વિયેટનામના રાષ્ટ્રનાયક હો ચી મિન્હએ તેમના એક સંસ્મરણમાં લખ્યું છે કે, હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે શાળાની પરીક્ષામાં નાપાસ થયો હતો. ખરાબ પરિણામથી હું નાસીપાસ થઈ ગયો હતો. જીવન અર્થહીન અને દુનિયા રસ વગરની લાગવા લાગી. આ માનસિક અશાંતિ અને નિરાશાના કારણે હું આત્મહત્યાનો વિચાર કરવા લાગ્યો. મારા પરિવારના તમામ સભ્યો પણ મારી નિરાશાથી ઘણા દુ:ખી હતા. માતા- પિતાએ મને ઘણો સમજાવ્યો, કુળના પુરોહિતે અનેક વખત મંત્રોથી સાધેલાં ફળ ખવડાવ્યાં પરંતુ એક પણ પ્રયાસ સફળ ના રહ્યો. આવામાં જ એક દિવસ હું ઘરેથી ભાગી નીકળ્યો.
બૌદ્ધ મઠ પાસેથી પસાર થઈ રહ્યો હતો તો ભિક્ષુ દ્વારા ગવાતી કવિતાના મધુર શબ્દો સાંભળીને મારા પગ રોકાઈ ગયા. ભિક્ષુ ગાઈ રહ્યો હતો કે પાણી મેલું શા માટે નથી હોતું? કેમ કે તે વહેતું રહે છે. પાણીના માર્ગમાં વિઘ્નો કેમ નથી આવતાં? કેમ કે તે વહેતું રહે છે. પાણીનું એક ટીપું ઝરણાથી ન્ નદીથી સમુદ્ર શા માટે બની જાય છે? કેમ કે તે વહેતું રહે છે. આથી હે મારા જીવન, તું રોકાય નહીં, વહેતું રહે, વહેતું રહે. ઘણા સમય સુધી હું અવાચક ઊભો રહ્યો. જ્યારે પાછો ફર્યો તો વહેતું પાણી હતો. આજે પણ વહેતું પાણી છું. હું દરેક જગ્યાએ જાઉં છું અને મારી ગતિ, જે કંઇ મારામાં બચ્યું છે, બધાને આપું છું, કેમ કે હું વહેતું પાણી છું. ગતિમાન છું. કથાનો સાર એ છે કે જીવનમાં કોઈ સમયે મળેલી નિષ્ફળતાથી નિરાશ થઈને નકારાત્મક વિચારોને તમારા પર હાવિ ના થવા દો. પરંતુ તેમાંથી પાઠ ભણીને બીજા કરતાં વધુ સારા લક્ષ્ય તરફ આગળ વધો, કેમકે ગતિ જ જીવન છે અને અટકી જવું મૃત્યુ.
No comments:
Post a Comment