Monday, July 12, 2010

વૈશ્વીકરણ સામેનો વિરોધ કેટલો વાજબી, કેટલો ગેરવાજબી?
આવતા ૨૫ વર્ષમાં ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓ જગતમાં ઠેરઠેર જોવા મળશે. ભારતમાં બેકારીનો પ્રશ્ન ચીનની જેમ ઉકેલી શકાશે.


ઘઅત્યારનું વૈશ્વીકરણ મૂડીવાદી અર્થવ્યવસ્થા જે હવે નીઓલીબરાઇલીઝમ કે નીઓલીબરલ કેપીટાલીઝમની કે બજારવાદની વિચારસરણી કહેવાય છે તેની હેઠળ ચાલી રહ્યું છે. તેના દરેક પાસાનો વિરોધ થઇ રહ્યો છે. વૈશ્વિકરણ કેટલાક ખરાબ અને કેટલાક સારા પાસા છે. અંગ્રેજીમાં કહેવત છે કે ‘ડોન્ટ થ્રો અવે બેબી વીથ ધ બાથવોટર’ વૈશ્વીકરણના ખરાબ પાસાઓને કારણે તેને ફેંકી દેવાની જરૂર નથી.

સૌ પ્રથમ તો રાજ્ય તેની આર્થિક જવાબદારીઓ ઘટાડી રહ્યું છે અને તે અનુસાર જાહેર સાહસોને ખાનગી હાથોમાં સોંપી રહ્યું છે. જાહેર સાહસોમાં કામ કરતા લોકોની રોજગારી ઝૂટવાઇ જાય છે. તેના જવાબમાં સરકાર કહે છે કે શું ખોટ કરતાં જાહેર સાહસોને ધોળા હાથીની જેમ ટકાવી રાખીને સરકારી તિજોરી ખાલી કરી નાંખવી કે બચેલા પૈસાનો અન્ય માર્ગે ઉપયોગ કરવો? ભારત સરકાર ઘણાં સરકારી સાહસોમાંથી ખસી ગઇ છે. કારણ કે તેના કર્મચારીઓ સરકારી પૈસે તાગડધિન્ના કરતા હતા.

બીજો મુદ્દો એ છે કે સરકાર અર્થકારણને નિયંત્રણોમાંથી મુક્ત કરી રહ્યું છે. અનેક આંટીધૂંટીવાળા નિયમોને હળવા કરી રહી છે. આ કારણે ચીજવસ્તુઓનું ઉત્પાદન વઘ્યુ છે અને તે બજારમાં સહેલાઇથી મળવા લાગી છે. દા.ત. ટેલીફોન અને રાંધણગેસના કનેકશન્સ હવે જલદી મળે છે. સીમેન્ટ અને લોખંડ પહેલા કાળા બજારમાં મળતા હતા તે હવે છૂટથી મળે છે. ત્રીજો મુદ્દો એ કે સરકારે વ્યાપાર અને ઉદ્યોગોનું ઉદારીકરણ કર્યું છે. નવો ંધંધો કે વ્યાપાર શરૂ કરવામાં અને ચલાવવામાં હવે હજારો પત્રકો ભરવા પડતા નથી. ધંધો-વ્યાપારનું વિસ્તરણ કરવાનું સુગમ બન્યું છે. ચોથો મુદ્દો એ કે સરકારે કરવેરાનું માળખું સરળ બનાવ્યું છે અને આવકવેરાના દરો ઘટાડયા છે. માલ પરના વેરા પણ ઘટાડયા છે.

વેરો ભરવાના પત્રકો સરળ બનાવ્યા છે. સરકાર હજી મોંઘવારી ઘટાડી શકી નથી. ભાવોને સ્થિર રાખી શકી નથી. નાણાંકીય નિયંત્રણો મૂકવા છતાં ભાવો સ્થિર રહેતા નથી. ટૂંકમાં અત્યારના વૈશ્વીકરણે ભારતમાં મોંઘવારી વધારી છે. પાંચમો મુદ્દો એ છે કે ઉત્પાદન વધારવા માટે સરકારે મજૂર સંઘો પર બહુ નિયંત્રણો મૂક્યા છે. વૈશ્વીકરણ હેઠળ માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મજૂર સંઘો નબળા પડયા છે. આ વૈશ્વીકરણનું બહુ નબળુ પાસુ છે. તેની હેઠળ શ્રમિકોની સોદાગીરી (કલેકટીવ ઓર્ગેનિક)ની તાકાત તૂટી છે.

વૈશ્વીકરણની સૌથી ખરાબ અસર એ છે કે તેની હેઠળ સરકારે સામાજિક સેવાઓ પાછળ ખર્ચાઓ ઘટાડવા માંડયા છે. ભારતને આ લાગુ પડતું નથી કારણ કે ભારતે હવે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગરીબોને અમુક દિવસ કામ પૂરૂં પાડવાની યોજનાઓ પાછળ ખર્ચો વધારવા માંડયો છે. પરંતુ સાથે સાથે કોલેજ અને યુનિવર્સિટી સ્તરે સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલતી સંસ્થાઓ ઘટી રહી છે અને સ્વનિર્ભર કોલેજોની સંખ્યા વધી રહી છે. સરકારની દલીલ એવી છે કે અમે ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ આપવા જ બંધાયેલા હોવાથી ઊચ્ચ શિક્ષણની મર્યાદિત સવલતો જ પૂરી પાડી શકીએ. અમે કોઇ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો બંધ કરી દીધી નથી પરંતુ કુલ શૈક્ષણિક સંસ્થાઓમાં તેનુ પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ઊચ્ચ શિક્ષણથી વંચિત ના રહે તે માટે શૈક્ષણિક લોનની વ્યવસ્થા ઊભી કરી છે. પશ્ચિમની સરકારો વૈશ્વીકરણ હેઠળ પોતાનું ડાઉન-સાઇઝીંગ કરી રહી છે એટલે કે તેમની ફરજો અને જવાબદારીઓનો વ્યાપ ઘટાડી રહી છે.

વૈશ્વીકરણ હેઠળ સ્થાનિક બજારો વૈશ્વીક બન્યા છે. અને સરકારો વૈશ્વીક મૂડીની હેરફેર ઉપરનાં નિયંત્રણો દૂર કરી રહી છે તેથી આ બજારો બેકાબૂ બનીને અનેક દેશોની અર્થવ્યવસ્થાને તોડી રહ્યા છે. એક દેશની નાણાંકીય કટોકટી તરત જ બીજા દેશોને ગંભીર અસર કરે છે. વૈશ્વીકકરણને કારણે ઘણા દેશોની આયાત-નિકાસ અનેક ગણી વધી છે તો સાથે સાથે ચીન અને ભારત જેવા દેશોમાં વિદેશી મૂડીરોકાણ ઘણુ વઘ્યું છે. ભારતના લોકો વૈશ્વીકરણની ભલે સખત ટીકા કરે પરંતુ છેલ્લા ૧૫ વર્ષમાં ભારતીય અર્થકારણનો વિકાસદર જે પહેલા ૩.૫ ટકાની આસપાસ સ્થગિત થઇ ગયો હતો તે વઘ્યો છે. ભારતે સમાજવાદી અર્થકારણ (૧૯૫૧થી ૧૯૯૦)ના કડવાં ફળો ચાખ્યાં છે. અનેક વસ્તુઓની અછત અને કાળાબજારનો સામનો કર્યો છે. આ ‘સમાજવાદી’ અર્થકારણ નિષ્ફળ જવાથી ભારતે આર્થિક ઉદારીકરણની નીતિ સ્વીકારી છે. પરંતુ સાથે સાથે એ વાત નોંધવી જોઇએ કે ભારતનું વૈશ્વીકરણ સ્વછંદ બજારવાદ હેઠળ ચાલે તે હિતાવહ નથી. તેમાં સમાજવાદી તત્વ ઉમેરાવું જોઇએ.

વૈશ્વીકરણનો વિરોધ એશિયા, આફ્રિકા અને લેટીન અમેરિકાના દેશો નીચેના કારણોસર કરે છે. (૧) અત્યારનું વૈશ્વીકરણ અમેરિકાના વર્ચસ્વ હેઠળ ચાલી રહ્યું છે. અમેરિકા પોતાનાં હિતો સાચવવા દુનિયાનો દેશો પર અદ્રશ્ય શાહીવાદનું નિર્માણ કરી રહ્યું છે. તેણે અલબત્ત અન્ય દેશોને કબજે કર્યા નથી પરંતુ પોતાની સત્તાના બળે બને તે અન્ય દેશો પાસે પોતાની મનગમતી શરતો મંજૂર કરાવે છે. (૨) વૈશ્વીકરણ હેઠળ અમેરિકા પોતાનાં મૂલ્યો (જે વ્યાપારી મૂલ્યો છે) સમગ્ર દુનિયા પર ઠોકી બેસાડે છે. આજે વિશ્વમાં સર્વત્ર કોકોકોલા અને પેપ્સી કલ્ચર વ્યાપી ગયું છે. અમેરિકાએ જગતનું મેકડોનાલ્ડીકરણ કર્યું છે. દુર્ગમ રણપ્રદેશોમાં પણ મેકડોનાલ્ડની હેમ્સબર્ગર્સની દુકાન કે કોકો કોલા પીણા જોવા મળે છે જ્યારે સ્થાનિક પીસણાની કંપનીઓ ડુબી ગઇ છે.

અમેરિકા પીવાના પાણીનો પણ અબજોનો વેપાર કરે છે અને અમેરિકન ફિલ્મો જગતમાં સર્વત્ર છવાઇ ગઇ છે. અમેરિકાનું કલ્ચર સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, સેક્સ અને ઉપભોકતાવાદ કલ્ચર છે અને તે સ્થાનિક કલ્ચરનો નાશ કરી રહ્યું છે. તેમ વિરોધીઓનું માનવું છે. સાથે સાથે એ પણ ભૂલવું ના જોઇએ કે સ્થાનિક કલ્ચરનાં બહુ ગુણગાન ગાવા જેવા નથી. કારણ કે વડીલશાહી અને જ્ઞાતિવાદ તથા યુવા લોકોની સર્જનાત્મક શક્તિ દબાવી દેવાના ને અંધશ્રદ્ધાળુ ધાર્મિકતા તેના મુખ્ય લક્ષણો છે. સ્થાનિક કલ્ચર આટલું ઉત્તમ હતું તો કેમ તેણે ગરીબી દૂર કરી નથી અને લોકોને કંગાલિયતમાં નિરક્ષરતામાં અને અંધશ્રદ્ધામાં રાખ્યા છે, તેવો પણ આજના યુવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેઓ આક્રોશમાં કહે છે કે જૂની પેઢી જુનવાણી હતી અને અમારા માટે રીપ્રેસીવ હતી. અમને મનગમતા કપડાં પણ પહેરવા દેતી નહોતી. અમોને હોટેલમાં પણ ખાવા દેતી નહોતી.

અત્યારની ઇન્ફર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ નવી પેઢીનું સર્જન છે. જૂની પેઢીને કોમ્પ્યુટરનો સ્પેલીંગ પણ આવડતો ન હતો અને પાઘડીઓ અને સાફાઓ પહેરીને વડીલો માત્ર જ્ઞાતિના નિયમોનું જ રક્ષણ કરી દીકરા-દીકરીઓની ઇચ્છા જાણ્યા વિના લગ્ન કરી દેતા હતા. હજી પણ તેઓ જ્ઞાતિપ્રથામાં રાચે છે! વૈશ્વીકરણની પ્રક્રિયામાં અમેરિકાની જગતપરની દાદાગીરી ઉપરાંત સૌથી મોટો વિરોધ જગતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનું વર્ચસ્વ છે. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક સંસાધનો પોતાના ધનને જોરે ખરીદીને સ્થાનિક પ્રજાને પાયમાલ કરી નાખે છે. આ શાહીવાદનું જ સ્વરૂપ ગણાય. વૈશ્વીકરણના વિરોધીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓને સૌથી મોટો ખલનાયક ગણે છે. હવે શોષણ ઉપરાંત વાતાવરણનું પ્રદૂષણ કરવાનો પણ આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. ભારતમાં ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પ્રવેશ કર્યો છે.

ઘરઉપયોગી સાધનોના બજારમાં, જાપાનીઝ, ચાઇનીઝ, કોરિયન, અમેરિકન વગેરે કંપનીઓ દાખલ થઇ છે. તેમણે ઘરઉપયોગી સાધનોના બજારને બહોળું બનાવ્યું છે. અને આઘુનિક ટેકનોલોજી દાખલ કરી દેશની કંપનીઓને વઘુ આઘુનિક બનવાની ફરજ પાડી છે કે દેશના લોકોને લૂંટયા છે તે એક વિવાદનો પ્રશ્ન છે. ઘણા આર્થિક નિષ્ણાતો એમ કહે છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ અંદર અંદર દેશની મોટી કંપનીઓ (જેમ કે વિડિયોકોન કે બજાજ કે ટાટા કે રીલાયન્સ) સાથે તીવ્ર હરીફાઇમાં ઉતરી હોવાથી ભારતીય જનોનું શોષણ કરતી નથી પરંતુ ગુણવત્તાવાળો ટકાઉ માલ પૂરો પાડે છે. તો વળી કેટલાક આર્થિક અને મેનેજમેન્ટ નિષ્ણાતો એમ દલીલ કરે છે કે આવતા પચીસ વર્ષમાં ભારતની જ બહુરાષ્ટ્રીય કંપનીઓ યુરોપ- અમેરિકામાં પ્રવેશ કરી તેના બજારો પડાવી લેશે અને તેની શરૂઆત થઇ ચૂકી છે. તો શું ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓને વિદેશમાં પ્રવેશતા અટકાવી દેવી જોઇએ ? કે પછી પરદેશી કંપીનીઓ શોષણખોર અને આપણી બહુરાષ્ટ્રીય કંપનીઓ દૂધે ધોયેલી ગણવાની?

એક છેલ્લી વાત એ કે વૈશ્વિકરણ હેઠળ ભારતની કંપનીઓએ પ્રોફેશનલ મેનેજમેન્ટ અને અત્યંત આઘુનિક મેનેજમેન્ટ ટેકનીકો દાખલ કરી પોતાની મેનેજમેન્ટની કુશળતા ખૂબ વધારી છે અને હવે ભારતની કંપનીઓ પરદેશી કંપનીઓને પરાસ્ત કરી રહી છે તે બાબત ભૂલવા જેવી નથી. આવતા ૨૫ વર્ષમાં ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓ જગતમાં ઠેરઠેર જોવા મળશે. ભારતમાં બેકારીનો પ્રશ્ન ચીનની જેમ ઉકેલી શકાશે. વળી વૈશ્વિકરણ બજારવાદ હેઠળ ચાલે તે માટે તેનો વિરોધ થવો જોઇએ.

No comments: