Monday, July 5, 2010

કમરતોડ મોંઘવારીમાં રાહતરૂપ ‘બચત’નું શસ્ત્ર..

                                                      ગૃહિણીએ બજેટ


બનાવી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો
સાકર ૪૦ રૂપિયે કિલો, બટેટા ૨૨-૨૫ રૂપિયે કિલો, કાંદા ૩૦ રૂપિયે કિલો, તુવેરદાળ ૮૦ રૂપિયે કિલો, ચોખા ૪૦ રૂપિયે કિલો....... ગેસના સિલિન્ડરના ભાવ વઘ્યા, બાળકોની શાળાની ફી વધી, ફિલ્મની ટિકિટ મોંઘી થઇ, રેસ્ટોરાંમાં વાનગીઓની કિંમતમાં વધારો...... જ્યાં નજર પડે ત્યાં મોંઘવારી-મોંઘવારી અને મોંઘવારી. જીવનાવશ્યક તમામ વસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.

સરકાર ભાવ વધારો રોકવામાં નિષ્ફળ રહી છે અને તેનો ભોગ બન્યા છે. મઘ્યમવર્ગીયો. વિશ્વબેંકના જણાવ્યા અનુસાર વધતી જતી મોંઘવારીને કારણે ૩૩ દેશમાં રાજકીય અને સામાજીક અશાંતિની સ્થિતિ પેદા થઇ ગઇ છે. મોંઘવારી વધવાના અનેક કારણો છે પણ તેના કારણે ગૃહિણીની હાલત કફોડી થઇ રહી છે. આજે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે પણ ગૃહિણીએ તો બાંધી આવકમાં જ ઘર ચલાવવું પડે છે.

કાંદા, બટેટા, શાકભાજીથી લઇને તેલ અને અનાજના ભાવ આભને આંબી રહ્યા છે. આ કારણે મહિલાઓની જવાબદારી વધી ગઇ છે. મોંઘવારીને લીધે ઘરનું બજેટ ડામાડોળ ન થાય તેનું ઘ્યાન મહિલાએ રાખવાનું હોય છે. આ માટે થોડી કુશળતા જરૂરી છે જેથી મોંઘવારીમાં પણ સારી રીતે ઘર ચલાવી શકાય.


ઘર ખર્ચનું બજેટ બનાવોઃ
જો તમે અત્યાર સુધી વગર બજેટે ખરીદી કરતાં હો તો હવે થોભી જાવ. અત્યાર સુધી કદાચ આ વાતથી કોઇ ફરક પડતો નહિ હોય પણ વધતી જતી મોંઘવારીમાં આવી લાપરવાહી મુશ્કેલીમાં મુકી દેશે. ખરીદી કરતાં પૂર્વે જો બજેટ બનાવવામાં આવે તો કયા ખર્ચા જરૂરી છે અને કયા ખર્ચા બીનજરૂરી છે તેની ખબર પડશે. આથી બીનજરૂરી ખર્ચા બંધ કરવાથી બચત થશે.

આ અંગે પોતાનો અનુભવ જણાવતાં અનિષા માવાણીએ કહ્યું હતું કે, ‘અમે બધી બેનપણીઓ મહિનામાં બે ફિલ્મો જોવા જતી હતી અને તે દિવસે અમે લંચ પણ બહાર જ કરતા હતા. જોકે બજેટ બનાવતી વખતે અમને લાગ્યું કે જો અમે ઇચ્છીએ તો આ ખર્ચ ઓછો કરી શકીએ. હવે અમે બધા ફિલ્મ જોઇએ છીએ પણ ડીવીડી પર. કોઇ એકના ઘરમાં આ પ્રોગ્રામ રાખીએ છીએ.

લંચ માટે અમે બધા પોત-પોતાના ઘરેથી એક-એક વાનગી બનાવીને લાવીએ છીએ. આથી ખર્ચ પણ ઓછો થઇ જાય છે અને અમે પાર્ટીની મજા લઇ શકીએ છીએ. જો અમે બજેટ ન બનાવત તો વધારાના આ ખર્ચની અમને ખબર જ પડત.’
આમ તમે પણ બજેટ બનાવીને બીન જરૂરી ખર્ચા પર કાપ મૂકી શકશો. આ દ્વારા થતી બચતની રકમ ભલે નાની હશે પણ તે મુશ્કેલીના સમયમાં મીઠી લાગશે.

શોપિંગ લિસ્ટ બનાવોઃ
ખરીદી કરવા જતાં પહેલાં શોપિંગ લિસ્ટ બનાવવાની આદત પાડો. આથી ખરીદી કરવા જતી વખતે શું લેવાનું છે તેનું સ્પષ્ટ ચિત્ર મનમાં રહેશે. આજની મોલ સંસ્કૃતિમાં વિવિધ સ્ટોરમાં રહેલી આકર્ષક વસ્તુઓને જોઇને તે ખરીદવાની લાલચ રોકી શકાતી નથી. આ કારણે બીનજરૂરી વસ્તુની ખરીદી થઇ જાય છે. પણ જો તમે શોપિંગ લિસ્ટ બનાવીને જશો તો તમે વધારાની વસ્તુઓ ખરીદશો નહિ. આથી આપોઆપ બચત થઇ જશે.
બીન જરૂરી ખર્ચ પર કાપ મૂકોઃ

‘મોંઘવારી વધી રહી છે એટલે બીનજરૂરી ખર્ચ પર કાપ મૂકો’ એમ કહેવું ખૂબ સહેલું છે પણ તેના પર અમલ કરવો મુશ્કેલ છે. આથી સૌથી પહેલાં આપણે આપણી પ્રાથમિક્તાઓ સમજવી પડશે. પછી તે અનુસાર પ્લાનીંગ કરવાનું છે. જરૂરિયાત વગર ખરીદી કરવી, પહેલાં ખરીદી કરવી અને પછી પૈસા ચૂકવવા, દેખાડો કરવાની ટેવ, વારંવાર પાર્ટીઓ કરવી જેવી આદતો દૂર કરવી પડશે.

હેતલ મહેતાએ કહ્યું હતું કે, ‘પહેલાં અમે દર અઠવાડિયાના અંતે મુંબઇની બહાર જતા હતા અને માનસિક તાણમાંથી મુક્ત થઇને પાછા આવતા હતા. પરંતુ હવે મોંઘવારી વધતા છેલ્લા બે મહિનાથી અમે બહાર જવાનું બંધ કર્યું છે. વર્ષોથી જે આદત પડી હતી તેના કારણે ઘરમાં રહેવું થોડું મુશ્કેલ બને છે. પણ અમે ધીમેધીમે આ બદલાવને સ્વીકારી રહ્યા છે. જોકે આ કારણે સારી એવી બચત થાય છે ખરી.’

પહેલાનાં બજેટમાં જ ચલાવવુંઃ
ખાવા-પીવાની વસ્તુઓ, પેટ્રોલ, ગેસ, વીજળી જેવી જીવનાશ્યક વસ્તુઓના વધતાં જતાં ભાવ સામે બધા ઝઝુમી રહ્યાં છે. વસ્તુઓના વધતાં જતાં ભાવને તો આપણે અટકાવી નહિ શકીએ પણ આપણે આપણી જીવનશૈલી અને આહારશૈલીમાં પરિવર્તન કરવું પડશે. કમ્પ્યુટર એન્જિનીયર સોનાક્ષી ગોહિલે કહ્યું હતું કે, મને પહેલાં દરરોજ બહારની વાનગીઓ ખાવાની આદત હતી.

નોકરી પર જતાં-આવતાં કે લંચમાં, એકાદ વખત તો બહારની વાનગી ખાવાની લાલચ રોકી શકતી નહોતી. પણ હવે મોંઘવારીને કારણે મેં મારી ખાન-પાનની આદતમાં ફેરફાર કર્યો છે. પહેલાં અમારા ઘરમાં બે શાક બનતાં હતા. પણ હવે હું એક જ શાક બનાવું છું. પહેલાં અમે બાસમતી ચોખા ખાતા હતા. પણ મોંઘવારીને કારણે હવે ચોખાની ક્વૉલિટી બદલી નાંખી છે. આવા નાના-નાના ફેરફારને કારણે પહેલાંના બજેટમાં જ ઘર ચાલે છે.

‘સેલ’માં જતાં પૂર્વે સાવધાનઃ
ઘણી ગૃહિણીઓ દુકાન પર ‘સેલ’નું બોર્ડ જોતાં જ ખરીદી કરવા પહોંચી જાય છે. ક્યારેક ટાઇમપાસ કરવાના હેતુસર પણ ‘સેલ’ના સ્થળે જવામાં આવે છે. પણ આ ટાઇમ પાસ મોંઘો પડે છે. કારણ કે ત્યાં જતાં આકર્ષક વસ્તુઓ ખરીદવા મન લલચાઇ જાય છે અને જરૂરત ન હોવા છતાં તે ખરીદાઇ જાય છે. ઘણી વખત સેલમાં વધેલો, જુનો, યુરોપ કે ચીનની માર્કેટનો ડિફેક્ટેડ માલ કે સેકેન્ડહેન્ડ માલ વેચવામાં આવે છે. એટલે સસ્તી વસ્તુ ખરીદવાના ચક્કરમાં નકામો માલ જ ખરીદાઇ જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ‘સેલ’ના પાટિયા જોઇને ઉત્સાહિત થવાને બદલે સમજી-વિચારીને નિર્ણય કરવો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરવોઃ
આજકાલ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાને પ્રતિષ્ઠાના પ્રતિક તરીકે જોવામાં આવે છે. જેટલા વઘુ ક્રેડિટ કાર્ડ એટલું ઉંચું સ્ટાન્ડર્ડ એમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે તમારા ખર્ચને વધારી રહ્યા છો? હા, ક્રેડિટ કાર્ડ વડે રોકડ રકમ ન હોય તો પણ ખરીદી કરવાની છૂટ મળે છે. પણ તમે ભૂલી જાવ છો કે ક્રેડિટ કાર્ડની પણ ફી આપવી પડે છે. એટલે જો તમે કોઇ વસ્તુ સસ્તી સમજીને ખરીદી રહ્યા છો અને તેનું બીલ ક્રેડિટ કાર્ડથી ચૂકવો છો તો સરવાળે તમે ખોટમાં છો, એ વાત સ્વીકારી લેજો. કારણ કે ક્રેડિટ કાર્ડની ફી ઉમેરાતાં તે સામાન મોંઘો પડશે. આથી શક્યતઃ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અત્યંત જરૂરી હોય તો જ કરવો.

જથ્થાબંધ બજારમાંથી ખરીદી કરવીઃ
છૂટક બજારને બદલે જથ્થાબંધ બજારમાંથી ખરીદી કરવામાં આવે તો ઘણી બચત થઇ શકે છે. કારણ કે ત્યાં ભાવ ઓછા હોય છે. કરિયાણું પણ જથ્થાબંધ ખરીદશો તો ઉચ્ચ ગુણવત્તાનો માલ મળશે તથા વારંવાર જવા-આવવાનો ખર્ચ પણ બચી જશે.

અઠવાડિયાના શાક અને ફળ ખરીદોઃ
એક સપ્તાહના ફળ અને શાકભાજી ખરીદીને ફ્રિઝમાં મૂકી દેવા. ફળ અને શાક વધારે પ્રમાણમાં લેવાથી ભાવ ઓછો થશે. જોકે ભાજી જલ્દી ખરાબ થઇ જાય છે એટલે તેને સાધારણ ઉકાળીને, વાટીને, હવા બંધ ડબ્બામાં ભરી ફ્રીઝમાં મૂકો. પછી જ્યારે ઇચ્છો ત્યારે તેને ઉપયોગમાં લઇ શકાશે. તેજ પ્રમાણે કાંદા, બટેટા અને લસણનો પણ સ્ટોક રાખવો. શાક અને ફળોના ભાવ પર નજર રાખો. કારણ કે આના ભાવ વધતાં-ઘટતાં રહે છે.

ખાવાની વસ્તુઓ ઘરે બનાવોઃ
આજે અથાણાં, પાપડ, ચટણી નાસ્તા વગેરે પણ બહારથી લાવવાની આદત પડી ગઇ છે. મોલ સંસ્કૃતિ, સરળ ઉપલબ્ધતા અને નોકરિયાત માનુનીઓની વ્યસતતાએ આ આદતમાં ઈંધણ પૂર્યું છે. પરંતુ કમરતોડ મોંઘવારીથી બચવું હશે તો આ આદત છોડવી પડશે. સપ્તાહમાં એક- બે કલાક ફાળવી લીલી ચટણી, લસણની ચટણી, ખાટી-મીઠી ચટણી બનાવીને ફ્રિઝમાં મૂકી દેવાથી તે ૧૫ દિવસ સુધી સારી રહે છે. આ ઉપરાંત સૉસ અને ગરમ મસાલા પણ ઘરે બનાવી શકાય છે. ઘરમાં બનેલી વસ્તુઓ તાજી અને સારી હશે તથા પૈસાની બચત પણ થશે.

બચત કરવાની તરકીબઃ
* વીજળી બચાવાનો પ્રયાસ કરવો. આનાથી ઘણો ફાયદો થશે. આ માટે એસીનો ઉપયોગ ઓછો કરવો. પંખા અને લાઇટને નકામા ચાલુ ન રાખવા. ઇલેક્ટ્રીક ગીઝરને બદલે સૌર ઊર્જાથી ચાલતું ગીઝર લગાડવું. ૨૪ કલાક ગરમ પાણી પણ મળશે અને વીજળીની જરૂર નહિ પડે.

* ઘણી વખત સ્કુલ બસનો ખર્ચ વઘુ હોય છે. જો એમ હોય તો સ્કુલ બસ બંધ કરી થોડા બાળકોને ભેગા કરી કારપૂલનો ઉપયોગ કરવો. જો તે શક્ય ન હોય તો બાળકોનું એક ગુ્રપ બનાવી તમામ વાલીઓ વારાફરતી બાળકને લેવા-મૂકવા જાય તેવી ગોઠવણ કરવી. આ ઉપાયથી બચત પણ થશે અને અગવડ પણ નહિ પડે.

* બાળકોને શોપિંગ કરવા સાથે ન લઇ જવા. કારણ કે ઘણીવખત તેમની જીદને કારણે વસ્તુઓ ખરીદવી પડે છે. અને બજેટ ડગમગી જાય છે. બાળકોની બધી જીદ પૂરી ન કરવી.

* થિયેટર, હોટલ કે રેસ્ટોરાંમાં જવાનું ઓછું કરવું. જન્મદિવસ, લગ્નતિથિ જેવા ખાસ અવસરે જ ફિલ્મ જોવા કે રેસ્ટોરાંમાં ડિનર માટે જવું.

* બાળકોના ટિફિનમાં બહારનું ખાવાનું કે જંકફૂડ આપવાને બદલે ઘરમાં બનાવેલા નાસ્તા, ફણગાવેલા કઠોળ કે ફળ આપવા. જો બાળકને સ્કુલમાં ખાવા માટે રોજ અથવા સપ્તાહમાં બે-ત્રણ વખત પૈસા અપાતાં હોય તો તે બંધ કરવા. બાળકોને પણ વધતી જતી મોંઘવારી અને બચત વિશે સમજાવો અને મહિનામાં માત્ર એકવખત પૈસા આપવા.

* વધેલા ભોજનનો ઉપયોગ કરવો. ઘરમાં જ સ્વાદિષ્ટ રેસિપી બનાવો. બચત પણ થશે અને પ્રશંસા પણ મળશે.

* ઘણી વખત સામાન ખરીદતી વખતે ઉત્પાદનનું પેકિંગ મોટું દેખાય છે પણ અંદરથી માત્રા ઓછી નીકળે છે. આથી ખરીદી કરતી વેળા પ્રોડક્ટની સાઇઝ અને પ્રાઇઝ બંનેની તુલના કરવી.

* જો ઘરની બધી વ્યક્તિ પાસે મોબાઇલ ફોન હોય અને લેન્ડલાઇનનો ખાસ ઉપયોગ ન હોય તો તે ફોન બંધ કરી દેવો.

* વાંચનનો શોખ હોય અને દર મહિને સામયિકો ખરીદવાની આદત હોય તો કોઇ લાઇબ્રેરીના સભ્ય બનો. આનાથી દર મહિનાનો ખર્ચ ઓછો થશે અને વાંચનનો શોખ જળવાઇ રહેશે. મોંઘવારી તો ઓછી થવાની નથી. આપણે જ આપણી જરૂરીયાતો પર કાપ મૂકવો પડશે. બચતના ઉપાયો અજમાવ્યા પછી પણ મહિનાના છેલ્લા દિવસોમાં હાથ ખાલી રહે તો સાવધ બની જવું.

આવી નાની-મોટી બચતથી કંઇ નહિ વળે. તમારે તમારી આવકના સ્ત્રોત વધારવા પડશે. આથી ઓવર ટાઇમ કરવો અથવા નવી પાર્ટટાઇમ નોકરી શોધવી.


No comments: