Sunday, September 26, 2010

ગુરુ રૂપી ઊર્જા સર્વ સંકટમાંથી ઉગારે છે..

જેમણે જીવનમાં દુ:ખ જોયું નથી, જે લોકો મુશ્કેલીઓમાંથી પસાર થયા નથી, જેમને દરેક વસ્તુ સરળતાથી મળી ગઈ છે તે જીવનને ઊંડાણપૂર્વક સમજી શકતા નથી. આવા લોકો થોડી મુશ્કેલી પડતાં જ બીજા પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે અને પોતે નિરાશામાં ઘેરાઈ જાય છે.



આચાર્ય શ્રીરામ શર્માએ જણાવ્યું છે કે, આપત્તિ, વપિત્તિ એક પ્રકારે આપણા પુરુષાર્થનો ઇશ્વરીય પડકાર છે. આ વાત અત્યંત સુંદર છે. વ્યક્તિ તેનો જેટલો સ્વીકાર કરશે તેટલો જ પ્રભુનો પ્રિયપાત્ર બનતો જાય છે. કષ્ટ એક અભ્યાસ છે. મુશ્કેલી એક પ્રકારનો પુરુષાર્થ છે. વપિરીત પરિસ્થિતિઓમાં વિકાસનો માર્ગ છે.



જે તેમાંથી પસાર થાય છે તે પોતાની મનોભૂમિ અને અંતરાત્મામાં વધુ સુદ્રઢ થઈ જાય છે. તેમના માટે દરેક મુશ્કેલી એક નવા સાહસની જન્મદાતા હોય છે. જીવનમાં જ્યારે પણ આવી સ્થિતિ પેદા થાય ત્યારે ગુરુને યાદ કરી લેવા જોઈએ. એ પણ યાદ રાખવા જેવું છે કે જીવનમાં ગુરુનો પ્રવેશ શ્રદ્ધા વગર નથી થતો. શ્રદ્ધા શક્તિનું બીજું નામ છે.



આ દુનિયામાં આપણે માતા-પિતા, ભાઈ-બહેન, સગાં-સંબંધી વગેરે સાથે શરીરથી જોડાયેલા હોઈએ છીએ. ગુરુ સાથે આત્માનો સંબંધ હોય છે અને અહીંથી જ પરમાત્મા મળે છે. જેની પાસે પરમાત્માની સંભાવના હોય તે કોઈ પણ મુશ્કેલીમાં નબળો પડતો નથી.



આથી દુનિયામાં જ્યારે પણ મુશ્કેલીમાં પડો ત્યારે તમારા જ્ઞાન, તમારી શારીરિક શક્તિ, વ્યવહારિક બુદ્ધિનો અવશ્ય ઉપયોગ કરો. આમ કરતા સમયે શ્રદ્ધા જાળવી રાખવી અને ગુરુ સાથે જોડાયેલા રહેવું. ગુરુ સાથેનું આ જોડાણ એક ઊર્જાના સ્વરૂપમાં તમને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢશે.


No comments: