Monday, July 12, 2010

મોટા ભાગના માણસોની દ્રષ્ટિનું ‘હોકાયંત્ર’ બગડેલું હોય છે એટલે મન ઉત્તર માટે ઉત્તર દિશાને બદલે ચોતરફ ધૂમ્યા જ કરે છે
મનને ‘રાંકડું’ કે ‘સાંકડું’ નહગીં, ‘ફાંકડું’ બનાવો


એક સંત પાસે શ્રઘ્ધાશીલ યુવક આશીર્વાદ લેવા ગયો. એ પોતાનાં સપનાંને સાકાર કરવા ઈચ્છતો હતો. સંતે એને કહ્યું ઃ ‘‘દીકરા, સપનાં માત્ર જોવાની વસ્તુ નથી, માત્ર પાળવા કે પંપાળવાની વસ્તુ નથી, સપનાંને તપાવીને પોલાદી બનાવવાં પડે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય વિના વિલંબે લેવો એ પણ સ્વપ્ન-સિઘ્ધિ ને ખતરામાંથી બચવાનો એક મહત્વનો ઉપાય છે!’’ થોડી વાર રોકાયા બાદ સંતે કહ્યું ઃ ‘‘બાણાવળી અર્જુન બાહોશ હતો, પણ દરેક વાતમાં વધારે પડતા તર્કને રવાડે ચઢીને નિર્ણય લેવામાં વિલંબ કરતો.’’

વાત મહાભારતના યુઘ્ધના દિવસોની છે. શ્રીકૃષ્ણ સાવધાનીપૂર્વક અર્જુનના રથનું સંચાલન કરતા હતા એટલે અર્જુન અનેક આફતોમાંથી બચી જતો. મહાભારતનું યુઘ્ધ સમાપ્તિને આરે હતું. સાંજનો સમય હતો. કૃષ્ણ અર્જુનના રથને પાંડવોની વિશ્રામછાવણી પાસે લઇ આવ્યા અને અર્જુનને રથમાંથી જલ્દી ઉતરી જવાની વિનંતી કરી. પરંતુ અર્જુન રથમાંથી ઉતર્યો નહીં. અર્જુન મનોમન વિચારી રહ્યો હતો કે - પોતાના પરમ આદરણીય સારથી શ્રીકૃષ્ણ રથમાં બેઠેલા હોય અને પોતે પ્રથમ કેવી રીતે ઉતરી શકે?

શ્રીકૃષ્ણે ભારપૂર્વક કહ્યું ઃ ‘‘અર્જુન, તમારા ભાઇઓ તમને મળવા આતુર છે. જલ્દી રથમાંથી ઉતરી તેમને મળી લો.’’
પણ અર્જુને શ્રીકૃષ્ણ જ પહેલા ઉતરે તેવી જીદ પકડી.
શ્રીકૃષ્ણે કહ્યું ઃ ‘‘અર્જુન, જલ્દી રથમાંથી ઉતરો. હું અત્યંત થાકેલો છું. તમે રથમાંથી ઉતરો એટલે હું પણ રથમાંથી કૂદી પડીશ.’’
અર્જુનને શ્રીકૃષ્ણના શબ્દો રહસ્યમય લાગ્યા. તે રથમાંથી તરત જ નીચે ઉતર્યો અને શ્રીકૃષ્ણ પણ રથમાંથી કૂદકો મારી જમીન પર પહોંચી ગયા.

શ્રીકૃષ્ણ રથમાંથી જેવા નીચે ઉતર્યા કે તરત જ રથમાં આગ પ્રજ્વલિત થઇ અને ભડભડ બળવા માંડ્યો.
અર્જુન વિસ્મિત હતો. એનું વિસ્મય દૂર કરવા કૃષ્ણે કહ્યું ઃ ‘‘અર્જુન, આજે આખો દિવસ શત્રુઓએ ‘અગ્નિ બાણ’નો મારો ચલાવ્યો હતો, પણ મેં મંત્રશક્તિથી એનો પ્રભાવ અને પરિણામ રોકી રાખ્યું હતું. હું જાણતો હતો કે હું રથમાંથી જેવો ઉતરીશ, એટલે અગ્નિ-બાણનો પ્રભાવ શરૂ થઇ જશે. એટલે જ હું તને રથમાંથી વહેલો અને ઝડપી રીતે ઉતરી જવાનો આગ્રહ કરતો હતો.’’

જિંદગીમાં દરેક સ્વપ્નશીલ અને સિઘ્ધિપિપાસુ માણસે અંતરાત્મા રૂપી સારથીનો આદેશ માનીને યોગ્ય સમયે ત્વરિત નિર્ણય કરવાનો છે. સપનાં તો કામધેનું છે. એને દોહી લેવા માટે બ્રાહ્મણને મુહૂર્ત પૂછવાની જરૂર નથી. કામધેનુના આંચળને નિચોવી લેવાની નહીં પણ શ્રઘ્ધાપૂર્વક તેની માવજત કરીને મનોવાંછિત દૂધ પ્રાપ્ત કરી લેવાની કુનેહ માણસે કેળવવી પડે છે!
જીવન એટલે વાવેતરની મોસમ. યોગ્ય બીજ વાવ્યા વગર ઉતાવળે આંબા પકવી લેવાનાં ખ્વાબમાં રાચનારના હાથમાં સરવાળે પશ્ચાત્તાપ જ આવે છે. કાર્ય માણસ પાસે જહેમત માગે છે, કામ માણસ પાસે ખંત અને ખમીર માગે છે. જેઓ કામને ‘પતાવવા’ માગે છે. મોકો મળે કામ તેને ‘પતાવી’ નાખે છે.

બહાનાંખોર, પ્રમાદી, નિષ્ઠાહીન અને બેજવાબદાર લોકો જીવનને ‘અભિશાપ’ કહી નિંદતા હોય છે. નજીવી બાબતની ઉપેક્ષાઓ જ ભયાનક હાનિની ભૂમિકા સર્જી દેતી હોય છે. પ્રત્યેક ક્ષણ કશુંક શ્રેષ્ઠ અર્પવા ઉત્સુક હોય છે- જો તમે તેનો લાભ લેવાની કળાથી માહિર બનો તો. સ્વપ્નસિઘ્ધિનો માર્ગ છે, ‘આજ’ની, મળેલી ઘડીની- ક્ષણની ‘લાજ’ રાખવાની પૂર્ણ તૈયારી. આપની ‘આજ’ વિશે ભવિષ્યવેત્તાઓ ગમે તેવી આગાહી કરે પણ આપની ચોકસાઇ, જવાબદારીની ભાવના, તકનો તકાજો સાંભળવા માટે સરવા કાન, નિયમિતતા, એકાગ્રતા, પરિશ્રમપ્રિયતા, ઉત્સાહ, સાહસિકતા અને કર્મ પરત્વેનો આદર અને શ્રઘ્ધા, આ બધાં તમારી સફળતાની યાત્રાને સલામત કાંઠે પહોંચાડનારી નૌકાનાં હલેસાં છે.

ભાગ્યનું સામ્રાજ્ય નિર્માલ્ય લોકોને ક્યારેય સુખ નામની સરહદમાં પ્રવેશવાનો ‘વિઝા’ આપતું નથી. એટલે જ ગેટે કહેતા કે તમે જ્યાં હો ત્યાં સંપૂર્ણ વ્યક્તિત્વ સાથે ઊભા રહો. કેમ ચાલવું એના કરતાં ક્યાં અને ક્યારે કેમ રોકાવું એ પણ એટલું જ અગત્યનું છે. એટલે જ સોક્રેટિસને કોઇ નવયુવક કે સ્વપ્નશીલ માણસ સ્વપ્નસિઘ્ધિ બાબતે મળવા જતો ત્યારે સોક્રેટિસ તેમને પૂછતા ઃ ‘‘તમે તમારી જાતને ઓળખો છો? ઓળખતા હો તો મને કહો કે તમે કઇ ધાતુમાંથી બનેલા છો? એ પણ સંભવ છે કે તમે મીણ અને માટીના બનેલા હો, પરંતુ એવા ભ્રમમાં રાચતા હો કે તમે પોલાદમાંથી બનેલા છો.’’
‘‘પણ એ નિર્ણય કરવાનું કામ તો અત્યંત અઘરું છે’’ - મુલાકાતી કહેતો.

‘‘પરંતુ એ કપરું કાર્ય તારે પાર પાડવું પડશે. માટીનો મોળો માણસ પોલાદી કાર્ય પાર ન પાડી શકે! એટલે જ કહું છું કે તું જાતને જાણ!’’ સપનાના પંખીને પાંજરામાં પૂરાઇ રહેવાની આદત નથી! સપનાંને ઉડવા મુક્ત આકાશ આપો તો તેઓ તમારે માટે સિઘ્ધિનો સંદેશો લઇ પાછાં ફરશે. સપનાં સ્વભાવે ચંચળ છે પણ તેઓ ઈચ્છે છે કે સ્વપ્નસેવી માણસ સ્વભાવે ચંચળ નહીં, મક્કમ મનોબળવાળો હોય. સપનાંથી આકર્ષાય નહીં, પણ સપનાંને પોતાનાથી આકર્ષિત થવાની ફરજ પાડે, સપનાં તેને બે હાથે સલામ કરતાં હોય છે.

ચંચળ સ્વભાવના માનવીઓ ઉતાવળીયા, એકાગ્રતાહીન અને પાયાહીન આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. જાતને ઓળખવી એટલે પોતાની શક્તિઓ, કમજોરીઓ અને વિશેષતાઓને ઓળખવી. દરેક સ્વપ્નસિઘ્ધિયાત્રી અર્જુન છે, જે મુંઝાય છે, પણ અફસોસ! દરેકને શ્રીકૃષ્ણ જેવો પથપ્રદર્શક નથી મળતો. પણ એવા પથપ્રદર્શકને બહાર શોધવાની જરૂર નથી! એ ‘આતમરામ’ રૂપે તમારી અંદર જ બેઠેલો છો! એની સાથે વિવાદનો નહીં, સંવાદનો, સંબંધ રાખશો તો તમને સફળતાનો માર્ગ અવશ્ય્ ચીંધશે.

મોટાભાગના માણસોનું જિંદગીની દ્રષ્ટિનું હોકાયંત્ર બગડેલું હોય છે. એટલે તેનું મન ઉત્તર માટે ‘ઉત્તર દિશા’ તરફ ઘ્યાન રાખવાને બદલે પૂર્વ- પશ્ચિમ- ઉત્તર- દક્ષિણ એમ ચોતરફ ધૂમ્યા જ કરે છે. કેડબરી ચોકલેટના મૂળ નિર્માતા વિલિયમ કેડબરીએ પોતાની પ્રબળ ઈચ્છા શક્તિથી ધનિક બનવાનું સ્વપ્ન કેવી રીતે સિઘ્ધ કર્યું તેનો પ્રસંગ ‘જીવનમાંથી જડેલી વાતો’ના લેખક પ્રો. ધર્મેન્દ્ર માસ્તરે (મઘુરમ્) સુંદર રીતે અંકિત કર્યો છે. વિલિયમ કેડબરી એમના પિતાનું પાંચમું સંતાન હતા. બસો- અઢીસો વર્ષ પહેલાં ઇંગ્લેંડમાં તેઓ ઇંડાં, પાઊં, કૉફી, કોકો વેચીને પરાણે ગુજરાન ચલાવતા હતા. માતા મજૂરી કરતી અને પુત્ર વિલિયમને પણ નાનપણથી જ કઠોર પરિશ્રમના સંસ્કાર આપ્યા હતા.

એક વાર વિલિયમે દૂધમાં કોકો નાખ્યો અને વરસતા બરફ નીચે દૂધનું વાસણ દાટી દીઘું.બીજે દિવસે તે સખત ચોકલેટ બની ગઇ. એ દૂધ મીઠું હતું અને એમાં કોકો ભળતાં એનો સ્વાદ આહલાદક બની ગયો. એણે આ પ્રોડકટને ‘‘ચોકલેટ’’નું નામ આપ્યું. એ ચોકલેટ વેચવા જતો અને પિતાએ અપાવેલી નોકરી પણ કરતો. એવામાં એની માતા થોડાક પાઊંડ મૂકી અવસાન પામી. વિલિયમ અને તેના ભાઇએ તે રકમમાંથી સસ્તા ભાવે એક ભંગાર કારખાનું ખરીદી દીઘું અને બન્ને ભાઇઓ સવારે ચા-નાસ્તો કરીને કારખાને જાય અને ભૂખ્યા પેટે કામ કરે. એવામાં તત્કાલીન વડાપ્રધાન ગ્લેડસ્ટને કોકો ઉપરનો કર ઘણો ઓછો કર્યો. એટલે વિલિયમ કેડબરીને કારખાનામાંથી સારો નફો થવા લાગ્યો.

એ પછી એ નવાં-નવાં કારખાનાં વધારતો જ ગયો અને કેડબરી ચોકલેટ એવી બનાવતો કે અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશોમાં એની ખપત અને ખ્યાતિ વધતી ગઇ. વિલિયમે કામદારો માટે નવા આવાસો, બાગ-બગીચા, હૉસ્પીટલની વ્યવસ્થા કરી. સહકારી સંસ્થાઓ સ્થાપી જીવન જરૂરી ચીજો સસ્તી અને સુલભ બનાવી. આમ વિલિયમ ગરીબ હતો પણ હિંમત ન હાર્યો અને સખત મહેનત કરી સંકલ્પને બળે આખા જગતમાં ‘કેડબરી ચોકલેટ’ના ઉત્પાદક તરીકે આગવી નામના મેળવી.

નિરાશા, રાબેતા મુજબનું કામ કરી જીવન જીવી નાખનાર, કંઇક કરવાની ઈચ્છાવાળા પણ રસ્તો ન મેળવી શકે તેવા, તેમ જ જહેમત અને સંકલ્પ દ્વારા જગતને નવો રસ્તો બતાવી નવીન ચીલો પાડનાર, એવા ચાર પ્રકારનાં માણસો જગતમાં જોવા મળે છે. વિલિયમ કેડબરી ચોથા વિરલ પ્રકારના માનવોમાં સ્થાન પામે છે. મનને ‘રાંકડું’ કે સાંકડું નહીં, શ્રેષ્ઠ સપનાં જોવાના અને પરિશ્રમથી સપનાં સિઘ્ધ કરવાના સંકલ્પ સાથે ફાંકડું બનાવો. સપનાં તો તરસી આંખે તમારી રાહ જોઇ રહ્યાં છે. મક્કમ પગ ધરતી પર રાખી નજર આકાશ તરફ રાખશો તો ક્ષિતિજ દૂર નહીં રહે!

No comments: