Monday, July 5, 2010

આગોગ્ય પ્રશ્નોત્તરી - હાઈબ્લડ પ્રેશર, અપચો, કબજિયાત.......

હાઈબ્લડ પ્રેશર, અપચો, કબજિયાત, અતિશય ઓડકાર
* ઉંમરલાયક થયા છતાં બેબી પથારીમાં પેશાબ કરી જાય છે * શ્વાસ, હાંફ, સુકલકડી શરીર, થાક, કમરનો દુખાવો * અનિયમિત માસિક * મણકાના ઘસારાના કારણે હાથમાં અને બોચીમાં દુખાવો


* ઉંમર લાયક થવા છતાં બેબી પથારીમાં પેશાબ કરી જાય છે
* સમજણી થતી જાય છે તેમ શરમ અનુભવે છે
પ્રશ્ન ઃ મારે સાત વર્ષની બેબી છે. દિવસ દરમિયાન એને પેશાબ કરવાનો ખ્યાલ રહે છે અને એની મેળે બાથરૂમમાં જઈ કરી આવે છે. પરંતુ રાત્રે પેશાબ કરીને સુવડાવીએ છીએ છતાં રાત્રે કાયમ પથારી ભીની કરી દે છે. ઘણી દવાઓ કરી પણ ફાયદો થતો નથી. બેબી હવે સમજણી થઈ તેથી શરમ અનુભવે છે તો ‘સહિયર’ ના આવતા અંકમાં જવાબ આપી આભારી કરશો.
- એક બહેન (ઉમરેઠ)

ઉત્તર ઃ બાળકની ઉંમર વધે અને છતાં રાત્રે પથારી ભીની કરવાનો (શય્યામૂત્રનો) પ્રશ્ન હલ ન થાય તો માબાપની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. પુત્ર કરતાંય પુત્રીને જો આ તકલીફ થતી હોય તો માબાપની ચિંતા ખૂબ જ વધી જાય છે અને સમજણું થાય તેમ તેમ એના પોતાના મનમાં પણ સંકોચ તથા લધુતાગ્રંથિનો અનુભવ ઘર કરવા લાગે છે. ઘણીવાર કૃમિના કારણે પણ રાત્રે બાળક પથારીમાં પેશાબ કરી જતું હોય છે.
આ તકલીફમાંથી મુક્ત થવા માટે ઉપચાર આ પ્રમાણે શરૂ કરી શકાય.

* બાળકને સૂવાના સમયથી બે કલાક પહેલા જમાડી દેવું. જમીને તરત સૂવાથી અને દૂધ, છાશ, દાળ, કઢી તથા પાણી જેવા પદાર્થો વઘુ પ્રમાણમાં લેવાથી રાત્રિ દરમિયાન પેશાબ થઈ જાય છે. પથારીમાં પેશાબ કરી જવાની આદત પાછળ ઉત્સર્ગતંત્રની ખામી હોય છે તેમ પેશાબની હાજત પર કન્ટ્રોલ કરતા નાડી તંત્રની તથા પેશાબની હાજતનો ખ્યાલ આવે એ માટે મનના તંત્રની પણ થોડીક નબળાઈ ગણી શકાય.

બાળકને રાત્રે મઘુર, ઠંડા, ભારે અને ચીકણા પદાર્થ ઓછા આપવા. પેશાબ કરાવ્યા પછી જ બાળકને સુવડાવવું. તથા રાત્રિ દરમિયાન એકાદવાર ઉઠાડીને પેશાબ કરાવી લેવો. બાળકને કોઈ પણ પ્રકારનો ડર ન લાગે તેનું ઘ્યાન રાખવું. વારંવાર એની આ તકલીફ વિશે જાહેરમાં કોઈને કહેવું નહીં અને આ માટે બાળકને કવખોડવું નહીં. ઔષધોમાં
(૧) અગ્નિતુંડી વટી તથા કૃમિ કુઠાર રસની એકએક ગોળી સવાર સાંજ પાણી સાથે આપવી.
(૨) બહુ મૂત્રાન્તક રસ તથા નીઓની એકએક ટીકડી સવાર સાંજ પાણી સાથે આપવી.
(૩) બે ચમચી લોઘ્રાસવમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા બાદ પાવું.

* શ્વાસ, હાંફ, સુકલકડી શરીર, થાક, કમરનો દુખાવો
* વારંવાર શરદી, ખોરાક પ્રત્યે અરુચિ, અનિયમિત માસિક
પ્રશ્ન ઃ મારી ઉંમર ૨૬ વર્ષ અને વજન ૪૫ કિલો છે. છેલ્લા દસ વર્ષથી મને શ્વાસ (દમ)ની તકલીફ છે. શરીર એકદમ સૂકલકડી બની ગયેલ છે. ચાલતા પણ થાક લાગે છે. શ્રમવાળું કામ કરતાં હાંફી જવાય છે. વાયુના કારણે કમરદર્દ પણ થાય છે. ખોરાકમાં દાળભાત, શાક, રોટલી, ફ્રૂટ્સ વગેરે લઉં છું. શિયાળામાં કફ અને ઉધરસ વઘુ આવે છે. શરીર દિવસે દિવસે ઓગળી જતું હોય તેમ લાગે છે. શરીર હૃષ્યપુષ્ટ બને તથા શ્વાસ સંપૂર્ણપણે મટી જાય તેવી આયુર્વેદિક દવાઓ જણાવશો.

મારી બેબીની ઉંમર ૩ વર્ષ છે. શરદી વારંવાર થઈ જાય છે. શરીર સુકલકડી જેવું છે. ખોરાક બરાબર લેતી નથી. યોગ્ય ઉપચાર જણાવશો.
મારી વાઈફ શિક્ષિકા છે. તેનું માસિક અનિયમિત બની ગયું છે. પ્રથમ ખોળે બેબી છે. ડિલિવરી નોર્મલ થયેલ છે. શરીર સારૂં બને તેવી દવા જણાવશો.
- રમેશભાઈ (નડિયાદ)

ઉત્તર ઃ સોળ વર્ષની નાની-વિકસતી વયથી જ તમને શ્વાસની તકલીફ શરૂ થઈ છે અને છેલ્લા દસ વર્ષથી આ તકલીફ ચાલુ છે એટલે શરીર અને મન પર એની જે અસર થઈ હોય તે હું સમજી શકું છું. ખાધેલા ખોરાકમાંથી રક્ત વગેરે ધાતુઓનું અને શક્તિનું જે નિર્માણ થવું જોઈએ તે બરાબર થતું નથી. આહારમાંથી આમ અને પછી કફ બની જતો હશે અને દસેક વર્ષથી જે (એન્ટિબાયોટિક) દવાઓ લેતા હશો તેનાથી ફેફસામાં કફ સૂકાઈ ગયો હશે. પરિણામે ફેફસામાં પ્રાણવાયુ માટેની જે જગ્યા જોઈએ તે ઘટી જવાથી શ્વાસની તકલીફ શરૂ થઈ છે. ફેફસા પણ નબળા પડવાથી થાક લાગતો હશે.
ઔષધો તમે આ પ્રમાણે શરૂ કરી શકો છો.

(૧) શ્વાસકુઠાર રસ તથા શ્વાસદમની રસની એક એક ગોળી સવાર સાંજ મધ સાથે લેવી.
(૨) સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ, શ્વાસહર ચૂર્ણ ૧ ગ્રામ અને સોમકલ્પ ચૂર્ણ ૧ ગ્રામ આ બઘું મેળવી સવાર સાંજ મધ અથવા પાણી સાથે લેવું.
(૩) ચાર ચમચી સોમાસવમાં ચાર ચમચી અશ્વગંધારિષ્ટ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું. તેનાથી શ્વાસની તકલીફમાં રાહત મળશે અને બળ તથા વજનમાં વૃઘ્ધિ થશે.
(૪) વજન વધે તે માટે સવાર સાંજ એકએક ચમચી અશ્વગંધા ચૂર્ણ ફાકી ઉપર પાણી પીવું. આ ચૂર્ણ નિયમિત લેતા રહેવાથી કમરનો દુખાવો પણ દૂર થશે.
(૫) કમરમાં થતો દુખાવો દૂર થાય તે માટે પંચગુણ તેલ અથવા તો મહાનારાયણ તેલની માલિશ કરવી.

ખોરાકમાં તમે લસણ, સરગવો, મેથી, હિંગ, આદું, અજમો, રીંગણ, મગ, પરવળ, દાળ, ભાત, શાક રોટલી જેવો પથ્ય ખોરાક લઈ શકાય. બાજરીના રોટલા પણ ચાલે. વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા અને વાલોળ જેવા વાયુ કરનારા પદાર્થો તથા દહીં, શિખંડ, ઠંડું પાણી, આઈસક્રીમ, મીઠાઈ તથા ગોળ પણ બંધ કરી દેશો. નાનપણમાં તમને કૃમિ હતા કે કેમ તે અંગે જાણ કરશો. પપૈયા સિવાયના કોઈ ફળ હમણા લેશો નહીં.

તમારી ત્રણ વર્ષની બેબીને ચપટીક સિતોપલાદિ ચૂર્ણમાં મધ મેળવી સવારસાંજ ચટાડતા રહેશો. નારદીય લક્ષ્મીવિલાસ રસ તથા નાગગૂટી એક એક ગોળી સવારસાંજ મધમાં મેળવી ચટાડી દેવી. તેનાથી શરદી મટશે. ખોરાક પ્રત્યે રુચિ વધે એ માટે આદુંના રસમાં મધ મેળવી ચટાડી દેવું. સવાર સાંજ એકએક ગોળી અગ્નિતુંડી વટીની આપવી. તમારા પત્નીનું માસિક નિયમિત થાય તે માટે રજોદોષહરી વટી તથા કન્યાલોહાદિ વટીની બેબે ગોળી સવાર સાંજ પાણી સાથે આપવી. ચાર ચમચી કુમારી આસવ તથા ચાર ચમચી દશમૂલારિષ્ટમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા બાદ પીવાથી એમનું શરીર સારું થશે. પ્રસૂતિ પછીની નબળાઈ પણ દૂર થશે.

* મણકાના ઘસારાના કારણે જમણા હાથમાં અને ગરદન તથા બોચીમાં દુખાવો, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટીસ
પ્રશ્ન ઃ મારી ઉંમર ૪૬ વર્ષ અને વજન ૬૦ કિલો છે. ઘરકામ કરૂં છું. મારો પ્રશ્ન એ છે કે પાંચ વર્ષથી મણકાના ઘસારાના કારણે જમણા હાથમાં અને ગરદન તથા બોચીમાં સતત દુખાવો થાય છે.
વાંચવાનું, અનાજ વીણવાનું કે ઘરનું તમામ કામ જાતે જ કરવાનું હોવાથી દુખ્યા કરે છે. મણકાના સ્પેશિયાલિસ્ટને બતાવવા

રિપોર્ટમાં પાંચમા અને છટ્ઠા મણકાની ગાદીમાં ઘસારો હોવાથી દુખ્યા કરે છે. ઘણા બધા પૈસા બગાડ્યા છતાં દુખાવો દૂર ન થવાથી જ હવે આપની પાસે આવી છું. મને વિશ્વાસ છે કે આયુર્વેદની દવાથી મને જરૂર આરામ મળશે. હું એક નાનકડા ગામમાં રહેતી હોવાથી પંચકર્મની કોઈ ક્રિયા વિશે જાણતી નથી. પણ સહિયર પૂર્તિમાં વાંચ્યા પછી મને શ્રદ્ધા જાગી છે અને આપ કહો તે સારવાર કરાવવા તૈયાર છું. આપ કહો તો હું રૂબરૂ આવી જાઉં પણ મારું આ દર્દ મટાડો. બે બાળકો તથા પતિની સંભાળના કારણે મને ઘણું કામ રહે છે. અને તેથી ખભામાં તથા ડોકમાં દુખાવો થયા જ કરે છે. તો મારી આ તકલીફને ઘ્યાનમાં લઈ સલાહ આપવા વિનંતી.
- એક બહેન (પણસોરા, જિ. આણંદ)

ઉત્તર ઃ કુદરતે આપણા દરેક મણકાની વચ્ચે ‘બફર’ની જેમ જેલી જેવો એક પદાર્થ મૂકેલો છે. આયુર્વેદમાં આ પદાર્થને શ્વ્લેષક કફ કહે છે. જે બે મણકાને સામસામે ટકરાવા દેતો નથી. ઉપરથી ભૂસકો મારીએ કે ઝટકો લાગે એવું કોઈ કામ કરીએ તો પણ આ મણકા ટકરાતા નથી. જ્યારે આ મણકા વચ્ચેનું ઊંઝણ અથવા તો લુબ્રીકેશન સૂકાઈને સંકોચાવા લાગે છે ત્યારે મણકા વચ્ચેની જગા ઘટી જાય છે. લોકભાષામાં આ તકલીફને હાડકાના સાંધા અથવા તો મણકા ઘસાય છે એવું કહેવામાં આવે છે.

હાડકા સામસામે ટકરાય અથવા તો આજુબાજુના જ્ઞાનતંતુ પર દબાણ આવે તો વ્યક્તિને પીડા થતી હોય છે. લોકો પીડાશામક દવા લઈને દુખ ભૂલવાનો પ્રયત્ન કરે છે પણ આવી પેઈન કીલરથી દુખ મૂળમાંથી જતું નથી. આયુર્વેદના ઔષધો દુખાવાના મૂળમાં જઈને મૂળ કારણને જ દૂર કરવા માટેના હોય છે અને તેથી લેતાની સાથે જ દુઃખાવો દૂર થાય એવું બનતું નથી. મૂળ કારણને દૂર કરવામાં થોડી વાર તો લાગે જ ને!... તો તમને આ પ્રમાણે દવાઓ લેવાની ભલામણ કરું છું.

(૧) મહાવાત વિઘ્વંસન રસ તથા મહાયોગરાજ ગૂગળની બે બે ગોળી સવારસાંજ પાણી સાથે લેવી.
(૨) મહારાસ્નાદિ કવાથમાં દશમૂલ કવાથનો ભૂકો સરખાભાગે મેળવી તેમાંથી પચીસ ગ્રામ જેટલો ભૂકો ૪૦૦ મિ.લિ. પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો. પોણો કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી હૂંફાળું હોય ત્યારે પી જવું.
(૩) પંચકર્મના નિષ્ણાત ચિકિત્સક પાસે ‘ગ્રીવા બસ્તિ’ને અભ્યંગ સ્વેદન વગેરે જે જરૂરી લાગે તે કરાવી લેવું.
(૪) ખભામાં તથા બોચીના ભાગમાં થતા દુખાવાને દુર કરવા મહામાષ તેલ અથવા તો મહાનારાયણ તેલની માલિશ કરી શેક કરવો.
પરેજીમાં વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા, વાલોળ કે કોદરી જેવા પદાર્થો ન લેશો. લસણ, સરગવો, મેથી, ફુદીનો, અજમો અને તલના તેલ જેવા વાયુને દૂર કરનારા પદાર્થો વિશેષ લેશો. ચિંતા કરશો નહીં. એકધારી, મૂળગામી સારવારથી પરિણામ ચોક્કસ મળશે.

* હાઈબ્લડ પ્રેશર, અપચો, કબજિયાત, અતિશય ઓડકાર
પ્રશ્ન ઃ મારી બાની ઉંમર હાલમાં ૭૪ વર્ષની છે. અને તેઓ હાઈ બી.પી.ના પેશન્ટ છે. બી.પી.ની દવા ચાલુ છે. બીજું તેઓને ખોરાકનું પાચન બરાબર થતું નથી અને પેટ સાફ આવતું નથી. કબજિયાત રહે છે. આપના અગાઉના લેખમાં કબજિયાત વિશે માહિતી અને ઉપચાર આપેલ તે પૂર્તિ હાલમાં મળતી નથી. તો મારા આ પ્રશ્નને ઘ્યાનમાં રાખી ઉપચાર સૂચવવા વિનંતી. વાયુનું પ્રમાણ વધારે રહે છે અને ઓડકાર ખૂબજ આવે છે. તો બરાબર ભૂખ લાગી ખાધેલા ખોરાકનું પાચન થાય અને કબજિયાત ન રહે તેવી સારવાર જણાવવા વિનંતી.
- હંસા બહેન (પ્રહલાદ પ્લોટ, રાજકોટ-૧)

ઉત્તર ઃ જેમ જેમ ઉંમર વધે અને ૬૦ વર્ષ પછીનો સમય આવે એમ વ્યક્તિએ પોતાના પાચનતંત્ર બાબત સજાગ બની જવું જોઈએ. આ સિવાય બ્લડપ્રેશર, હૃદયરોગ, પ્રમેહ અને ડિપ્રેશન જેવા વ્યાધિઓ તરફ પણ ઘ્યાન આપવું જોઈએ. પોતાના શરીરમા એના કોઈ લક્ષણ જોવા મળે તો સમયસર સલાહ લઈ સારવાર શરૂ કરી દેવી જોઈએ. પત્રમાં લખેલી આપના માતુશ્રીની તકલીફને ઘ્યાનમાં રાખી સારવાર આ પ્રમાણે સૂચવું છું.

(૧) દિવેલમાં ભૂંજેલી હરડે એટલે કે એરંડભૃષ્ટ હરીતકી એ કબજિયાત માટેની સાદી સરળ છતાં અસરકારક દવા છે. રોજ રાત્રે એક ચમચી જેટલું ચૂર્ણ ફાકી જવાથી સવારે પેટ સાફ આવે છે. એમને હાઈ બ્લ્ડપ્રેશર રહે છે નહીં તો શિવાક્ષાર પાચનની ફાકી પણ લાભ કરે જ. દીનદયાળ ચૂર્ણ પણ ચાલે. જે ચૂર્ણમાં ક્ષાર એટલે કે ખારાશયુક્ત દ્રવ્યો આવતા હોય તે હાઈ બ્લડપ્રેશરના દરદીએ ન લેવા એવી મારી ભલામણ છે. બાકી જેમને હાઈ બ્લ્ડપ્રેશર ન હોય અને ગેસ તથા કબજિયાતની તકલીફ રહેતી હોય તેમને આવા ચૂર્ણથી જરૂર લાભ થશે.

(૨) વઘુ પડતા ઓડકાર આવવાનું એક કારણ એ છે કે ખાધેલા ખોરાકનું બરાબર પાચન થતું નથી. ખાધેલા ખોરાકમાંથી ગેસ એટલે કે વાયુની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થાય છે અને એ વાયુ નીચે તરફ જવાના બદલે અવળી ગતિમાં ઉપર ચડતો હોવાથી ઓડકાર આવ્યા કરે છે. અજીર્ણ અને વાયુના કારણે જ કબજિયાત થાય છે.
આ માટે આપના માતુશ્રીને શંખવટી અથવા તો લશુનાદિ વટીની બે બે ગોળી જમ્યા બાદ ચૂસવા માટે આપવી.

(૩) ચાર ચમચી અભયારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પાવામાં આવે તો પાચન સુધરશે. વાયુની સવળી (અનુલોમ) ગતિ થવાથી પેટ સાફ આવશે. થોડી વાછૂટ થશે પણ એ કારણે ઓડકારનું પ્રમાણ ઘટી ધીમે ધીમે આ તકલીફમાંથી મુક્તિ મળશે.

તમારા માતુશ્રીને વાયુ કરે તેવા - વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, બટાકા, ચણા, શકરિયા કે વાલોળ જેવા પદાર્થો ન આપશો. રોજિંદા ખોરાકમાં મીઠાનું પ્રમાણ એકદમ ઓછું અથવા દિવસના એકાદવાર મીઠા વિનાનું ભોજન આપવું. બાજરીના રોટલા બંધ પચવામાં ભારે હોય એવો ખોરાક ન ખાવો. હળવો, સુપાચ્ય અને ઢીલો કે પ્રવાહી ખોરાક આપવામાં આવશે તો લાભ થશે. ઊંઘ બરાબર આવવી જોઈએ. ચિંતા અને ટેન્શનવાળો સ્વભાવ હોય તો છોડી દેવો.
-  from news papers..

No comments: