Monday, July 12, 2010

માણસ ધારે તે કેવી રીતે કરી શકે ?..

આ કૅનેડામાં બનેલી ઘટના ત્યાંના એક નાગરિકે વર્ણવી છે :
એક વખત ઑફિસના કામે હું બહારગામ ગયો હતો. શુક્રવારે રાત્રે હું જ્યાં ગયો હતો તે વિસ્તારમાં ભયંકર વાવાઝોડું આવ્યું જેણે વિશેષ કરીને એક શહેરમાં કેટલાય લોકોનો ભોગ લીધો અને કરોડોની માલમિલકતનું નુકશાન કર્યું. શનિવારે ઘરે પાછા વળતી વખતે રસ્તામાં એ શહેર આવ્યું. બસ ત્યાં હાઈ-વે પર થોડી વાર રોકાઈ. મેં બહાર આવીને જોયું તો સર્વત્ર વિનાશ જ વિનાશ – મોટા ભાગનાં ઘરો તૂટી ગયેલાં અને વાહનો હજુ આમતેમ ફંગોળાયેલાં નજરે પડતાં હતાં.

તે જ રાત્રે મારો એક ડેવિડ નામનો મિત્ર પણ તે જ હાઈ-વે પરથી પસાર થયો. તેણે પણ આ ભયાનક દુર્ઘટના પોતાની સગી આંખે નિહાળી. ફક્ત મને જે વિચારો આવ્યા હતા, તેનાથી તેણે કાંઈક જુદો વિચાર કર્યો. ડેવિડ કૉમ્પ્યુનિકેશનના ક્ષેત્રે કાર્યરત એક એવી કંપનીનો પ્રમુખ હતો જેની માલિકીનાં ઘણાં રેડિયો-મથકો એ વિસ્તારમાં હતાં. ડેવિડને થયું કે આ રેડિયો સ્ટેશનોની મદદથી આપણે આ અસરગ્રસ્ત લોકો માટે કાંઈક કરી શકીએ. બીજે દિવસે ડેવિડ તેના એક બીજા મિત્ર સાથે મારી પાસે આવ્યો. બન્નેએ મને જણાવ્યું કે આપણે આ લોકોને મદદ કરી શકીએ એવું કાંઈક તો હોવું જ જોઈએ. વિશેષ કરીને વાવાઝોડાથી પાયમાલ થયેલ લોકો માટે કશુંક કરવા ડેવિડ નિશ્ચયાત્મક હતો. બીજે દિવસે ડેવિડ તેની કંપનીના બધા જ અધિકારીઓની બેઠક તેની ઑફિસમાં બોલાવી. બધાની સામે એક ચાર્ટ પર તેણે ત્રણ ‘3’ લખ્યા અને કહ્યું : ‘તમારામાંથી કેટલાને એવું ગમે કે આપણે આજથી ત્રણ દિવસમાં, ત્રણ કલાકના સમયમાં ત્રણ મિલિયન ડૉલર્સ ઊભા કરી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકો માટે આપીએ ?’ તેની આ વાતથી ઑફિસમાં સોપો પડી ગયો.

છેવટે કોઈકે કહ્યું : ‘ડેવિડ, તું પાગલ જેવી વાત કરે છે. આવું થઈ શકે તે સંભવ જ નથી.’
ડેવિડે કહ્યું : ‘એક મિનિટ. મેં તમને એમ નથી પૂછ્યું કે આપણે આ કરવું જોઈએ કે નહીં, કે પછી આ થઈ શકે તેમ છે કે નહીં. મેં માત્ર એટલું જ પૂછ્યું છે કે આવું થાય તે તમને ગમે કે નહીં ?’
બધાએ કહ્યું : ‘ચોક્કસ, થાય તો વળી ગમે જ ને.’
પછી ડેવિડે ‘333’ની નીચે મોટો ‘T’ દોર્યો. તેની ડાબી તરફ એણે લખ્યું ‘આપણે આમ ન કરી શકીએ તેનાં કારણો’ અને જમણી તરફ લખ્યું ‘આમ આપણે કેવી રીતે કરી શકીએ તેના ખ્યાલો.’
પછી તેણે બધાને સંબોધીને કહ્યું : ‘હું આ ડાબી બાજુ પર મોટી ચોકડી મારી રહ્યો છું. “આપણે આમ ન કરી શકીએ તેનાં કારણો”ની સૂચિ બનાવવા માટે આપણે સમય નહીં આપીએ. તેનો કશો ઉપયોગ નથી. આપણે જમણી બાજુ “આમ આપણે કેવી રીતે કરી શકીએ” તે માટે ઉપયોગી બધા જ આઈડીયાઝ લખીશું. જ્યાં સુધી આપણને આનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આપણે સૌ આ કમરો નહીં છોડીએ.’
ફરી રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

છેવટે એક વ્યક્તિએ કહ્યું : ‘આપણે કેનેડામાં એક વિશેષ રેડિયો કાર્યક્રમનું આયોજન કરી શકીએ.’
ડેવિડે કહ્યું : ‘આ સરસ આઈડીયા છે.’ અને ચાર્ટમાં જમણી બાજુ તેણે તે લખવા માંડ્યો. હજુ તેનું લખવાનું ચાલુ હતું ને કોઈકે કહ્યું : ‘આપણે કૅનેડામાં કાર્યક્રમ ન કરી શકીએ કારણ કે આપણી પાસે આખા કૅનેડામાં રેડિયો સ્ટેશન્સ નથી.’ આમ તો આ વાજબી કારણ હતું પણ તરત ડેવિડના મિત્રે કહ્યું કે, ‘આપણે બીજી કંપનીનાં રેડિયો સ્ટેશન્સને પણ આ કાર્યક્રમમાં સામેલ કરી શકીએ.’ ફરી કોઈએ જોરદાર વિરોધ નોંધાવ્યો, ‘તેઓ આપણી સાથે ગળાકાપ સ્પર્ધામાં છે. તેઓ આપણને ક્યારેય સહકાર નહીં આપે.’ આ પણ આમ તો સાચી હકીકત હતી. જે પ્રકારે સામાન્ય લોકો વિચારતા હોય છે તે રીતે પ્રતિસ્પર્ધી રેડિયો સ્ટેશન્સ એક સાથે મળી કામ કરે તે લગભગ અસંભવ ગણાતું. અચાનક કોઈએ સૂચન આપ્યું, ‘આપણે રેડિયોના બે સૌથી મોટા સ્ટાર કલાકારોને આ કાર્યક્રમના સંચાલન માટે આમંત્રણ આપીએ તો આ સંભવ બની શકે.’ – હવે કેવી ઝડપથી બેઠકમાં સર્જનાત્મક ખ્યાલો વહેવા માંડ્યા તે ખરેખર અદ્દભુત બાબત હતી.

એક બેઠકના બે દિવસમાં તેમણે રેડિયો દ્વારા બીજાં સ્ટેશન્સનો સંપર્ક સાધ્યો. સમગ્ર કૅનેડામાં 50 રેડિયો સ્ટેશન્સ આ કાર્યક્રમનું પ્રસારણ કરવા તૈયાર થયાં. બે વિખ્યાત રેડિયો કલાકારોએ ત્રણ કલાકના કાર્યક્રમનું સંચાલન કર્યું. ત્રણ દિવસમાં ત્રણ મિલિયન ડૉલર્સ ઊભા થયા અને પેલા શહેરના લોકોને બેઠા કરવા તે દાનમાં અપાયા. સમગ્ર બાબતનો જશ કોને મળે છે તેનું મહત્વ આના કરતાં વધુ ન હોઈ શકે.

તમે જોયું ? જો તમે તમારું ધ્યાન ‘ન કરી શકવાનાં કારણો’ કરતાં તે ‘કેવી રીતે થઈ શકે’ તેના પર કેન્દ્રિત કરો તો તમે જે ધારો તે કરી શકો છો.[કુલ પાન : 32. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : ધ ઑએસિસ શૉપ, જીએફ-11, હાર્મની કૉમ્પલેક્સ, 28 નૂતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા-390005. ફોન : +91 265 2351862. ઈ-મેઈલ : theoasisshop@yahoo.co.in ]

No comments: