Monday, July 5, 2010

કુદરતની કેટલીક વિચિત્ર ઘટનાઓ..

જગત અદ્ભુત રહસ્યોથી ભરેલું છે. વિજ્ઞાનીઓ જેમ જેમ એનાં રહસ્યોને ઉકેલતા જાય છે તેમ તેમ બીજા નવા રહસ્યો ઊભા થતા જાય છે. કુદરતની કારીગરીને જોઇએ છીએ ત્યારે એના માટે અચરજની અનુભૂતિ કરીએ છીએ અને એના થકી એ બઘું કરાવનાર જે અજ્ઞાત, અલૌકિક શક્તિ છે એના માટે અહોભાવ અનુભવીએ છીએ.
સામાન્ય રીતે તો બધા એક ઢાંચા અને બીબામાં ઢળીને આવે છે.


હંમેશાં નિરપવાદપણે આવું જ બનતું હોય તો પદાર્થ અને પ્રકૃતિની સત્તાને જ સર્વોપરી માનવી પડે. પણ એવી ‘રચનાઓ’ પણ બને છે જે ચોક્કસ ‘ઢાંચા’ અને ‘બીબા’ કરતાં સાવ જુદી જ હોય છે, જે આપણને એમ સ્વીકારવા વિવશ બનાવે છે કે આ બન્નેથી પર કોઇ બીજી મહાન સત્તા છે, જેની ઈચ્છાથી આમાં પરિવર્તન આવતા રહે છે. આપણે અમુક બાબતોને ‘કુદરતની વિચિત્રતા’ કહીને અટકી જઇએ એ ઠીક નથી. એના પર સંશોધન કરીએ તો ખ્યાલ આવે છે કે એ ‘અલૌકિક- દૈવી શક્તિની ઈચ્છાથી આવેલી વિશિષ્ટતા’ હોય છે.

ફ્રાંસના ટૂરકુઇંગ નગરમાં ઈ.સ. ૧૭૯૩માં ક્લેમેન્ટ નામની એક છોકરી જન્મી હતી. એને માત્ર એક જ આંખ હતી અને તે પણ બન્ને ભ્રમરની વચ્ચેના ભાગમાં હતી! એનાથી એ બહુ જ સરસ રીતે જોઇ શકતી હતી. એટલું જ નહીં, બીજા ન જોઇ શકે એવું દૂરગામી અને અનાગત પણ જોઇ શકતી હતી. આના પર સંશોધન કરનારા શરીરશાસ્ત્રીઓએ કહ્યું કે એ આંખ જે જગ્યાએ છે તે જગ્યાનું બહુ મહત્ત્વ છે અને તે જગ્યાએ હોવાથી જ તેનામાં આવી અસાધારણ દ્રષ્ટિક્ષમતા આવી છે. આપણું યોગવિજ્ઞાન કહે છે કે આ જગ્યાએ આજ્ઞાચક્ર આવેલું છે. એ જગ્યા ક્રિયાન્વિત થાય તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

કેટલીક શારીરિક વિચિત્રતાઓ કોઇપણ આનુવંશિક ગુણ (Heriditary Character) પર આધારિત ન હોવાથી એ વધારે અચરજપૂર્ણ બને છે. કોઇ જન્મથી અંધ પેદા થાય એવું બને. કોઇને એક આંખ ન હોય એવું પણ બને. પણ કોઇને આંખોનો કોઇ ભાગ ચહેરા પર હોય જ નહીં એવું બનતું નથી. આંખોની જગ્યાએ બે બાકોરા જેવું પોલાણ તો અંધ વ્યક્તિઓને હોય જ છે. પણ ફ્રાંસમાં સબેલનાસી ઑક્સમાં એક એવો છોકરો જન્મ્યો હતો જેને એકે આંખ નહોતી અને એની જગ્યાએ ત્યાં સપાટ ચામડી હતી અને બાકોરા જેવા કોઇ ખાડા નહોતા. એના કુટુંબમાં આવી કોઇ આનુવંશિકતા નહોતી. એને બીજા છ ભાઇ-બહેન હતા પણ કોઇનામાં આવા લક્ષણ નહોતા. આનુવંશિકતાને કારણે કેટલાક ભૂરી આંખોવાળા તો કેટલાક લીલી આંખોવાળા જન્મે છે. પણ ડબલ્યુ જે. બ્રાસર્ડ નામનો એક એવો છોકરો જન્મ્યો જેની એક આંખ ભૂરી તો બીજી એક આંખ લીલી હતી.

કુદરત દરેક પ્રાણીની રચનામાં કંઇક વિશેષતા સર્જે છે. ભમરાની આંખોનો લેન્સ એવો હોય છે કે તે પહેલાં એક આકૃતિની હજાર આકૃતિઓ બનાવીને મોકલે છે પણ છેલ્લે એને દેખાય છે તો એક જ આકૃતિ! માખી અને પતંગિયાની આંખો પણ આવી જ હોય છે. સમુદ્રની કેટલીક માછલીઓ ચાર આંખો ધરાવે છે. સ્ક્વિડ નામની માછલી આઠ હાથ-પગ ધરાવે છે. કરોળિયાને આઠ આંખો હોય છે.

કોલંબિયાના ડેનવરમાં એક ખેડૂત છે એની પાસે હરફોર્ડ નામની ગાય છે, જેના શરીર પર બે જગ્યાએ આંચળ આવેલા છે. એક દરેક ગાયને હોય છે એ કાયમી જગ્યાએ અને બીજા પીઠમાં આવેલા છે. આશ્ચર્યની વાત એ છે કે બન્ને જગ્યાએ આવેલા આંચળોમાંથી દૂધ નીકળે છે! પિટ્યુટરી ગ્લેન્ડની પ્રક્રિયાથી દૂધ બને છે એટલે બન્ને સ્થાનના આંચળોનો પિટ્યુટરી ગ્લેન્ડ સાથે સંબંધ જોડાયો હોય તો જ આવું બની શકે. કુદરતે આ ગાયમાં એવી વિશેષતા સર્જીને પોતાની ક્ષમતા બતાવી છે. મનુષ્ય દેહમાં પણ આવી વિશેષતા ઉદ્ભવે છે. કેટલીક સ્ત્રીઓ બેને બદલે ત્રણ સ્તનો ધરાવતી હોય છે તો કેટલીક સ્ત્રીઓને એક સ્તન પર બે ડીંટડીઓ (નીપલ) અને બીજા સ્તન પર એક ડીંટડી એમ ત્રણ ડીંટડીઓ હોય એવું બને છે. સ્ત્રીઓના સ્તનોમાંથી દૂધ નીકળે એ તો કુદરતી સામાન્ય પ્રક્રિયા છે પણ કોઇ પુરુષની છાતી સ્ત્રીના સ્તન જેવી થઇ જાય અને એમાંથી પુષ્કળ દૂધ નીકળે એવી ઘટનાને શું કહેવું? શરીરવિજ્ઞાનીઓ પાસે આનો કોઇ જવાબ નથી.

સ્પેનના મેડ્રિડ નગરમાં આવી ઘટના બની છે. ત્યાંની મેડિકલ ફેકલ્ટીના એક રિપોર્ટમાં ડૉ. જોન કેસ્લરે આનો ઉલ્લેખ અને ચર્ચા કરી છે. તે જણાવે છે કે લોજાનો નામના એક પુરુષની છાતી સ્ત્રીના સ્તન જેવી થઇ ગઇ હતી અને એમાંથી પુષ્કળ દૂધ નીકળવા લાગ્યું હતું. એનાથી એણે પાંચ મહિના સુધી પોતાના જોડિયા બાળકોને દૂધ પીવડાવ્યું હતું અને એમને પોષણ આપ્યું હતું. થોડા સમય પહેલા જ્યોર્જિયાના ગ્રીનવિલે શહેરમાં એક વિચિત્ર ઘટના બની હતી. એ.એફ. ડાડી નામની સ્ત્રીને પ્રસૂતિ સમયે એક ઇંડુ નીકળ્યું. એ જોઇ ડૉકટરો આશ્ચર્ય પામ્યા હતા. એ ઇંડામાંથી કંઇક નીકળે છે કે કેમ એની રાહ જોતા એ બેસી રહ્યા પણ એમાં કોઇ હલનચલન ન થયું એટલે એને ફોડીને જોયું તો એમાંથી નીકળ્યો એક મગફળીનો દાણો!

આયર્લેન્ડના લિસે નમડીયર પ્રદેશની ઘટના તો અતિ વિચિત્ર છે. ત્યાં બ્રિદી કેશન્સ નામની એક સ્ત્રી ગર્ભવતી થઇ. પ્રસવકાળ આવ્યો ત્યારે એના ગર્ભમાંથી મરઘીના બે-ચાર નહીં, સો ઇંડા નીકળ્યા! માતૃસહજ ભાવનાથી કે પૂર્વજન્મની સ્મૃતિથી- ગમે તે કારણે તેણે એક મોટો માળો બાંઘ્યો. એમાં એ ઇંડાને સુરક્ષિત મૂકાવી એમાં એ પોતે પણ રહીને એમને સાવધાનીપૂર્વક મરઘીની જેમ સેવતી રહી. ત્રણ અઠવાડિયા પછી એ તમામ ઇંડાઓમાંથી સો એ સો બચ્ચા જન્મ્યા. એ બધા બચ્ચા પૂરેપૂરી રીતે મરઘીના બચ્ચા જેવાજ હતાં! એક મનુષ્ય સ્ત્રીના ઉદરથી મરઘીના સો ઇંડા કેવી રીતે નીકળે અને એમાંથી બચ્ચા પણ નીકળે અને જીવતા રહે એ ઘટનાનું રહસ્ય શરીરવિજ્ઞાનીઓ હજુ સુધી ઉકેલી શક્યા નથી!

No comments: