Monday, July 12, 2010

વિનોબા ભાવે..

સાધનાનાં અંગ – વિનોબા ભાવે

Friday, June 18, 2010 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 6 પ્રતિભાવો

[ વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં કરાવતા સુંદર પુસ્તક ‘અહિંસાની ખોજ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સાધનાની દષ્ટિએ જ્યારથી મારો પ્રયાસ આદરાયો ત્યારથી રોજ પરોઢિયે ઊઠીને સંકલ્પ કરતો કે અત્યારે મંગળ પ્રભાત છે તો એક શુભ સંકલ્પ કરું છું. પછી આખો દિવસ એ સંકલ્પ મુજબ સાધનામાં વીતતો. સાંજને ટાણે પંખી માળામાં પાછું ફરે એ જ રીતે ચિત્તને પાછું અંદર ખેંચી લેતો. આખો દિવસ જે કાંઈ સાધના થઈ તેને ભગવદચરણોમાં ધરી દેતો. ત્યાર પછી રાતે સૂવા જતો ત્યારે સઘળા સંકલ્પો છોડી દઈ સમાધિમાં લીન થઈ રહ્યો છું, એ ભાવનાપૂર્વક સૂઈ જતો. આ અભ્યાસ અત્યાર સુધી આમ જ ચાલ્યો. સંકલ્પ, સાધના, સમર્પણ અને સમાધિ – આ આખા દિવસનો કાર્યક્રમ રહેતો.

સૂરદાસે કહ્યું છે ‘सूर क्रूर इहि लायक नाहीं ।’ હું ક્રૂર તો નહીં, પરંતુ કઠોર જરૂર છું. પરંતુ ‘इहि लायक नाहीं’ હવે હું નથી રહ્યો. ભગવાનની પ્રીતિ માટે હવે હું ભારે લાયક બની ગયો છું. એની પ્રીતિ મને નિરંતર મળી રહી છે. અને એની પ્રીતિના અનુભવ વગર મારો એક દિવસ પણ નથી જતો.

હું કઠોર છું, એનો મને પસ્તાવો નથી. કારણ કે કઠોરતા મારી ઢાલ છે. ગાંધીબાપુએ પોતા વિષે લખ્યું કે શરમાળપણું એમની ઢાલ છે. હું શરમાળ નથી. આક્રમણખોરોનો મને કદી ભય નથી લાગ્યો. પરંતુ હું ભારે કઠોર છું. નારિયેળની જેમ, એ મારી ઢાલ છે. નારિયેળ ઉપરથી ભારે સખત હોય છે. પરંતુ એની ભીતર રસ ભર્યો છે. આજે મારી આંખોમાંથી જે રીતે આંસુ વહે છે એ જ રીતે સાબરમતી આશ્રમમાં હતો, ત્યારે પણ વહેતાં. આજે સૌની સામે વહે છે, ત્યારે એકાંતમાં ઝરતાં. પરમેશ્વર સિવાય બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. પરંતુ મેં મારું જીવન ભારે કઠોર બનાવી લીધું હતું. વહેવારમાં એ કઠોરતા દોષ મનાય છે, પરંતુ ક્યાંક એ ગુણ પણ બની જાય છે. જે વિષ સૌને માટે મારક હોય છે, તે ભગવાન શંકર માટે નામસ્મરણ કરવાનું સાધન બની જાય છે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (6)
સૃષ્ટિ સાથે માણસનો આત્મીય નાતો – વિનોબા ભાવે

Friday, April 9, 2010 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 5 પ્રતિભાવો

[‘વિચારવલોણું’ માર્ચ-2010માંથી સાભાર.]

મને યાદ આવે છે, મારું બાળપણ. હું જમવા બેસતો, ત્યારે મારી મા મને પૂછતી, ‘તુલસીને પાણી પાયું ?’ જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં, ત્યાં સુધી મા મને ખાવા નહોતી આપતી. બાળપણથી જ આ કેવા સારા સંસ્કાર મને મા તરફથી મળ્યા ! ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં. ખાધા પહેલાં તુલસીના છોડને પાણી પાવું, ગાય ને કૂતરા માટે કાંઈક અલગ રાખવું, એ ભારતીય સંસ્કૃતિનો વિચાર છે. તેમાં મૂળ વાત એ છે કે માણસ એકલો નથી, આ વૃક્ષ-વનસ્પતિ છે, પશુ-પંખી છે, એ બધાંનોય આપણે જે ખાઈએ-પીએ છીએ, તેમાં કાંઈક ને કાંઈક હિસ્સો છે, એવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં રૂઢ થયેલી છે. આપણને આ જે મહાન વારસો મળ્યો છે, તેને કાયમ રાખવાની અને વધારતા રહેવાની જવાબદારી આપણા ઉપર છે.

‘ઈશાવાસ્યં ઈદં સર્વમ….’ – ઈશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર ભારતીય દર્શનના સાર રૂપ છે. તેમાં ભારતીય સંસ્કૃતિનો નિચોડ આવી જાય છે. આ સમસ્ત સૃષ્ટિ ઈશ્વરમય છે, માણસે ત્યાગવૃત્તિથી જીવન જીવવાનું છે, બીજાની ભોગવૃત્તિની ઈર્ષ્યા કરવાની નથી – આવો ત્રિવિધ સંદેશ આ એક જ મંત્રમાં આપી દેવાયો છે. આપણા સમાજશાસ્ત્રનો આ પાયો છે. માણસે પોતાના ભોગને યોગમય કરવાનો છે. આપણે જો ભોગ પાછળ પડીશું, તો આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ જઈશું અને માર ખાઈશું.

આખીયે સચરાચર સૃષ્ટિ ઈશ્વરથી ભરી છે, કોઈ ચીજ તેના વિના ખાલી નથી. આટલું સમજીને આપણે બધું એને અર્પણ કરવું જોઈએ અને જે કાંઈ એની પાસેથી મળે, તે પ્રસાદ માનીને ગ્રહણ કરવું જોઈએ. મારું કાંઈ નથી, બધું ઈશ્વરનું છે, એવી ભાવના રાખવી જોઈએ. સૃષ્ટિ તરફ જોવાની અને માનવ-જીવન તરફ જોવાની એક સ્વસ્થ નરવી દષ્ટિ તેમાં જોવા મળે છે. આવી નીતરી નરવી જીવનદષ્ટિની દુનિયાને આજે તાતી જરૂર છે. આ દેશમાં આપણે લોકો નદીઓને માતા માનીએ છીએ. આપણી કન્યાઓનાં નામ પણ ગંગા, જમના, ગોદાવરી વગેરે નદીઓનાં નામ પરથી રાખીએ છીએ. આપણે ત્યાં પાણી પ્રત્યે એટલી વિલક્ષણ શ્રદ્ધા છે કે જ્યાં-જ્યાં નદીઓ છે, ત્યાં આપણે તીર્થક્ષેત્ર ઊભાં કરી દીધાં છે. વૈદિક ઋષિ નદીને કહે છે, ‘હે દેવી ! દૂધ જેવાં પવિત્ર, પાવન, મધુર જળ લાવનારી તું ધેનુ જેવી છે. જેમ ગાય વાછરડાંને છોડીને જંગલમાં નથી રહી શકતી, તેમ તમે નદીઓ પણ પર્વતોમાં નથી રહી શકતી. તમે તરસ્યાં બાળકોને મળવા એકદમ દોડી આવો છો.’
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (5)
વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે

Tuesday, March 23, 2010 · પ્રકાર : સાહિત્ય લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 12 પ્રતિભાવો

[‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વિજ્ઞાનયુગ આજે ભારે ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે હવે માણસને માત્ર પૃથ્વીથી સંતોષ નથી, તે બીજા ગ્રહો ઉપર પણ પહોંચવા માગે છે અને એમની સાથે સંપર્ક રાખવા ઈચ્છે છે. પાંચસો વરસ પહેલાં કોલંબસ જેવા શોધકોએ અમેરિકા શોધ્યો અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને નવા નવા પ્રદેશોની ભાળ કાઢી. આને લીધે દુનિયા આખીના જીવનમાં અનેકાનેક પરિવર્તન આવ્યાં. પરંતુ એ બધી ખોજ પૃથ્વી પરની જ હતી. આજે હવે માણસ પૃથ્વીને અતિક્રમી જવા તત્પર બન્યો છે. પાંચસો વરસ પહેલાં જે જિજ્ઞાસા પૃથ્વીની ખોજ કરવા માટેની હતી, એ જ આજે પૃથ્વીની બહારની અન્ય પૃથ્વીઓ સુધી આગળ વધી ગઈ છે. માણસ હવે અન્ય ગ્રહો સાથે સંપર્ક સાધવા મથી રહ્યો છે. આ ભારે મોટી પ્રગતિ છે. આ અભિનવ વિજ્ઞાનયુગ શરૂ થઈ ગયો છે. તેને આપણે ‘અપાર્થિવ વિજ્ઞાનયુગ’ પણ કહી શકીએ.

આ અભિનવ વિજ્ઞાનયુગનાં મુખ્ય બે લક્ષણ નોંધપાત્ર છે. એક તો આજે વિરાટમાં પ્રવેશવાનું વલણ છે, અને બીજું સૂક્ષ્મમાં પ્રવેશવાનું. એક બાજુ માણસ આ વિરાટ સૃષ્ટિનો તાગ લેવા મથી રહ્યો છે, તો બીજી બાજુ સૂક્ષ્મ અણુની શક્તિનું આકલન કરવા મથે છે. વિરાટ અને અણુ બેઉનો તાગ લેવાનું વલણ આ અભિનય વિજ્ઞાનયુગનું છે. આવો આ વિજ્ઞાનયુગ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. વિજ્ઞાનની આ પ્રગતિ રોકાવી ન જોઈએ, તેને મોકળું મેદાન મળવું જોઈએ. પરંતુ આની સાથોસાથ વિજ્ઞાનની આ પ્રગતિ માનવજાત માટે સર્વ રીતે સર્વથા કલ્યાણકારી બની રહે, તેનુંયે ચિંતન થવું જોઈએ.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (12)
એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે

Thursday, March 4, 2010 · પ્રકાર : અન્ય લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 24 પ્રતિભાવો

[ આજથી શરૂ થતી ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે ભાષા-શિક્ષણના માધ્યમ પર વિનોબાજીના વિચારો રજૂ કરતા પુસ્તક ‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’માંથી એક લેખ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ – બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. ત્યારે ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હંમેશા એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે. તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો આપણને મોકો નહીં મળે.

તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની, અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી છે કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે, એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લેન્ડ-અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોયે આપણું ચિંતન એકાંગી બનશે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (24)
વિજ્ઞાન-અધ્યાત્મ – વિનોબા ભાવે

Monday, February 8, 2010 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 12 પ્રતિભાવો

[વિશેષ નોંધ : પ્રિય વાચકમિત્રો, આમ તો આપ સૌ તમામ લેખો એકાગ્રતાથી જ વાંચતા હશો, આમ છતાં કેટલાક લેખોમાં હું આપની વિશેષ એકાગ્રતા ચાહું છું. આ લેખ તેમાંનો એક છે. ‘આપણે તે વળી ધ્યાન કરવાનો ક્યાં સમય છે ?’ એમ સમજીને કૃપયા આ લેખને એકબાજુ મુકી ન દેશો. ધ્યાનને આપણે ફક્ત અધ્યાત્મિક પ્રક્રિયા તરીકે ગણ્યું છે, જે તેનો ખૂબ સીમિત અર્થ છે. ધ્યાન એટલે આપણે આપણા મનને સ્વસ્થ કરવાની પ્રક્રિયા. એ ખુલ્લી આંખે પણ થઈ શકે છે. અહીં એ અર્થમાં ધ્યાનની વાત કરવામાં આવી છે, જે ખૂબ રસપ્રદ છે. આપણે સૌ સ્વસ્થ જીવનના ચાહક છે અને તેથી મન તેમજ ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતામાં વધારો કરે એવી બાબતોની આપણી ખોજ સતત રહેવી જોઈએ. આવો, આચાર્ય વિનોબાના શબ્દે આપણે ધ્યાનના અર્થને એક નવા પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આ પુસ્તકમાં વિજ્ઞાનનો યર્થાથ ઉપયોગ કરવાની અને અધ્યાત્મને વ્યવહારિક અર્થમાં સમજવાની બાબત પર વિશેષ સમજ આપવામાં આવી છે. પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. આ વિચારો આપણા સૌ પરિવારજનો સુધી પહોંચે તે આજના સમયમાં અત્યંત જરૂરી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા

ઘણીવાર લોકો મને પૂછે છે કે તમને ધ્યાન કેવી રીતે સધાય છે ? હું કહું છું કે હું આળસું છું એટલા માટે મને ધ્યાન ઝટ સધાય છે. મને થાય છે કે આપણા મનને આપણે ચારેકોર મોકલતા રહીએ છીએ તો તકલીફ થાય છે. એવી તકલીફ શું કામ વહોરી લેવી ? તેથી મારા જેવા આળસુને ધ્યાન સહજ સધાય છે. મનને એકાગ્ર કરવા માટે મારે કાંઈ કરવું નથી પડતું. અનેકાગ્ર કરવા માટે કોશિશ કરવી પડે છે.

મારું કહેવું છે કે આ આળસુપણાની કીંમત જ્યાં સુધી લોકોને નહીં સમજાય, ત્યાં સુધી ધ્યાન સહજ નહીં બને. મનની પાછળ દોડી-દોડીને ખુવાર થતા રહેવાને બદલે મનથી આપણે અલગ છીએ, મન તો આપણું કહ્યાગરું છે, તેની પાસેથી આપણે આપણી મરજી મુજબ કામ લઈ શકીએ છીએ, એ વાતનું ભાન થવું, એ અત્યંત મહત્વનું છે. એક વાર મનથી અલગ થઈ જશો કે ધ્યાન વગેરે સાવ રમત વાત બની જશે. રાગ-દ્વેષ, તીવ્ર ગમા-અણગમા, પૂર્વગ્રહ ને પક્ષપાત, એ બધા મનના ખેલ છે. એટલે મનથી અલગ થવું, એ સાધનાનો આરંભ છે. ત્યારબાદ મનથી ઉપર ઊઠવાનું છે. મનથી અલગ થવું એક વાત છે અને મનથી ઉપર ઊઠવું બીજી વાત છે. હું તો કહીશ કે ધ્યાનની કોશિશ કરવા કરતાંયે મનથી ઉપર ઊઠવું વધારે મહત્વનું છે. મનથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રત્યેક વિચાર શાંત બુદ્ધિના સ્તરેથી થશે, અને મન આપણું કહ્યાગરું થઈને વર્તશે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (12)
ગીતા-પ્રવચનો – વિનોબા

Saturday, October 17, 2009 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 3 પ્રતિભાવો

[‘ગીતા-પ્રવચનો’ એ ભારતીય લોકોના હૃદયમાં વસેલું પુસ્તક છે. માતાના દૂધ જેવું તે સુપાચ્ય છે. વિદ્યાર્થીથી લઈને વિદ્વાન સુધી કોઈ પણ પ્રકારના લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં વિનોબાજીએ શ્રીમદ ભગવદગીતાના અઢારેય અધ્યાયોનો સાર ધૂળિયા જેલવાસ દરમ્યાન કહ્યો હતો. આ કહેતી વખતે તેમની અવસ્થા કેવી હતી, તે વિશે તેમણે કહ્યું છે કે : ‘ગીતા પર પ્રવચન કરતી વખતે મારી કેવી વૃત્તિ હતી, એ હું શબ્દોમાં કહી નથી શકતો. પરંતુ જો પરમેશ્વર મનુષ્ય પાસેથી કેટલાક શબ્દ બોલાવી લે છે એમ માનીએ, તો એ બધા શબ્દો પરમેશ્વરે જ મારી પાસે બોલાવડાવ્યા છે. પ્રવચન કરતી વખતે, હું બોલી રહ્યો છું એવું ભાન મને ન હતું તેમજ સાંભળનારાઓને પણ એવો આભાસ ન હતો થતો કે, વિનોબા બોલી રહ્યો છે.’ આવું આ અદ્દભુત પુસ્તક આજે રીડગુજરાતીના વાચકો માટે દિવાળી ભેટ રૂપે પ્રકાશિત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ સંપૂર્ણ પુસ્તક આપ ડાઉનલોડ વિભાગમાંથી PDF સ્વરૂપે ડાઉનલોડ (Click Here) કરી શકો છો. 239 પાનના આ પુસ્તકને કૉમ્પ્યુટર પર ઉતારવાનો એટલે કે ટાઈપિંગનો સંપૂર્ણ શ્રેય મુરબ્બી શ્રી કાંતિલાલભાઈ પરમારને (હીચીન, યુ.કે.) જાય છે. તેમજ તેને રીડગુજરાતી.કૉમ સુધી પહોંચાડવા માટે શ્રી અતુભાઈ જાની (ભાવનગર)નો આભાર માનીએ એટલો ઓછો છે. રીડગુજરાતી આ શુભકાર્યમાં નિમિત્ત બને છે તેનો આનંદ છે. આશા છે, સૌ વાચકમિત્રોને ‘ગીતા-પ્રવચનો’ ઉપયોગી થઈ રહેશે. ચાલો, માણીએ આ પુસ્તકમાંનો કેટલોક અંશ. – તંત્રી, મૃગેશ શાહ. ]

[અધ્યાય છઠ્ઠો]

આત્મોદ્ધારની આકાંક્ષા :

માણસનો ઊંચામાં ઊંચો કૂદકો કેટલે સુધી પહોંચી શકે છે તે કલ્પનાથી તેમ જ વિચારથી આપણે પાંચમાં અધ્યાયમાં જોઈ શક્યા. કર્મ, વિકર્મ અને આકર્મ મળીને સર્વ સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મકર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ, વિશેષ કર્મ અથવા સૂક્ષ્મ કર્મ છે. કર્મ ને વિકર્મ બંને જોઈએ. એ બંનેનો પ્રયોગ કરતાં કરતાં અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. પાછલા અધ્યાયમાં આપણે જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એકરૂપ જ થઈ જાય છે. હવે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં ફરીથી કહ્યું છે કે કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. હવે પછીના અધ્યાયનો વિષય પાંચમા અધ્યાયમાં વર્ણવેલી અવસ્થાનાં સાધનો વિચારવાનો છે.

કેટલાક લોકોના મનમાં એવો ભ્રામક ખ્યાલ ઘર કરી ગયો છે કે પરમાર્થ, ગીતા વગેરે ગ્રંથો કેવળ સાધુઓને માટે છે. એક ગૃહસ્થે મને કહ્યું, ‘ હું કંઈ સાધુ નથી. ’ એમના કહેવાનો અર્થ એવો હતો કે સાધુ નામે ઓળખાતાં જે કેટલાંક પ્રાણી છે તેમાંના પોતે નથી. જેવાં ઘોડા, સિંહ, રીંછ, ગાય વગેરે જાનવરો છે તેવાં સાધુ નામનાં પણ જાનવરો છે, અને પરમાર્થની કલ્પના માત્ર તેમને માટે છે. બાકીના બીજા વહેવારમાં રહેનારા તે જાણે કંઈક જુદા, તેમના વિચાર જુદા, આચાર પણ જુદા ! આ ખ્યાલને લીધે સાધુસંતો અને વહેવારૂ લોકોને એકબીજાથી અળગા પાડી નાખવામાં આવ્યા છે. ગીતારહસ્યમાં લોકમાન્ય તિલકે આ બાબત પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. ગીતા એ ગ્રંથ સર્વસાધારણ વહેવારૂ લોકોને માટે છે એ લોકમાન્યની ભૂમિકા હું અક્ષરશઃ ખરી માનું છું. ભગવદ્ગીતા તમામ દુનિયાને સારૂ છે. પરમાર્થમાં આવતું એકેએક સાધન હરેક વહેવારૂ માણસને માટે છે. આપણો વહેવાર શુદ્ધ તેમ જ નિર્મળ થાય અને મનને સમાધાન તેમ જ શાંતિ કઈ પેરે મળે એ વાત પરમાર્થ શીખવે છે. વહેવાર કેમ શુદ્ધ કરવો તે શીખવવાને માટે ગીતા છે. તમે જ્યાં જ્યાં વહેવાર કરો ત્યાં બધે ગીતા આવે છે. પણ તે તમને ત્યાં ને ત્યાં રહેવા દેવા માગતી નથી. તમારો હાથ ઝાલીને તે તમને છેવટને મુકામે પહોંચાડશે. પેલી પ્રસિદ્ધ કહેવત છે ને કે ‘ पर्वत महमद पासे आवतो नहीं होय तो महमद पर्वत पासे जशे. ’ પોતાનો સંદેશો જડ પર્વતને પણ પહોંચે એવી ફિકર મહમદને છે. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મહમદ બેસી રહેવા માગતો નથી. એ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દૂબળો, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાં તેને કાયમ રાખવાને નહીં, તેનો હાથ ઝાલી તેને આગળ લઈ જવાને, ઊંચે ઉઠાવવાને જશે. માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હયાતી છે.
વધુ આગળ વાંચો »

Published By : ReadGujarati · Permalink · Comments (3)
સામ્યસૂત્ર – વિનોબા ભાવે

Thursday, August 6, 2009 · પ્રકાર : આધ્યાત્મિક લેખ · સાહિત્યકાર : વિનોબા ભાવે · 4 પ્રતિભાવો

[આચાર્ય, ઋષિ અને સંતની બહુમુખી પ્રતિભા ધરાવનાર પૂ.વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ જેટલા જ પ્રસિદ્ધ પુસ્તક ‘સામ્યસૂત્ર’માંથી આજે માણીએ આ પુસ્તકનો પરિચય અને તે પછી પ્રથમ સૂત્રનું વિશ્લેષણ, ‘સામ્યસૂત્ર’ પુસ્તકમાંથી સાભાર.]

‘સામ્યયોગ-સૂત્રો’ એ એક નવી ચીજ તો છે, પણ કાંઈ છેક જ નવી ચીજ નથી. ‘ગીતા પ્રવચનો’ના પુસ્તકમાં જે મથાળાં આવે છે, તેમને જ અહીં સંસ્કૃત સૂત્રોમાં ગૂંથી લીધાં છે. પણ આ સૂત્રોની રચના એવી નથી કે ‘ગીતા પ્રવચનો’માં જે ભાષ્ય થયું છે તેટલા પૂરતો જ એમનો અર્થ મર્યાદિત થઈ જાય. આ સૂત્રોની રચના બહુ યોગપૂર્વક કરવામાં આવી છે. એ સૂત્રો યોગસૂત્રનાં સૂત્રો જેવાં છે અને એમની સંખ્યા એકંદરે 108ની છે. કોરાપુટનાં જંગલોમાં અત્યંત એકાંત અને રમણીય સૃષ્ટિનો સ્પર્શ મને મળતો રહ્યો અને એટલે મારા જીવનઆદર્શને સૂત્રોમાં ગૂંથી લેવાની મારી વરસો-જૂની ઈચ્છા જાગી ઊઠી.

આપણે ત્યાં તત્વ-વિચારને ગણ્યાંગાઠ્યાં સૂત્રોમાં પરોવી લેવાની પ્રથા પ્રાચીનકાળથી ઊતરી આવી છે. એની પાછળ ત્રણ હેતુઓ હોય છે. એક તો એ કે અધ્યયન કરનારાઓને અખૂટ ઊંડો ખજાનો મળી રહે. વળી સતત ચિંતન કરવા જેવી કોઈ વસ્તુ પાછળ મૂકતા જવાય અને તે પણ એવી હોય કે જેને સહેલાઈથી મોઢે કરી શકાય. સૂત્ર તે છે જે સૂચક છે. જે સૂચન કરે છે તે સૂત્ર છે. જે તમને કંઈક સૂચવી જાય છે તે સૂત્ર છે. સહેજ ઈશારો કરી દીધો કે તમે આપોઆપ વધુ વિચારી શકો. વધુ પ્રકાશ પોતાની મેળે પામી શકો. આવાં સૂચક વચનોને સૂત્ર કહે છે. મેં મારા જીવનઆદર્શોને આવી જાતનાં સૂત્રોમાં ગૂંથી લેવા વિચાર્યું.

મેં છેક બચપણથી ગીતાને જીવનગ્રંથ માન્યો છે. અનેક ભાષાના અનેક ધર્મગ્રંથોનું અધ્યયન મેં કર્યું છે, પણ એ સર્વ અધ્યયનને અંતે ગીતા જ મારા હૃદય પર રાજ્ય કરતી રહી છે. આવું શાથી થાય છે તેનું હું કાંઈ કારણ આપી શકું તેમ નથી. શું ગીતા પાસે એવું કંઈક વિશેષ છે તેથી આમ થયું છે કે પછી મારો ને એનો સ્નેહ-સંબંધ જ કાંઈક એવો બંધાઈ ગયો છે, તે તો રામ જાણે ! ગીતા જેવો જાદુ બીજા ગ્રંથમાં છે જ નહીં એવું મારું કહેવું નથી. એમ તો હું કઈ રીતે કહી શકું ? નિરનિરાળા મનુષ્યોને પોતપોતાની રુચિ-મતિ મુજબ નિરનિરાળી વસ્તુ પ્રિય થઈ પડે અને એ જ પૂર્ણ પણ ભાસે. એ સાવ સંભવિત છે. ગમે તેમ, ગીતા મારે માટે તો જાણે કે એક પરિપૂર્ણ ગ્રંથ જ થઈ પડ્યો છે. એ ગ્રંથને આધારે રચાયેલાં, પરંતુ ચિંતનને માટે તદ્દન સ્વતંત્ર એવાં આ ‘સામ્યસૂત્ર’ છે. જેમ પક્ષી એની પાંખો વડે ચોમેર ઊડાઊડ કરી શકે છે, તેમ આપણે આ સૂત્રોને આધારે ચોમેર ઘૂમી વળી શકીશું, ઉડ્ડયન કરી શકીશું.

No comments: