Saturday, June 12, 2010

નકસલવાદ – માઓવાદ – મૃત્યુવાદ ...

તમે કદી લાલ કીડીની ચટની ખાધી છે? અરુંધતી રોયે એ ચટની દંતેવાડાના નકસલવાદીઓ વચ્ચે રાત-દિવસ રહીને લીજ્જતપૂર્વક ખાધી છે. અરુંધતી સાથે તમે સંમત થાવ કે ન થાવ, એનાં લખાણમાં કશુંક એવું તત્વ હોય છે, જે તમને આશ્ચર્યમાં ડુબાડી દે છે અને તમને એમ કહેવાનું મન થાય છે: અરે! મને તો આ વાતની ખબર જ નહોતી! લેખિકાને મૃત્યુવાદ પ્રત્યે પ્રેમ હોય એવો વહેમ પડે છે.

અરુંધતીને નક્સલવાદી હિંસામાં કશુંય અજુગતું લાગતું નથી. એની દલીલો દૂધની નહીં, તલવારની ધાર જેવી હોય છે. એની વાત કદાચ ખોટી લાગે તોય એની વૈચારિક સનીસ્ઠા વાચકને આકર્ષે છે. માઓવાદી હિંસાને એ લગભગ રોમાન્ટિક કક્ષાએ લઇ જાય છે. એની લેખનશૈલીનો એક ચમકારો આ રહ્યો:

દંતેવાડામાં પોલીસો સાદા પોશાકમાં હતા,

બળવાખોરો ગણવેશધારી હતા.

જેલનો સુપરિન્ટેન્ડન્ટ જેલમાં બંધ હતો,

જેલના કેદીઓ મુક્ત હતા!



અરુંધતી ભારતને ઉચ્ચ વર્ણના હિંદુ રાજ્ય તરીકે ઓળખાવે છે. માઓવાદીઓને સરહદ પરના દેશો તરફથી શસ્ત્રો મળે છે. એમને વીજળી, સડક, પાણી, નિશાળ કે હોસ્પિટલમાં રસ નથી. જસ્ટિસ ક્રિશ્ના ઐયર કહેતા: આદિવાસી વિસ્તારોમાં ભારતીય બંધારણ બહેરું અને મૂંગું છે. શું આદિવાસીઓને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુવિધા આપવાનું ટાળીને જંગલની જ જિંદગી જીવવા માટે મુક્તિ આપી શકાય ? ચારુ મજમુદાર નક્સલવાદી વિચારધારાના પ્રણેતા હતા. એમનું સૂત્ર હતું: ચીનના ચેરમેન માઓ અમારા ચેરમેન છે અને ચીનનો માર્ગ અમારો માર્ગ છે.



શું ચીને માઓના માર્ગને તિલાંજલિ નથી આપી દીધી? શું ભારત સિવાયના કોઈ દેશમાં અરુંધતી નકસલવાદ- માઓવાદ- મૃત્યુવાદની આટલી નગ્ન હિમાયત કરવાની સ્વતંત્રતા મળી હોત ખરી?



અરુંધતી ગાંધીજીની અહિંસાને પવિત્ર ધતિંગ (Pious humbug) તરીકે ગણાવીને એમના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની ઠેકડી ઉડાવે છે. શું ગ્રામસ્વરાજ વિથ અ ગન એ જ વિકલ્પ છે? અરુંધતી કહે છે: એ હજી વિકલ્પ નથી. પરંતુ એમાં જ વિકલ્પની શક્યતા પડેલી છે.





અરુંધતી કહે છે: માઓવાદી લશ્કર કોઈ પણ ગાંધીવાદી કરતાં વધારે ગાંધીવાદી છે. વિધ્વંસના સમયે પણ જયારે પોલીસના વાહનને આગ ચાપવાનું બને ત્યારે વાહનના બધા ભાગો છૂટા પાડીને કાઢી લેવામાં આવે છે. કારના સ્ટિયરિંગને સીધું કરીને લાઠી (ભરમાર) જેવું બનાવી દેવામાં આવે છે. બળવાખોરોને છેલ્લામાં છેલ્લી સૂચના હાઈ કમાન્ડ તરફથી એ આપવામાં આવી છે કે કબજે કરાયેલાં સરકારી વાહનોનો અગ્નિસંસ્કાર કરવાને બદલે એમને દાટવાનું રાખવું. ગાંધીજીની મશ્કરી કરવાની આ રીત અત્યંત છીછરી ન ગણાય!



આદર્શવાદી પાગલપણું કયારેક એવો અંધાપો સર્જે છે, જેને કારણે બીજું કોઈ પણ દ્રષ્ટીબિંદુ નિંદનીય બની જાય છે. આપણા દેશમાં કેટલાય આદરણીય વિચારશીલ વિદ્વાનો છે, જેઓ પૂરી પ્રમાણિકતાપૂર્વક કોર્પોરેટ બિઝનેસનો અને ગ્લોબલ – લિબરલ અર્થવ્યવસ્થાનો વિરોધ કરે છે. લોકતંત્રમાં આવા વિચારનિષ્ઠ વિરોધનું મહત્વ ઓછું નથી. વિવેકયુક્ત વિરોધ લોકતંત્રનું ઘરેણું છે.



કેટલાક પ્રશ્નોના જવાબ ઝટ જડતા નથી. આવા થોડાક પ્રશ્નો અહી પ્રસ્તુત છે:
સામ્યવાદી – સમાજવાદી શાસનવ્યવસ્થા અપનાવનારા કોઈ દેશની ગરીબી દૂર થઈ છે ખરી?
ઉત્તર કોરિયા સામ્યવાદી દેશ છે. દક્ષિણ કોરિયા મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાથી પચાસ વર્ષ પાછળ કેમ છે? ત્યાં ગરીબી કેમ છે?
કોંગ્રેસના કોઈ પણ અધિવેશનમાં છેલ્લા વીસ વર્ષ દરમિયાન સમાજવાદ શબ્દ સંભળાયો ખરો? એ શબ્દ ક્યાં ગયો?
નરસિંહ અને મનમોહન સિંહે વીસેક વર્ષ પર જે ઉદાર અર્થવ્યવસ્થાનો પ્રારંભ કર્યો એમાં ત્યાર પછી આવેલી બિન- કોંગ્રેસી સરકારોએ કોઈ પણ ફેરફાર કેમ ન કર્યો?
રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશોએ સામ્યવાદી અર્થનીતિ કેમ છોડી દીધી?
કોણ વધારે વિશ્વસનીય …….. અરુંધતી કે ચિદમ્બરમ?

ભારતના કુલ ૧૯૫ જીલ્લામાં અને ૧૬ રાજ્યમાં નક્સલવાદી હિંસા પ્રસરેલી છે. OUTLOOK (૨૯ માર્ચ, ૨૦૧૦) ના અંકમાં અરુંધતીનો ૩૨ પાનાંનો લેખ વાંચીને જે પ્રશ્નો મારા મનમાં ઊઠ્યા એ આવા હતા. અરુંધતી જૂઠું બોલવામાં ખચકાટ અનુભવે એવી કાયર નથી. એ લેખ કોઈ નવલકથા જેટલો રોમાંચક છે. ભારતના બંધારણીય અસ્તિત્વ સામેનો પડકાર ઊભો થયો છે. જો અભેદ્ય જંગલ વિસ્તારોમાં વીજળી, સડક, પાણી, શિક્ષણ અને આરોગ્ય સુવિધા પહોંચ્યાં હોત તો વિકરાળ નકસલવાદ પેદા થયો હોત ખરો? ગુજરાતમાં હજી સુધી માઓવાદ કેમ નથી આવ્યો? વિચારવું પડશે.



દંડકારણ્યમાં માઓવાદી બિરાદરો (Comrades) સાથે બેઠેલી અરુંધતીએ જે સેન્ડલ પહેર્યા છે એ મલ્ટીનેશનલ કંપનીમાં બનેલાં જણાય છે. મોજાંની ખબર નથી, પરંતુ એણે (જીન્સનો) પેન્ટ પહેર્યો છે, એ પણ દેશી કંપનીનો નથી જણાતો. આવી અરુંધતી ગાંધીજીની મશ્કરી કરે એમાં ગાંધીજીને કોઈ હાની પહોંચે ખરી? મને ચિદમ્બરમ પર પૂરો વિશ્વાસ છે.

No comments: