Monday, July 5, 2010

ટીવી જર્નલિસ્ટ બનવા શું કરવું?..

હું ટીવી જર્નલિસ્ટ બનવા ઇચ્છું છું. શરૂઆત કેવી રીતે કરું? આ ક્ષેત્રમાં જવા કોઇ કોર્સ કરવો જરૂરી છે? સારા કોર્સ કયા?

પહેલાં તમે જર્નલિસ્ટ બનો. લોકો મેનેજમેન્ટનું શિક્ષણ લેવા માગે છે અને એક સારી શિક્ષણ સંસ્થામાં એડમિશન લે છે, એવી જ રીતે જર્નલિસ્ટ બનવા માટે પણ જર્નલિસ્ટ કે મીડિયા ઈન્સ્ટિટયુટ્સ હોય છે. જો કે દરેક સફળ ટીવી, પ્રિન્ટ અને ઇન્ટરનેટ જર્નલિસ્ટ જર્નલિઝમ સ્કૂલમાં ભણ્યા હોય એ બિલકુલ જરૂરી નથી. અસંખ્ય સફળ પત્રકારો પોતાની ટેલેન્ટ, મહેનત, જ્ઞાન અને અનુભવને આધારે આગળ આવ્યા છે.

ભારતમાં પત્રકારત્વનો કોર્સ તો છેલ્લાં ચાળીસ વર્ષથી ચાલે છે, પણ ટીવી ચેનલો અને ઈન્ટરનેટ જેવા નવા મીડિયાના ઉદ્ભવ અને વિકાસ પછી આ કોર્સ પ્રકાશમાં આવ્યો છે.આ કોર્સ માટેનું સિલેકશન પ્રવેશપરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ લીધા પછી થાય છે. પ્રવેશપરીક્ષામાં સામાન્ય જ્ઞાનના વિષયને આધારિત પ્રશ્ન પુછાય છે.બ્રોડકાસ્ટ જર્નલિઝમનો કોર્સ કરાવતી કેટલીક ઉચ્ચ સંસ્થાઓ છે-

૧. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યૂનિકેશન, નવી દિલ્હી

૨. માસ કમ્યૂનિકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી

૩. સિમ્બાયોસિસ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યૂનિકેશન, પૂણે

૪. એશિયન કોલેજ ઓફ જર્નલિઝમ, ચેન્નાઇ

૫. સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન, મુંબઇ

૬. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જર્નલિઝમ એન્ડ ન્યૂ મિડિયા, બેંગ્લોર

૭. મણીપાલ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન, મણીપાલ, કર્ણાટક

મોટાભાગની ઇન્સ્ટિટયૂટ્સ વિધાર્થીઓને ઇન્ટર્નશિપ માટે અલગ અલગ મીડિયા હાઉસમાં મોકલે છે. જો કે એનડીટીવી, આજ તક અને સ્ટાર ન્યૂઝ જેવી કેટલીક મોટી ટીવી કંપનીઓ સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ પર લેતા નથી, પણ દૂરદર્શન, ઝી ન્યૂઝ, ઈ ટીવી અને અનેક નવી ચેનલો ઇન્ટર્નશિપ કરવાનો મોકો આપે છે.

કોર્સ કરતી વખતે એવી અપેક્ષા ન રાખવી કે એ તમને એકદમ સ્ક્રીન પર જવા માટે તૈયાર કરી દેશે. જર્નલિઝમ એક નોલેજ-બેઝ્ડ ક્ષેત્ર છે. એમાં સતત શીખતાં રહેવું પડે છે. જર્નલિઝમનો કોર્સ એક હથિયાર છે, જે આગળ જતાં તમારા વ્યવસાયમાં ઉપયોગી સાબિત થાય છે, પણ એને ધારદાર બનાવવાનું કામ તમારે જ કરવું પડે છે. અનુભવ વધારતા જાઓ અને અંગ્રેજીના પાંચ ડબલ્યૂ (વ્હાય, વ્હોટ, વ્હેન, વ્હેર અને હુ )ને ક્યારેય આંખથી ઓઝલ ન થવા દેતા. ટીવી એક દ્રશ્ય માઘ્યમ છે, એટલે આકર્ષક વ્યક્તિત્વ હોવું પણ એટલું જ જરૂરી છે.

No comments: