ક્લાસમાં ટીચર કંઈ સવાલ પૂછે ત્યારે રાજુ હાથ ઊંચો કરતો જ નહીં.
રાજુનો સ્કૂલમાં પહેલો દિવસ હતો. આગલી રાત્રે તેને ઊંઘ પણ નહોતી આવી. આખી રાત વિચારતો રહ્યો કે જુની સ્કૂલમાં તે હોશિયાર વિદ્યાર્થી હતો. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ક્લાસમાં સૌથી આગળ હતો. પહેલેથી રાજુને વાર્તાના પુસ્તક વાંચવાનો બહુ શોખ. સામાન્ય જ્ઞાનના પુસ્તક વાંચીને પણ ઈતિહાસ અને વિજ્ઞાનની તેણે જાણકારી મેળવી હતી. વળી, ગણિતની તો વાત જ ન પૂછો. ગણિત વિષયનો એ જાદુગર હતો. ટીચર બોર્ડ પર સવાલ લખે એ પહેલાં જ રાજુ તેનો જવાબ આપવા અધીરો થઈ જતો. એ જ રીતે અંગ્રેજી અને હિન્દી વિષયમાં પણ સારી એવી ફાવટ હતી.
જુની સ્કૂલમાં તેના ઘણા હોશિયાર મિત્રો હતા. એ સ્કૂલમાં દરેક ટીચરના ગમતા વિદ્યાર્થીઓમાંનો એક રાજુ હતો. કોઈને પણ મળે ત્યારે રાજુનો ચહેરો હસતો જ હોય. સ્માઈલ આપીને ‘હેલો’ કહેતો. તેનો કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય તો સૌથી પહેલા રાજુ મદદે દોડી જતો. એ સ્કૂલમાં કોઈને પણ રાજુની નબળાઈ દેખાઈ નહીં. નબળાઈ એટલે કે કોઈ જાણતું નહોતું કે રાજુના પગ ખૂબ જ દુબળા અને નબળા હતા. તેના પગના ઢીંચણ વધુ સમય સુધી તેના શરીરનો ભાર ઝીલી શકે એમ જ નહોતા. એ કારણે જ રમવાની પણ તેને મનાઈ હતી.
તેની જૂની સ્કૂલમાં ઘણી વાર મેચનું આયોજન થતું.
એ વખતે રાજુ તેના મિત્રોને રમતા જોઈને જ આનંદ લેતો અને તેમનો ઉત્સાહ વધારતો. આખી રાત રાજુ પોતાની જુની સ્કૂલ અંગે વિચારતો રહ્યો. તેણે મનોમન એવી પ્રાર્થના કરી કે નવી સ્કૂલ પણ જુની સ્કૂલ જેવી જ સરસ હોય. જુની સ્કૂલ છોડતી વખતેય રાજુના બધા મિત્રો રડતા હતા. અરે, તેના ટીચર અને પ્રિન્સપાલે પણ રાજુના પપ્પાને વિનંતી કરી હતી કે રાજુને ત્યાં જ રહેવા દે, પણ એમ કરવું અશક્ય હતું. તેના પપ્પાની બદલી થઈ હતી અને એકના એક દીકરાને ત્યાં છોડીને જવાનું તેઓ વિચારી શકે એમ જ નહોતા.
આખી રાત નવી સ્કૂલના વિચારોમાં રાજુ સવારે દરરોજ કરતા વહેલો ઊઠી ગયો. ઝડપથી તૈયાર થઈ ગયો. તેના પપ્પા ગાડીમાં સ્કૂલ સુધી રાજુને મૂકી ગયા. ધીરે-ધીરે રાજુ સ્કૂલ તરફ ગયો. કેટલાક બાળકોએ તેના દુબળા પગ જોઈને મજાક પણ ઉડાવી.
રાજુ તેના ક્લાસમાં બેઠો. પહેલો પિરિયડ શરૂ થયો. ટીચરે રાજુને છેક છેલ્લી બેન્ચ પર બેસાડી દીધો. ટીચરે તેનો પરિચય પૂછ્યો તો રાજુએ કહ્યું કે તે ગામડાની એક સ્કૂલમાં ભણતો હતો. રાજુનો આવો જવાબ સાંભળીને ટીચર અને અન્ય વિદ્યાર્થીઓ પણ હસવા લાગ્યા. તે પોતાની જાતને કહેતો કે થોડી ધીરજ રાખવી જરૂરી છે. બધું બરાબર થઈ જશે, પણ એ પહેલા દિવસે બધા પિરિયડમાં એવું જ બન્યું. દરેક પિરિયડમાં નવા ટીચર આવીને રાજુને પૂછતા અને વળી પાછું રાજુએ અપમાન સહન કરવું પડતું, પણ રાજુએ એ સાબિત કરવાનો નિર્ણય લીધો હતો કે ગામડાની સ્કૂલો શહેરની સ્કૂલોની જેમ જ સારી હોય છે. એ દિવસે રાજુએ તેના માતા-પિતાને કંઈ વાત ન કરી.
સ્કૂલનો બીજો દિવસ, ત્રીજો દિવસ અને મહિનાના બધા દિવસ તેના માટે એવા જ રહ્યા. ક્લાસમાં ટીચર કંઈ સવાલ પૂછે અને રાજુ હાથ ઊંચો કરે તો પણ તેને જવાબ આપવા ઊભો ન કરતા. તેનો કોઈ મિત્ર પણ નહોતો. રિસેસ વખતે બધા બાળકો રમતા ત્યારે પણ રાજુ ક્લાસમાં જ બેસી રહેતો. આખા ક્લાસને ખબર હતી કે રાજુ ગામડાનો વિદ્યાર્થી છે અને તેને ગામડાની સ્કૂલ પર બહુ અભિમાન હતું.
આ પરિસ્થિતિમાં રાજુએ એક યુક્તિ વિચારી. ક્લાસમાં ટીચર કંઈ સવાલ પૂછે ત્યારે રાજુ હાથ ઊંચો કરતો જ નહીં. પરિણામે ટીચર અને ક્લાસના બીજા બાળકોએ તેના તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. રાજુ જાણતો હતો કે એક મહિના પછી વાર્ષિક પરીક્ષા હતી. તેણે ઘરે જ મહેનત કરવાની શરૂ કરી. સ્કૂલમાં બધાને એમ જ હતું કે ગામડાનો આ છોકરો નાપાસ જ થશે. પરીક્ષાની સમય નજીક આવતો ગયો એમ બધા વિદ્યાર્થીઓ ભણવામાં વ્યસ્ત રહેવા લાગ્યા, પણ રાજુના હાથમાં પુસ્તક ન જોઈને તેઓ તેની મજાક ઉડાવતા. રાજુ મનોમન હસતો અને ભણવામાં ધ્યાન આપતો.
એક અઠવાડિયામાં વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ. પંદર દિવસની રજામાં રાજુ ગામડે ગયો. રીઝલ્ટ આવવાની તૈયારી હતી અને રાજુ પાછો શહેર ગયો. પરિણામ આવ્યું તો રાજુની ખુશીનો પાર નહોતો. એક વાર ફરી તેનો પહેલો નંબર આવ્યો હતો. તેણે સાબિત કર્યું કે ગામડાની સ્કૂલ શહેરની સ્કૂલ જેટલી જ સારી હતી.
No comments:
Post a Comment