પૃથ્વીથી અબજો માઈલ છેટે આવેલા સૂર્યમંડળના બે ગ્રહો પર જીવન હોવાના પુરાવા
પરગ્રહ પર જીવનના ચિહ્નો શોધવા માટે સ્થપાયેલી સંસ્થા ‘સેટી’ના ખગોળશાસ્ત્રીઓએ આપણા સૂર્યમંડળ જેવી બીજા ગ્રહમંડળો શોધી કાઢ્યા છે. આ ગ્રહમંડળમાં પૃથ્વી જેવી પરિસ્થિતિ ધરાવતા ગ્રહો હોવાની અને તેના પર જીવન વિકસ્યું હોવાની ધારણા પણ બાંધવામાં આવી છે. ‘સેટી’ અમેરિકાની અવકાશ વિજ્ઞાન સંસ્થા નાસા સાથે મળીને કામ કરે છે. ઉપરોક્ત પ્રોજેક્ટમાં તેને બ્રિટનની જોડ્રેલ બેન્ક વેધશાળાએ મદદ કરી હતી.
ખગોળવિદેએ જણાવ્યું હતું કે સીએમ ડ્રેકોઈન્સ નામે ઓળખાતા ગ્રહમંડળમાં બે ગ્રહો એવા છે જેમાંના અમુક વિસ્તારનું હવામાન જીવનને પોષવા માટે યોગ્ય છે. આ ગ્રહો પર પાણી હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ અંગેની વધારાની વિગતો અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની વાર્ષિક સભામાં જાહેર કરવામાં આવનાર છે. પૃથ્વી જેવા બીજા ગ્રહો શોધી કાઢવા માટે ખગોળવિદે સેટીને મદદ કરી રહ્યા છે.
ડેવિડ આર્બોન્યુ નામના નિષ્ણાત રોજ રાત્રે અવકાશ ભણી ટેલિસ્કોપ તાકીને બેઠાં રહે છે. તેઓ જે તે ગ્રહની આસપાસ ઓઝોનનું સ્તર પકડી પાડવાની કોશિશ કરે છે. ઓઝોનની હાજરીમાં જીવન વિકસી શકે છે. કેમ કે આ સ્તર સૂર્ય કે તેના જેવા બીજા તારા પાસેથી મળતા પ્રકાશના કિરણોનું પરાવર્તન થવા દેતો નથી. પરિણામે જે તે ગ્રહ પર હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે છે જે જીવન પાંગરવા માટે જરૂરી છે. પ્રકાશમય તારા તરફથી મળતા હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોને તે ગ્રહ પર પ્રવેશતા અટકાવે છે.
સીએમડ્રેકોઈન્સ ગ્રહમાળા ખૂબ વિચિત્ર છે. આપણા ગ્રહમંડળમાં સૂર્ય કેન્નસ્થાને છે અને બાકીના ગ્રહો તેની પ્રદક્ષિણા કરે છે. પરંતુ સીએમડ્રેકોઇન્સમાં કેન્દ્ર સ્થાને એક નહીં પણ બે તારા છે. આપણા સૂર્ય કરતા ખૂબ ઓછા તેજમય અને લાલાશ પડતા આ તારાઓ એકબીજા ફરતે ફૂદરડી ફરે છે. બાકીના ગ્રહો વારાફરતી આ બન્નેની પ્રદક્ષિણ કરે છે. બે કેન્દ્રી તારાના ગ્રહમંડળને બાયનરી કહેવાય છે. આ ગ્રહમંડળના પૃથ્વી જેવા લાગતા બે ગ્રહોનું વાતાવરણ બેશક પૃથ્વી જેવું નહીં હોય. પૃથ્વીનો વ્યાસ ૮૦૦૦ માઈલનો છે. જ્યારે પેલા બે ગ્રહનો વ્યાસ ૧૦,૫૦૦ માઈલનો છે.
પૃથ્વીની બાજુમાં ગુરુ જેવો મસમોટો ગ્રહ છે તેમ પેલા બે ગ્રહોની બાજુમાં પણ તેમના ગુુરુદેવ બેઠાં છે. યાદ રહે, ગુરુએ આપણી પૃથ્વી પર જીવન વિકસાવવામાં જાણે-અજાણે બહુ મોટી મદદ કરી છે. અવકાશમાં રખડું લધુગ્રહો અને ઘૂમકેતુઓનો તોટો નથી. આમાંથી આપઘાત કરવા માગનારાઓ છાશવારે ગ્રહો પર ટીચાતા હોય છે. આવા વખતે જો ગ્રહ પર જીવન પાંગર્યું હોય તો લધુગ્રહ કે ઘૂમકેતુરૂપી અગનગોળો બઘું સફાચટ કરી નાખે. પૃથ્વી પર પણ ભૂતકાળમાં આવા રખડૂઓએ કવચિત આતંક મચાવ્યો હતો.
પરંતુ ગુરુ જેવા બીગ બ્રધરની હાજરીમાં આપણી પૃથ્વીની સલામતીનો આંક ઉંચો છે. કેમકે ગુરુનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ આપઘાતી કાટમાળને પૃથ્વી પર ખાબકવા દેતા પોતાની ભ્રમણ કક્ષામાં ખેંચી લે છે. ગુરુ પર જીવન જ નથી એટલે ત્યાં ગમે તેટલા ગોળા ખાબકે તો પણ વાંધો આવતો નથી. પેલા બે ગ્રહની બાજુમાં રહેલા ગુરુદેવ પણ આપણા ગુરુ જેવું જ કામ આપતા હશે.
આપણા સૂર્ય તરફથી નીકળતા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આઠ મિનિટ લાગે છે. પરંતુ સીએમ ડ્રેકોઈન્સ બે તારા તરફથી નીકળતા કિરણોને પૃથ્વી સુધી પહોંચતા ૫૭ વર્ષ લાગે છે. પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ ૧,૮૬,૦૦૦ માઈલ છે. આના આધારે પેલી સૂર્યમાળા આપણા કરતા કેટલી આઘી છે એ ગણી કાઢજો.
No comments:
Post a Comment