Sunday, July 11, 2010

મનમોહન સરકારે પહેલાં આપણને કઠોળ અને અનાજ ખાતા બંધ કર્યાં.....

મનમોહન સરકારે પહેલાં આપણને કઠોળ અને અનાજ ખાતા બંધ કર્યાં અને હવે શાકભાજી ખાતા બંધ કર્યાં!
આપણે જીવવું કઈ રીતે? મુરલી દેવરા, મનમોહનસિંહ અને શરદ પવાર દ્વારા
કોંગ્રેસનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે
મનમોહનસિંહ કે કોંગ્રેસ કે સરકારને આપણી સામાન્ય જનતાની જરા પણ પડી નથી!
આ મોંઘવારી કોંગ્રેસને પણ ડૂબાડશે અને રાહુલ ગાંધીને વડાપ્રધાનપદેથી દૂરના દૂર રાખશે


‘‘મોંઘવારી સરકાર જ વધારે છે’’, ‘‘મોંઘવારી ભાજપની સરકાર હતી ત્યારે ભાજપ વધારતી હતી અને કોંગ્રેસની સરકાર છે ત્યારે કોંગ્રેસ વધારે છે’’, ‘‘મોંઘવારી શરદ પવાર વધારે છે’’, ‘‘મોંઘવારી મનમોહનસિંહ વધારે છે’’ વગેરે વાક્યો આખા દેશમાં ફક્ત ગુજરાત સમાચાર ‘નેટવર્ક’ જ વર્ષોથી લખતું રહ્યું છે અને એ સાચું પણ પડતું રહ્યું છે. મોંઘવારી વધારવાનું કારણ એક જ છે... આપણી જનતાની કેડ ઉપર તાગડધિન્ના કરવાની દાનત.

આ દાનતથી કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય પણ દરેક નેતા પીડાય છે પણ મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પીડાતા નહીં હોય એવું માનવામાં આવતું હતું પણ એ માનવું ભૂલ ભરેલું હતું એ હવે સાબિત થઈ ગયું છે.
સોનિયા અને મનમોહનસિંહ આમઆદમીના માણસ છે એવો આપણો ભ્રમ હતો એ એ બન્નેએ સાબિત કરી દીઘું છે પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે... આમ આદમીએ જ એમને સત્તા આપી છે અને આમઆદમી જ એમને સત્તા ઉપરથી ફેંકી પણ શકે છે.

પહેલાં કઠોળ અને અનાજના ભાવ વધે એવા પગલાં લેવાયા ત્યારે લાગેલું કે મનમોહનસિંહ અને સોનિયા ગાંધી કંઈક કડક વલણ લેશે પણ એમણે કશું કરવાના બદલે મૂંગામૂંગા જોયા કર્યું. ભાવો વઘ્યા, ફુગાવો વધવા લાગ્યો અને બૂમરાણ પડી એટલે અજાણ્યા થઈને મનમોહનસિંહ અને પ્રણવ મુકરજી કહેવા લાગ્યા કે થોડાંક સમયમાં ભાવો ઘટશે.
એમ કહેવામાં એમની લુચ્ચાઈ હતી. ભાવો વધે એવી એમની જ દાનત હતી એટલે એ જાણતા હતા કે ભાવો ઘટવાના નથી પરંતુ વધવાના છે પણ ભડકેલી જનતાને શાંત રાખવા એમણે લુચ્ચાઈ કરેલી.

કઠોળ અનાજના ભાવ ધીરે ધીરે વધે એવી લુચ્ચાઈ જ વાપરેલી. એ ઉહાપોહ થાળે પડ્યો એટલે ખાંડ અને ગોળના ભાવો વધારવાનું ચક્કર કોંગ્રેસ સરકારે ચલાવ્યું.
બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ વગેરેના ભાવો વધારવા પ્રચાર શરૂ કરીને જનતાને માનસિક રીતે તૈયાર કરવાની લુચ્ચાઈ મનમોહન સરકારે કરી.
પરિણામે ફુગાવો વધવા લાગ્યો. બુમરાણ થવા લાગી. બુમરાણ થવા લાગી. એની ભેળા વડાપ્રધાન અને નાણાપ્રધાન પણ પોતાના અવાજ સાથે ભળવા લાગ્યા.
આમ જનતા ત્રાહીમામ થઈ ગઈ.

વિરોધપક્ષો નપાણીઓ થઈ ગયા છે એટલે આમજનતા ‘બિચારી’ થઈ ગઈ. એનું કોઈ ધણીધોરી ન રહ્યું.
આ ઉહાપોહ થાળે પાડવા લાગ્યો અને વધેલી મોંઘવારી આમઆદમીને કોઠે પડવા લાગી.
એટલે મનમોહન સરકારે છાનામાના એવા પગલાં લીધા કે ફળો અને શાકભાજીના ભાવ રોકેટની જેમ ઊંચે જવા લાગ્યા.
ફરી હાહાકાર મચી ગયો.
પરંતુ ઔદ્યોગિક દર વધે છે, દુનિયાની મંદીની અસર આપણને થતી નથી, મોટરોનું વેચાણ વધે છે, પેટ્રોલનું વેચાણ ઓછું થયું નથી, પગારો વધે છે... વગેરેના કારણે મનમોહન સરકારને મોંઘવારી સામેનો ઉહાપોહ ખોટો લાગે છે.

એટલે મનમોહન સરકાર મોંઘવારી વધારવા આગળ વધી. પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી વધારવાના ગાણા ગાવા શરૂ કરાયા અને થોડાંક દિવસો નાટક કરીને ભાવ વધારી દેવાયા.
ેએ સાથે બસ અને રીક્ષાના ભાડા પણ વધારવાની માંગણી થવા લાગી.
બઘું જ નાટક.
બધી જ લુચ્ચાઈ.

આટલું બઘું થવા છતાં, ભાવો વધવામાં વિક્રમ કર્યો હોવા છતાં, મોંઘવારીએ માઝા મૂકી હોવા છતાં કોઈ કશું બોલતું નથી એ જોઈને કોંગ્રેસ સરકારે અત્યાર સુધી નહીં કરેલો જનોઈવધ ઘા કર્યો... કેરોસીનના પણ ભાવ વધાર્યા અને રાંધણ ગેસના પણ ભાવ વધાર્યા. એ સાથે બીજો આડો ઘા ભાવોને અંકુશમુક્ત કરીને મનમોહન સરકારે પુરવાર કર્યું કે એની સરકાર આમઆદમીની નથી પણ ખાસ આદમીની જ છે.
એ સાથે મનમોહનસિંહે હુંકાર પણ કર્યો કે... ‘જાવ, ભાવ વધાર્યા છે એ પાછા નહીં ખેંચાઈ અને હજી ભાવ વધશે!’
પરિણામે શાકભાજી સહિત બધી જ ખાદ્ય ચીજોના ભાવો ઉછળવા લાગ્યા. જે શાકભાજી પાંચ દર રૂપિયે કીલો વેચાતી હતી એના પચ્ચીસ ત્રીસ રૂપિયા થઈ ગયા.
પેલી બાજુ પેટ્રોલના ભાવ અંકુશમુક્ત હતા કાલ સવારે પેટ્રોલના ભાવ ૧ લીટરના ૧૦૦ રૂ. પણ થઈ જાય!

ડીઝલના ભાવોને પણ અંકુશમુક્ત કરવાની મનમોહનસિંહે ધમકી પણ આપવા માંડી છે.
ટૂંકમાં, મનમોહનસિંહનું નામ ઇતિહાસમાં મોંઘવારી વધારનાર વડાપ્રધાન તરીકે કાળા અક્ષરે લખાશે.
વિરોધપક્ષો પુરૂત્વહીન થઈ ગયા છે એનું આ પરિણામ છે.
કોંગ્રેસ સરકારને પોતાના ખર્ચમાં, પ્રધાનોના ખર્ચમાં ક્યાંય કાપ નથી મૂકવો. બધા પ્રધાનો અને સંસદ સભ્યો, ધારાસભ્યો, સુધરાઈ સભ્યો, સરકારી નોકરો, વગેરે સમગ્ર સરકારી અને રાજકીય તંત્ર જેટલું પેટ્રોલ વાપરે છે, જેટલું રાંધે ખાઈ છે એ બઘું આપણી કેડ ઉપર જ કરે છે. એમના ખિસ્સામાંથી ફાટેલી નોટ પણ એ વાપરતા નથી.

એટલે પેટ્રોલ કે ગેસના ભાવો વધારવાથી એમના કોઈના પિતાશ્રીનું કશું જવાનું નથી.
આમ જનતાની જો એમને દરકાર હોત તો તેઓ ભાવો વધારવા સાથે પોતાના ખર્ચમાં એક રૂપિયાનો પણ કાપ મુક્ત તો જનતાને થાત કે... ના, મનમોહનસિંહને, કોંગ્રેસને, સોનિયાને આમજનતા માટે લાગણી છે.
વિરોધપક્ષો પણ કોંગ્રેસથી ઓછા ઉતરે એવા નથી. તેઓ ભેગા થઈને ‘ભારત બંધ’નું એલાન આપે છે પણ એમ નથી જાહેર કરતા કે...‘અમે અમારા ખર્ચમાં કાપ મૂકીશું.’
વિરોધપક્ષના નેતાઓને પગાર, પેટ્રોલ, ખાવાનું, બઘું જ મળતું હોય છે.

આ આપણા આજના ‘રાજા મહારાજા’ઓ પાછળ આપણે કેટલો ખર્ચ કરીએ છીએ અને તેઓ કેવા તાગડધિન્ના કરે છે એ હવે અજાણ્યું નથી રહ્યું. ફ્રાન્સની અને રશિયાની આમઆદમીની ક્રાંતિ આવા રાજકારણીઓના કારણે જ થઈ હતી. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર આમ આદમીને એ માર્ગે જ લઈ જઈ રહી છે. આમ આદમી કંઈ બોલતો નથી અત્યારે... પણ એની સહનશક્તિનો જ્યારે અંત આવશે અને આમ આદમી જ્યારે વિફરશે ત્યારે આપણા એકપણ રાજકારણીનું શિર સલામત નહીં રહે.
વિરોધ પક્ષો દેખાવો કરે કે બંધના એલાન આપે પણ એનો કંઈ જ અર્થ નથી. વિરોધ પક્ષો જે કંઈ કરે છે એ સત્તાધારી પક્ષ સામે આંખો મિચકારીને કરે છે.
એટલે વિરોધપક્ષો અને સત્તાધારી પક્ષ બન્ને આપણને જનતાને ઉલ્લુ જ બનાવે છે.

આ બધા રાજકારણીઓ ઉપર જે ખર્ચ થાય છે.. એમના ખર્ચા આપવા આપણે આમઆદમી જેવો નીચોવાઈ છે એવું દુનિયામાં એક પણ દેશમાં નથી. આપણા આ રાજકારણીઓએ એમના પગાર વધારાનો આજદિન સુધી ક્યારેય વિરોધ નથી કર્યો. એ ઉપરાંત આ રાજકારણીઓની વઘુ લુચ્ચાઈ જુઓ! સંસદના ખર્ચને એમણે ઓડીટની બહાર રાખ્યો છે. એટલે એમના તાગડધિન્ના પાછળ આપણા કેટલા રૂપિયા ખર્ચાય છે, આપણે કેટલા એમના તાગડધિન્ના માટે નીચોવાઈએ છીએ એનો હિસાબ તપાસવાનો નહિ એવો ઠરાવ એમણે કર્યો છે. એ ઠરાવનો એકપણ વિરોધ પક્ષી નેતાએ વિરોધ નથી કર્યો!
એનો અર્થ શું થયો?
વિરોધપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય બન્ને આપણને જનતાને ઉલ્લુ જ બનાવે છે. કોંગ્રેસનો હાથ ગરીબો ઉપર હથોડા ચલાવી રહ્યો છે અને ભાજપનું કમળ ગરીબોને કાદવમાં ડૂબાડી રહ્યું છે.
પરંતુ એમ કરીને મનમોહનસિંહ પોતાના અને કોંગ્રેસના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે. મનમોહનસિંહને કોંગ્રેસની પડી નથી પણ સોનિયા ગાંધીને પડી છે. સોનિયા ગાંધી પણ મૂંગા રહીને કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે.
મોંઘવારી એમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાનપદેથી દૂરની દૂર જ રાખશે... એ તેઓ ના ભૂલે!
- ગુણવંત છો. શાહ

આ તમે જાણો છો?
* દર વર્ષે દુનિયામાં ૫,૦૦,૦૦૦ ધરતીકંપ થાય છે. એટલે કે ધરતીકંપ થતા જ રહે છે. દર મિનિટે ધરતીકંપ થાય છે... એવો એનો અર્થ કરી શકાય. આ પાંચ લાખ ધરતીકંપમાંથી ૧ લાખ ધરતીકંપ આપણે અનુભવી શકીએ તેવા હોય છે. પણ આપણે અનુભવીએ જ એવું નથી.
* યુરોપના વેનિસમાં ૧૬૪૬ થી ૧૬૮૪ દરમ્યાન થયેલી ગણિતજ્ઞ એલના પ્રિસ્કોપિયાને ૧૬૭૮માં ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી અપાયેલી. દુનિયામાં કદાચ એ જ પહેલી મહિલા હતી કે જે પીએચડી થઈ હોય.

કાનમાં કહું!
સંઘ આર.એસ.એસ.ને થપ્પડ ઉપર થપ્પડ મારી રહેલા લાલકૃષ્ણ આડવાણી
મહાશક્તિશાળી હોવાની છાપ ઊભી કરવામાં સફળ રહેલા આર.એસ.એસ.ને ભાજપની ચિંતા હોય એ સ્વાભાવિક છે કારણ કે ભાજપનો જન્મદાતા એ છે અને એને પુખ્ય વયનો બનાવનાર પણ આર.એસ.એસ. એટલે કે સંઘ છે. એ ભાજપને ડૂબાડનાર સંઘે જ ઉભા કરેલા આડવાણી. ભાજપ ઉપર બાજપાયીનું કાઠું વધી રહેલું જોઈને સંઘના ત્યારે જેઓ વડા હતા એ સુદર્શને ત્યારે એમની ચમચાગીરી કરી રહેલા આડવાણીને ઊભા કર્યાં.

એ આડવાણી જ છેવટે ભાજપ ઉપર ચઢી બેઠા. સંઘનું વડપણ એમને કઠવા લાગ્યું. એટલે સંઘે ભાજપ ઉપર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત રાખવા આડવાણીને પડદા પાછળ ધકેલવાની યોજના કરી. પરિણામે આડવાણી અને સંઘ વચ્ચે પાંચ વર્ષથી ઠંડું યુઘ્ધ શરૂ થયું. જેમાં આડવાણીએ સંઘને ક્યાંય ફાવવા દીધો નહીં. સંઘે પેલા સુદર્શનને ઘરે બેસાડીને મોહનજી ભાગવતના હાથમાં સંઘનો હવાલો આપ્યો. એમણે આવીને આડવાણીને ઘેર બેસાડવાના ધમપછાડા શરૂ કર્યા પણ આડવાણીએ એમને ક્યાંય ફાવવા દીધા નહીં ઉલટાનું ભાજપ ઉપર પોતાની પકડ વઘુને વઘુ સજ્જડ કરવા માંડી.

રાજ્યસભામાં બાજપેયીના દુશ્મન અને સંઘ પણ જેમને નથી ઇચ્છતો એવા વયોવૃઘ્ધ જેઠમલાણીને બેસાડવામાં આવ્યા અને પેલા ઝિન્નાને આજે હજી પણ વખાણનાર જશવંત સિંહને ભાજપમાં પાછા લાવવાનો નિર્ણય એના તાજા જ દાખલા છે. આ બન્ને કૃત્ય સંઘની ઇચ્છા વિરૂઘ્ધના છે અને એ રીતે ૮૨ વર્ષના આડવાણી જ સંઘને થપ્પડ ઉપર થપ્પડ મારી રહ્યા છે. આવા ભાજપ સાથેનો સંબંધ તોડી નાંખવા કે નહીં એનું મંથન સંઘમાં ચાલી રહ્યું છે. હવે આડવાણી રામ જેઠમલાણીને ભાજપના ઉપપ્રમુખ બનાવવાની વેતરણમાં છે જેથી ગડકરીનું મહત્વ જ ન રહે.

શું વાત કરો છો?
સીઝેરીયનથી અવતરાયેલા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે
આપણા ડોક્ટરો દર્દીના ભોગે પોતાની કમાણી વધારવા સગર્ભાઓને કુદરતી પ્રસવ કરવાના બદલે સીઝેરીઅન એટલે માતાના પેટનું ઓપરેશન કરીને બાળકને અવતરાવે છે. પણ એવું અકુદરતી રીતે જન્માવેલું બાળક રોગપ્રતિકારની શક્તિ ઓછી ધરાવે છે એવું અમેરિકાની નેશનલ સાયન્સ એકેડેમીએ પ્રગટ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે... આવા બાળકોના મોંમાં સ્ટેફાયલોસિસ નામના જીવાણુઓના વંશ સાથે સંબંધ હોય એવા કીટાણુઓ મળી આવે છે. આ સ્ટેફાયલોસિસ જીવાણુઓ નુકસાનકારક નથી હોતા પણ એના વંશજમાં કોઈક કીટાણુ નુકસાનકારક હોય છે. એવા કીટાણુ એમ.આર.એસ.એ. કહેવાય છે. આ કીટાણુ ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે છે. કોલોરેડો યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકાર ડૉ. નોહ ફીશર છે. તેઓ કહે છે કે આવા બાળકોની ત્વચા ઉપર રોગકારક જીવાણુઓ જલદી હુમલો કરતા હોય છે.

No comments: