Monday, July 12, 2010

તમારે ભવોભવની ભૂલ સુધારવી છે ?
જેમ જેમ માણસ ઈંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે.


આપણી પાંચ ઈંદ્રિયો અને તેને પોતાની આજ્ઞા પ્રમાણે ઇચ્છે તેમ ચલાવતું, ફંગોળતું આપણું મન. તમે કલ્પના કરો કે પાંચ તોફાની, ઉદ્ધત, ખૂંખાર અને અત્યંત વેગથી દોડતા અશ્વોવાળો રથ હોય અને એ રથનો સારથિ આંખો મીંચીને રથ દોડાવતો હોય તો કેવું થાય? બસ, આવી છે આપણી પાંચ ઈંદ્રિયો અને તેના પર સવાર આપણું મન. એ ઈંદ્રિયો માનવીમાં વિકાર જગાવે છે અને એનું મન એને આંધળો ભીંત બનાવીને દોડાવ્યે જાય છે. જેઓ ઈંદ્રિયો દોડાવે તેમ દોડતા હોય છે અને સદા એની શરણાગતિ સેવતા હોય છે, એવા લોકો સતત દુઃખી અને સંતપ્ત રહે છે. વાસના પર જેનો વિજય ન હોય, એના મનને જરા બહાર કાઢીને જોશો, તો ખ્યાલ આવશે કે મનમાં વાસનાની પ્રાપ્તિ માટે કેવી દોડધામ મચેલી છે! સ્વાદલોલુપ માનવીની નજર સદૈવ વાનગીઓ પર ચકળવકળ ધુમતી હોય છે અને મીઠાઈની દુકાન જોતાં એનું મન કેટલું બઘું વિક્ષુબ્ધ બની જાય છે.

ઈંદ્રિયોનું શરણ એ માત્ર દુઃખનો માર્ગ તો છે જ, કિંતુ એ વિનાશનો પણ માર્ગ છે. એને શરણે જઈ વ્યક્તિ પોતે પોતાના વિનાશને સામે ચાલીને નિમંત્રણ આપતો હોય છે. ઈંદ્રિયોના તાલે એ કૂદી-કૂદીને નાચતો હોય છે, ત્યારે એને ખ્યાલ હોતો નથી કે એ શું કરી રહ્યો છે? કારણ કે ઈંદ્રિયોથી સાંપડતા સુખની કલ્પનામાં એ રમમાણ હોય છે. એ વિચારે છે કે આ ઈંદ્રિય સુખ મળશે એટલે કેટલો બધો અપાર આનંદ પ્રાપ્ત થશે; પરંતુ એ સુખ ક્ષણિક હોય છે અને પછી તો માત્ર દુઃખ જ રહે છે.

ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે, ‘કોઈ પણ વ્યક્તિ બે માલિકની સેવા કરી શકતી નથી.’ જ્યારે અહીં તો માત્ર બે માલિક નથી; પરંતુ એની પાંચેય ઈંદ્રિયો એની માલિક છે. આવી પાંચેય ઈંદ્રિયોના ભોગમાં ડૂબેલા માણસની કેવી દુર્દશા થતી હશે? જ્યાં બે ઈંદ્રિયોને સાચવવી મુશ્કેલ છે, ત્યાં પાંચ-પાંચ ઈંદ્રિયો ભેગી થાય ત્યારે કેવો ઉલ્કાપાત સર્જાતો હશે! વળી, માણસનું ચિત્ત એને ક્યારેક ભૂતકાળમાં, તો ક્યારેક ભવિષ્યકાળમાં ધુમાવતું રહે છે.

વાત છે માત્ર એટલી એ ઉછળતી, ઉધમાત કરતી ઈંદ્રિયો પર સંયમ રાખવાની. કવિઓએ નારીસૌંદર્યનાં વર્ણનો કર્યાં છે, ત્યારે એમણે નારીને વાસનાની દ્રષ્ટિથી જોઇ નથી; પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ એને નિહાળી છે. માણસ પૌષ્ટિક ભોજન કરે એ આવશ્યક છે; પરંતુ જીભને વશ થઈને અત્યંત સ્વાદિષ્ટ ભોજન પાછળ ઘેલો બને તે ખોટું છે એટલે કે એને માટે ઈંદ્રિયોનો વ્યાપાર જરૂરી છે, જોવાનું, સાંભળવાનું, ભોજન કરવાનું - એ બઘું પણ આવશ્યક છે. આંખ, કાન, જીભ, દેહ વગેરેની સંભાળ પણ લેવી જોઈએ; પરંતુ એ સંભાળ એમના સ્વાસ્થ્ય પૂરતી છે. એની અતિ સંભાળ દુઃખદાયી બને છે. દેહની વઘુ પડતી ચિંતા કરતા અને એની ફૅશનમાં કલાકોના કલાકો ગાળતી વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે કેવું થાય છે? પહેલાં જે તેજસ્વી અને ચમકદાર ત્વચા જોતો, એ જ માણસ પોતાની કરચલીયુક્ત ત્વચા જોઈને કયો ભાવ અનુભવશે? શરીર પરત્વેની આપણી ઘેલછા આત્માને વિસ્મૃત કરાવી દે છે. શરીરસુખને જ સર્વસ્વ માનનારના શરીરમાં જ્યારે વ્યાધિ થાય છે, ત્યારે એને કેવો અનુભવ થાય છે?

એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ જગતના સૌથી ઉંચા શિખરને આંબનારો પહેલો માનવી હતો અને એ જ શેરપા તેનસિંગ એની જિંદગીના અંતિમ સમયમાં માંડ-માંડ ચાલી શકતો હતો. એને માટે એક ઊંબરો ઓળંગવો, એ એવરેસ્ટ ઓળંગવાથી પણ વઘુ યાતનાદાયક હતું, આથી જે શરીરસુખને જ પોતાના જીવનનું ઘ્યેય માને છે, એને નિરાશ થવું પડે છે.

કેટલાય ભવ સુધી એણે પોતાના દેહને સર્વસ્વ માન્યો છે અથવા તો દેહને મુખ્ય માનીને આત્માને તદ્દન ગૌણ ગણ્યો છે. જરા, આ જન્મમાં એ વિચાર કરીશું કે આપણા આત્માને મુખ્ય રાખીને એની પાછળ ગૌણ રૂપે દેહને રાખીએ. જો આ પરિવર્તન સધાય, તો આ જન્મમાં વ્યક્તિ ઘણું આઘ્યાત્મિક પાથેય પામી શકે. બીજા અર્થમાં કહીએ તો વ્યક્તિ એની ભવોભવની ભૂલ સુધારી શકે. આત્માને ભૂલનારો એ માનવી હવે આત્માને આગળ રાખીને ચાલતો હશે. ઈંદ્રિયોનો એ ગુલામ હવે ગુલામી ત્યજીને એનો માલિક બની બેઠો હશે. ચંચળ, આમતેમ ભટકતું એનું ચિત્ત હવે શાંત સમાધિમાં ડૂબેલું હશે.

જેમ જેમ એ ઈંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે. એક સમયે એના મનને કામોત્તેજક દ્રશ્યો આકર્ષતાં હતાં અને એ એની પાછળ દોટ લગાવતો હતો, હવે એવાં દ્રશ્યો તરફ એ જાણે નગણ્ય હોય એમ સામાન્ય નજરે જોતો હશે. જે વાનગી જોઈને એનું આખું અસ્તિત્વ ઝૂમી ઊઠતું હતું અને જેને આરોગવા માટે એ અતિ ઉત્સુક બની જતો હતો, એ જે વાનગી સામે પડી હશે અને એનું રુંવાડું પણ ફરકતું નહીં હોય. પહેલાં જ ગતિ ઈંદ્રિયો તરફ હતી, એ ગતિ હવે સાવ વળાંક લઈને આત્મા પ્રત્યે થાય છે. એક સમયે કાનને ઘોંઘાટનું સંગીત પસંદ હતું, હવે એ કાન સિતાર, વીણાં કે વાયોલીનના શાંત સૂરોની ઝંખના કરે છે. નરસિંહ, મીરાં, ગંગાસતીનાં ભજનો એને ગમે છે.

પહેલાં એ સતત બોલતો રહેતો હતો, વાણીવિલાસ કરતો હતો, મોબાઇલ પર કલાકોના કલાકો સુધી લાંબી વાતો કરતો હતો, હવે એને વાણીના બદલે મૌન વિશેષ ગમે છે. બહુ બોલવાને બદલે અતિ અલ્પ વચનો બોલે છે. પહેલાં બોલતાં પૂર્વે એ વિચાર કરતો નહોતો કે હું જે બોલું છું તે યોગ્ય, વિવેકપુરઃસરનું અને આવશ્યક છે ખરું? હવે, એ બોલે છે ત્યારે પહેલાં વિચારે છે કે મૌન તોડીને આટલું બોલવું જરૂરી છે ખરું, કે પછી મૌનમાં રહેવું જ આવશ્યક છે.

એ અનુભવશે કે એક સમયે જ્યાં ઈંદ્રિય - વાસનાનો મહાસાગર ધૂઘવતો હતો, તેવા હૃદયમાં ઉંચે ઉછળતાં મોજાંઓ આત્માની ઓળખને પરિણામે શાંત થઈ ગયા છે. એક સમયે વાસનાના વિચારોને કોઈ નિયંત્રણ નહોતું, હવે ધીરે ધીરે એ બધા આથમી ગયા છે અને હૃદય એ કામનાના ધૂઘવતા સાગરને બદલે સાક્ષીભાવનું શાંત સરોવર બની ગયુ છે. એમાં ક્યારેક, ક્યાંક, થોડીક વાર કોઈ વમળ જાગે છે, પણ એ જાગે છે તેવાં જ જળમાં વિલીન થઈ જાય છે. વાસનાના તોફાની સાગરને બદલે શુદ્ધ પ્રેમનું શાંત સરોવર જોવા મળે છે અને એને ખ્યાલ આવે છે કે હવે પૂર્વે બહારની આકર્ષક લાગતી દુનિયાનું આકર્ષણ આથમી જાય છે. એની ગતિ જ બદલાઈ જાય છે.

એ બહારને બદલે પોતાના ભીતર તરફ ગતિ કરે છે. પહેલાં બહારના કોલાહલ સાંભળવામાં એને ખૂબ આનંદ પડતો હતો. કોઈ ઘોંઘાટ ભરેલું સંગીત હોય, કોઇ ડિસ્કોનું ગીત હોય કે પછી કોઈ વ્યક્તિની નિંદા-કૂથલી હોય, એ એના કાનને ખૂબ ગમતા હતા. હવે? હવે એવી પરિસ્થિતિ છે કે ઘોંઘાટિયું સંગીત સાંભળીને એનાથી દૂર જવાનું મન થાય, કોઈની નિંદા સાંભળીને એનાથી અળગા રહેવાનું મન થાય અર્થાત્ કાનની ઈંદ્રિય તો છે જ; પરંતુ એ ઈંદ્રિયનું કાર્ય બદલાઈ ગયું છે.

આજ સુધી એ સુંદર સ્ત્રીના અંગોપાંગનો, સ્વાદિષ્ટ વાનગીનો, કોઈની ટીકાનો, મોહક દ્રશ્યોનો અને સુંવાળા સ્પર્શનો આશક હતો. હવે એ બધાને બદલે એ એના આત્માનો આશક બને છે. એ પોતાના ભીતરના સૂરને સાંભળવા પ્રયત્ન કરે છે, એ પોતાના સ્વ-રૂપને જોવા માટે થનગને છે, એને હવે બહારના સ્વાદ કે સુગંધમાં રસ રહ્યો નથી અને એ કોઈ વ્યક્તિને સુંવાળો સ્પર્શ કરવાને બદલે ઇશ્વરની મૂર્તિને મુલાયમ સ્પર્શ કરે છે. આ રીતે ઈંદ્રિયના વિષયોને અતિક્રમી જાય છે અને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ બને છે.

No comments: