[1] પરિવર્તન – વિપિન પરીખ
સાંજ ઢળતી હોય ત્યારે
માથે હાથ ફેરવતાં ફેરવતાં
સાસરેથી આવેલી દીકરી આપણને કહે –
‘તમે ખૂબ થાકી ગયા છો પપ્પા, પાણી આપું ?
થોડોક આરામ કરતા હો તો ?’
ત્યારે
આપણે એકાએક સભાન થઈ જઈએ છીએ
ધીમે ધીમે હવે આપણી જ દીકરી
આપણી મા બનતી જાય છે.
[2] સાવધાન – ભગવાન બુદ્ધ
હે લોકો,
હું જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહીં. આવું હશે એમ ધારી ખરું માનશો નહીં. તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં. પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.
[3] પ્રાર્થના – ગાંધીજી
હે નમ્રતાના સ્વામી,
ભંગીજનની રંક ઝૂંપડીના વાસી
ગંગા, બ્રહ્મપુત્રા અને જમુનાના જળથી સંચિત
આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે
તને શોધવામાં અમને મદદ કર
અમને ગ્રહણશીલતા આપ, ખુલ્લું હૃદય આપ
અમને તારી નમ્રતા આપ
ભારતમાં લોકસમુદાય સાથે
અમારી જાતને એકરૂપ કરવા માટે
શક્તિ અને તત્પરતા આપ.
હે ભગવાન,
માણસ પોતાને સંપૂર્ણપણે દીન અનુભવે
ત્યારે જ તું મદદ કરે છે.
અમને વરદાન આપ
કે સેવક અને મિત્ર તરીકે અમારે
જે લોકોની સેવા કરવાની છે,
તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ.
અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ
મૂર્તિમંત દિવ્યતા બનીએ
મૂર્તિમંત નમ્રતા બનીએ
જેથી આ દેશને વધુ સમજી શકીએ
અને વધુ ચાહી શકીએ
[4] મા – હર્ષદેવ માધવ
કલ્પવૃક્ષની લેખણ લઈને
લખતી સરસ્વતીને
કહેજો કે
ઈશ્વરના ગુણો ખૂટી જાય તો
એમાં ઉમેરી લે
માના ગુણો.
[5] અહંકાર – નગીનદાસ સંઘવી
મુર્શીદે પોતાના શિષ્યોને કહ્યું : ‘કોઈ પણ ઉપદેશ મનમાં ઉતારી શકાય તે માટે શિષ્યોએ અહંકાર છોડવો પડે છે, તેથી તમારા મનમાં આવી કોઈપણ ભાવના છે કે નહીં તે વિશે મારે જાણવું છે.’
એક શિષ્યે કહ્યું : ‘હું ઘણો ખૂબસૂરત આદમી છું અને તે બાબતનો મને પૂરો ખ્યાલ છે.’
બીજાએ કહ્યું : ‘હું ખુદાપરસ્ત અને પાક સાફ જીવન ગાળતો હોવાથી ખુદાનો પ્યારો છું.’
ત્રીજાએ કહ્યું : ‘હું અભ્યાસમાં હોશિયાર હોવાથી ભવિષ્યમાં મોટો ઉપદેશક અને ગુરુ થવાની ક્ષમતા ધરાવું છું.’
ચોથાએ કહ્યું : ‘લાંબા સમય સુધી સાધના કરીને મેં અહંકાર નાબૂદ કર્યો હોવાથી હવે હું સંપૂર્ણત: અહંકારરહિત છું.’
સૂફીએ કહ્યું : ‘રૂપ અને અક્ક્લનો અહંકાર સામાન્ય હોય છે. પવિત્રતા અને ધાર્મિક હોવાનો અહંકાર તેના કરતાં વધારે ખતરનાક હોય છે, કારણ કે પોતાને પવિત્ર માનતો માણસ અન્ય માનવો પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના ધરાવે છે અને બીજા પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે જુલમ પણ કરે છે. અહંકાર ન હોવાનું અભિમાન સૌથી વધારે નુકશાનકારી છે, કારણ કે આવો અહંકાર આધ્યાત્મિક અંધાપો આણે છે. પોતાની ખામીઓ અને ઊણપ જોઈ ન શકે તેવા સાધક માટે વિકાસના તમામ દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે.
[6] પ્રભુ-પંચાયતમાં બાળક – પ્રણવ પંડ્યા
હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ
તો તને આવીને મળાય પ્રભુ !
તે’ય મસ્તી તો બહુ કરેલી, નહિ ?
કેમ મારાથી ના કરાય પ્રભુ ?
આ શું ટપટપથી રોજ ના’વાનું
પે’લા વરસાદમાં નવાય પ્રભુ
આખ્ખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં-દૂધમાં રમાય પ્રભુ ?
રોજ રમીએ અમે એ મેદાને
કેમ મંદિર નવું ચણાય, પ્રભુ ?
મમ્મી-પપ્પા તો રોજ ઝઘડે છે
તારાથી એને ના વઢાય, પ્રભુ ?
બળથી બાળક તેને જો વંદે તો
બાળ મજદૂરી ના ગણાય, પ્રભુ ?
[7] સુવિચાર – પૉલ સી. બ્રેગ
હરકોઈ માણસની એવી ઈચ્છા હોય છે કે તે સો વરસથી વધારે જીવે. જિંદગીના પ્રત્યેક વરસને તે દુ:ખરહિત ને ચિંતારહિત બનાવવા ઈચ્છે છે. તે જિંદગી સુખમય અને આનંદમય બનાવવા ઈચ્છે છે. હરકોઈ માણસની જિંદગી તેની પોતાની મૂઠીમાં છે. તે કોઈ પણ સમયે પોતાની જિંદગી શરૂ કરી શકે છે. આ જીવન-ધનની સાચવણી તરફ આપણે બહુ જ ઓછું ધ્યાન આપીએ છીએ. આપણે ‘સો શરદ (ઋતુ)ની જિંદગી’થી આગળ વધીને સવાસો વરસ કે તેનાથી પણ વધારે આગળ વધવાનું છે. આપણી પાસે સારી તંદુરસ્તી અને સ્ફૂર્તિ હોય તો જ આપણે આટલા લાંબા જીવનનો હક મેળવી શકીએ છીએ.
[8] ઊઘડતાં દ્વાર અંતરનાં…. – એલન કેડી
જીવનને તમે જેવું બનાવો તેવું તે બને છે. દરેકેદરેક પરિસ્થિતિમાંથી ઉત્તમ શું છે તે શોધી કાઢી અને પૂર્ણપણે કેમ ન માણો ? ભલેને તમે ગમે ત્યાં હો અને ગમે તે કરતાં હો ! તમે બીજે ક્યાંક હોત અને બીજું કશુંક કરતાં હોત તો કેટલું સારું હતું, એવું ઈચ્છવામાં કદી સમય કે શક્તિ બગાડો નહીં. તમે જ્યાં છો ત્યાં શા માટે છો, એ વાત બધો વખત તમને નહિ પણ સમજાય, પણ એટલી ખાતરી રાખજો કે એની પાછળ બહુ ચોક્કસ કારણ રહેલું છે અને એમાંથી પાઠ પણ શીખવાનો છે. એની વિરુદ્ધ લડો નહિ, પણ એ પાઠ શું છે તે શોધી કાઢો અને એ ઝડપથી શીખી લો, જેથી તમે આગળ ગતિ કરી શકો. એકની એક જગ્યાએ સ્થગિત થઈ રહેવાનું તો તમે નહિ જ ઈચ્છો, ખરું ને ? તમે વિરોધ કરતાં અટકો, જે પાઠ શીખવાના છે તેનો બસ સ્વીકાર કરો અને માર્ગમાં આવે તે બધું જોયા કરો તો જીવન તમને ઘણું વધારે સરળ લાગશે, અને વળી જે પરિવર્તનો થઈ રહ્યાં છે તેને તમે માણી પણ શકશો. છોડ ઊગવા કે બદલાવા સામે વિરોધ નથી કરતો, એ ફક્ત એની સાથે સાથે વહે છે અને સાચા સંપૂર્ણ સ્વરૂપમાં ઊઘડે છે. તમે પણ એવું કેમ ન કરો ?
No comments:
Post a Comment