ભક્તિ કરનારા હનુમાનજી પાસેથી પાઠ લઈ શકાય છે કે ભૌતિક યુગમાં તન અને મનનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
આપણે સૌ કોઈ ને કોઈના પ્રતિનિધિ છીએ. આઘ્યાત્મિક દ્દષ્ટિએ જોઈએ તો આપણે પરમાત્માના પ્રતિનિધિ છીએ. ભૌતિક જગતમાં વેપાર કરતા હો, નોકરીમાં હો કે કોઈ પરિવારના સભ્યો હો, આપણે ત્યાં પણ એક પ્રતિનિધિની ભૂમિકામાં હોઈએ છીએ. જ્યારે તમે કોઈ પરિવાર કે સંસ્થામાં પ્રતિનિધિની ભૂમિકામાં હોવ છો ત્યારે તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે.
પ્રતિનિધિમાં કઈ વિશેષતાઓ હોવી જોઈએ તે રામદૂતના સ્વરૂપમાં હનુમાનજીએ બતાવી છે. એક દૂતમાં ત્રણ વિશેષતાઓ હોવી જોઈએ, ચમકદાર નેતૃત્વ, જવાબદારીનું ભાન અને ત્રીજી છે આક્રમક વચનબદ્ધતા. જ્યારે વાનર સીતાની શોધમાં નીકળ્યા ત્યારે મુશ્કેલીના સંજોગોમાં હનુમાનજીએ તેમનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે તેઓ સ્ટાર લીડર, ચમકદાર નેતા તરીકે બહાર આવ્યા હતા. મેનેજમેન્ટની ભાષામાં તેને જવાબદારીનું ભાન કહેવામાં આવે છે.
ત્રીજી વિશેષતા છે આક્રમક વચનબદ્ધતા. જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા ત્યારે ઔષધિ લાવવા માટે હનુમાનજીએ શ્રીરામને વચન આપ્યું હતું કે હું આ કામ સમયસર પૂરું કરીશ. હનુમાનચાલીસાની બીજી ચોપાઈમાં કહેવાયું છે કે, ‘રામદૂત અતુલિત બલ ધામા, અંજનિપુત્ર પવનસુત નામા’, તમે મા અંજનિના પુત્ર છો, રામજીના દૂત છો, તમારા જેવો બીજો કોઈ બળવાન નથી. અહીં તેમને રામદૂત કહીને રામજીના સૈન્યમાં તેમની મહત્તા દર્શાવાઈ છે.
તુલસીદાસજી બતાવવા માગે છે કે દરેક વ્યક્તિની સફળતા પાછળ માની ભૂમિકા મહત્વની હોય છે. મા અંજનિએ હનુમાનજીને તૈયાર કર્યા હતા. સંસારના તમામ સંતાનો તેમની માના ઋણી હોય છે. હનુમાનના રોમ-રોમમાં રામનામ વસેલું છે. ભક્તિ કરનારા હનુમાનજી પાસેથી પાઠ લઈ શકાય છે કે ભૌતિક યુગમાં તન અને મનનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જીવનમાં સફળતા માટે શરીર અને આત્મા વચ્ચે સુમેળ સાધવો અત્યંત જરૂરી છે.
No comments:
Post a Comment