યનાં પ્રકૃતિદત્ત અરમાનોને છાબડીમાં લઇને આવી છે. એ લગ્નેતર સંબંધ આપોઆપ અપવિત્ર બની જતો નથી.
પ્રેમ કદી પણ અપવિત્ર ન હોઇ શકે. સેક્સ પવિત્ર પણ હોઇ શકે અને અપવિત્ર પણ હોઇ શકે. વિશ્વામિત્ર અને મેનકા વચ્ચેનું સેક્સ અપવિત્ર હતું કારણ કે એમાં જવાબદારીનો અભાવ હતો. જો વિશ્વામિત્ર અને મેનકાએ ઘર માંડીને શકુંતલાને ઉછેરી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત. લોકો જેને લવ-અફેર કહે છે, તે ૯૦ ટકા કિસ્સાઓમાં કેવળ સેક્સ-અફેર હોય છે. લિવ-ઇન રિલેશનશિપમાં પણ બેજવાબદાર સેક્સ જબરો તરખાટ મચાવી શકે છે.
ખરેખર વાત એમ છે કે પરિણીત યુગલ કરતાંય લિવ-ઇન યુગલની જવાબદારી અનેકગણી વધી જાય છે. અધિક સ્વતંત્રતા અધિક જવાબદારી માગે છે કારણ કે સંતાનો જવાબદાર માતૃત્વ અને જવાબદાર પિતૃત્વ માગે છે. સેક્સ પણ અસુંદર હોઇ શકે છે. પરિણીત યુગલ વચ્ચેનો સેક્સ-સંબંધ આપોઆપ પવિત્ર બની જતો નથી. ભવિષ્યમાં સુવાવડ થાય કે તરત જ બાયોલોજિકલ પિતાનો ડી.એન.એ.ટેસ્ટ લેવાનું ફરજિયાત બનવાનું છે. માત્ર સમયનો સવાલ છે.
લગ્નેતર સંબંધ આપોઆપ અપવિત્ર બની જાય ખરો? લગ્નસંબંધ આપોઆપ પવિત્ર બની જાય ખરો? કેવળ સેક્સ હોય અને પ્રેમ ન હોય, તો એ સંબંધ અપવિત્ર અને સેક્સ જો પ્રેમપૂર્ણ હોય, તો એ સંબંધ ‘પવિત્ર’ ગણાય. જો લગ્નેતર સંબંધને આપોઆપ અપવિત્ર ગણવાની પરંપરા સ્વીકારીએ, તો સૌથી મોટો ધરતીકંપ આશ્રમોમાં થાય તેમ છે.
જવાબદારીના પૂરા ભાન સાથે અને બિનકેફી હાલતમાં કહેવું પડશે કે ગાંધીજીની પ્રેરણા હેઠળ શરૂ થયેલો એક પણ આશ્રમ લગ્નેતર સંબંધ વિનાનો હતો નહીં અને આજે પણ નથી. બ્રહ્નચર્યનો આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હિંદુત્વના સ્મારક ગણાતા આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધિક નિખાલસ અને અધિક નિર્દભ જણાય છે.
એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : ‘તમે મને વનમાં મોકલનારા કોણ? હું આ ચાલી!’ લિવ-ઇન રિલેશનશિપનો આડકતરો સંબંધ નારીમુક્તિ સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સૂકા ભેગું લીલું પણ બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સંબંધને આંખ મીંચીને ‘અશ્લિલ’ ગણવાની મારી હિંમત નથી. મરાઠી સાહિત્યકાર વિંદા કરંદીકરનું એક વિધાન યાદ રાખવું પડશે. તેઓ કહે છે : એક નરકનું નામ ‘અશ્લીલ’ છે.
પવિત્રતાના અને અશ્લિલતાના નોર્મ્સ યુગે યુગે બદલાય છે. સાઉદી અરેબિયામાં હજી પંદરમી સદીના નોર્મ્સ અમલમાં છે. સાઉદી અરેબિયામાં સ્ત્રી તરીકે જન્મ પામવા કરતાં હું આફ્રિકાના જંગલમાં વાંદરી તરીકે જન્મ લેવાનું પસંદ કરું. સાઉદી અરેબિયામાં સ્ત્રી એક ચીજ છે, પદાર્થ છે અને વસ્તુ છે. સ્ત્રીનું આવું વસ્તુકરણ (ઓબ્જેક્ટિફિકેશન) એ જ ખરું પાપ! સ્ત્રીનું ઢીંગલીકરણ અશ્લિલ નથી?
અશ્લિલતા એટલે શું? ઈતિહાસના અરીસામાં થોડીક હકીકતોને જાણી લઇએ. વિક્ટોરિયન યુગમાં પિયાનોના પગ ખુલ્લા રહે તે પણ અશ્લિલ ગણાતું. ૧૮૫૭માં ઇંગ્લેન્ડમાં પરસ્ત્રીગમનનો ગુનો મૃત્યુદંડને પાત્ર ગણાતો હતો. કુન્દનિકા કાપડિયાનું કોઇ પુસ્તક રઘુવીર ચૌધરીના કોઇ પુસ્તકની અડોઅડ કબાટમાં ગોઠવાય તે પણ અશ્લિલ ગણાતું. અરે! કુન્દનિકાબહેનનું પુસ્તક પતિ મકરંદ દવે સાથે કબાટમાં ગોઠવાય તે પણ અશ્લિલ ગણાતું.
ડોક્ટર કોઇ સ્ત્રીને તપાસવા માટે જાય તો ઢીંગલીના કોઇ ભાગને આંગળી અડાડીને એ સ્ત્રી પોતાના શરીરમાં ક્યાં દુખાવો થાય છે તે બતાવતી. ફ્યુડલ પ્રથા પ્રચલિત થઇ તેની શરૂઆતના સમયમાં નવી પરણેલી છોકરી પતિની સાથે મધુરજની માણે તે પહેલાં ગામના જમીનદાર સાથે સહશયન કરતી. મધ્યયુગમાં ચર્ચ તરફથી પુરુષ અને તેની પત્ની વચ્ચેનાં સેક્સ પર પણ પ્રથમ પાંચ મહિનાઓ માટે પ્રતબિંધ મુકાયેલો.
જ્યોર્જિયન સમયમાં રંડીબાજો સ્ત્રીઓને નિર્દયપણે ફોસલાવતા. વર્જિન (અનન્યપૂર્વા) છોકરીને ફસાવવી, તે સામાજિક મોભો વધારનારી બાબત ગણાતી. અંગ્રેજીમાં નીતિવાન વ્યક્તિ માટે વપરાતો ‘moral’ શબ્દ મૂળે ‘mores’ પરથી આવ્યો છે. ‘mores’ એટલે રિવાજો. રિવાજો તો સતત બદલાતા જ રહે છે.
એક જ કાળે પણ દેશે દેશે તે જુદા હોય છે. રિવાજ સ્વભાવે લફંગો હોય છે. એને પોતીકું ચારિત્રય હોતું નથી. સ્ત્રી ઢીંગલી, રખાત, ચીજ, દાસી અને રમકડું મટીને સન્નારી બને તેવી શક્યતા નજીક આવી, તે માટે આપણે સૌ કલિયુગનાં આભારી છીએ. સતીપ્રથા પણ રિવાજનો જ ભાગ હતો ને?
આપણો રુગ્ણ સમાજ બળાત્કારના અંધારિયા કૂવા વેઠી શકે, પરંતુ છુટાછવાયા આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. એવા રોગી સમાજને મૈત્રી વિનાનાં લગ્ન ખપે, પરંતુ લગ્ન વિનાની મૈત્રી ન ખપે. એવા સમાજને દાબદબાણથી થયેલાં લગ્ન ખપે, પરંતુ પરસ્પર સંમતિથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળિયા સમાજમાં જીવન ઉત્સવ મટીને ઉલઝન બની રહે છે. લાખો મનુષ્યો કણસે, તે પણ છાનામાના! આવી રહેલી મનોવૈજ્ઞાનિક ક્રાંતિ જ આવા સડેલા સમાજને બચાવી શકે.
દાદા ધર્માધિકારીએ સુરતની જાહેરસભામાં કહેલું : ‘પરસ્પર સહમતિ સે કિયે ગયે સંભોગ કો મૈં પાપ નહીં માનતા.’ (એ સભામાં આ લખનાર અધ્યક્ષસ્થાને હતો. એ પ્રવચન સમૃદ્ધિ હોલમાં ગોઠવાયું હતું). જ્યાં કેવળ રિવાજનો જ પ્રભાવ હોય, ત્યાં વિચારને નેપથ્યમાં ચાલી જવું પડે છે. લિવ-ઇન રિલેશનશિપ એક વિચારનું નામ છે. એને કારણે સમાજનું નખ્ખોદ વળવાનું નથી, કારણ કે આજના પતિત સમાજમાં હવે વધારે નખ્ખોદ જાય એવી કોઇ શક્યતા બચી નથી.
પાઘડીનો વળ છેડે
જ્યારે પુરુષ અને સ્ત્રી
તેમની વચ્ચે રહેલા તફાવતનો
સ્વીકાર કરે અને આદર કરે
ત્યારે પ્રેમને ખરેખર ખીલવાની
તક પ્રાપ્ત થાય છે.
-જહોન ગ્રે
નોંધ : લેખકના જાણીતા પુસ્તક ‘ઝeખ્ અચ્e ઊચ્ગ્ક ઝૂચ્જ, ‘Men Are From Mars, Women Are From Venus’માં આવા પ્રાણવાન શબ્દો વાંચવા મળે છે. પરણવા માગનારાં અને પરણેલાં સૌ યુગલો આ ગ્રંથ વાંચે.
No comments:
Post a Comment