Monday, January 31, 2011

પરણવા પહેલાં જ ‘પરણનાર’નો પૂરો પરિચય મેળવવા શું કરવું?




આખી જ્ઞાતિમાં ઉહાપોહ થઈ ગયો. આજ સુધી આવો બનાવ કદી બન્યો નથી. એક વર્ષ સુધી વિવાહ ચાલુ રહે. દર રવિવારે બંને સાથે ફરવા જાય, સાથે ફિલ્મ જોવા જાય, અરે, કોલેજની પિકનીક વખતે ક્યાંક રાત રોકાવું પડે તો સાથે રોકાય અને હવે વિવાહનો ભંગ થાય તો કેમ ચાલે? એમાંય છોકરો ના પાડે એવા બનાવો તો આજ સુધી બન્યા હતા પણ આતો છોકરી સામેથી ના પાડી દે એ કેમ ચાલે? હવે એ છોકરીની શી દશા થશે? એની સાથે પરણવા કોણ તૈયાર થશે? એનો હાથ કોણ પકડશે?
નવાઈની વાત તો એ હતી કે છોકરીનો બાપ સામાન્ય મઘ્યમ વર્ગનો માણસ હતો, એ નહોતો ખૂબ માલદાર કે નહોતો સત્તાધીશ. છતાં એણે છોકરી પર જરા પણ દબાણ કર્યા સિવાય વિવાહ ફોક કરવાની એની ઈચ્છાને સમર્થન આપ્યું. આખી જ્ઞાતિમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને સૌ કોઈ એની ટીકા કરવા લાગ્યા, ‘છોકરીની જાત આટલો બધો પાવર કરે એ પોષાય નહીં એવી કેવી બાદી કે પહેલૅેથી એને ખબર ના પડી? આખું વરસ એની સાથે ફરીને હવે એને પડતો મુકે એટલે પેલા બિચારાને કેવું અપમાન લાગે?
આવી ચર્ચા ચોરેને ચૌટે થવા લાગી હતી પણ વાતનું રહસ્ય જાણતી હતી ફક્ત એ છોકરી, એના માતાપિતા અને વઘુમાં જાણતા હતા. વરપક્ષવાળા લોકો. વાત એમ બનેલી કે છોકરી એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી હતી ‘અને છોકરાવાળાએ પણ એવી જાહેરાત કરી હતી કે છોકરો મેડિકલમાં અભ્યાસ કરે છે. છોકરી હોેંશિયાર હતી. એટલે છોકરાને એના કોર્સ અંગે પૂછપરછ કરતી હતી. થોડા દિવસો તો છોકરાએ આડાં અવળાં ગપ્પાં માર્યા કર્યા પણ વર્ષના અંતે પરિણામ આવ્યુ ંત્યારે એ પકડાઈ ગયો. એ એમ.બી.બી.એસ. નો નહિ પણ એસ.સી.પી.એસ.નો અભ્યાસ કરતો હતો, છોકરાને એમ હતું કે થોડા સહવાસ થયા પછી છોકરી એને છોડી નહીં શકે. એની ઈચ્છા તો લગ્ન પૂર્વે જાતીય સંબંધ બાંધી એને પૂરેપૂરી કબજે કરી લેવાની હતી. આ બઘું થયા પછી પોતાનું જુઠાણુ પકડાઈ જશે તો પણ છોકરી વિરોધ નહિ કરે એવી એને ખાત્રી હતી. એથી તો એ રવિવારે છોકરીને મળતો ત્યારે એની સાથે અભ્યાસની વાતો કરવાના બદલે પ્રેમની વાતો કર્યા કરતો. એની ઈચ્છા પોતાનું જુઠાણું પકડાય એ પહેલાં એની વાગદત્તાને પૂરેપૂરી હિપ્નોટાઈઝ્ડ કરી દેવાની હતી. પણ છોકરી ભારે બુઘ્ધિશાળી અને હિંમતવાળી નીકળી, એણે વિવાહ ફોક કરી દીધો, એણે કહ્યું, ‘‘લગ્નના પાયામાં વિશ્વાસનું ચણતર ના હોય તો એ ઈમારત ટકી જ ના શકે, જે માણસ લગ્નપૂર્વે મને આ રીતે છેતરવા પ્રયાસ કરે એના વિશ્વાસે આખું જીવન સમર્પી કેવી રીતે શકાય?’’
આપણા સમાજના ઉપલા મઘ્યમ વર્ગમાં હવે છોકરા-છોકરીને લગ્ન પહેલાં મળવાની છૂટ આપવામાં આવે છે. એ છૂટનો અને સંવનનનો સર્વોત્તમ ગાળો છે, પરંતુ એ સમયના સહવાસ દરમિયાન જો તેમને એમ લાગે છે કે આ વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવ સાથે સુસંગત થાય એમ નથી તો જરાય શરમ કે સંકોચ રાખ્યા વિના વિવાહ ફોક કરવો એ ડહાપણભર્યું પગલું છે. લગ્ન કર્યા પછી આખી જિંદગી રીબાઈ રીબાઈને પસાર કરવી અથવા તો છૂટાછેડા લેવા માટેની લાંબી કાર્યવાહીમાંથી પસાર થવું. એના કરતાં લગ્ન પૂર્વે જ સ્પષ્ટ થઈ જવું વધારે સારું છે.
ઉપરના દાખલામાં વાગ્દત્તાએ જે હિંમત બતાવી છે એ ધન્યવાદને પાત્ર છે. આવી હિંમત બતાવનાર છોકરીની પ્રશંસા કરવાના બદલે આપણો સમાજ એની નિંદા કરે છે, એ પછાતપણાની નિશાની છે, આવા પગલાની કદર કરીને બીજા યોગ્ય મૂરતિયા સાથે એ કન્યાના લગ્ન થાય એવો પ્રયાસ કરવો જોઈએ.
સંવનનના ગાળામાં એકબીજાનો સાચો પરિચય મેળવવા પ્રયાસ કરવો જોઈએ, એવા પ્રયાસના પરિણામે એમ લાગે કે અમુક મર્યાદાઓ એવી છે કે જે કાળે કરીને ઘસાઈ કે ભુંસાઈ જશે તો એ બાબતની ચિંતા ના રાખવી. પણ કોઈ એવી મર્યાદા હોય કે જે કદી દૂર થઈ શકે એમ ના હોય તો એ માટે ગંભીરપણે ચર્ચા કરી લેવી. દા.ત. તમને સિગારેટની વાસ જરા પણ ગમતી નથી અને તમારો વિવાહ થયો એ છોકરાને સિગારેટ વિના ચાલતું નથી, એને તમે સમજાવી જુઓ અને એ જો સિગારેટ છોડવા તૈયાર થાય અથવા લાંબા ગાળે છોડી શકે એમ લાગે તો ચલાવી લેવું. પણ તમને એમ લાગે કે એનાથી સિગારેટ કદી છોડાશે નહિ અને તમારાથી એની વાસ કદી સહન થશે નહિ તો એવા છોકરા સાથે સંબંધ જોડવાનું જોખમ ના ખેડાય.
આ તો તરત સમજાઈ જાય એવી બાહ્ય મર્યાદાઓ છે, પણ ઘણીવાર સામી વ્યક્તિના સ્વભાવની અમુક મર્યાદા તમારા ઘ્યાનમાં જલદી ના પણ આવે. ઉદાહરણ તરીકે યુવક તમારી સાથે ખૂબ વિનયથી વિવેકથી અને સૌજન્યથી વર્તતો હોય, તમને એમ લાગે કે એ ખૂબ સંસ્કારી અને સજ્જન છે. પણ એ કદાચ દંભ કરતો હોય, કુશળ ખેલાડીની જેમ એ પોતાની જાળ બિછાવતો હોય, તો એવે વખતે એનોે દંભ પકડવા માટે તમારે ખુબ બુઘ્ધિપૂર્વક કામ લેવું જોઈએ. એના માટે એક દાખલો યાદ રાખવા જેવો છે.
ભોજરાજાના દરબારમાં એક વાર અજાણ્યો માણસ આવ્યો. એ એક પછી એક અનેક ભાષાઓ બોલતો હતો. ઘડીમાં ફારસી બોલે તો ઘડીમાં હિન્દીમાં, ઘડીમાં બંગાળીમાં બોેલે તો ઘડીમાં મરાઠીમાં, આ બધી ભાષાઓ પર એનો કાબુૂ એવો હતો કે કોઈ કહી ના શકે કે એની માતૃભાષા કઈ હશે. આ વિચિત્ર માણસે રાજાને કહ્યું કે મારી માતૃભાષા કઈ હશે એ શોધી આપો નહિતર મને ઈનામ આપો. રાજાએ પોતાના બધા પંડિતોને આ પડકાર ઉપાડી લેવા કહ્યું પણ કોઈનાથી એ માણસની માતૃભાષા શોધી શકાઈ નહિ. ત્યારે રાજાએ એના માનીતા કવિ કાલીદાસ સામે જોયું. કવિ કાલિદાસે કહ્યું, ‘‘મહારાજ એ ભાઈને મારી સાથે મોકલો... આવતી કાલે હું એની માતૃભાષા કહી દઈશ.’’ રાજાએ એ માણસને કાલિદાસ સાથે જવાનું કહ્યું પેલો માણસ કાલીદાસના ઘેર ગયો પણ એ જુદી જુદી ભાષામાં જ બોલ્યા કરતો. એમ કરતા રાત પડી અને એ ભાઈ ઉંઘી ગયા. એ બરાબર ઘસઘસાટ ઉંઘી ગયો. એટલે કાલીદાસે એના મોંઢા પર પાણી છાંટ્યું. પેલો માણસ એકદમ ‘ઓ બાપરે’ કહીને ઊભો થઈ ગયો. કાલીદાસ સમજી ગયા કે એની માતૃભાષા ગુજરાતી હતી.
માણસ એના કુદરતી સ્વરૂપમાં હોય ત્યારે એનો મૂળ સ્વભાવ પકડાઈ જાય છે, એટલે તમે જે યુવક સાથે ફરતાં હો એને એના સહજ સ્વરૂપમાં લાવવાની કોઈ યુક્તિ શોધી કાઢો. એના સહજ સ્વરૂપમાં એ કેવો છે એનોે તમને તરત ખ્યાલ આવી જશે. એનું મ્હોરું, ઉતારી કાઢ્યા પછી એને જોેશો તો જ તમે એને સાચા સ્વરૂપમાં ઓળખી શકશો.
તમારા જીવનસાથીને એના કુદરતી સ્વરૂપમાં લાવવાના ઘણા માર્ગો છે. તમે સાથે ફિલ્મ જોવા જાઓ ત્યારે એ ફિલ્મના વિવિધ માદક દ્રશ્યો જોતાં કેવો પ્રતિભાવ વ્યક્ત કરે છે એ ઝીણવટથી જુઓ. એના પ્રતિભાવો પરથી તમને એના સાચા સ્વરૂપનો ખ્યાલ આવી જશે. અલબત્ત, આવો ખ્યાલ આવે ત્યારે એકદમ વઘુ પડતા ચોખલિયા કે વેદિયા પણ બની જવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે તમે સાથે ફિલ્મ જોવા ગયાં હો અને પડદા પર પ્રણયનું એક ઉત્તેજક દ્રશ્ય ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક રીતે જ એ તમારા ખભે હાથ મુકે કે તમારી કેડ પર હાથ મુકે. આ કુદરતી વૃત્તિ છે અને તમે પોતે પણ કબૂલ કરશો કે તમને પણ એની એવી ચેષ્ટા ગમશે. તમે પોતે પણ એના ખભે માથું ઢાળી દેવાનો સુખદ અનુભવ કરવાનું નહિ ચૂકો. આવા અનુભવો પરથી સામી વ્યક્તિમાં સંયમનો અભાવ છે અથવા એની નૈતિકતા ઓછી છે કે માતાપિતાએ એને સંસ્કાર જ આપ્યા નથી, એમ માનવાને કારણ નથી. પણ આવા દ્રશ્યોે વખતે એ કેવા ચેનચાળા કરે છે અથવા કેવા પ્રકારના બબડાટ કરે છે. એના પરથી એનું માપ કાઢી શકાય. સ્ત્રી-પુરુષના દૈહિક સંબંધ એ કુદરતી બાબત છે પણ એનું જાહેર પ્રદર્શન થાય એ બિભત્સ લાગે, જો તમારા મિત્રમાં આવી સમજ હોય તો એ સંસ્કારી છે એમ માનવામાં હરકત નથી.
એની કસોટી કરવા માટેનો બીજો પ્રસંગ છે. હોટેલમાં નાસ્તો કરવા જવા અંગેનો. રેસ્ટોરાંમાં તમે સાથે નાસ્તો કરવા ગયાં હો ત્યારે શું ખાવાનું પસંદ કરે છે, કેટલું ખાય છે, કેવી રીતે ખાય છે, એકદમ ખાવાનું શરૂ કરી દે છે કે તમને આગ્રહ કર્યાં પછી શરૂ કરે છે વગેરે ‘ટેબલ એટી કેટ’ પરથી પણ તમને એની સંસ્કારિતાની ખાત્રી થશે.
આવા પ્રસંગે તમે એની કસોટી કરતાં હશો એમ એ તમારી પણ કસોટી કરતો હોય એમ બને. એથી સારો માર્ગ એ છે કે તમે જેવાં હો એવા દેખાવાનો પ્રયત્ન કરો. અને એને પણ એના સાચા સ્વરૂપમાં જોઈ લો. સંવનનકાળમાં એકબીજાને બરાબર ઓળખી લેવા ખૂબ આવશ્યક છે કારણ કે લગ્ન પછી તો બંનેએ પોતે જેવા હોય એ રીતે વર્તવાનું છે, માણસ ચોવીસે કલાક મ્હોેરું પહેરીને ફરતો નથી. એ દંભ કે દેખાવ પણ લાંબા સમય સુધી કરી શકતો નથી. એથી સંવનન કાળમાં જો સ્પષ્ટતા ના કરી હોય તો પછીના આખા જીવન દરમિયાન પસ્તાવો કરવાનો રહે છે.
અને એના કુદરતી સ્વરૂપમાં જોવા માટે ત્રીજા સંજોગો છે પ્રવાસ પર્યટનના. તમે એની સાથે પ્રવાસે ગયાં હોે ત્યારે એ કેટલો સમય દંભ કરી શકશે? પૈસા વાપરતાં એનો જીવ ચાલે છે કે નહિ? બહારના લોકો સાથે એ કેવી રીતે વર્તે છે? એને લોજમાં ઉતરવું ગમે છે કે ધર્મશાળામાં? વગેરે બાબતો પરથી એના સ્વભાવનો તમને ખ્યાલ આવી જશે.
એનો એ સ્વભાવ તમારા સ્વભાવ સાથે સુસંગત થશે કે નહિ એનો તમને ખ્યાલ આવી જવો જોઈએ અને ખ્યાલ આવી ગયા પછી તમારી ઈચ્છા ના પાડવાની હોય તો ખૂબ હિંમતપૂર્વક ના પાડી દેવી જોઈએ એસમયે શરમમાં રહી, સંકોચ રાખી જો ના પાડશો નહિ તો આખી જિંદગી સુધી પસ્તાવાનું રહેશે. લગ્ન એ આખી એક જિંદગીનો પ્રશ્ન છે. પરણ્યા પછી એમાં બહુ ઝડપથી ફેરફાર થઈ શકતો નથી, એટલે તમને જો ડેટિંગનો સમય મળ્યો જ હોય તો એના લાભ ઉઠાવી પછી ના આખા જીવન માટેની તૈયારી કરી રાખજો. એ કાળ હવાઈ કલ્પનાઓ કરવા માટે કે ફિલ્મી પ્રેમ કરવા માટે વ્યર્થ વેડફી દેવાનો નથી. આઈ બાત સમજમેં!

No comments: