Monday, July 5, 2010

આઘુનિક સમયમાં ઉદ્ભવેલી કેટલીક સામાજિક સમસ્યાઓ....

આઘુનિક સમયમાં ઉદ્ભવેલી કેટલીક સામાજિક સમસ્યાઓ પૈકીની વિભક્ત કુટુંબની સમસ્યાએ સંબંધોના તાણાવાણાને વેરવિખેર કરી નાંખ્યા છે. મા જેવી ઘરની મોભી વ્યક્તિનું મહત્વ હવે સમજાવવા લાગ્યું છે. એની હૂંફ અને મમતાની છત્રછાયામાં જીવતું સંયુક્ત પરિવાર ભર્યું ભાદર્યું લાગતું.


કશી અપેક્ષા વિના મા પોતાના પરિવારની સતત ચિંતા અને દેખભાળ કરતી હોય છે. આવી મા હયાત ન હોય ત્યારે એનું મહત્વ સમજાય છે. ગઝલકાર રતિલાલ સોલંકી મા વિષયક પોતાની ગઝલમાં માની હેસિયત સંબોધનાત્મક શૈલીમાં રજૂ કરે છે ઃ

તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા,
એક મીઠું આંગણે સરવર હતું, મા.

માની હૂંફથી જ ઘર સાચા અર્થમાં ઘર બને છે. જીવનનો પ્રખર તાપ ઝીલીને એ પોતાના સંતાનોના માથે વાદળની જેમ હંમેશા અમીવર્ષાની ઝરમર કરતી રહે છે ઃ

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા.

કશી સુખ-સુવિધાઓ કે ધન-દોલત વિનાનું ઘર પણ માની ઉપસ્થિતિને કારણે કુબેરભવન જેવું લાગતું. આવો શૂન્યાવકાશ એના વાત્સલ્ય અને લાગણીથી છલકાઈ ઊઠતું. એ ઘરની સઘ્ધરતા હતી ઃ

સાવ ખાલીખમ હતું, પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા.

જીવનના સુખ-દુઃખ અને તડકા-છાયા વચ્ચે એ હંમેશા પોતાના આત્મીયજનો માટે પ્રફુલ્લિત રહેતી. પોતાના સ્વજનોને દુઃખનો અહેસાસ કયારેય થવા દેતી નહીં. હૈયું રડતું હોય છતાં ચહેરો મલકતો રાખતી ઃ

યાતના વચ્ચે મલકતું ને હરખાતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા.

એ ક્યારેય નફા-નુકસાનનું ગણિત રાખતી નહીં. કશા બદલાની અપેક્ષા વિના એ પોતાના સંતાનોનો ઉછેર કરે છે. એમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. એની પાસે હિસાબના સરવાળા-બાદબાકી નથી. એ તો કેવળ અને કેવળ નિઃસ્વાર્થ પ્રેમ કરે છે ઃ

ફાયદા-નુકસાનનો હિસાબ શાનો
તારૂં બસ હોવાપણું સરભર હતું , મા.

No comments: