ચીન ચારે બાજુથી નહીં પણ બધી બાજુથી આપણને ઘેરીને ભીંસ વધારી રહ્યું છે
અરૂણાચલ અને લડાખ ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ૧૬૦૦ કી.મી. જમીન ઉપર દાવો કરી રહ્યું છે અને બ્રહ્મપુત્રા નદી ઉપર ૨૪ યોજનાઓ બાંધી રહ્યું છે
પાકિ-ચીની ભાઈ-ભાઈ ! હિન્દી-ચીની બાઈ-બાઈ !
ભાજપે સી.બી.આઈ અને જે.પી.સી.ના ગાફા ચુંથવાનું છોડીને ચીનની ધુસણખોરી સામે લડવા કોંગ્રેસને
જગાડીને એની પડખે ઉભવું જોઈએ
એ ‘‘ચીની હિન્દી બાઈ બાઈ’’ની વૃત્તિ રાખે છતાં આપણે જાણે કંગાળ, અશક્ત, અસહાય, ગરીબડા હોઈએ એમ ‘‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’’ના રાસડા લીધા રાખીએ છીએ. (‘‘આપણે’’ એટલે આપણી સરકારો બાકી જનતા અને અખબારો તો ચીનની દાનતને સમજી ગયા છે.
આપણી સરકારે ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે ચીન સાથે સરહદી શાંતિ અંગેના કરાર કરેલા. એ પછી ૧૯૯૬ લશ્કરી સંયુક્ત કવાયત અંગેના કરાર કરેલા.
એ પહેલાં મેહરના વખતથી પણ જુદા જુદા કરારો કરાતા રહ્યા હતા. ૧૯૯૩ના કરાર પછી આપણે દોઢડાહ્યા થઈને સરહદ ઉપરથી આપણા લશ્કરને પાછું ખેંચી લીઘું હતું. (આપણી ડરપોક બ્યુરોકસીની સલાહનું એ કામ છે અને આપણા મોટા ભાગના પ્રધાનો બ્યુરોકસીની સલાહ વિના એક ડગલું પણ આગળ કે પાછળ જઈ શકે તેવા નથી હોતા. આ બ્યુરોકસી હંમેશા ડરપોક રહી છે.)
ચીનની અવળચંડાઈ અને સામ્યવાદના વિસ્તારવાદનો આપણને ખરાબ અનુભવ થઈ ગયેલો હોવા છતાં આપણી અમલદારશાહીનો સલાહ અનુસાર આપણે સરહદો ઉપરથી લશ્કર ખસેડ્યું... એ આપણી મોટી ભૂલ હતી.
સરહદી શાંતિ કરાર પ્રમાણે ચીને પણ લશ્કર ખસેડવું જોઈએ પણ એણે ‘‘તિબેટ’’નું બહાનું બતાવીને લશ્કર નહીં ખસેડેલું.
આમ તો, ચીનની આપણા દેશમાં ધુસણખોરી ૧૯૫૦થી શરૂ થએલી પણ એ છમકલા જેવી ધુસણખોરી હતી. ૧૯૯૩ના કરાર ચીને આપણી પાસે કરાવ્યા પછી અને આપણું લશ્કર એ કરાર પ્રમાણે સરહદ પરથી ખસેડાયા પછી ચીને અરૂણાચલ પ્રદેશ અને લેહલડાખમાં ધુસણખોરી મોટા પાયે શરૂ કરી. (આને ‘‘ધુસણખોરી’’ ન કહેવાય પણ ચોખ્ખી ભાષામાં ‘‘આક્રમણ’’ જ કહેવાય. આપણી ડરપોક બ્યુરોકસી આ બાબતમાં પણ હળવાશ રાખવાની સલાહ આપતી હોય છે. આ ચીનની ધુસણખોરીના સમાચારો પણ બ્યુરોકસી છૂપાવીને દેશદ્રોહનું કામ કરતી હોય છે પરંતુ આપણા અખબારો ભંડો ફોડીને ચીનની ધુસણખોરીની વાત એ વખતે પણ શરૂમાં તો અને સરકાર નકારતી હોય છે પણ બીજા અખબારો પાછળ પડતા સરકારને ચીનની ‘‘ધુસણખોરી’’ કબુલવી પડે છે પરંતુ એમાંય આપણી સરકાર હળવાશનું વલણ રાખીને વાતને (ધુસણખોરીને) ગંભીર સ્વરૂપ નથી આપતી.
પરિણામે ચીન આપણને બધી બાજુથી ઘેરી લેવા આગળ વધે છે.
ચીનની આડોડાઈના છેલ્લા મહિનામાં અખબારોમાં આવ્યા છે પણ સરકારે છૂપાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં એક સમાચાર બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન દ્વારા બંધાતી યોજનાઓના છે.
બ્રહ્મપુત્રા નદી આપણી સરહદમાંથી પસાર થાય છે એમ ચીનની સરહદમાંથી પણ પસાર થાય છે અને બ્રહ્મદેશ એટલે મ્યામારમાંથી પણ પસાર થાય છે. આ રીતે જે નદી એક કરતાં વઘુ દેશોમાંથી પસાર થતી હોય એની ઉપર કોઈ પણ દેશ પોતાના હક્કથી એક પણ યોજના કરી શકે નહીં એવો આંતરરાષ્ટ્રીય નિયમ છે. (જેમ નદી વિષે એક જ દેશના જુદાજુદા રાજ્યોનો છે. દા.ત. નર્મદા નદી મઘ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પસાર થાય છે.
હવે એની ઉપર આપણે બંધ બાંધવો હતો તો એ ત્રણેય રાજ્યોની આપણે મંજુરી લઈને એ ત્રણે રાજ્યોને યોગ્ય વળતર આપણે ગુજરાતે આપવું પડ્યું છે.)
ચીને એવા કોઈ નિયમની ઐસીતૈસી કરીને બ્રહ્મપુત્રા નદી ઉપર હાઈડ્રો પાવર ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવાની ૨૪ ઠેકાણે યોજના કરી છે. એ પણ ચીનના વડાપ્રધાન વેન જિમ્બાવો ડિસેમ્બરમાં આપણા આંગણે આવેલા એ દરમ્યાન જ આ ૨૪ યોજનાઓ જાહેર કરેલી. (ચીનની ગુસ્તાખી જુઓ!)
ગયા વર્ષે આપણા નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને બ્રહ્મપુત્રા નદીની ચીનની સરહદમાં લગભગ ૬ જેટલી આવી યોજનાઓ પકડી પાડેલી. એ વખતે આપણી સરકારે એનો સખત વિરોધ પણ કરેલો. (બસ, પતી ગયું ! આપણા વિરોધને ગણકારે છે કોણ?) બ્રહ્મપુત્રા નદી ઉપર ચીન ઝાન્ગમુ નામની એક યોજના કરે છે એ ઘણી મોટી યોજના છે બાકી જે ૨૪ યોજનાઓ કરે છે એ એના પ્રમાણમાં નાની યોજનાઓ છે.
આપણી સરકાર એટલે આપણી બ્યુરોક્સી એવું સમજાવે છે (એ પણ ચીને આપેલા ખુલાસાના આધારે) કે આ યોજનાઓ એવી નાની છે કે આપણને નડતરરૂપ થાય તેમ નથી! (અરે, નડતરરૂપ થાય તેમ હોય કે ન હોય પણ કોઈ નિયમનો ભંગ કેમ થઈ શકે? અને આજે યોજના નાની છે એ કાલે મોટી કરે ત્યારે આપણે ક્યાં આડા આવવાના હતા? આ નાની યોજના માટે પણ ચીને આપણને પૂછવાની દરકાર ન કરી તો ત્યારે શું એ આપણને પૂછવા બેસશે?)
ચીન આ ૨૪ યોજનાઓ માટે બ્રહ્મપુત્રા નદીનું પાણી પોતાની તરફ વાળશે એની ચર્ચા આપણી સરકારના એક સેક્રેટરી કે.એમ. ચન્દ્રશેખરે કરેલી તો એવો નીવેડો આપેલો કે ચીનની એ પ્રવૃત્તિની સતત ચોકી રાખવી (એનો શું અર્થ ? આપણા કાશ્મીરમાં આપણી સરહદમાં પણ ચીને પચાવી પાડેલા કાશ્મીરના ભાગની નજદીક આપણી સરકાર ફક્ત સડક બાંધવાનું અટકાવી દીધેલું.
હજી છ મહિના પહેલાંનો જ આ બનાવ છે. કાં તો આપણી બ્યુરોક્સી ડરપોક છે એ ચોક્કસ અને એ પાછી ચીનની ફોડેલી હોય એવી શંકા પણ જાય!)
ખરેખર તો, આપણે ચીનની આ બધી યોજનાઓ બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે એ બંધ જ કરાવવી જોઈએ.
બ્રહ્મપુત્રા નદી વિષે જે કરાર થએલા છે એમાં આવી કોઈ વાત જ નથી.
ચીન જે મોટામાં મોટો હાઈડ્રો પ્રોજેક્ટ બ્રહ્મપુત્રા નદી પર બાંધે છે એ ૫૧૦ મેગાવોટનો ઝાન્ગમુનો છે જે બ્રહ્મપુત્રા નદી ચીનની સરહદમાંથી ભારતની (આપણી) સરહદમાં પ્રવેશે છે ત્યાંથી ૫૪૦ કિ.મી. ઉપરના ભાગે છે. એ યોજનામાં વિજળી ઉત્પાદન કરતા ૬ જનરેટર બાંધવાના છે.
આપણે રસ્તા આપણી સરહદમાં બાંધીએ એનો વિરોધ ચીન કરે એટલે આપણે કામકાજ અટકાવી દઈએ અને રસ્તા ન બાંધીએ તો આપણે ચીનને પણ એમ કેમ અટકાવીએ નહીં ?
અરે, ગયા વર્ષે ઓક્ટોબરમાં જમ્મુ કાશ્મીર સરકારે બસના ઉતારુઓ માટે સરહદ નજીક છાપરૂં બાંધવાનું શરૂ કરેલું એનો વિરોધ કરવા ચીની સૈનિકો આપણી હદમાં ધુસી આવેલા અને આપણે કામકાજ અટકાવી દેવું પડેલું !
એ પહેલાં ૨૦૦૯માં નવેમ્બરમાં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ નીચે આપણી સરકાર લેહથી ૨૦૦ કી.મી. દૂર દેમચોક નજદીક રસ્તો બાંધતી હતી એનો પણ ચીને વિરોધ કરેલો અને આપણે એ ગ્રામિણ રોજગારી યોજનાનું કામકાજ અટકાવી દેવું પડ્યું છે.
આમાં ચીનની દાદાગીરી તો છે જ પણ એ સાથે આપણી સરકારની (એટલે અમલદારશાહીની) નબળાઈ અને ડરપોકપણું પણ છે. કેન્દ્ર સરકારના ગૃહખાતાએ અને સંરક્ષણ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના ચીફ સેક્રેટરીને જણાવ્યું છે કે લેહલડાખમાં કોઈ પણ નવું બાંધકામ એમને જાણ કર્યા વિના ન કરવું.
લેહના ડેપ્યુટી કમિશ્નર ટી. અંગચુક કહે છે કે, ‘‘અમે સરહદનું ઘ્યાન રાખતા લશ્કરના વિભાગને આની જાણ કરેલી અને એણે અમને મનાઈ કરી.’’
બસના ઉતારૂઓ માટેનું છાપરૂં કેન્દ્ર સરકારના બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ નીચે આપણી સરહદથી ૧૦ કી.મી. અંદર રૂપિયા ૧ લાખ ૮૦ હજારના ખર્ચે બાંધવામાં આવતું હતું તોય ચીને એનો વિરોધ કરેલો અને આપણે એ વિરોધને તાબે થઈ ગયેલા!
આપણી અમલદારશાહી ઉલટાની ચીનનો બચાવ કરતા કહે છે કે... આપણા આવા કૃત્યોના કારણે ચીનનું લશ્કર ઉશ્કેરાય છે અને એટલે એ આપણી સરહદમાં ધુસી આવે છે. (!)
આપણી સરકારે સરહદ ઉપર વિકાસના કાર્યો શરૂ કર્યા પછી ચીનની દાદાગીરી વધી ગઈ છે... એવું આપણી અમલદારશાહી કહીને ચીનનો બચાવ કરે છે અને આપણો વાંક કાઢે છે!
જ્યારે ચીન આપણી સરહદને અડકીને રસ્તો બાંધે, રેલવે બાંધે, સૈનિકોની જમાવટ કરે... એની સામે આપણી અમલદારશાહી વિરોધ કરવાના બદલે એનો બચાવ કરવા ઉપરાંત એને છૂપાવવાનો પ્રયત્ન કરે છે. દા.ત. ચીને ગીલગીટ-બાલ્ટીસ્તાનમાં પોતાના ૧૧,૦૦૦ સૈનિકો (લશ્કર)ની જમાવટ કરી છે એ સમાચાર ગયા ઓગસ્ટ મહિનામાં ન્યુયોર્ક ટાઈમ્સે આપ્યા હતા!
ગુણવંત છો. શાહ
હોય નહીં?
હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ જોઈએ!
બંગાળની સરકારે કેન્દ્ર સરકાર પાસે હાથીઓમાં કુટુંબ નિયોજન કરવા હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીઓની માંગણી કરી છે.
એનું કારણ એ છે કે હમણાં બંગાળ સરકારે મોજણી કરાવી તો હાથીઓની સંખ્યા બંગાળમાં ૫૦૦ થઈ ગઈ હતી જે પાંચ વર્ષ પહેલાં ફક્ત ૧૫૦ જ હતી!
હવે હાથીઓની સંખ્યા વધે નહીં એ માટેનો ઉપાય બંગાળને ન સુઝતા તાત્કાલિક ઉપાય તરીકે હાથીઓમાં કુટુંબનિયોજન કરવા હાથીઓ માટે ગર્ભનિરોધક ગોળીની કેન્દ્ર સરકાર પાસે બંગાળ સરકારે માંગણી કરી છે!
હાથીઓ અંગેના નિષ્ણાંત દ્યુતિમન લાહિરી ચૌધરીનું સૂચન એવું છે કે.... આ કરતાં હાથીઓની નિકાસ ઉપર જે પ્રતિબંધ છે એ દૂર કરવો જોઈએ જેથી હાથીની બીજે જ્યાં જરૂર છે ત્યાં હાથી મોકલી શકાય.
એ કરતાં હાથીઓને તાલીમ આપીને ભારે વજનવાળો માલસામાન લઈ જવા લાવવાના કામમાં લેવા જોઈએ.
આબુ ઉપરના જૈનોના દેલવાડાના દેરાસરમાં જે આરસ છે એ એ રીતે જ હાથીઓ દ્વારા જ આબુ ઉપર લઈ જવાયો હતો.
બાકી હાથીઓની સંખ્યા આ રીતે ઘટાડવાનો કંઈ અર્થ નથી.
બાકી જો પશુઓ માટેની ગર્ભનિરોધક ગોળી હોય તો એ કૂતરાઓને પહેલાં આપવાની જરૂર છે.
No comments:
Post a Comment