Monday, July 12, 2010

ચેતો, ચેતો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ ચેતો!..

ચેતો, ચેતો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ ચેતો!
હવે કોંગ્રેસીઓ! સોનિયા ગાંધી અને રાહુલ નહીં ચેતો તો ઈંદિરા ગાંધીવાળી થશે!
આ ‘બંધ’ વિષે ભ્રમમાં ન રહેતા!
ઈંદિરા ગાંધી ભ્રમમાં રહેલા (રાખેલા) અને હાર્યા
‘બંધ’થી ગરીબો એક દિવસ ભૂખ્યા રહ્યા પણ મનમોહન સરકારે ગરીબોને ૩૬૫ દિવસ ભૂખ્યા રાખવાનું કાવતરું કર્યું છે એનું શું? અત્યારે જનતા ભૂખી રહી છે પણ ભૂખી જનતાનો જઠરાગ્નિ કોંગ્રેસીઓને ભૂખ્યા રાખશે એ ન ભૂલશો! ‘બંધ’ ગેરકાયદેસર છે તો સુપ્રિમ કોર્ટ કે મનમોહન સરકાર કેમ પગલાં નથી લેતાં?



મૃત્યુઘંટ વાગી ચુક્યો છે. કોંગ્રેસ એટલે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ સમજે તો એમના લાભમાં છે... બાકી મનમોહનસિંહ જેવા બ્યુરોકેટ અને બીજા બ્યુરોકેટની સલાહને જ સાચી માનીને દેશની સરકારની નીતિઓ ઘડનારા તથા પ્રણવ મુકરજી, શરદ પવાર, મુરલી દેવરા જેવા ખાયબદેલા અને આરે બેઠેલા રાજકારણીઓને કશી પડી નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સામે દિવાલ ઉપર લખેલું વાંચીને સમજી જવાનો તથા ઈંદિરા ગાંધીને પાટીલ-કામરાજ-મોરારજી વગેરે ખડ્ડુસ ટોળકીને કોંગ્રેસમાંથી કાઢી મૂકેલી એ રીતે સરકાર અને કોંગ્રેસમાંના બધા જ ખડ્ડુસોને એક જ ઝાટકે કાઢીને ફેંકી દેવાની હિંમત કરવાની જરૂર છે. એ હિંમત જો એ નહીં કરે તો એમણે મહામહેનતે અને એકલા પંડે પોતાના પતિના સાસુના અને વડાસસરાના વારસ જેવી કોંગ્રેસને બેઠી કરી છે એ ફરી મરણ પથારીએ પડશે અને મરણ પથારીએ પડેલા ભાજપ, ડાબેરીઓ, સમાજવાદી, જેડીયુ, આરજેડી વગેરે બધા જ ત્રેવડ કે આવડત નથી છતાં જનતા એમને બેઠા કરશે.

આ સ્થિતિની ચેતવણી ‘નેટવર્ક’ ચારચાર વર્ષથી આપતું રહ્યું છે. ભાજપ વિશે ‘નેટવર્ક’ જેમ દસ બાર વર્ષથી ચેતવણી આપતું રહ્યું છે એમ! એ ચેતવણી ભાજપ ગણકારતું ન રહ્યું અને એ ભાજપ પતન અને વઘુ પતન ભણી જતું રહ્યું એવું જ કોંગ્રેસનું થયું છે. ચાર ચાર વર્ષથી ચેતવણી આપવા છતાં કોંગ્રેસે વિરોધપક્ષોની નબળી સ્થિતિ જોઈને કેફમાં રહીને ચેતવણીઓને ઘ્યાનમાં ન લીધી પરિણામે છેલ્લા કેટલાય વર્ષોથી જનતાએ ફેંકી દીધેલા ભાજપ સહિતના બધા જ વિરોધપક્ષો એકઠા થઈ ગયા એટલું જ નહીં પણ સુપ્રિમ કોર્ટે ગેરકાયદેસર ગણાવેલા ‘બંધ’ને પ્રચંડ, સજ્જડ, જડબેસલાક ટેકો આપ્યો.

હજી કોંગ્રેસીઓ ભ્રમ ફેલાવી રહ્યા છે અથવા ભ્રમમાં છે કે... (૧) જ્યાં કોંગ્રેસ સત્તામાં છે એ રાજ્યોમાં ‘બંધ’ની અસર નહોતી (૨) ‘બંધ’ના કારણે અબજો રૂપિયાનું દેશને નુકસાન થયું. આ બન્ને મુદ્દા હડહડતું જૂઠાણું છે. સત્ય ઉપર, વાસ્તવિકતા ઉપર, હકીકત ઉપર ઢાંકપીછોડો કરવાનો નાચીઝ પ્રયત્ન છે. જ્યાં કોંગ્રેસનું રાજ્ય પૂરબહારમાં છે એ દિલ્લી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બંધની સજ્જડ અસર હતી એવું ટી.વી. ચેનલોમાં સ્પષ્ટપણે જોવાતું હતું. દા.ત. ચેનલોએ જયપુર, ઉદેપુર શહેરો રાજસ્થાનના દેખાડેલા. મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર, પૂના, ઔરંગાબાદ તથા દિલ્લી, નોઈડા, ગાઝીયાબાદ દેખાડેલા.

બધે બસો બંધ હતી, વિમાનો બંધ હતા, ટ્રેનો બંધ હતી. (બંધ પળાવવામાં નાનામોટા ઘર્ષણો થાય એ સ્વાભાવિક છે. હંમેશા જનતાને ડંડા મારવાનું શીખવનાર માયાવતીના ઉત્તર પ્રદેશમાં પોલિસ લાઠીચાર્જ કરે એ નવું નથી તો પણ ક્યાંય કોઈપણ ઠેકાણે ગોળીબાર નથી કરવો પડ્યો.) મોટાભાગનો બંધ સ્વયંભૂ હતો કારણ કે મનમોહન સરકાર અને શરદ પવાર તથા મુરલી દેવરાએ જે મોંઘવારીનો પહાડો ઉભા કર્યા છે એની નીચે દેશની અબજ સવા અબજની જનતા દબાયેલી છે. આ મોંઘવારી આપણા જનતાના પરસેવાના પૈસે જીવતા, મોટરામાં ફરતા, વિમાનોમાં ઉડતા રાજકારણીઓ સિવાયના દરેકે દરેકને પળેપળે બાળી રહી છે. એટલે પહેલો મુદ્દો હડહડતું જૂઠાણું અને ગેરમાર્ગે દોરનારો છે. (શેરહોલ્ડરોને ચારસો ચારસો ટકા ડિવિડન્ડ આપનાર પેટ્રોલ કંપનીઓ ખોટ કહે છે એના જેવું હડહડતું જૂઠાણું)

બીજો મુદ્દો... ‘દેશને અબજો અબજો રૂપિયાનું નુકસાન થયું’ એવો પ્રચાર કરવાનો... તો વળી વઘુ ગેરમાર્ગે દોરનારો અને વઘુ મોટું જૂઠાણું છે.
દેશને નુકસાન થવાની જે વાત છે એમાં દેશ એટલે હું કે તમે નહીં પણ સરકાર.
અને સરકાર એટલે કોણ?
અને એ નુકસાન ‘કરવેરા ન મળ્યાનું’ નુકસાન છે. આપણે એક દિવસ વેપાર ઉદ્યોગ ન કરીએ, ટ્રેનો ન ચાલે, બસો ન ચાલે, વિમાન ન ચાલે એટલે નુકસાન થાય એને નુકસાન કઈ રીતે કહેવાય?
ઉલટાનો ‘લાભ થયો’ કહેવાય! કારણ કે, ટ્રેનો, બસો, વિમાનો સરકાર ચલાવે છે અને એ ત્રણેય સરકાર જ કહે છે કે ખોટમાં ચાલે છે.

તો એ એક દિવસ ન ચાલ્યા તો એટલી ખોટ ઓછી થઈને? ખોટ ઓછી ને ‘નુકસાન’ કહેવાય કે ‘લાભ’? (જનતાને ઉલ્લુ જ બનાવવાની સરકારોને આદત પડી ગઈ છે પછી એ સરકાર કેન્દ્રની હોય કે ગુજરાતની હોય!)
જ્યારે કરવેરા એક દિવસ ઓછા મળ્યા એથી સરકારને શું ફેર પડવાનો હતો? એ શું પેટ્રોલ, ગેસના ભાવો ઘટાડત?
અચ્છા, એ નુકસાનના આંકડા પણ જૂઓ!
ેએક, તો એ આંકડા સાવ જ બોગસ હોય છે... કોણ ગણવા ગયું હતું? અડસટ્ટે!... જેમ મુરલી દેવરા પેટ્રોલ વગેરેમાં ખોટના આંકડા કહે છે અથવા શરદ પવાર અનાજ ખાંડ દૂધના ખોટા આંકડા કહે છે એ કોણ જોવા ગયું છે?

એટલે બંધ કારણે જે આર્થિક નુકસાન થવાની વાત છે એ ‘આર્થિક’ એટલે ‘આંકડાકીય’ નુકસાનની વાત છે... ‘રોકડીયા’ નુકસાનની વાત જ નથી રહેતી.
વિરોધપક્ષો પણ બોગસ છે. કોઈ આ ચોખવટ કરતું જ નથી! આ રીતે ચોખવટ થાય તો જનતા સમજેને!
હવે જૂઓ...
(૧) એક આંકડો ‘ફીક્કી’ નામનું ધનાઢ્યોનું એક યુનિયન છે એ ૧૩૦૦૦ કરોડ રૂા. કહે છે. (નુકસાન)
(૨) ધનાઢ્યોનું બીજું એક યુનિયન છે ‘એસો કામ’ એ રૂા. ૧૦,૦૦૦ કરોડ કહે છે!
(૩) જ્યારે સરકારના જૂદાજૂદા ખાતા જૂદા જૂદા આંકડા આપે છે... એક ખાતુ રૂા. ૨૦,૦૦૦ કરોડ નુકસાન કહે છે તો એક બીજો વિભાગ રૂા. ૩૦૦૦ કરોડ કહે છે!

ટૂંકમાં, બંધના કારણે આર્થિક નુકસાનની વાત સાવ બોગસ, આપણને ઉલ્લુ બનાવવાની, જૂઠાણા ભરેલી વાત છે.
અચ્છા, ‘રોજે રોજનું કમાઈને ખાનારા બંધના કારણે ભૂખ્યા રહ્યા’ એવો એક પ્રચાર કરનારા છે જે પણ સાવ નગ્ન જૂઠાણું છે.
પહેલી વાત તો એ કે... મનમોહન સરકારની નીતિઓ અને એના પ્રધાનોના કૃત્યો જ એવા છે કે ‘આમ આદમી’ ભૂખ્યો ન રહેતો હોય તો પણ ભૂખ્યો રહેવા લાગે!
બીજી વાત એ કે... જ્યાં મનમોહન સરકારની નીતિઓ આમ આદમીને ૩૬૫ દિવસ ભૂખ્યો રાખે એવી છે ત્યાં ૧ દિવસથી શું ફેર પડવાનો હતો?

ટૂંકમાં આ બંધ વિશે કોંગ્રેસે અને ખાસ કરીને સોનિયા ગાંધીએ આંખો બંધ કરવા જેવું નથી.
આ બંધ કોંગ્રેસ માટે ચેતવણી છે. બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું ઉઠમણું થઈ ગયું છે. ત્યાં કોંગ્રેસને ફરી ઉભી કરવા રાહુલ ગાંધી છ છ વર્ષથી પરસેવો પાડી રહ્યા છે.
તેઓ કોંગ્રેસ માટે પોતાનું લગ્નજીવન પણ ભોગમાં આપી રહ્યા છે. એમની બધી મહેનત ઉપર મનમોહન સરકાર, મુરલી દેવરા, શરદ પવાર વગેરે ખાઈપીને પાણી ફેરવી રહ્યા છે.
બંધ વિશે એ માફીયા પ્રધાનો ઉઘું ચત્તું સમજાવવામાં પૂરા ઠગ છે. કોંગ્રેસ પક્ષ, જનતા, દેશ, બીજા નેતાઓ જહન્નમમાં જાય તો પણ એમને કશી પડી નથી. એમના પેટ, ખિસ્સા, ઘર અને તિજોરીઓ ભરાયેલા છે હજી ભરાતા જાય છે એટલે એમને શાની પડી હોય?

શરદ પવારે વળી વઘુ એક લુચ્ચાઈભરી ચાલ રમવી શરૂ કરી છે કે ‘મારી પાસેના ખાતા ઓછા કરો!’ ‘નેટવર્ક’માં તો ત્રણ વર્ષ પહેલાં જ લખેલું કે શરદ પવારનું ખાતુ બદલો કે તરત જ ભાવો એટલે કે મોંઘવારી ધડાઘડ ઘટવા લાગશે.
હવે શરદ પવારે બધી બાજી ગોઠવી દીધી છે પછી એ ખાતુ ઓછું કરવાની વાત કરે છે!
સોનિયા ગાંધી ચાર વર્ષ પહેલાં જાગ્યા હોત અને એમણે હિંમત બતાવી હોત તો જનતાએ આજના મોંઘવારીના દિવસોમાં પીડાવું પડતું ન હોત અને સોનિયા ગાંધીએ કોંગ્રેસનો મૃત્યુ ઘંટ સાંભળવો પડત નહીં.
- ગુણવંત છો. શાહ

શું વાત કરો છો ?
આડવાણી ક્યાં જઈ રહ્યા છે ? અને ભાજપને ક્યાં લઈ જશે ?
૮૨ વર્ષના આડવાણી હવે ભાજપના સર્વેસર્વાં થઈ ગયા છે અને ભાજપની બોચી એમણે બરોબરની પક્કડમાં લીધી છે. ભારતના ભાગલા મોહમ્મદ અલી જિન્હાના કારણે નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલને કારણે થયા છે અને જિન્હા (પોતાને ભલે કોમીવાદી કહે પણ) કોમવાદી નહીં પણ ‘‘સેક્યુલર’’ હતા એવું કહેનાર તથા એમ કહ્યા પછી એમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા પરંતુ આજે પણ પોતાનો એ અભિપ્રાય નહીં બદલનાર જશવંત સિંહને ભાજપની કે સંઘની સાડીબાર રાખ્યા વિના ભાજપમાં પાછા આડવાણીએ લઈ લીધા એટલે લઈ જ લીધા !

છતાં જશવંતસિંહે તો પોતાનો જિન્હા વિષેનો અભિપ્રાય તો નથી જ બદલ્યો !
ઉલટાનું જશવંતસિંહે ભાજપમાં કાઠું કાઢવા લાગેલા નરેન્દ્ર મોદી ઉપર તીર છોડ્યું ! એમણે એવું કહ્યું કે, મને ભાજપમાંથી કઢાવનાર નરેન્દ્ર મોદી હતા અને આજકાલ ભાજપમાં ભાજપીયા મુખ્યપ્રધાનોનું જ ચાલે છે, મોવડી મંડળનું નહીં ! આ બન્ને તીર ભલે દેખીતી રીતે જશવંતસિંહે છોડ્યા હોય પણ એની પાછળ આડવાણી ઊભેલા હોય એવું માનવા કશી સાબિતીની જરૂર નથી કારણ કે આડવાણીને નરેન્દ્ર મોદીમાં પોતાનો હરિફ....મજબૂત હરિફ દેખાઈ રહ્યો છે.

જશવંતસિંહના આ નિવેદનો પછીના દિવસે આડવાણી એ જશવંતસિંહ અને પેલા ઉમા ભારતીને સાથે લઈને પોતાના અંગત ચાર્ટર વિમાનમાં લઈને કોઈ ભાજપી માજી મુખ્યપ્રધાનના સસરા ગુજરી ગયેલા એનો ખરખરો કરવા ગયેલા ! (અંગત વિમાન રાખવા જેટલી કમાણી આડવાણી કઈ રીતે કરી આવ્યા ? કે પક્ષનું વિમાન છે ? કોઈ ઉદ્યોગપતિએ ભેટ આપ્યું છે ?)
ગુજરાતના ભાજપીઓ અને ભાજપપ્રેમીઓ આટલા ઉપરથી સમજી જશેને ?

બહુ કે’વાય!
પેરીસની દુકાને એક વર્ષમાં બે જ વખત ‘સેલ’ના પાટીયા મારે છે
આપણે ત્યાં જો ક ે કેટલાક ‘મોલ’ પણ એક વર્ષમાં બેત્રણ વારજ ‘સેલ’થી માલ વેચે છે જ્યારે કેટલીક દુકાનો ઉપર ‘સેલ’નું બોર્ડ ૩૬૫ દિવસ લાગેલું હોય છે તો કેટલીક દુકાનો ચોમાસુ પુરુ થતા અને નોરતા દિવાળીના તહેવારો આવતા ‘સેલ’થી માલ વેચે છે.
જ્યારે કુઆલાલમ્પુર, સિંગાપુર અને દુબઈ વળી દર વર્ષે ‘સેલ ફેસ્ટીવલ’ યોજે છે.
દુનિયાનું ફેશન શહેર વર્ષોથી ગણાતું આવેલું પેરીસ શહેર પણ દર વર્ષે બે જ વખત ‘સેલ’ યોજે છે... જાન્યુઆરી અને જુલાઈમાં.
એ વખતે દરેક દુકાનો પોતાનો માલ ઘણા ઓછા ભાવે વેચે છે.

No comments: