Monday, July 12, 2010

રેડિયો-ટીવી કરતાં અનેકઘણું ઝડપી માઘ્યમ રીવોલ્યૂલશન લાવી રહ્યું છે
લાખો મિત્રોને ખેંચી લાવતું ફ્રેન્ડશીપ સ્ટેજ - ફેસબુક
ઈન્ટરનેટ એટલે પાર્નોગ્રાફી એવી ઈમેજને દૂર હડસેલી દેતુ સોશ્યલ નેટવર્ક ઃ પોતાના પાડોશી સાથે વાત કરવાનું ટાળતો યુવાન કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી રહે છે
સ્વિઝર્લેન્ડની વસ્તી જેટલા બ્રિટીની સ્પીયર્સના મિત્રો ઃ અમિતાભ ડેઝર્ટ ઓફ કચ્છ લખતા હતા તેમને અમદાવાદના બ્લોગરે રણ ઓફ કચ્છ લખતા કર્યા એ ટુ-વે સિસ્ટમની કમાલ છે
સોશયલ નેટવર્કીંગ


વાચકો સમક્ષ એક ઈન્ટરેસ્ટીંગ કેલક્યુલેશન અહીં રજૂ કર્યુ છે. ઈન્ટરનેટ પરના સોશ્યલ મીડીયામાં થઈ રહેલા વધારા સંબંધી વિગતો એવી છે કે... ૫૦ મીલીયન ગ્રાહકો-સાંભળનારા સુધી પહોંચતા રેડિયોને ૩૮ વર્ષ થયા હતા, ટેલિવિઝનને ૧૩ વર્ષ થયા હતા, ઈન્ટરનેટને ૪ વર્ષ થયા જ્યારે આઈ પોડને ૩ વર્ષ થયા હતા... આ બધાની સરખામણી ફેસબુક સાથે કરીએ તો ફેસબુકના ૨૦૦ મીલીયન (૧ મીલીયન=૧૦ લાખ) વપરાશકારો માત્ર એક વર્ષથી ઓછા સમયગાળામાં થયા છે.

એક સમય હતો કે જ્યારે પેનફ્રેન્ડ બનાવાતા હતા, જેમાં મિત્ર બનાવવા કાગળ લખવો પડતો હતો. ઘણાં મેગેઝીનો પેનફ્રેન્ડની કોલમ રાખી તેમાં વિદેશના એડ્રેસ લખતાં હતા. મારો પેન ફ્રેન્ડ રશિયામાં છે એમ લોકો ગૌરવથી કહેતા હતા. આવા પાંચ-પંદર મિત્રો માંડ બનતા હતા. હવે પેન-ફ્રેન્ડ સિસ્ટમ તો ક્યારનીય દફનાઈ ગઈ છે તેની જગ્યાએ ઈન્ટરનેટ ફ્રેન્ડશીપ આવી ગઈ છે. પોપસીંગર બ્રિટીની સ્પીયર્સના ફ્રેન્ડની સંખ્યા વાંચીને આંખો ફાટી જશે. સ્વિત્ઝર્લેન્ડની જેટલી વસ્તિ છે તેના કરતાં વઘુ બ્રિટીનીના ઈન્ટરનેટ પરના મિત્રો છે. બ્રિટીની ટ્વીટર પર ગુડનાઈટ લખે છે ત્યારે આ મિત્રો ઝુમી ઉઠે છે.

સોશ્યલ નેટવર્કીંગનો સૌથી મોટો લાભ એ થયો છે કે તેણે ઈન્ટરનેટની બદનામી અટકાવી છે. ઈન્ટરનેટ પર બઘું ‘ઓપન’ આવે છે એવું કહીને ઘણો મોટો વર્ગ તેનાથી દુર રહેતો હતો અને પોતાના દિકરા કે દિકરીને સતત કોમ્પ્યુટર સામે બેઠેલો જોઈને શંકા વ્યક્ત કરતો હતો. એવા લોકો માટે સોશ્યલ નેટવર્કીંગ આશિર્વાદરૂપ છે. આમ પણ આ પ્રકારનું મિત્રો બનાવતું કે બિઝનેસ વધારતું નેટવર્કીંગ ઉપયોગી અને વિચારો પ્રદર્શિત કરવાનું પોઝીટીવ માઘ્યમ બની ગયું છે.

સોશ્યલ નેટવર્કીંગ એ તદ્દન નવતર સિસ્ટમ બની ચૂકી છે. નેટ સાથે સંકળાયેલા દરેક આવા સોશ્યલ નેટવર્કીંગ સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારના નેટવર્કીંગનો લાભ શું હોઈ શકે?? અહીં તમે એક તમારા જેવા વિચારવાળાઓનું મોટું ગૃપ બનાવી શકો છો. તમને ફોલો કરનારા લોકો પણ મળી આવશે એમ તમે પણ કોઈને ફોલો કરવા લાગશો. આવા નેટવર્ક પર લોકો બે હજાર જેટલા મિત્રો ધરાવે છે. પોપસીંગર બ્રિટીની પોતાના મિત્રોને ગુડનાઈટ કહે છે ત્યારે તેના લાખો મિત્રો રોમાંચ અનુભવે છે.

ગુજરાતમાં ઈન્ટરનેટનો વ્યાપ નથી એમ કહેનારાઓએ તેમના સંતાનોને પૂછવું જોઈએ કે ફેસબુક, ઓરકુટ, કે ટ્વીટર જેવી વેબસાઈટ એટલે શું ?? આ યુવક કે યુવતી તેના મમ્મી-પપ્પા સાથે જેટલી વાતો નથી કરતા એટલી વાતો તે ટ્વીટર અને ફેસબુક પર કરે છે. સોશ્યલ વેબસાઈટમાં તેના અનેક મિત્રો હોય છે. જ્યારે પાડોશીને ઓળખતો પણ નથી!! સિક્કાની બે બાજુ જેવો આ ઘાટ છે. તેમ છતાં સોશ્યલ વેબસાઈટમાં મિત્રો સાથે ચર્ચા કરવા કલાકો બેસી રહેનાર યુવાવર્ગ ઘણો મોટો છે. પહેલાં ઈન્ટરનેટથી દુર રહેવા એટલા માટે જણાવાતું હતું કે તેમાં વઘુ પડતું ઓપન દર્શાવતી પોર્નોગ્રાફીની વેબસાઈટ યુવાનોને ઊંધે માર્ગે ખેંચી જતી હતી, પરંતુ હવે સોશ્યલ વેબસાઈટોએ પોર્નોગ્રાફીને બહુ દુર હડસેલીને સમગ્ર ઈન્ટરનેટ પર કબજો જમાવી દીધો છે.

રેડિયો સિસ્ટમ ફલોપ ગઈ અને ૫૦ મીલીયન ગ્રાહકો સુધી પહોંચતા તેને ૩૮ વર્ષ થયા અને ટીવીને ૧૮ વર્ષ થયા પરંતુ ઈન્ટરનેટને ચાર વર્ષ થયા હતા. રેડિયો સિસ્ટમ અને ટીવી વન-વે છે અર્થાત્ તમે તેને જોઈ શકો કે સાંભળી શકો પરંતુ કોઈ રિસ્પોન્સ આપી શકતા નથી. જ્યારે ઈન્ટરનેટ ટુ-વે સિસ્ટમ છે. કોઈપણ મુદ્દે તમે ગમો-અણગમો પ્રગટ કરી શકો છો. આ પોતાના વિચારો અને પોતાની પસંદગીની વાતોના કારણે ઈન્ટરનેટ ચમત્કાર સર્જી રહ્યું છે. લોકો પોતાની ગમતી સેલિબ્રીટીને ડાયરેક્ટ લખતા થઈ ગયા હતાં.

ઉદાહરણ આપીને વાત કરીએ તો સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કોઈ મુદ્દે ચર્ચા કોઈ કાળે શક્ય નથી પરંતુ તેમની બ્લોગ અને ટ્વીટર પરની હાજરીના કારણે તે અન્ય લોકો માટે આનંદના સમાચાર બન્યાં હતાં. અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના એમ્બેસેડોર તરીકે કચ્છના રણમાં શૂટીંગ કરતા હતા ત્યારે તેઓ તેમના બ્લોગમાં શૂટીંગના સ્થળનો ઉલ્લેખ કરતી વખતે desert of Kutch એમ લખતા હતા. કચ્છના રણને તે ડેઝર્ટ કહેતા હતા.

પરંતુ કચ્છના રણ માટે ડેઝર્ટ શબ્દ નથી વપરાતો માત્ર કચ્છનું રણ જ કહે છે. એક ગુજરાતી બ્લોગરે અમિતાભનું ઘ્યાન દોર્યું અને લખ્યું કે હું અમદાવાદનો છું, આપની ભુલ થઈ રહી છે. કચ્છના રણ માટે ડેઝર્ટ નહીં પણ ‘રણ’ શબ્દ જ વપરાય છે. એનસાઈકલોપીડીયાનો ઉલ્લેખ કરીને લખ્યું હતું. અમિતાભે તરત જ ભૂલ સુધારી લીધી હતી. આ ટુ-વે સિસ્ટમની કમાલ છે. માટે બ્લોક સિસ્ટમ પ્રચલીત બનતી જાય છે. સેલિબ્રીટીનો બ્લોગ ફોલો કરનાર હજારો લોકો હોય છે. લંડનના એક લેખકે પોતાના ક્રાઈમ થ્રીલર પુસ્તકનું હેડીંગ-ટાઈટલ મેળવવા પોતાના ટ્વીટર ડેસ્ક પર લખ્યું હતું. અગિયાર હજાર લોકોએ તેમને નામ મોકલી આપ્યું હતું. લોકો પોતાના સંતાનના નામો માટે વિનંતી કરે છે અને જવાબ પણ મળે છે.

અમિતાભ બચ્ચનના વઘુ એક ઉદાહરણ પર પાછા ફરીએ તો અમિતાભે રાત્રે ૨ વાગે તેમના બ્લોગ પર લખ્યું હતું કે મારે કાલે વહેલા ૩-૩૦ વાગે ઉઠીને સિદ્ધી વિનાયક મંદિરે ચાલતા જવાનું છે, સાથે મારો પુત્ર અભિષેક અને ઐશ્વર્યા પણ આવવાના છે. રાત્રે બે વાગે ગુડનાઈટ સાથે લખેલા બ્લોગ પર પત્રકારોની નજર પડી હતી કેમકે આ લોકો સેલિબ્રીટીના ફોલોઅર હતા. બીજા દિવસે સવારે ચાર વાગે જ્યારે અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા તેમના બંગલાની બહાર નીકળ્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે ૨૦ ટીવી ચેનલવાળા તેમના સ્ટાફ સાથે લાઈવ શૂટીંગ માટે ઉભા હતા!!

આને, બ્લોગની તેમજ સોશ્યલ મીડીયાની કમાલ કહેવાય. રાજકારણીઓ પણ બ્લોગ પર જોવા મળે છે. ટોચના લોકો પાસે સમય નથી હોતો એટલે પોતાની હાજરી પૂરાવવા કોઈ લેખકને ‘ભૂતીયા’ બનાવી તેની મહેનતથી લખે જાય છે. ઈન્ટરનેટ પર ક્યાંય દંભ નથી, માત્ર પ્રચાર-પ્રસાર અને પ્રેમ જોવા મળે છે. સોશ્યલ મીડીયા પર તમે કોઈના પણ સંપર્કમાં રહી શકો છો. અમેરિકાના પ્રમુખ ઓબામાને પણ તમે ફોલો કરી શકો છો અને તેમના ઈરાક પરના પગલાંને વખોડી શકો કે પ્રશંસા પણ કરી શકો છો. નવા મિત્રો અને નવી કોમેન્ટ મેળવવા લોકો કલાકો સુધી કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી રહે છે. પોતાના મગજમાં રહેલાં ગાંડા-ઘેલાં કે કન્સટ્રકટીવ વિચારોને તે સોશ્યલ મીડીયા પર ટ્રાન્સફર કરીને એક પ્રકારની માનસિક હળવાશનો અનુભવ કરે છે.

ઘણીવાર એમ થાય કે લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે અડધો કલાક બેસીને ગપ્પા મારવાના બદલે કે પાડોશીની સમસ્યા નિવારવામાં ભાગ લેવાના બદલે સાવ અજાણ્યાને દોસ્ત બનાવવા સ્ક્રીન સામે બેસી રહે છે. જોકે આવી દલીલ સાંભળવાનો કોઈ પાસે સમય નથી. અજાણ્યા લોકો સાથે વાત કરવામાં માણસ મીઠો અને જુઠ્ઠો હોય છે. જયારે પોતાના પાડોશી કે કુટુંબના સભ્યો સાથે વાત કરતાં તેને પોતાનો ઈગો આડે આવે છે. વિશ્વનું ૫૦ ટકા પોપ્યુલેશન (વસ્તિ) ૩૦ વર્ષની અંદરની છે. સોશ્યલ વેબસાઈટ પર વઘુ સમય આપીને આ લોકોએ બતાવી આપ્યું છે કે પોર્નોગ્રાફીમાં અમને રસ નથી. આ ૫૦ ટકા વસ્તીને જે સ્નેહલેપની જરૂર હતી તે આ સોશ્યલ વેબસાઈટોએ પુરો પાડ્યો છે. પોતાની ઊંમરના સમગ્ર વિશ્વના લોકોને એક તાંતણે આવી વેબસાઈટો દ્વારા બંધાય છે.

સોશ્યલ નેટવર્કીંગનો ઉપયોગ માર્કેટીંગ માટે પણ મોટા પાયે થાય છે. લોકો પોતાના નેટ-સર્કલ પર માર્કેટીંગ કરે છે અને વેચાણ પણ કરે છે. પોતાની પાસે જ્યારે હજારો મિત્રો હોય તો તમે તેને સેલીંગ કે બાઇંગ સિસ્ટમ પર રીડાયરેક્ટ કરી શકો છો. આવી નેટવર્કીંગ સિસ્ટમ પર જોબ મેળવનારા અને આપનારા બંને મળી આવે છે. સોશ્યલ નેટવર્કીંગ ચાલે છે એની પાછળનું એક કારણ એ પણ છે કે એ તમારા વિચારોને પ્રગટ કરવાની છુટ આપે છે. નો-એડીટીંગ અને નો-ટાઈમ વેસ્ટીંગ. તમને આવડતી કવિતા કે ગઝલને તમે બિન્દાસ્ત તેના પર મુકી શકો છો. કોપી રાઈટના કાયદાની ઐસી-તૈસી કરીને આ લોકો કટીંગ-પેસ્ટીંગનો લાભ ઉઠાવે છે.

જ્યારે વિશ્વના યુવાનો સોશ્યલ વેબસાઈટ દ્વારા એક સ્ટેજ પર આવવા લાગ્યા અને તે સંખ્યા કરોડોમાં થવા લાગી ત્યારે તેની વેલ્યૂ વધી હતી. આ સિસ્ટમની વધતી જતી ડીમાન્ડને જોઈને એક નવો શબ્દ વહેતો થયો હતો. આ શબ્દ એટલે સોશ્યલ નોમીકસ. યુવાનોનું કોઈ ફંડામેન્ટ શીફટ થતું હોય એમ લાગે છે. ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની જેમ આ સોશ્યલ વેબસાઈટ રિવોલ્યુશન લાવી રહી છે. એપલ ફેઈમ સ્ટીવ જોબને તો ઈન્ટરનેટ પર સોશ્યલ મિડીયા કિંગની ઉપમા આપી છે.

આવી સોશ્યલ વેબસાઈટોનો ખોટો ઉપયોગ કરનાર એક વર્ગ પણ છે. એટલે તો ચીન અને પાકિસ્તાને આવી સાઈટોને બ્લોક કરવાનું શસ્ત્ર ઉગામ્યું હતું. ઘણાં તેમાં ધર્મ વિરૂદ્ધનું લખીને પોતાનું ગૃપ તૈયાર કરે છે. પાકિસ્તાન જેવા રૂઢિચુસ્ત દેશમાં આવું શક્ય નથી. ચીને તો ગુગલ પર પ્રતિબંધ મુકીને ઈન્ટરનેટ વપરાશકારોને ચોંકાવી દીધા હતા.

ફેસબુક પર કે ટ્વીટર પર મિત્રો બનાવવા કલાકો બેસી રહેનારાઓએ પોતાના કુટુંબ સાથે વાતચીત કરવા સમય ફાળવવાની જરૂર છે. પોતાની તૂટેલી મિત્રતાને ફરી સાંધવા માટે પ્રયાસો કરવા જોઈએ. ફેસબુક કે અન્ય સોશ્યલ મીડીયાનો મૂળ હેતુ ભાઈચારો કે મિત્રતા વધારવાનો છે. જોકે લોકો વિદેશના મિત્રો શોધવામાં બધી શિખામણ ભૂલી જતા હોય છે. સોશ્યલ મીડીયાએ પોર્નોગ્રાફીને બાજુએ હડસેલીને ઈન્ટરનેટના માળખાને વઘુ સમૃદ્ધ બનાવ્યું છે.

No comments: