Monday, July 12, 2010

મોરનો માંસાહાર અને મોરપીંછનો વધતો વેપાર......

મોરનો માંસાહાર અને મોરપીંછનો વધતો વેપાર આ રાષ્ટ્રીય પક્ષીને નામશેષ કરી નાખશે

વર્ષાઋતુમાં વિવિધ પંખીઓમાં સૌથી વઘુ આવકાર પામે છે મોર. આખા વિશ્વમાં મોર જેવું રૂપાળું, રંગોની ભાત ધરાવતું પક્ષી બીજું એકેય નથી. આકાશી મેઘગર્જનાથી ઉત્તેજિત થઈને ટહૂકા કરતો મોર મનને આનંદવિભોર કરી મૂકે છે. માત્ર ભારતમાં જ નહીં, પડોશી દેશ બર્માએ પણ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો છે. પક્ષીઓમાં જેમ તે રાજા છે તેવી જ રીતે દેવોમાં પણ તે લાડકું પંખી છે.


માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ નહીં, ગ્રીક, ઈજિપ્ત, સિરીયા વગેરે દેશોની સંસ્કૃતિમાં પણ મોર માનભર્યું સ્થાન ધરાવે છે. પણ કહેવત છે ને કે ‘ભેંસને તેના શીંગડા ભારે પડે’ તેવી જ ઉક્તિ મોર માટે વાપરી શકાય કે મોરને તેના પીંછા ભારે પડે. સુંદર, આકર્ષક, રંગીન મોર પીંછાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વઘ્યો ત્યારથી આપણાં દેશમાં મોરની મોટા પાયે કતલ થાય છે. મોરને પકડી ખૂબ ઝનૂનપૂર્વક તેના તમામ પીંછા ખેંચી કઢાય છે. ત્યારબાદ આ પીંછા દાણચોરીના રસ્તે પરદેશ મોકલી દેવાય છે.

પક્ષીરાજ મયૂર ભારત સિવાય બર્મા, શ્રીલંકા, પાકિસ્તાન અને જાપાનમાં પણ જોવા મળે છે. પરંતુ આ બધામાં ભારતીય મોર વઘુ નાજુક, નમણાં અને આકર્ષક દેખાય છે. આપણે ત્યાં મોર વઘુ દેખાવડા અને રૂઆબદાર હોય છે. તેની ગરદન, ડોક, છાતી પાસેનો ભાગ વાદળી-નીલો હોય છે. તેના પર લીલા રંગની ઝાંય હોય છે. પેટ પાસેનો રંગ પોપટી નીલો, અને કાળાશ પડતો હોય છે. તેમાં સહેજ કાળા અને તપખિરીયા રંગના શેડ જોવા મળે છે. તેના માથા પરની કલગી તેના મોહક સૌંદર્યમાં અનોખો ઉમેરો કરે છે.

સપ્તરંગી પીંછા પ્રસારીને કળા કરતા મોરને જેણે નજીકથી જોયો હોય તેને ખબર પડે. દિવસો સુધી આ દ્રશ્ય ચિત્ત પરથી ભુંસાતુ નથી. મોરનો આ સૌંદર્યવૈભવ ખૂબ ગમી જવાથી લાઠીના સૂરસિંહજીએ પોતાની કાવ્ય રચનાઓ માટે ઉપનામ તરીકે ‘કલાપી’ શબ્દ પસંદ કર્યો. તેમના કાવ્યસંગ્રહને ‘કલાપીનો કેકારવ’ એવું નામ આપ્યું હતું.

‘મોરના ઈંડા ચીતરવાં ન પડે’ એવી એક કહેવત છે. તેનો અર્થ ગમે તે થતો હોય પણ કદ અને આકાર ઉપરથી મોરના ઈંડા ઓળખાઈ આવે છે. જંગલોમાં હવે અમુક આદિવાસી કોમ મોર અને મોરના ઈંડાની પાછળ પડી છે.
અત્યાર સુધી મોરને પવિત્ર, દેવતાઈ પંખી ગણનારા હિન્દુઓ જ હવે મોરનું માંસ ખાવાના શોેખીન બન્યા છે.
ગુજરાતમાં પાટણ નજીક ઝાલાવાડમાં એક પિકનિક સ્પોટ પાસે શ્રીમંત ગુજરાતીઓ મોરનું માંસ આરોગવા નિયમિત આવે છે. પીકોક મીટ એટલે કે મોરનું માંસ ખાવું એને સ્ટેટસ સિમ્બોલ ગણતાં નવરાઘૂપ શ્રીમંતો ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર છે. તેમને તો બસ ભોજનમાં પીકોક મીટ જોઈએ.

મોરનું માંસ વેંચીને સારા એવા પૈસા રળી શકાતા હોવાથી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં મોરને મારવાની દુષ્ટ પ્રવૃત્તિ જોર પકડી રહી છે. એકલા ઝાલાવાડ અને ઝાલરા પાટણ શહેરમાં નિયમિત રીતે ૧૫૦ મોરનું માંસ પહોંચતું કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ય સામાજિક સમારંભોમાં મોરનું માંસ ઝડપથી ભાણાનો ભાગ બનતું આવ્યું છે.

તાવસે ગોશાતના નામે ઓળખાતું મોરનું માંસ અન્ય પક્ષીઓના માંસ ફરતા સ્વાદની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. તેથી આ વાનગી ખાવાની લોકોમાં વિચિત્ર ઘેલછા જોવા મળે છે. વિધિની વક્રતા એ છે કે મોરને મારવા કાયદા હેઠળ પ્રતિબંધિત છે. પરંતુ સારા એવા પૈસા મળી રહેતા હોવાથી સૌરાષ્ટ્ર, રાજસ્થાનની અમુક કોમના લોકો મોરની હત્યાની પ્રવૃત્તિમાં પડી ગયા છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે દક્ષિણ કર્ણાટક અને તામિલનાડુના જંગલોમાં રહેતાં મોરને પકડી તેના પીંછાની વિદેશમાં નિકાસ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એક પુખ્તવયના મોરના પીંછા જડની જેમ ખેંચી કાઢી બજારમાં વંચી કાઢવાથી સહેજે ૧૫૦૦ રૂપિયા ઉપજે છે. મોરનાં પીંછા વેંચીને કમાણી કરી લેવાના આશયથી હવે જંગલમાં વસતા આદિવાસીઓ મોરના બચ્ચાંને ૪૦૦ થી ૫૦૦ રૂપિયામાં ખરીદે-વેંચે છે. અરે, તાજા મૂકેલાં ઈંડા ચોરી જઈ કૃત્રિમ રીતે આ ઈંડાને સેવી તેઓ બચ્ચાંને ઉછેરે છે અને પીંછાનો ફાલ ઉગે એટલે મોરનું માંસ ખાઈ જઈ પીંછા વેચી મારે છે. કોલકાતા નજીકના હુગલી જિલ્લામાં આ રીતે અસંખ્ય મોરનું નિકંદન કાઢવામાં આવે છે. વિદેશોમાં મોરના લાંબા પીંછાની વઘુ માગ છે. મોરના પીંછાના વેપારીઓ કદ પ્રમાણે પીંછાનું વર્ગીકરણ કરવા માટે છટણી કારીગરો રાખે છે. દિવસના ૧૪ થી ૧૮ રૂપિયાની મજુરી મેળવીને આ કામ બાર -પંદર વર્ષના બાળકો કરે છે.

વરસાદમાં મોર પીંછામાં ઝીણી જીવાત પડવાની સંભાવના રહે છે એટલે વર્ગીકરણ કરેલાં પીંછા પર જંતુનાશક દવા, ડી.ડી.ટી છાંટીને તેને પોલિથીલીનની કોથળીમાં પેક કરાય છે. આવા પેક કરેલાં પીંછા ત્યારબાદ મોટા કોથળામાં ભરી લઈ નિકાસ માટે મોટા મોટા શહેર ભણી રવાના કરાય છે. કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ અને મુંબઈ મોરપીંછની ગેરકાનુની નિકાસ માટેના મહત્ત્વના સ્થળ છે. યુરોપ-અમેરિકા અને અખાતી દેશો ઉપરાંત હવે તો પૂર્વ એશિયાઈ દેશોમાં પણ મયુરપંખની મોટી માગ છે. એક અંદાજ એવો છે કે ભારતમાંથી વર્ષે ચાર કરોડના મોરપીંછની દાણચોરી થાય છે. રાજસ્થાનના ખટીક જાતિના લોકો આ ધંધામાં સૌથી વઘુ હિસ્સો ધરાવે છે.

બીજી તરફ વિદ્યુત વહન કરતાં તાર પણ મોર માટે યમદૂત સાબિત થયા છે. ગુડગાવથી ૧૫૫ કિ.મી. દૂર આવેલા નાર્નાઉલ જિલ્લાના મંડી ગામના રહેવાસીઓ ચિંતીત બની ગયા છે. દરરોજ સવારના છાપરા પર આવીને બેસતાં મોરને દાણો નાંખીને મંડીના ગામવાસીઓની સવાર શરૂ થતી હતી. પણ હાલમાં કૃષિ અને રહેણાંક વિસ્તારો માટે નાંખવામાં આવેલી વીજલાઈન મોર માટે ઘાતક બની છે. અમારે દરરોજ બે-ત્રણ પક્ષીના મૃતદેહને દફન કરવા પડે છે, એમ મંડીમાં રહેતા રણવીર સિંહે કહ્યું હતું.

મંડીના સરપંચ વિજય કુમારે આ બાબત પ્રત્યે સત્તાધીશોના આંખમીંચામણા અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મોેર સાથે અમે લાગણીભર્યો સંબંધ ધરાવીએ છીએ. જ્યારે પણ આ રાષ્ટ્રીય પક્ષીનું મોત થાય છે ત્યારે અમે તેને પૂરા સમ્માન સાથે દફનાવીએ છીએ. અમે મોરના મોત વિશે સરકાર અને હરિયાણા વીજળી વિતરણ નિગમ લી. (ડીએચબીવીએન)ને અનેક ફરિયાદ કરી ચૂક્યા છીએ. પણ અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. હરિયાણાના વન પ્રધાન કેપ્ટન અજય સિંહ યાદવે સ્થિતિ ચેતવણીજનક હોવાનું કબૂલ્યું હતું. આ અત્યંત ગંભીર સમસ્યા છે. મને અવારનવાર મોરના મોતના સમાચાર મળે છે. સત્તાવાર રીતે ૪૩ મોરના મોત થયા છે પણ મારા હિસાબે આ આંકડો વધારે છે. મેં મોરના રહેઠાણની આસપાસ આવેલા વિસ્તારમાંથી વીજળીના તાર દૂર કરવાનો આદેશ વરિષ્ઠ અધિકારીઓને આપી દીધો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મોરની ઘટતી જતી સંખ્યાને ઘ્યાનમાં રાખી અમે ગીધ ઉછેર કેન્દ્રની જેમ મોર ઉછેર કેન્દ્ર સ્થાપવાનું વિચારીએ છીએ. અમે આ પ્રસ્તાવને મંજૂરી મેળવવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયને મોકલ્યો છે એમ કેપ્ટન યાદવે ઉમેર્યું હતું. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે જો ડીએચબીવીએન આ અંગે તાત્કાલિક કોઈ પગલાં નહિ લે તો આ વિસ્તારમાં મોરનું નામોનિશાન નહિ રહે. નાર્નાઉલ અને રેવડી જિલ્લામાં મોરના થતાં મોત અંગે વાત કરતાં જિલ્લા વન અધિકારી એ.પી. પાંડેએ કહ્યું હતું કે, અમને અત્યાર સુધી ૧૪ મોરના મોત થયાની જ જાણ છે. અમે વીજ વિભાગને વીજળીના તાર પર આવરણ ચઢાવાનું કહ્યું છે.

જોકે ડીએચબીવીએનના અધિકારીઓ મોરના મોત માટે વીજળીના તારને કારણભૂત માનતાં નથી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી અમને એક જ ફરિયાદ મળી છે. અને અમે આ સંદર્ભમાં વીજળીના તાર પર પ્લાસ્ટિકના પાઈપ બેસાડવાનું પગલું લીઘું છે. દેશભરમાં મોરના થતા મોત અંગે થયેલા સર્વેક્ષણ અનુસાર લગભગ પાંચ ટકા મોેરને પીંછા અને માંસ માટે મારવામાં આવે છે. આઠ ટકા મોર અકસ્માતમાં, કૂતરાએ હુમલો કરતાં કે વીજળીના તારથી આંચકો લાગવાને કારણે મરે છે. ૧૫ ટકા મોર જંતુનાશક દવા, ભૂખમરો કે ડિહાઈડ્રેશનને કારણે મરે છે. માત્ર સાત ટકા મોર જ કુદરતી મોતે મરે છે.

નરેશ કડયાને કહ્યું હતું કે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ની કલમ ૪૪ અંતર્ગત મોરના પીંછાનો વેપાર કરવાની પરવાનગી છે એટલે શિકારીઓ ડર વગર મોરનો શિકાર કરે છે. આ વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે મોરની સલામતી માટે સરકારે કાયદા ઘડ્યા છે. પરંતુ કાયદાનો અમલ બરાબર થાય છે કે નહીં એ જોવાની અવનવા કૌભાંડમાં રચીપચી રહેતી સરકારને કે જંગલ અધિકારીઓને ફુરસદ નથી. હવે તો ભારતના રાષ્ટ્રીય પક્ષીની સતત ઘટી રહેલી સંખ્યાના પગલે મોરના પીછાંના વેપાર પર પ્રતિબંધ મૂકવાનું કેન્દ્રનું આયોજન છે. ભારતમાં ઘટી રહેલી મોરની સંખ્યામાં થોડો સુધારો થાય એવી સંભાવના છે કારણ કે કેન્દ્ર સરકારનું વન અને પર્યાવરણ ખાતું દેશના કોઈપણ વિસ્તારમાં મોરના પીછાંના કોઈપણ સ્વરૂપના વેપાર પર પ્રતિબંધ મુકવા માટેના કાયદા માટે ખરડો ઘડી રહી છે. હાલમાં વન્યજીવનના સંરક્ષણ માટેના કાયદા પ્રમાણે મોરનો શિકાર કરવા પર પ્રતિબંધ છે, પણ એના પીછાંના વ્યવસાયિક વેપાર કરી શકાય છે.

પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કામ કરતા એક અધિકારી આ વિશે વાત કરતા કહે છે કે ‘‘હાલમાં રામ-કૃષ્ણના અનેક મંદિરની સામેે તેમજ અન્ય જગ્યાએ મોરના પીછાં ભરપુર પ્રમાણમાં વેંચાય છે. આ પીછાં ખરી પડે એ માટે એને ખાસ પ્રકારનું ઝેર આપવામાં આવે છે. જે મોરને આપણે ઘાતકીપણે મારીએ છીએ તે પક્ષી માનવજાત માટે કેટલું ઉપયોગી છે તે પણ જાણવા જેવું છે. આહારશૃંખલા સંતુલિત રહે એમાં મોરનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. આ મોર જીવજંતુઓને ખાઈને એમની સંખ્યા કાબૂમાં રાખે છે તથા જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સંતુલિત રાખે છે.’’

રાષ્ટ્ર પંખી મોરની મહત્તા સમજાવતાં એક લોકગીતમાં કહ્યું છે કે ઃ
મોરને સ્પર્શ કરશો નહીં
કારણ કે તે દેવતાનું પંખી છે
અને પક્ષીઓનો મહારાજ છે
ઈશ્વરે પૃથ્વી ત્રણ દિવસમાં બનાવી
પણ મોરને બનાવતાં તેને છ દિવસ લાગેલા.
આ પંક્તિ પરથી પણ મોરનું મહત્વ સમજીને અસરકારક પગલાં લેવાય તો સારું. બાકી ભાવિ પેઢીને આપણે એવું કહેવાનો સમય આવશે કે પૃથ્વી પર એક સમયે મોરનું સુંદ પક્ષી અસ્તિત્ત્વ ધરાવતું હતું. હવે પુસ્તકોમાં માત્ર તેની રંગીન તસવીરો જ જોવા મળે છે.

No comments: