Monday, July 5, 2010

બાળકનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું?

કેટલાંક બાળકોને મોઢામાં લાકડાનું કે ટોટીનું ચુસણીયું આપવાથી તે રડતાં નથી, શાંત રહે છે. શું આ ટેવ નુકસાનકારક છે? બે-ત્રણ મહિનાની વય પછી લગભગ એકાદ વર્ષની વય સુધી હાથમાં આવતા બધાં જ પદાર્થ મોઢામાં નાખવાની કુદરતી વૃત્તિ બધાં જ બાળકમાં રહેલી હોય છે.


ટોટી-મધ અથવા ગ્લીસરીન લગાડેલું ચુસણિયું એક સરખું મોઢામાં રાખવાની ટેવ નુકસાનકારક છે. ટોટી વારંવાર નીચે પડી જવા અને ફરી પાછી મોઢામાં આપતાં પેટમાં અસ્વચ્છતા-કચરો જવાનો સંભવ છે અને આ કચરો-જંતુ, ઝાડા, ઊલટીના કારણરૂપ બને છે. મધ અથવા ગળપણવાળી ટોટીથી દાંતમાં સડો થવાનો ભય વધે છે, અને દાંત આડાઅવળા અથવા બહાર નીકળેલા આવે છે, તથા મોઢાંને બેડોળ બનાવે છે.

ટોટી આવાથી પેટમાં હવા પણ જાય છે અને પેટનો દુખાવો, ચૂંક પણ ચાલુ થાય છે. જો ટોટી ચૂસવાથી રડતું બાળક શાંત થઈ જાય તો આનું કારણ મોટેભાગે અપૂરતું પોષણ, ભૂખ હોઈ શકે. ત્યાર પછી ટેવ-વ્યસન થઈ જવાથી ટોટી વગર તે શાંત રહેતું નથી.રમતમાં તે ચુસણિયું, ધુઘરો અથવા કોઈપણ રમકડું મોઢામાં નાખે તે સ્વાભાવિક છે, પરંતુ રડતું બાળક શાંત રહે માટે તેના મોઢામાં આંગળી, અંગૂઠો કે ટોટી ન આપવાં જોઈએ.

બાકને ફળનો રસ, ફળ,સૂપ વગેરે ક્યારથી આપવાનું ચાલુ કરી શકાય?

જન્મના ત્રણેક મહિના પછી ફળનો રસ, સૂપ, દાળનું પાણી વગેરે દૂધ સિવાયનાં બીજાં પ્રવાહી ચાલુ કરી શકાય. ફળના રસમાંથી વિટામીન ‘સી’ અને ‘બી’ મળે છે. સૂપ, દાળનું પાણી આપવાથી વિટામીન નજીવાં પ્રમાણમાં મળે છે, ક્ષાર અને પ્રોટીન પણ મળે છે. બાળક દૂધ અને ધાવણ સિવાયની બીજી ચીજોનો સ્વાદ ઓળખતા અને માણતા શીખે છે. પછીને તબક્કે બીજા ઘટ્ટ પદાર્થ આપવાનું અને તેની ટેવ પાડવાનું પણ સહેલું બને છે.

મોસંબી કે સંતરાનો રસ પણ આપી શકાય. ફળનો રસ આપવાથી બાળકને શરદી થશે અથવા છાતી ભરાઈ જશે એવી માન્યતાને લીધે ઘણી માતા આ આપવાનું ટાળે છે અથવા હુંફાળું ગરમ કરીને આપે છે. આ ભય પાયાવગરનો છે. ફળના રસથી શરદી થતી નથી. જો બાળકને આમાંના કોઈ તત્ત્વની એલર્જી હોય તો જ તેની નુકસાનકારક અસર થાય છે, ફળનો રસ તપાવીને કે ગરમ કરી આપવાથી તેમાં રહેલાં વિટામીન નષ્ટ થઈ જાય છે અને ફક્ત સાકરનાં પાણીની જ અસર રહે છે. રસ, સૂપવગેરે બાટલીમાં ભરી ન પીવડાવતાં પ્યાલી-ચમચીથી પીવડાવવા જોઈએ.

બાટલીની ટેવ હોય તોે પણ આ નવા સ્વાદવાળા પદાર્થ અને નવી પઘ્ધતિ બાટલી મૂકાવવા મદદગાર થશે.
રસનું પ્રમાણ શરૂઆતમાં ૫-૬ ચમચીથી ચાલુ કરી એક ફળનો રસ અથવા ૨-૩ ઔંસ (૬૦-૯૦ સી.સી.) જેટલું કરી શકાય. આથી વધારે પ્રમાણ આપવાથી ભૂખ ઓછી થવા અને ઘટ્ટ પદાર્થ કે દૂધનું પ્રમાણ આહારમાંથી ઘટી જવાનો ભય રહે છે. ફળનો રસ બને ત્યાં સુધી બાળક ૧-૧।। વર્ષનું થાય ત્યાં સુધી આપવા. પોષાતું ન હોય તો બાળક ૬-૮ મહિનાનું થાય ત્યાં સુધી આપી બંંધ કરી શકાય. આ ઊંમરે બીજો આહાર શરૂ કરવાથી તેમાંથી વિટામીન, ક્ષાર વગેરે જરૂર પૂરતાં પણ ઓછી કિંમતે આપી શકાશે.

વિટામીન અથવા બીજા ટોનિકનાં ટીપાં આપવા જરૂરી છે? તે ક્યારથી શરૂ કરવાં જોઈએ? કેટલી વય સુધી આપવાં જોઈએ?

ઘણા ડોક્ટરો બાળકને હોસ્પિટલમાંથી ઘેર મોકલતી વખતે જ ટોનિક-વિટામીનનાં ટીપાં વગેરે લખી આપે છે, અને ચાલુ કરવાનું કહે છે. આ પઘ્ધતિ જૂની અંગ્રેજી (મ્ૈૌિજર જીઅજાીસ) પઘ્ધતિનું અનુકરણ અને થોડે ઘણે અંશે દવા બનાવતી કંપનીના વેચાણ વધારવાનાં ધરખમ પ્રયાસનું પરિણામ છે. માતાનું ધાવણ શરૂઆતનો દોઢ મહિનો બાળકની વિટામીનની જરૂરિયાત પૂર્ણ કરે છે. સગર્ભાવસ્થા દરમિયાન અમુક વિટામીન અને ક્ષાર બાળકને મળ્યાં હોય છે અને તે થોડા સમય સુધી શરીરમાં જળવાઈ રહે છે.

દોઢ મહિનાની વયથી વિટામીનનાં પાંચ ટીપાં દરરોજ પીવડાવવાં જોઈએ. આ ટીપાનું પ્રમાણ વધારીન ૩ મહિને જ ૧૦ ટીપાનું કરવું જોઈએ. ૬-૭ મહિનાની વયે બાળકને બીજો આહાર શરૂ કર્યો હોવાથી આ ટીપાં બંધ કરી શકાય. જો બાળક બરાબર આહાર ન લેતું હોય અથવા નબળું હોય-વિટામીનની ખામી હોય તો ટીપાંને બદલે ૧/૨ ચમચી વિટામીનનો સીરપ (શરબત) આપી શકાય.

જો બાળક અઘૂરે મહિને જન્મ્યું હોય, જન્મ વખતે કદમાં બહુ નાનું હોય-૨ કિલોથી ઓછું અથવા ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય નબળું હોય તો બાળકના શરીરમાં લોહ, કેલ્શ્યિમ, વિટામીન ડી, એ,નો જથ્થો નહિવત્ હોવાથી ૧૫ દિવત્ની વયથી જ આ તત્ત્વો દવા તરીકે આપવાં જરૂરી છે, અને ટીપાંરૂપે આપવાનું સહેલું પડે છે. આવાં બાળકો જન્મ પછી ઘણીવાર વધારે ઝડપથી વધે છે અને બીજા સામાન્ય બાળકની સરખામણીમાં તેમની વિટામીન, ક્ષાર અને આહારની જરૂરિયાત પણ વધારે હોય છે.

બાળકને વિટામીન-સી આપવું જરૂરી છે?

વિટામીન ‘સી’ ખોેરાકની બહુ જરૂરી ચીજ હોવાથી ૫-૬ અઠવાડિયાંની વયથી આપવું જોઈએ. માતાના અને ગાયના દૂધમાં આનું પ્રમાણ બહુ થોડું હોવાથી વિટામીન-સી આપવું જરૂરી છે. નારંગી, ટમેટાં વગેરે પદાર્થોમાં વિટામીન-સી હોય છે. તેનો રસ આપી શકાય, પણ એટલું યાદ રાખવું કે ઠંડીમાં પણ આ રસ ગરમ કરીને કે ઉકાળીને ન જ આપવો જોઈએ. ઉકાળેલું પાણી ભેળવી શકાય. રસ ખાટો હોય તો સાકર પણ નાખી શકાય. ગરમીથી વિટામીન -સીનો નાશ થાય છે તેથી એ રસને ગરમીથી દૂર રાખવો જરૂરી છે. વિટામીન-સીનાં કે એમ.વી.નાં (વિટામીનનાં)ટીપાં જેમાં વિટામીન-સી પણ હોય છે તે શરૂ કરી બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી આપવા જોઈએ. દિવસનાં પાંચ ટીપાં પૂરતાં થઈ રહેશે.

ઘટ્ટ પદાર્થો ક્યારે ચાલુ કરી શકાય?
ખરી રીતે ઘટ્ટ પદાર્થો ત્રણેક મહિનાની આસપાસ શરૂ કરી શકાય. ઘઊંની રાબ, ઘઊંનો રવો કે બીજો નરમ, સુંવાળો આહાર આપી શકાય. આ ઉપરાંત કેળું પણ આપી શકાય. ઓછી આવકવાળાં કુટુંબ કાંજી, ઘઊં, ભાત, દાળની ખીચડી જેવા ઘટ્ટ પદાર્થો ૩ મહિના પછી ચાલુ કરી શકે. આ ઉપરાંત શક્ય હોય તેટલું વધારે દૂધ મળવું જોેઈએ. થોડા જ વખતમાં ખીર, શીરો, પુડીંગ વગેરે આપવાનું શરૂ કરવું જોઈએ. પાંચ મહિનાની વયે મીઠું નાખીને બાફેલાં બટાટાં, લીલાં શાકભાજી અને દાળ છૂંદી કે ફીણીને અથવા સૂપના રૂપમાં આપી શકાય.

બાળકને કેવા કઠણ પદાર્થ આપી શકાય? તે ક્યારે શરૂ કરવા જોઈએ?
૩ મહિનાની વયે કઠણ ઘટ્ટ પદાર્થ અને ૬ મહિનાની વયે કઠણ પદાર્થ ચાલુ કરી શકાય. જો બાળકનું કદ મોટું હોય, માતાનું દૂધ પૂરતું ન હોય અને (એકલા ધાવણથી) પોષણ પૂરું પાડવા માતા અસમર્થ હોય તો ઘટ્ટ પદાર્થો આથી વહેલા પણ ચાલુ કરી શકાય. રાબ, રવાની ખીર, નરમ ખીચડી, નરમ દાળ જેવા પદાર્થોનું અમે સૂચન કરીએ છીએ. પછી ઉકાળેલાં ઈંડાનો પીળો ભાગ ૧/૨ ચમચી જેટલો ચાલુ કરી બાળક પૂરેપૂરો પીળો ભાગ ખાય ત્યાં સુધી વધારતા જવું. પછી ઈંડાનો સફેદ ભાગ ચાલુ કરી વધારતાં જવું અને આમ બાળક એક આખુ ઈંડુ લેતું થઈ જશે. ૫-૬ મહિને ચોખાની ખીર, રવાની ખીર વગેરે આપી શકાય. મીઠું નાખેલું દહીં, બાફેલું બટેટું, બાફેલાં અને છૂંદેલા શાક, ભાત અને દાળ પણ બાળકને આપવાં જોઈએ. દહીં ૨-૩ મહિનાની વયે ચાલુ કરી શકાય. કડક (કઠણ) પદાર્થો દા.ત. બિસ્કિટ, પાંઉ વગેરે દાંત આવ્યા પછી ચાલુ કરવા.

નાનાં બાળકને ચા, કૉફી કે શરબત જેવા પીણાં કઈ વયથી આપી શકાય?
૪-૫ વર્ષની વય સુધી મોળું અથવા સાકર નાખેલું દૂધ આપવાનું સારું, કારણ કે દૂધનાં પૌષ્ટિક તત્ત્વો પેટમાં જવાથી બાળકનો શારીરિક વિકાસ, હાડકાંનું બંધારણ અને શરીરનું બંધારણ બરાબર થાય છે. કોફી પીવાની ઈચ્છા મોટી વ્યક્તિને થાય છે તેમ બાળકને થતી નથી. ઘણીવાર વડીલો રમત રમતમાં બાળકને ચા અથવા કોફી પીવડાવે છે અને બાળકને સ્વાદથી પીતાં જુએ એટલે આ ક્રિયા વારંવાર કરે છે અને પછી બાળકને વડીલના ચાના પ્યાલામાંથી ભાગ પડાવવાની ટેવ પડે છે. આ સ્વાદ અને પીણાંનો રંગ ઘણીવાર દૂધ કરતાં વધારે આકર્ષક લાગવાથી બાળકને ચૉ-કોફી પીવાની ઈચ્છા થાય છે. જો બાળક દૂધ ઓછા પ્રમાણમાં પીતું હોય તો આપણી મોટી વ્યક્તિની માન્યતા પ્રમાણે

તેમાં એલચી, શરબત, કોફી, ચોકલેટ વગેરે ભેળવી તેને ‘‘સ્વાદિષ્ટ’’ કરવામાં આવે છે અને બાળકને આવાં પીણાંનો ચસકો લાગે છે. રંગ બે રંગી શરબત પણ આકર્ષક દેખાવાથી બાળક તે પીવાનું મન કરે છે. પીણામાં રહેલાં તત્ત્વની દા.ત., રંગ, સુગંધ અથવા કોફી જેવા પદાર્થની નુકસાનકારક અસર, દાંતનો સડો અને ખર્ચાળ ટેવ ઉપરાંત આ પીણાંને લીધે ભૂખ ઓછી લાગવાથી અથવા પેટ ભરાઈ જવાથી બાળકના દૂધ, પૌષ્ટિક તત્વો અને કસદાર આહાર ઓછા થઈ જવાથી બને ત્યાં સુધી આ પીણાનો ઉપયોગ બને તેટલો મોડો કરવો.

બાળકને પોતાને હાથે ખાવાનું અથવા જમવાનું ક્યારથી શરૂ કરાવું જોઈએ?

પાંચ-છ મહિનાની વયથી બાળક હાથમાં આવેલી વસ્તુ મોઢામાં નાખે છે. માતા દૂધ પીવડાવતી હોય અથવા ખવડાવતી હોય ત્યારે પણ તે ચમચી પકડવાનો - પોતાની મેળે ખાવાનો પ્રયાસ કરે છે. આ વૃત્તિને ઉત્તેજન આપવું જોઈએ. જો કે આ ક્રિયામાં ખાવાની વસ્તુ નીચે પડે, કપડાં પર પડે અને બાળકના શરીર પણ પડે તેથી થોડું કામ વધે છે પણ લાંબેગાળ તેનો ફાયદો થાય છે. બાળક બેસતાં શીખે (૮-૧૦ મહિનાની વય) ત્યારથી તેને એક વાટકીમાં અથવા થાળીમાં ખાવાની વસ્તુ આપવી શરૂ કરવી જોઈએ. જેથી કુટુંબની રહેણીકરણી પ્રત્યે તે સજાગ બને. કુટુંબની બીજી વ્યક્તિ સાથે જમવા બેઠી હોય અથવા નાસ્તો કરતી હ ોય ત્યારે પણ બાળકને તેમની સાથે એક બાજુએ બેસાડવાથી તે હાથેથી જમવાનો પ્રયાસ કરશે.

જ્યાં સુધી બાળક પોતાને હાથે બરાબર જમતું ન થાય ત્યાં સુધી માતાએ તેને ખવડાવવાનું, જમાડવાનું ચાલુ રાખવું જોઈએ અને પછી તેને સાફ કરી, કપડાં બદલાવી રમવા કે સુવા દેવું જોઈએ. બાળકને જમાડવા એક નિયતસ્થળે બેસાડવાની ટેવ પાડવી જરૂરી છે. બાળક આખા ઘરમાં ફરતું જાય અને માતા તેની પાછળ થાળી લઈ તેને વાર્તા કરતાં અને ઘ્યાન બીજે દોરતાં જમાડે તે બરાબર નથી. જો બાળક ભૂખ્યું ન હોય તો તેને જબરજસ્તી કરી જમાડવાનો પ્રયાસ કરવો પણ નુકસાનકારક છે. આ ક્રિયાથી તેનો જમવા પ્રત્યે અણગમો વધશે અને મહેનત કરી જમાડેલું અન્ન તે ઓકી નાખવાનો સંભવ પણ વધશે. બાળકને હાથેથી જમતાં શીખવવું કે ચમચીથી તેનો આધાર કુટુંબના રિવાજ પર રહે છે.

મારું એક વર્ષનું બાળક ખોરાક લેવાની સાફ ના પાડે છે. બળજબરી કરીને દૂધ પાવામાં આવે તોે ઓકી નાખે છે. ડોક્ટર કહે છે કે તેને કોઈપણ માંદગી નથી. આનો ઉપાય કરવો જરૂરી છે?

બાળકને શારીરિક બીમારી ન હોય છતાં ખોેરાક પ્રત્યે અરુચી હોય તો એની માનસિક સ્થિતિ કે ઘરનું વાતાવરણ જવાબદાર હોઈ શકે છે. બાળકને ભૂખ ન હોય છતાં સમયપત્રક પ્રમાણે ખોરાક આપવાની ચિંતામાં માતા બળજબરી કરે છે ત્યારે બાળક હઠ કરવાની શરૂઆત કરે છે. ચિંતામાં ગુસ્સે થઈ રડતાં બાળકને આહાર આપવાના પ્રયાસમાં બાળક દૂધ-ખોરાક પ્રત્યે અરુચિ ધરાવવા માંડે છે. બાળકના ગમા-અણગમાની પરવા કર્યા વગર તેને માતાની ઈચ્છા પ્રમાણે ખોરાક આપવામાં આવે તો પણ બાળક ખાતું નથી. કેટલીકવાર પોતા તરફ વડીલોનું ખાસ કરીને માતાનું ઘ્યાન કેન્દ્રિત કરવા બાળક ખાતું નથી અને આ વર્તણૂંકને લીધે ચિંતાગ્રસ્ત વડીલો તેની તરફ વધારે ઘ્યાન આપે તેવી અભાન કે સભાન ઈચ્છા કેળવે છે.

બાળક ભૂખ્યું થાય અને ખોરાક પ્રત્યે તે આકર્ષાય તે કુદરતી વૃત્તિ છે. આ વૃત્તિને વડીલોની વર્તણૂક બગાડી શકે. જ્યારે બાળખ ભૂખ્યું ન હોય ત્યારે તેને ખોેરાક લેવાનો આગ્રહ-દુરાગ્રહ ન કરવાં જોઈએ. બાળકનું ઘ્યાન બીજે દોરી ધમકી આપી કે લાલચ આપી તેને ખોેરાક આપવાથી થોડા સમય માટે કદાચ સરળતા રહે છે પણ પછી બમણા જોરથી આ સમસ્યા પાછી આવે છે. બાળક ભૂખ્યું હોય ત્યારે તેને વ્હાલથી ખોળામાં બેસાડી તેની ભૂખ પ્રમાણે દૂધ કે આહાર લેવા દેવું જોઈએ. વધારે પડતું થાકેલું બાળક દૂધ ન પીએ કે ખોેરાક ન લે તો તેની ચિંતા મા-બાપે ન કરવી જોઈએ. ટૂંકમાં વધારે પડતી ચિંતા કરી બાળકની પાછળ પડી તેને આહાર આપવા કરતાં તેની અરુચિ પ્રત્યે થોડું બેઘ્યાન રહેવામાં ફાયદો છે. કોઈવાર માંદગીની શરૂઆતનું લક્ષણ અરુચિ હોઈ શકે તે બાબત ઘ્યાનમાં રાખવી જોઈએ.

મારું એક વર્ષનું બાળક ફક્ત દૂધ જ પીએ છે કોઈ વસ્તુ ખાતું નથી. આહાર તરીકે ફક્ત દૂધ કેટલી વાર આપી શકાય?

આહાર તરીકે ફક્ત દૂધ ત્રણેક મહિનાની વય સુધી બાળકને આપી શકાય. દૂધમાં ખનિજ-લોહનું પ્રમાણ ઓછું હોવાથી અને ક્ષારનું પ્રમાણ પણ ઓછું હોવાથી બીજો આહાર શરૂ કરવાની જરૂર પડે છે. દૂધમાં રહેલી કેલેરીનું પ્રમાણ તેટલા જ કદના ઘટ્ટ આહાર કરતાં ઓછું હોવાથી ફક્ત દૂધ જ આપવામાં આવે તેનું પ્રમાણ એટલું વધી જાય કે બાળક તેટલું દૂધ પી શકે નહિ. નાની વયથી જુદા જુદા સ્વાદની ઘટ્ટ પદાર્થની ટેવ પાડવામાં આવે તો બાળક તે આનંદથી ખાય છે અને આ વૈવિઘ્ય માણતાં શીખે છે. આથી જ ૩ મહિનાની વયથી નરમ દાળ, ગળેલું કેળું, શીરો, ખીચડી વગેરે ધીરે ધીરે બાળકને આપવાનું ચાલુ કરવું જોઈએ. એક વર્ષનું બાળક ફક્ત દૂધ પીતું હોય તો માતા તેને વધારે દૂધ પીવડાવવા લલચાય છે, કારણ કે તે બીજી વસ્તુ ખાતું નથી. આનું પરિણામ એવું આવે છે કે બાળકને ભૂખ લાગતી જ નથી.

આથી એક વર્ષની વયનાં બાળકને દિવસમાં ફક્ત ૩ પ્યાલા દૂધ પૂરતું છે, અને ફક્ત તેટલું જ આપવું જેથી તેની ભૂખ મરી નહિ જાય. ત્યાર પછી ધીમે ધીમે રાબ-કાંજી જેવા ઘટ્ટ આહાર બાળકને ખોળામાં બેસાડી, સમજાવી, ધીરજથી ખવડાવવાનું શરૂ કરવું જોઈએ. શરૂઆતમાં બે-ત્રણ ચમચી ખાઈ ઊઠી જતું બાળક ધીરે ધીરે વધારે પ્રમાણમાં ખાશે. કુટુંબની બીજી વ્યક્તિ જમવા બેઠી હોય ત્યારે અને ત્યાં જમાડવાનો પ્રયાસ કરવાથી વધારે સફળતા મળશે. શરૂઆતમાં બાળક ન ખાય, થૂંકી નાખે, શરીર પર, કપડાં પર અને જમીન પર પાડે અથવા ઊલટી કરે તો ગુસ્સો કે ચિંતા વ્યક્ત ન કરતાં ધીરજથી પ્રયાસ ચાલુ રાખવો. દૂધ પીવડાવતાં પહેલાં ઘટ્ટ વસ્તુ ખવડાવવાનો પ્રયાસ - ભલેને બહુ થોડા પ્રમાણમાં કરવાથી બાળક તે સંપૂર્ણપણે તું થઈ જશે.

No comments: