દીકરી એ માતા-પિતાના ઘરનું એક અવિભાજ્ય અંગ છે
‘‘ત્રીજા સંતાન તરીકે જન્મવું એ માસૂમનો
અપરાધ નથી. સંતાનમાં ભેદભાવ રાખવો એ સંતાનનો જ નહિ, એના સર્જનહાર પરમાત્માનો પણ અપરાધ છે’’- લક્ષ્યાંકનું સમાજ-દર્શન
દીકરી માસૂમ ઘરમાં હંમેશા મૌન રહેતી....એકાંતપ્રિય પણ ખરી, પણ બહાર નીકળે ત્યારે એટલું બોલે કે સાંભળનાર થાકી જાય. માસૂમના ભાઈ રાહીનો મિત્ર લક્ષ્યાંક માસૂમનો આ સ્વભાવ જાણતો હતો. પણ માસૂમના આવા બેવડા વ્યક્તિત્વને સમજી શકતો નહોતો. ક્યારેક તો લક્ષ્યાંક માસૂમનાં કાકીમા આગળ ફરિયાદ કરતો ઃ ‘‘કાકીમા, આ તમારી ભત્રીજી બહુ બોલકી છે. પણ ઘરમાં બોલતી બંધ...આવું કેમ ?’’
માસૂમના જીવનમાં તેનો એકમાત્ર સહારો હતો તેનાં કાકીમા. એના પપ્પા કૉલેજમાં પ્રોફેસર હતા પણ બાળમનોવિજ્ઞાનથી સાવ અજાણ. માસૂમની મમ્મી શાળામાં શિક્ષિકા હતાં, પણ બાળઉછેરના સિદ્ધાંતોની લેશમાત્ર પરવા ન કરે. માસૂમને એ બન્નેના વર્તન સામે ભારે રોષ. માસૂમ તેમનું ત્રીજું સંતાન...માસૂમનું આગમન અનિચ્છાએ થયેલું. માસૂમના પપ્પા વાતવાતમાં મોટી દીકરી પ્રથમાની પ્રશંસા કર્યા કરે, અને માસૂમની હાજરીની નોંધ પણ ન લે. પ્રથમા કેટલી શાણી અને સમજદાર છે એ જ એમની વાતોમાંથી ફલિત થાય.
‘‘અને મને આ મારો વચલો રાહી ખૂબ જ વહાલો છે. બારમા ધોરણની પરીક્ષા એણે આપી, પણ હજીયે એના હૃદયમાં માતૃપ્રેમમાં સહેજ પણ ઓટ નથી આવી. અને અભ્યાસમાં પણ કેવો તેજસ્વી ! કોણ જાણે કેમ આ ત્રીજા નંબરની માસૂમ આવી વિચિત્ર નીકળી ? ભગવાને રૂપાળી બનાવી પણ રૂપને શું ધોઈ પીવાનું ? ભણવાનું એને જરાય ગમતું નથી. બસ ફૂલફટાક થઈને ફરવું ગમે છે. કોણ જાણે શું પાપ કર્યા હશે તે અમારા નસીબે આ પથરો જન્મ્યો ?’’ માસૂમની મમ્મી વ્યંગ્ય કરવાની એકેય તક જતી નહોતાં કરતાં.
અને માસૂમના પપ્પા પણ તરત જ માસૂમ પરના શાબ્દિક આક્રમણમાં વિના કારણ જોડાઈ જતા ‘‘તારી વાત સાવ સાચી છે. માસૂમમાં ‘કલ્ચર’ જેવું કશું જ નથી ! ટાપ-ટીપ કરીને બસ ભટક્યા કરે છે. બર્થડેના દિવસે પંદરસો રૂપિયાના તો ડ્રેસ ખરીદી લાવી. મોટી માલેતૂજારની દીકરી ન જોઈ હોય તો ! એના કરતાં આપણી મોટી પ્રથમા લાખ દરજ્જે સારી ! વાપરવા પૈસા લીધા હોય તો એમાંથી યે બચાવીને આપણને પૈસા પાછા આપે અને ભણવામાં પણ એક્કો છે એક્કો. અને આપણો રાહી...દીકરો હોવા છતાં કેટલો નમ્ર, નિખાલસ અને મહેનતુ છે.
ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી. મોટો થઈને આપણું નામ ઉજાળશે. અને આ માસૂમનું તો ભલું પૂછવું ! કોણ જાણે એ કાંઈ જુદી જ માટીની બનેલી છે. અરે ત્રીજા સંતાનની આપણને જરૂર જ ક્યાં હતી ? નસીબ આપણું વાંકું !!’’ નાનપણથી જ આવા અણગમતા સંવાદો માસૂમ સાંભળતી આવી હતી. માસૂમની નિષ્પાપ આંખો, માસૂમ ચહેરો, ઓછાબોલો અને એકાન્તપ્રિય સ્વભાવ જોઈને તેની મમ્મી કહેતી ઃ ‘‘માસૂમ તો મનની મેલી છે. ના કોઈ સાથે બોલવું-ચાલવું, ન કોઈ સાથે હળવું-મળવું. કોણ જાણે એના મનમાં શું ભર્યું છે ! અને મારો રાહી સો દીકરાનું સાટુ વાળી આપે એવો રૂડો રૂપાળો અને ગુણવાન છે ! મોટી પ્રથમા પણ ભારે આજ્ઞાંકિત.’’
માસૂમને પોતે ભર્યા-ભાદર્યા ઘરમાં એકલું લાગતું હતું. મોટીબેન પ્રથમા આજ્ઞાંકિત છે એટલે મમ્મી-પપ્પા તેને ચાહે છે. અને રાહી એ કુળદીપક છે, એટલે તેને મનમાની છૂટ મળે છે. કારણકે માતૃભક્તિ-પિતૃભક્તિનો ડોળ કરતાં એ થાકતો નથી....પોતાનામાં રસ લેનારૂં કોઈ નથી, એવું માસૂમને લાગતું હતું. હા, રસ લેનાર એકમાત્ર વ્યક્તિ હતાં તેનાં કાકીમા, જેઓ હંમેશાં માસૂમની પ્રશંસા કરતાં અને પાસે બેસાડીને તેની વાતો પ્રેમથી સાંભળતાં હતાં. બાકી તેનાં મમ્મી-પપ્પાને માસૂમનું આગમન જરાય રૂચતું નહોતું. એમને ત્રીજા સંતાનની જરૂર પણ નહોતી અને દીકરીની તો જરાપણ આવશ્યકતા નહોતી. બહાર હંસી-મજાક કરનારી માસૂમ ઘરમાં ચૂપ રહેતી.
માસૂમ દસમા ધોરણમાં આવી એટલે તેનાં મમ્મી-પપ્પાએ આપખુદશાહીનું એક લિસ્ટ જાહેર કર્યું.
- માસૂમ હવે તારૂણ્યમાં પ્રવેશી છે એટલે તેના ફોન સેન્સર થશે !
- મમ્મી કે પપ્પા જાતે જ ફોન ઉઠાવશે અને યોગ્ય લાગે તેવા જ ફોન માસૂમને આપવામાં આવશે.
એક નામની વ્યક્તિના સપ્તાહમાં બેથી વઘુ ફોન આવશે તો એ વ્યક્તિનો માસૂમે પરિચય આપવાનો રહેશે.
- માસૂમે બોય-ફ્રેન્ડ રાખવાના નહીં અને જો હોય તો તેમનો પરિચય મમ્મીને આપવાનો રહેશે. જરૂર જણાતાં એમને ઓળખ-પરેડમાં હાજર રાખવાં પડશે.
- હરવા-ફરવા કે પિકનિક-પ્રવાસના કાર્યક્રમો પૂર્વમંજૂરી સિવાય ગોઠવવા નહીં.
- ધોરણ દસમાની બોર્ડની પરીક્ષા હોવાથી મહેનત કરીને સારા માર્ક્સ લાવવાના રહેશે. માસૂમ નાપાસ થશે તો આગળ ભણવાનું સદંતર બંધ.
મમ્મી-પપ્પાના આ ‘જાહેરનામા’થી માસૂમ સમસમી ઊઠી હતી. પપ્પાનો માર ખાઈ લેવાની તૈયારી સાથે પણ તે વિદ્રોહી બનવા માગતી હતી. પણ ભાઈ રાહી તથા કાકીમાએ છૂપી રીતે હાથ જોડીને તેને શાન્ત રહેવાનો ઈશારો કર્યો હતો. રાહી પોતાની બહેન માસૂમને હૃદયથી ચાહતો હતો, પણ મમ્મી-પપ્પા આગળ એ લાગણી પ્રદર્શિત કરવાની હિંમત નહોતો કરતો.
કાકીમાને પોતાનો પક્ષ લઈને મમ્મી-પપ્પાને ઠપકો આપવાની માસૂમે વિનંતી કરી. પરંતુ કાકીમાએ પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું ઃ ‘‘બેટા, તારી લાગણી હું સમજી શકું છું, પણ હું ય આ ઘરની આશ્રિત છું. હૃદયની બીમારીને કારણે હું એકલી રહેવા અસમર્થ હતી, એટલે વિધવા ભાભીની દયા ખાઈને તારા પપ્પા તારી મમ્મીની ઈચ્છા વિરૂદ્ધ મને અહીં તેડી લાવ્યા છે. શબ્દોનાં બાણ તારે એકલીએ સહેવાં પડે છે, એવું નથી. પણ કરવું શું ? તું તો પાંખો ફૂટશે એટલે ઊડીને મનફાવતી ડાળે બેસી જઈશ, પણ મારા જેવા ઊડવાની તાકાત ગુમાવી બેઠેલા પંખી માટે આ માળામાં પડ્યા રહેવા સિવાય બીજો રસ્તો પણ શો બેટા ? મા-બાપના શબ્દોને સહી લેવામાં જ શાણપણ છે.’’ અને માસૂમ ચૂપ થઈ ગઈ હતી.
દસમા ધોરણનો વિદ્યાર્થી-વિદાય સમારંભ તેને બરાબર યાદ છે. માસૂમે જાહેરમાં કહ્યું હતું ઃ ‘‘મમતા, પ્રેમ, લાગણી અને શિસ્તના બહાના હેઠળ ગુરૂજનો અને વડીલો આપણું શોષણ કરે છે.’’ શાળાના આચાર્યે ત્યારે એને કેટલો બધો ઠપકો આપ્યો હતો ! આવી ઉદ્ધત અને બેજવાબદાર છોકરીને વર્ગ વતી વકતૃત્વનો મોકો આપવા બદલ એમણે વર્ગશિક્ષકનો પણ ઉધડો લીધો હતો. માસૂમ અને તેનાં મમ્મી-પપ્પા વચ્ચે અબોલા શરૂ થઈ ગયા હતા. કારણ કે તેના વર્ગમાં ભણતી બંદગીએ કહ્યું હતું કે ફોન પર માસૂમના મમ્મીએ તેની સાથે અપમાનજક ભાષામાં વાત કરી હતી.
એ પછીના દિવસોમાં માસૂમના મનમાં મમ્મી-પપ્પા પ્રત્યે કડવાશનો ભાવ વધવા માંડ્યો. ઘરમાં પ્રેમ-લાગણી ન મળતાં માસૂમ સહેલીઓની સોબતમાં રહેવા લાગી. એનામાં આવેલા પરિવર્તનને સહૃદયતાપૂર્વક સમજવાને બદલે માસૂમનાં મમ્મી-પપ્પાએ એને અવળે માર્ગે ચઢી ગયેલી માની વઢવાની માત્રા વધારી દીધી. ક્યારેક માસૂમ ઉશ્કેરાઈને આકરાં વેણ ઉચ્ચારતી, પણ કાકીમા વચ્ચે પડતાં. પોતાના સોગંદ નાખી તેને બોલતી બંધ કરી દેતાં. સમજાવીને પોતાના રૂમમાં લઈ જતાં. આશ્વાસન આપી માસૂમને ઠંડી પાડતાં અને બગડતી બાજી સુધરી જતી.
માસૂમ રિસાઈને જમ્યા વગર સૂઈ જાય તો તેની પ્રતિક્રિયા રૂપે મમ્મી કહેતી ઃ ‘‘ફરંદા લોકોનું પેટ ક્યારેય ખાલી નથી હોતું. બેનપણાં-સહીપણાં સાથે નાસ્તો ઝાપટી લીધો હશે, એટલે નહીં ખાવાનું નાટક કરે છે. ખાલી નામ જ માસૂમ છે. બાકી તો છે એક નંબરની બદમાશ.’’
એ પછીના દિવસોમાં કશી જ ઘટના બની નહોતી. મમ્મી-પપ્પા એને પોતાના અનુશાસન-આગ્રહની જીતનો વિષય માનતાં હતાં. મમ્મી-પપ્પા સાથેના માસૂમના સબંધો યંત્રવત્ બની ગયા. માસૂમ ડાઈનિંગ ટેબલ પર જમવા આવતી પણ કશી જ ઉષ્મા અને આત્મીયતા વગર ! માસૂમની હાજરી હોય ત્યારે ઘરમાં ભારેખમ વાતાવરણ સર્જાઈ જતું. માસૂમની મોટી બેન પ્રથમા પોતાનામાં જ મસ્ત રહેતી. માસૂમની બિલકુલ દરકાર નહોતી રાખતી. માસૂમનો ભાઈ રાહી ધોરણ બારમામાં હોવાથી ટયૂશન અને સ્કૂલ વચ્ચે એટલો વ્યસ્ત રહેતો હતો કે ઘરમાં શું ચાલે છે, તેની પણ તેને ખબર નહોતી પડતી !
અને માસૂમનાં મમ્મી-પપ્પા પ્રથમા તથા રાહી પર પ્રેમવર્ષા કરતાં થાકતાં નહોતાં.
માસૂમના પરિચયમાં લક્ષ્યાંક આકસ્મિક રીતે જ આવ્યો હતો. લક્ષ્યાંક માસૂમના ભાઈ રાહીનો ખાસ મિત્ર હતો. એ કૉલેજમાં અભ્યાસ કરતો હતો અને રાહી બારમામાં. લક્ષ્યાંક રાહીને વાંચવામાં કંપની આપવા માટે તેના ઘરે આવતો હતો. રાહી અને લક્ષ્યાંક બન્ને રાત્રે મોડા સુધી વાંચીને પરીક્ષાની તૈયારી કરતા હતા. એકવાર ઘરનાં બધાં જ નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં હતાં ત્યારે, રાહી સાથે લક્ષ્યાંક પણ નાસ્તો કરવા બેઠો હતો. લક્ષ્યાંકને માસૂમની ગેરહાજરીથી નવાઈ લાગી. એણે ચારેબાજુ નજર કરી. માસૂમ એકલી એના રૂમમાં બારી પાસે ઊભી હતી. લક્ષ્યાંક નાસ્તાની ડિશ લઈને માસૂમ પાસે પહોંચી ગયો ઃ ‘‘લો, નાસ્તો કરો. મમ્મીએ આ ડિશ તમારે માટે મોકલી છે.’’
માસૂમ બરાબર જાણતી હતી કે મમ્મી નાસ્તાની ડિશ મોકલાવે, તે વાત જ અશક્ય છે. માસૂમને આશ્ચર્ય થયું. એની પોતાની મમ્મીના હૃદયમાં માસૂમ માટે હેતનો ઝરો સૂકાઈ રહ્યો છે, ત્યારે આ રાહીનો મિત્ર લક્ષ્યાંક જે પરાયો હોવા છતાં તેના માટે આટલી બધી લાગણી રાખે છે ! લક્ષ્યાંક માસૂમને ડાઇનિંગ ટેબલ પાસે લઈ આવ્યો અને માસૂમને બધાંની સાથે બેસીને નાસ્તો કરવા જણાવ્યું. રાહીને ઠપકો આપતાં તેણે કહ્યું ઃ ‘‘રાહી, આમ કેમ ? તારી નાની બેનને જ તું ભૂલી ગયો ? છે પોતાની અને રાખે છે અળગી ? આપણને એવી બેવડી નીતિ પસંદ નથી. લક્ષ્યાંકે માસૂમને ખુરશીમાં બેસાડી અને પોતાના જ હાથે એક ગુલાબજાંબુ તેના મોંઢામાં મૂકી દીઘું. લાગણીભૂખી માસૂમની આંખો ત્યારે અનાયાસ જ ભીની થઈ ગઈ હતી.
અને ત્યારથી લક્ષ્યાંક સાથે માસૂમની આત્મીયતા વધી ગઈ હતી. લક્ષ્યાંકને સમજતાં વાર ન લાગી કે માસૂમ ઘરમાં એકલી પડી ગઈ છે. પૂરો પરિવાર હોવા છતાં માસૂમ ઓથ વગર તડપે છે. ઘરમાં કોઈ એની સાથે વાત પણ કરતું નથી અને એ પણ મૌન ધારણ કરી ઉદાસ ચહેરે નીરસ જિંદગી જીવી રહી છે. માસૂમ તેની મોટીબેન પ્રથમા કરતાં ચાર વર્ષ નાની હતી. માસૂમના પપ્પા પ્રથમા માટે ભેટ-સોગાદો લઈ આવે ત્યારે કહેતાં કે માસૂમ હજુ ઘણી નાની છે. ભેટ-સોગાદોને લાયક હજુ તેની ઊંમર નથી. માસૂમ પોતાનું અપમાન મનોમન સહી લેતી.
મમ્મ-પપ્પાના ‘પુનિત પગલે’ ચાલતી પ્રથમા અને રાહી પણ હવે માસૂમને અપમાનલાયક પ્રાણી ગણતાં થઇ ગયાં હતાં. માસૂમનું રૂદન પણ એક અપરાધ ગણાતો હતો. માસૂમ સ્નેહ, સદ્ભાવ અને આદર માટે તડપતી હતી, પણ સઘળું એનાથી દૂર રહેતું હતું. પ્રત્યેક સવાર તેના માટે અપમાન અને ઉપેક્ષાનો સંદેશ લઈને ઊગતી અને પ્રત્યેક સાંજ તેના દામનમાં આંસુનો ઉપહાર ભરીને અદ્રશ્ય થઈ જતી.
માસૂમનું મન દુઃખ, આઘાત અને વિષાદથી પ્રતિદિન કમજોર બની રહ્યું હતું. માનસિક તનાવમાં રહેતી માસૂમનો અભ્યાસ પણ બંધ થઈ ગયો. દસમાથી આગળ ભણવાની તેની હિંમત જ હણાઈ ગઈ હતી. એક સવારે કામવાળી શેઠાણીબાના નામની બૂમો પાડવા લાગી. એટલે ઘરમાં બધાં આંખો ચોળતાં-ચોળતાં દોડી આવ્યાં. અને કામવાળીને તતડાવી નાખી- આમ સવારના પહોરમાં બૂમાબૂમ કરવા માટે ! ત્યાં જ કામવાળીએ ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી શેઠ સાહેબના હાથમાં મૂકી, જેમાં લખ્યું હતું ઃ ‘‘મારો અપરાધ એટલો છે કે મારો અપરાધ કાંઈ જ નથી. હા, હું તમારૂં અણગમતું ત્રીજા નંબરનું સંતાન છું, એટલો વાંક મારો ગણી શકાય, અને તે પણ દીકરી હોવાને કારણે ! હું જાણું છું કે ઘરમાં મને કોઈ પ્રેમ કરતું નથી. બે-ચાર જોડ વસ્ત્રો કે પેટનો ખાડો પૂરવા જેટલી બે સમયની પતરાળી ખાતર પિતાની મહેરબાની મારે નથી જોઈતી. મારી ઊંમર અઢાર વર્ષની તો થઈ ગઈ છે. હું નોકરી સ્વીકારી લઈશ અને મારૂં એકલીનું ભરણપોષણ તો ચોક્કસ કરી શકીશ, માસૂમ.’’
માસૂમનાં મમ્મી-પપ્પાને દુઃખ તો થયું પણ માસૂમના જવાને કારણે નહીં, પરંતુ સમાજમાં ઇજ્જત જવાને કારણે...તેમણે માસૂમને શોધીને પાછી ઘરે લાવવાનું નક્કી કર્યું. ત્યાં જ રાહીનો મિત્ર લક્ષ્યાંક આવી પહોંચ્યો. અને તેની પાછળ ઊભી હતી માસૂમ.
‘અચ્છા, તો એમ કહેને કે લક્ષ્યાંક સાથે ચોકઠું ગોઠવવા જ તેં ઘર છોડવાનું નાટક કર્યું હતું.’’- માસૂમની મમ્મીએ કહ્યું.
‘‘લક્ષ્યાંક અહીં પેંધો પડ્યો, ત્યારથી જ મને ખાત્રી હતી કે દાળમાં કાંઈક કાળું છે !’’- માસૂમના પપ્પાએ કહ્યું....
કાકીમાએ કહ્યું ઃ ‘‘ઘી ઢળ્યું તોય ખીચડીમાં. લક્ષ્યાંકને માસૂમ પસંદ હોય તો.’’
લક્ષ્યાંક હજી ચૂપ હતો. એણે એકાએક મૌન તોડ્યું અને મક્કમ અવાજે કહ્યું ઃ ‘‘હું નથી તકવાદી કે નથી ઇચ્છતો માસૂમની માસૂમિયતનો ગેરલાભ લેવા. જે ધર્મ એક ભાઈ તરીકે રાહી અદા ન કરી શક્યો, એ ધર્મ અદા કરવાની મારી ફરજ છે ! દીકરી ને ગાય મા-બાપ એને દોરે ત્યાં દોરાય-’નો જમાનો વીતી ગયો. એ નથી પારકી થાપણ કે નથી ગૌદાનની જેમ ‘વરરાજા’ને દાનમાં આપવાની વસ્તુ. દીકરી એ વ્યક્તિ છે, માતા-પિતાના ઘરનું એક અવિભાજ્ય અંગ. માતા-પિતાના રક્તમાંથી જન્મેલું એક હાડ-માંસવાળું નોખું વ્યક્તિત્ત્વ. જેટલો હક, અને વાત્સલ્ય દીકરાને મળવો જોઈએ, એટલો હક લાગણી અને પ્રેમ દીકરીને પણ મળવો જોઈએ. ત્રીજા સંતાન તરીકે જન્મવું એ માસૂમનો પોતાનો અપરાધ નથી !
સંતાનમાં ભેદભાવ રાખવો એ સંતાનનો જ નહીં, એના સર્જનહાર પરમાત્માનો પણ અપરાધ છે. મારા પપ્પાજી એડવોકેટ છે. એમણે માસૂમને દીકરી તરીકે તેના તમામ અધિકાર અપાવવાનું માસૂમને વચન આપ્યું છે. માસૂમે એકલા રહેવું હોય તો તેને ઘર અપાવવાની જવાબદારી તમારા બંધાની છે. ત્યાં સુધી મારા પપ્પા એને મારી બહેન તરીકે અમારા ઘરમાં રાખશે. સામાજિક સમસ્યાઓને કોર્ટને બદલે માનવતાના અભિગમથી ઉકેલવી એમાં જ સંસ્કારિતા છે. મારી વાત ગળે ઉતરે તો સમાધાનની ભૂમિકા લઈ મારા એડવોકેટ પપ્પાને મળવા આવજો. ત્યાં સુધી રાહ ભૂલેલા રાહી અને પ્રથમાની નાની બહેન અમારે ઘેર જ રહેશે. ચાલ બહેન, માસૂમ, આપણે જઈએ. વડીલોના અંતઃકરણમાં વાત્સલ્યનું ઝરણું ફૂટે એ શુભઘડીની આપણે પ્રતીક્ષા કરીશું....’ અને માસૂમ પોતાના ધર્મબંઘુ લક્ષ્યાંક સાથે તેને ઘેર જવા વિદાય થઈ હતી.
No comments:
Post a Comment