Monday, April 19, 2010

ગુડ ફ્રાઇડે-ઈશ્વરી શક્તિનો દિવસ...

VIRAL MORBIA

લોરેન્સે તરત જ આશ્રમના વડીલ ધર્મગુરુને કહ્યું, પૂજ્ય ગુરુજી, મારા માટેની નાની ઓરડીમાં ક્રોસ હોય તો મારે માટે એ પૂરતું છે. ક્રોસ મારી સામે હોય તો કોઇ પણ પ્રકારનો ત્યાગ વેઠવા અને સંયમભર્યું જીવન ગાળવા માટે મને શક્તિ મળશે.



good fridayગુડ ફ્રાઇડેના દિવસે ઈસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઈસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે : ઈસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઈશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઈસુ એ ક્રોસને ભેટ્યા છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઈસુનો પ્રેમ સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખ્રિસ્તી લોકો માને છે કે ઈસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી. એટલે ક્રોસ ખરેખર માણસના જીવન અને મુક્તિનું નિશાન છે.



ઈસુના એક શિષ્ય પાઉલ કરિંથાના પહેલા પત્રમાં લખે છે તેમ, ક્રોસ ‘ઈશ્વરી શક્તિ સ્વરૂપ’ છે. ઇટલીના સંત લોરેન્સ બ્રિનડીસીની જેમ ખ્રિસ્તીઓ ક્રોસને શક્તિનો સ્ત્રોત અને દુ:ખમાં આશરો ગણે છે. લોરેન્સ બ્રિનડીસીનો જન્મ એક ધનિક કુટુંબમાં થયો હતો. તેઓ યુવાનીમાં એક ખ્રિસ્તી સંન્યાસી બનવાની ઇરછાથી કપ્પુચિન સંન્યસ્થા સંઘના એક આશ્રમમાં પહોંચ્યા.



આશ્રમના વડીલ ધર્મગુરુએ આશ્રમના ત્યાગભર્યા અને ખૂબ સંયમભર્યા જીવન વિશે સમજાવીને લોરેન્સને કહ્યું કે ‘દીકરા, આશ્રમજીવન તારા જેવા સુખમાં ઉછરેલા યુવાનો માટે નથી. તમારા જેવા યુવાનોને આ આશ્રમનું જીવન માફક ન આવે.’ આશ્રમના વડીલની વાત ઘ્યાનથી સાંભળીને લોરેન્સે એમને પૂછ્યું, ‘પૂજ્ય વડીલ, આપ આશ્રમમાં મને આપી શકો એવી કોઇ નાની ઓરડીમાં ક્રોસ છે?’



વડીલ ધર્મગુરુએ કહ્યું કે, એકેએક નાની ઓરડીની દીવાલ પર ક્રોસ લટકેલો હોય છે.



લોરેન્સે તરત જ આશ્રમના વડીલ ધર્મગુરુને કહ્યું, પૂજ્ય ગુરુજી, મારા માટેની નાની ઓરડીમાં ક્રોસ હોય તો મારે માટે એ પૂરતું છે. ક્રોસ મારી સામે હોય તો કોઇ પણ પ્રકારનો ત્યાગ વેઠવા અને સંયમભર્યું જીવન ગાળવા માટે મને શક્તિ મળશે.



લોરેન્સ બ્રિનડીસીનું જીવન (૧૫૫૯-૧૬૧૯) લખનાર જણાવે છે કે તેઓ દેશ-પરદેશમાં ઈસુના ક્રોસ અને સંદેશની ઘોષણા કરનાર એક પંડિત સંત બની ગયા.



અનુયાયીઓ માટે ‘પોતાના ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઇશે.’



એવો ઈસુનો સંદેશ પોતાના જીવનના કંટકછાયા પંથમાં પૂરેપૂરો અમલમાં મૂકનારા પાઉલ ઉપરોક્ત પત્રમાં લખે છે, ‘યહૂદીઓ પરચારૂપી પુરાવા જોવા માગે છે, અને ગ્રીકો જ્ઞાનની શોધમાં હોય છે, પણ અમે ખ્રિસ્તીની ઘોષણા કરીએ છીએ, અને તે પણ ક્રોસે જડાયેલા ખ્રિસ્તની.’



ઈસુના ક્રોસ અને ક્રોસના સંદેશ વિશે ઘણા ગુજરાતી કવિઓએ કાવ્યો લખ્યાં છે. કવિ યોસેફ મેકવાને ‘ક્રોસ અને કવિ’ નામે ક્રોસ વિશે જાણીતા કવિઓની રચનાઓનો એક સમીક્ષા ગ્રંથ બહાર પાડ્યો છે. પ્રવીણ જોષી એક કાવ્યમાં સાચું જ કહે છે,



‘મેરીના ગર્ભથી વધસ્થંભના
ખીલાઓ સુધી જીવાડેલ ઈસુ -
આજે ક્રોસ પરથી ઊતરી
આપણી પ્રાર્થનામાં જોડાઇ ગયો.’



ગુડ ફ્રાઇડે ખરેખર ઈશ્વરી શક્તિનો દિવસ છે. ક્રોસ ઈશ્વરી પ્રેમ ને વિજયનું પ્રતીક છે.

No comments: