Monday, July 12, 2010

થાણેનો ૨૮૦ વર્ષ પુરાણો ખંડિયેર ઘોડબંદર કિલ્લો....

થાણેનો ૨૮૦ વર્ષ પુરાણો ખંડિયેર ઘોડબંદર કિલ્લો ગવાહી પૂરે છે તેની મૂળ સુંદરતાની
કિલ્લા પરથી દ્રશ્યમાન થાય છે પારસિક-યેઉર ટેકરીઓ
અને વસઇ-થાણેની ખાડીનું અદ્ભુત સૌંદર્ય


છેલ્લા ઘણાં સમયથી રહેવાસી ઇમારતો માટે લોકપ્રિય બનેલા થાણેના ઘોડબંદર રોડનું નામ સાંભળીને મનમાં એવો પ્રશ્ન થાય કે તેનું નામ ‘ઘોડબંદર’ કેમ? વાસ્તવમાં આ નામ પાછળ સેંકડો વર્ષ પુરાણો ઇતિહાસ છુપાયેલો છે. થાણેથી ઘોડબંદર રોડની સફર શરૂ કરો તો ચેના બ્રીજ તરફ એક પુરાણો કિલ્લો નજરે પડે છે. એક સમયમાં આ કિલ્લાનું નામ ‘કાકાબે દે તાના’ હતું, જે પછીથી ‘ઘોડબંદર ફોર્ટ’ તરીકે ઓળખાયું. આ ફોર્ટ પરથી એક તરફ વસઇની ખાડી અને બીજી તરફ થાણેની ખાડીનું અનુપમ સૌંદર્ય માણી શકાય છે. એક સમયમાં આ કિલ્લામાં સરકારી કચેરીઓ હતી અને સમુદ્રમાંથી થઇને ખાડી મારફતે આવતા ખતરાને ખાળવા આ કિલ્લાનો ઉપયોગ થતો હતો.

પૂર્વ દિશાનાં રસિક ટેકરીઓ અને પશ્ચિમ દિશામાં યેેઉરની ટેકરીઓ ધરાવતા ખાડીના કિનારે આવેલા આ કિલ્લામાં એક સમયમાં વેપાર પૂરબહારમાં ખિલ્યો હતો. ઇ.સ. ૧૫૩૦ થી ૧૮૦૦ સુધી થાણે પર પોર્ટુગીઝો અને મરાઠાઓએ રાજ કર્યું હતું. પરંતુ કિલ્લાનું નિર્માણ છેક ૧૭૩૦માં કરવામાં આવ્યું. કિલ્લાનું મૂળ નામ ‘કાકાબે દે તાના’ રાખવામાં આવ્યું હતું. પરંતુ કિલ્લાના નીચેના ભાગમાં આવેલા બંદરમાં અરેબિયન ઘોડાઓનો વેપાર થતો હોવાથી આ કિલ્લો ઘોડબંદર તરીકે ખ્યાતિ પામ્યો. ધીમે ધીમે લોકો આ કિલ્લાને ઘોડબંદર તરીકે ઓળખવા લાગ્યા.

વ્યુહાત્મક રીતે આ કિલ્લાનું સ્થળ અત્યંત મહત્ત્વનું હોવાથી અહીં હમેશાં ફોજને હાજર રાખવામાં આવતી. કિલ્લા પરથી સેનાનીઓ આસપાસના પ્રદેશ પર બાજનજર રાખી શકતાં. કિલ્લામાં આવેલા ચર્ચમાં રવિવાર અને રજાના દિવસોએ મોટાપ્રમાણમાં લોકો પ્રાર્થના કરવા એકઠાં થતાં. તેવી જ રીતે કિલ્લામાં ચોરસ આકારનો પાણીનો વિશાળ હોજ બાંધવામાં આવ્યો હતો જે આજે ૨૮૦ વર્ષ પછી પણ જોઇ શકાય છે. મરાઠાઓએ પોર્ટુગિઝોના કબજામાંથી આ કિલ્લો મેળવવા સંખ્યાબંધ હુમલા કર્યાં. પણ પોર્ટુગિઝોએ તેમને દર વખતે ઘૂળ ચાટતા કરી દીધાં. છેવટે ૧૭૩૭માં મરાઠાઓએ કિલ્લા પર ફતેહ મેળવી.

પછીથી આ પ્રદેશ પર બ્રિટિશરોએ કબજો જમાવતાં સંબંધિત કિલ્લો મરાઠાઓના હાથમાંથી સરીને બ્રિટિશરોના હાથમાં આવી ગયો. બ્રિટિશરો આ કિલ્લાનો ઉપયોગ જિલ્લાના વડા વહીવટી મથક તરીકે કરતાં હતાં. ૧૮૬૦ સુધી જિલ્લા ક્લેક્ટરની કચેરી ઘોડબંદર કિલ્લામાં હતી. સંખ્યાબંધ બ્રિટિશ અધિકારીઓએ નિયમીત રીતે આ કિલ્લાની મુલાકાત લઇને તેનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. ૧૯૫૦ના આરંભમાં એક પોલીસ પાટીલ વાર્ષિક ૧૨૦ રૂપિયાના પગારે કિલ્લા અને તેની આજુબાજુના વિસ્તારની દેખરેખ રાખતો. સ્વાતંત્ર્ય કાળ સુધી આ સિલસિલો જારી રહ્યો હતો.

પરંતુ ૧૯૬૦માં આ ઐતિહાસીક કિલ્લાના નામને બટ્ટો લાગે એવું કામ શરૂ થયું. ઘોડબંદર ફોર્ટ દાણચોરો અને દાણચોરીનો સામાન છુપાવવા માટેનું મથક બની ગયું. ખાડી માર્ગે અહીં દાણચોરીથી સોનાની ઈંટો, ઘડિયાળ અને કપડાં જેવો સામાન લાવવામાં આવતો. જોકે ઘણી હિન્દી ફિલ્મોના શૂટિંગ પણ આ સ્થળે થયાં હતાં. ૧૫મી મે ૧૯૬૦ના દિવસે અહીં ઘોડબંદરના એક રહેવાસીના લગ્નના રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે વખતના કલેક્ટરની પરવાનગી લઇને પ્રસંગોપાત આ કિલ્લો ભાડે પણ આપવામાં આવતો. તે વખતે કિલ્લાની આસપાસ માત્ર દસેક ઘર હતાં અને પ્રસંગ માણવા આવેલા મહેમાનો આસપાસના પ્રકૃતિક સૌંદર્ય તેમજ સ્વચ્છ-સુઘડ કિલ્લાની સુંદરતાને મનભરીને માણતા, અહીંનો જે ભાગ રિસેપ્શન માટે ભાડે આપવામાં આવતો તેને પછીથી સરકારી ગેસ્ટહાઉસમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. જોકે આજે આ ગેસ્ટહાઉસ પણ બંધ પડ્યું છે. કિલ્લો બિસ્માર હાલતમાં છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને કિલ્લાના સમારકામ માટે માંચડો સુઘ્ધાં બાંઘ્યો હતો. પણ છેલ્લા એક વર્ષથી કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે. આજે જર્જરિત હાલતમાં ઉભેલા કિલ્લાને જોઇને સહેજે મનમાં વિચાર આવે કે જો ખંડેર આટલું સુંદર છે તો ઇમારત કેવી હશે. આમ છતાં અહીં આવીને થાણેની ખાડીનું સૌંદર્ય માણવાનો લહાવો ગુમાવવા જેવો નથી.

No comments: